વિશ્વની ટોપ 10 શ્રેષ્ઠ શાળાઓ!

શાળા એ એવું પવિત્ર સ્થળ છે, જ્યાં બાળકનું ઘડતર થાય છે. સાથે જ એનું ભવિષ્ય નિર્માણ પામે છે. ઘણા વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં શિક્ષણ મેળવીને ઉચ્ચ અધિકારી કે પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર પહોંચ્યા છે. જે શિક્ષણની શક્તિ દર્શાવે છે. બીજી તરફ, વિશ્વમાં એવી શાળાઓ પણ છે, જેની ઊંચી ફી સામાન્ય પરિવારોની પહોંચ બહાર હોય છે, પરંતુ એ અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વાંગી વિકાસની અનન્ય તકો પૂરી પાડે છે. શાળાઓનું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે, ચાલો જાણીએ વિશ્વની ટોચની 10 શાળાઓ વિશે, જે શિક્ષણના ક્ષેત્રે ઉત્કૃષ્ટ સ્થાન ધરાવે છે અને  યુવાનોનું ભવિષ્ય ઘડે છે.

સિટી મોન્ટેસરી સ્કૂલ (CMS), લખનૌ, ભારત

સિટી મોન્ટેસરી સ્કૂલ (CMS) લખનૌ, ઉત્તર પ્રદેશમાં આવેલી આ શાળા વિશ્વની સૌથી મોટી શાળા તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. 1959માં ડૉ. જગદીશ ગાંધી અને ડૉ. ભારતી ગાંધી દ્વારા સ્થપાયેલી એક અગ્રણી શૈક્ષણિક સંસ્થા છે. જેમાં 55,000થી વધુ વિદ્યાર્થીઓ અને 4,500થી વધુ શિક્ષકો છે.  21 કેમ્પસમાં વિસ્તરેલી આ શાળા ICSE અને ISC બોર્ડને અનુસરે છે. ખાસ કરીને શૈક્ષણિક ગુણવત્તા સાથે શાંતિ શિક્ષણ પર વિશેષ ભાર મૂકે છે, જેના માટે શાળાને 2002માં યુનેસ્કો દ્વારા ‘પીસ એજ્યુકેશન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી. ફીની વાત કરીએ તો અંદાજીત રૂપિયા 30,000 થી રૂપિયા 1 લાખ પ્રતિ વર્ષ છે, જે ધોરણ અને કેમ્પસ પ્રમાણે બદલાય છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને આર્થિક સહાય પણ પૂરી પાડે છે. શાળાના જાણીતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં અભિનેતા સૈફ અલી ખાન, રાજનીતિજ્ઞ અખિલેશ યાદવ અને ઘણા IAS અધિકારીઓનો સમાવેશ થાય છે.

લે રોઝી, ગ્લેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ

લે રોઝી, ગ્લેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડમાં 1880માં સ્થપાયેલી, વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત બોર્ડિંગ શાળાઓમાંની એક છે. જે ગ્લેન્ડ (શિયાળામાં) અને રોલ (ઉનાળામાં)ના બે આલીશાન કેમ્પસમાં કુલ 28 હેક્ટર (69 એકર) વિસ્તારમાં ફેલાયેલી છે. આ શાળા ઇન્ટરનેશનલ બેકલોરેટ (IB) અને સ્વિસ મેટ્રિક્યુલેશન પ્રોગ્રામ ઓફર કરે છે, જેમાં બહુભાષી શિક્ષણ (અંગ્રેજી અને ફ્રેન્ચ), નેતૃત્વ વિકાસ અને વૈશ્વિક નાગરિકતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. લે રોઝીની વાર્ષિક ફી CHF 80,000થી CHF 1,50,000 (આશરે રૂપિયા 60 લાખથી 1.2 કરોડ) સુધીની છે. આ શાળામાં પણ શિષ્યવૃત્તિ અને આર્થિક સહાય પૂરી પાડે છે. શાળાના કેમ્પસમાં અદ્યતન સુવિધાઓ જેવી કે થિયેટર, સ્વિમિંગ પૂલ, ટેનિસ કોર્ટ, રાઇડિંગ સેન્ટર અને 1,000-સીટનું કોન્સર્ટ હોલ છે. શાળા રાજવી પરિવારો, ઉદ્યોગપતિઓ અને વૈશ્વિક નેતાઓના બાળકો માટે પસંદગીનું સ્થળ છે, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં સ્પેનના રાજા જુઆન કાર્લોસ I, મોનાકોના પ્રિન્સ રેનિયર III અને આગા ખાન IV જેવા નામો સામેલ છે. લે રોઝી શાળામાં અંદાજે 400 વિદ્યાર્થીઓ અને 150 શિક્ષકો છે, જે શાળાના નાના અને વિશિષ્ટ વર્ગોની ગુણવત્તા અને વ્યક્તિગત ધ્યાનની ખાતરી આપે છે.

