એમ.જે. લાઇબ્રેરી એ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં એક “લિવિંગ હેરિટેજ” માનવામાં આવે છે. અમદાવાદના શ્રેષ્ઠી રસિકલાલ માણેકલાલ તરફથી રૂ. ૫૫૦૦૦ની સખાવત સાથે એમનાં પિતાની સ્મૃતિમાં “માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય” અસ્તિત્વમાં આવ્યું.
મહાત્મા ગાંધીની હસ્તે ખાતમુહુર્ત થયા બાદ પાંચેક વર્ષમાં જયપુરી સ્થાપત્ય ધરાવતું ભવન તૈયાર થતાં ૧૫મી એપ્રિલ ૧૯૩૮ના રોજ આ પુસ્તકાલય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના શુભહસ્તે ખુલ્લું મુકાયું હતું . અનેકવિધ માહિતી માધ્યમોના પડકારો વચ્ચે ગ્રંથાલય સેવાને સતત અગ્રેસર અને જીવંત રાખવા છેલ્લા દાયકાઓ દરમિયાન આ ગ્રંથાલયનું સેવાઓનું ફલક વિસ્તરતું રહ્યું છે. એના માત્ર વયસ્કો જ નહીં આ સાથે સૌ નાના ભૂલકાંઓ, કિશોરો, મહિલાઓ, સીનિયર સિટીઝન, પ્રજ્ઞાચક્ષુઓ વગેરેને પણ આવરી લેવામાં આવ્યા છે. ફરતા પુસ્તકાલયો સાથે એમ.જેની સેવાઓ ઘરે ઊંબરા સુધી વિસ્તારવામાં આવી છે. વૈવિધ્યસભર વિસ્તરણ સેવાઓ અને વિશેષ કરીને “સાહિત્ય વર્તુળ” સાહિત્ય ચોરાની સાહિત્યિક પ્રવૃતિએ મૂક સાહિત્યને જીવંત બનાવી માત્ર અમદાવાદની સાથે સમગ્ર ગુજરાતને ગૂંજતું કર્યું છે.નગરજનો માટે આ પુસ્તકાલય ગૌરવ બની રહયું છે.
ગ્રંથાલયનો 3,81,079 જેટલાં પુસ્તકોનો સંગ્રહ છે. જેમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બંગાળી, મરાઠી, સિંધી, સંસ્કૃત, ઉર્દૂ અને ફ્રેન્ચ ભાષાઓનો પણ સમાવેશ થાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