એટન કોલેજ, ઈંગ્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ

એટન કોલેજ, ઈંગ્લેન્ડના વિન્ડસર, બર્કશાયરમાં 1440માં રાજા હેનરી VI દ્વારા સ્થપાયેલી, યુનાઇટેડ કિંગડમની સૌથી પ્રખ્યાત અને ઐતિહાસિક બોર્ડિંગ શાળાઓમાંની એક છે, જે 400 એકરના વિશાળ કેમ્પસમાં ફેલાયેલી છે. શાળા A-Levels અને GCSE કોર્સમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે જાણીતી છે. ફી અંદાજે £48,000 (રૂપિયા 50 લાખ લાખ) પ્રતિ વર્ષ છે. ઓક્સફર્ડ-કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ પ્રવેશ દર ધરાવે છે.  એટનના કેમ્પસમાં ઐતિહાસિક ઇમારતો, જેમ કે કોલેજ ચેપલ (1460), આધુનિક પુસ્તકાલયો, થિયેટર, સ્વિમિંગ પૂલ અને 40થી વધુ રમતગમત મેદાનોનો સમાવેશ થાય છે. શાળા 25 બોર્ડિંગ હાઉસમાં 1,300 વિદ્યાર્થીઓ અને 150 શિક્ષકોને સમાવે છે, જે રમતગમત (ક્રિકેટ, રોવિંગ, રગ્બી), સંગીત અને 50થી વધુ ક્લબ્સ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે. એટનનું અનન્ય યુનિફોર્મ, જેમાં ટેલકોટ અને પિનસ્ટ્રાઇપ ટ્રાઉઝરનો સમાવેશ થાય છે, જે એની ઓળખનો ભાગ છે. શાળાના પ્રખ્યાત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં બોરિસ જોનસન, ડેવિડ કેમેરોન, પ્રિન્સ વિલિયમ, પ્રિન્સ હેરી અને જ્યોર્જ ઓરવેલનો સમાવેશ થાય છે. શાળા યુ.કે.ના રાજવી પરિવારો અને રાજકીય નેતાઓના બાળકોનું શિક્ષણ સ્થળ રહી છે.

ફિલિપ્સ એકેડમી, એન્ડોવર, યુ.એસ.એ

ફિલિપ્સ એકેડમી, એન્ડોવર, મેસેચ્યુસેટ્સ, યુ.એસ.એ.માં 1778માં સેમ્યુઅલ ફિલિપ્સ જુનિયર દ્વારા સ્થપાયેલી, અમેરિકાની સૌથી જૂની અને અગ્રણી બોર્ડિંગ શાળાઓમાંની એક છે. શાળા હાર્વર્ડ, યેલ જેવી આઈવી લીગ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ પ્રવેશ દર માટે જાણીતી છે. 700 એકરના વિશાળ, નવી ઇંગ્લેન્ડ શૈલીના કેમ્પસમાં ફેલાયેલી આ શાળામાં એડિસન ગેલેરી ઓફ અમેરિકન આર્ટ, રોબર્ટ એસ. પીબોડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજી અને કોકરન વાઇલ્ડલાઇફ સેન્ક્ચુઅરી જેવી અનન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. આ શાળા, જે 1973માં એબોટ એકેડમી સાથે ભળીને સહશિક્ષણ બની, 1,154 વિદ્યાર્થીઓ (9થી 12 ગ્રેડ અને પોસ્ટગ્રેજ્યુએટ) અને 217 શિક્ષકો સાથે, 5:1ના વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર સાથે, 300થી વધુ અભ્યાસક્રમો, 150થી વધુ ઇલેક્ટિવ્સ, 8 વિશ્વ ભાષાઓ અને સ્વતંત્ર સંશોધનની તકો ઓફર કરે છે, જે શૈક્ષણિક શ્રેષ્ઠતા અને “નોન સિબી” (નોન-ફોર-સેલ્ફ) ફિલસૂફી પર આધારિત છે. વાર્ષિક ફી બોર્ડિંગ વિદ્યાર્થીઓ માટે $76,731 (આશરે રૂપિયા 64 લાખ) અને ડે સ્ટુડન્ટ્સ માટે $59,625 છે, પરંતુ નીડ-બ્લાઇન્ડ એડમિશન પોલિસી અને $21.8 મિલિયનના ફાઇનાન્શિયલ એઇડ બજેટ દ્વારા 47% વિદ્યાર્થીઓને 100% આર્થિક સહાય મળે છે.

શાળા 28 આંતરરાષ્ટ્રીય રમતગમત, 100થી વધુ વિદ્યાર્થી-સંચાલિત ક્લબ્સ (જેમ કે ફિલિપિયન ન્યૂઝપેપર, મોડેલ યુએન), અને કલા, સંગીત, થિયેટર અને નૃત્ય જેવી પ્રવૃત્તિઓ ઓફર કરે છે, જેમાં 2 હોકી ફીલ્ડ, 18 ટેનિસ કોર્ટ, 8 સ્ક્વોશ કોર્ટ, બોટહાઉસ અને સ્નાઇડર સેન્ટર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શાળાનું 13% એડમિશન રેટ અત્યંત પસંદગીસભર છે. જે 39 રાજ્યો અને 45 દેશોમાંથી વિદ્યાર્થીઓને આકર્ષે છે, જેમાં 48% વિદ્યાર્થીઓ રંગીન (people of color) છે. પ્રખ્યાત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં યુ.એસ. રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશ, જ્યોર્જ ડબલ્યુ. બુશ, ઓલિવર વેન્ડેલ હોમ્સ, જેક લેમન અને જુલિયા આલ્વારેઝનો સમાવેશ થાય છે, જે શાળાને હાર્વર્ડ, યેલ અને અન્ય આઇવી લીગ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ પ્રવેશ દર માટે જાણીતી બનાવે છે.

ગીલોન્ગ ગ્રામર સ્કૂલ, ઓસ્ટ્રેલિયા

ગીલોન્ગ ગ્રામર સ્કૂલ, ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં ગીલોન્ગના કોરિયો વિસ્તારમાં 1855માં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના આશીર્વાદથી સ્થપાયેલી, દેશની સૌથી મોટી સહશિક્ષણ બોર્ડિંગ શાળાઓમાંની એક છે, જે 325 એકરના વિશાળ કેમ્પસ સહિત ચાર કેમ્પસ (કોરિયો, ટિમ્બરટોપ, બોસ્ટોક હાઉસ, ટૂરાક)માં ફેલાયેલી છે. આ શાળા 1,500 વિદ્યાર્થીઓ (પ્રી-સ્કૂલથી ધોરણ 12, જેમાં 800 બોર્ડર્સ) અને 300 શિક્ષકો સાથે, ઇન્ટરનેશનલ બેકલોરેટ (IB) અને વિક્ટોરિયન સર્ટિફિકેટ ઓફ એજ્યુકેશન (VCE) ઓફર કરે છે.વાર્ષિક ફી ડે સ્ટુડન્ટ્સ માટે AUD 50,000 (આશરે રૂપિયા 28 લાખ) અને બોર્ડિંગ માટે AUD 85,000 (આશરે રૂપિયા 47 લાખ) છે. શાળા એના પર્યાવરણ-સભાન શિક્ષણ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રખ્યાત છે. જાણીતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં કિંગ ચાર્લ્સ III, રૂપર્ટ મર્ડોક, અને મેનિંગ ક્લાર્કનો સમાવેશ થાય છે, જે શાળાને હાર્વર્ડ, ઓક્સફોર્ડ અને મેલબોર્ન જેવી ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે પ્રખ્યાત બનાવે છે.

ડીયરફિલ્ડ એકેડમી, યુ.એસ.એ

ડીયરફિલ્ડ એકેડમી, મેસેચ્યુસેટ્સ, યુ.એસ.એ.ના ડીયરફિલ્ડમાં 1797માં સેમ્યુઅલ ફિલિપ્સ જુનિયર દ્વારા સ્થપાયેલી, અમેરિકાની અગ્રણી સહશિક્ષણ બોર્ડિંગ શાળાઓમાંની એક છે, જે 650 એકરના ઐતિહાસિક અને મનોહર કેમ્પસમાં ફેલાયેલી છે. જેમાં ડીયરફિલ્ડ રિવરની આસપાસ લીલાછમ વિસ્તાર, આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ, થિયેટર, આર્ટ ગેલેરી અને હેસ ફેલ્ડ એથ્લેટિક કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. આ શાળામાં 650 વિદ્યાર્થીઓ અને 140 શિક્ષકો છે, જે વ્યક્તિગત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફી અંદાજે $68,000 (રૂપિયા56 લાખ) પ્રતિ વર્ષ છે. 200થી વધુ અભ્યાસક્રમો, 7 વિશ્વ ભાષાઓ અને સ્વતંત્ર સંશોધનની તકો ઓફર કરે છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં યુ.એસ. રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડી, નેટફ્લિક્સના સહ-સ્થાપક માર્ક રેન્ડોલ્ફ અને લેખક જોન મેકફીનો સમાવેશ થાય છે, જે શાળાને હાર્વર્ડ, યેલ અને અન્ય આઇવી લીગ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ પ્રવેશ દર માટે પ્રખ્યાત બનાવે છે.

શેન્ઝેન ઇન્ટરનેશનલ સ્કૂલ, ચીન

શેન્ઝેન ઇન્ટરનેશનલ સ્કૂલ, ચીનના શેન્ઝેનમાં 1988માં સ્થપાયેલી, એશિયાના ઝડપથી વિકસતા શૈક્ષણિક કેન્દ્રોમાંની એક છે, જે નાન્સન ડિસ્ટ્રિક્ટના જિંગશાન, ધ બે અને નેટ વેલી કેમ્પસમાં 10 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે. આ સહશિક્ષણ શાળામાં 1,100થી વધુ વિદ્યાર્થીઓ અને 200 શિક્ષકો સાથે, ઇન્ટરનેશનલ બેકલોરેટ (IB) અને એડવાન્સ્ડ પ્લેસમેન્ટ (AP) પ્રોગ્રામ ઓફર કરે છે. ફી અંદાજે CNY 2,00,000 (રૂપિયા 24 લાખ) પ્રતિ વર્ષ છે. શાળા એશિયામાં ઝડપથી વિકસતા શૈક્ષણિક કેન્દ્રોમાંની એક છે. પ્રખ્યાત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ચીની ટેક ઉદ્યોગપતિઓ અને શૈક્ષણિક નેતાઓનો સમાવેશ થાય છે, જે શેન્ઝેન ઇન્ટરનેશનલ સ્કૂલને વૈશ્વિક શૈક્ષણિક પ્રભાવ માટે પ્રસિદ્ધ બનાવે છે.

યુનાઈટેડ વર્લ્ડ કોલેજ (UWC), વિવિધ સ્થળો

વિશ્વભરમાં 18 કેમ્પસ ધરાવતી UWC શાળાઓ IB ડિપ્લોમા પ્રોગ્રામ ઓફર કરે છે અને વૈશ્વિક શાંતિ તથા સહયોગ પર ધ્યાન આપે છે. ફી અંદાજે $30,000 થી $50,000 (રૂપિયા 25 લાખ થી રૂપિયા 40 લાખ) પ્રતિ વર્ષ છે, જેમાં શિષ્યવૃત્તિની તકો ઉપલબ્ધ છે. શાળા વૈવિધ્યસભર વિદ્યાર્થીઓ અને સામાજિક જવાબદારી માટે જાણીતી છે. શાળામાં પ્રખ્યાત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, નોર્વેના કિંગ હેરાલ્ડ V અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા જુઆન મેન્યુઅલ સેન્ટોસનો સમાવેશ થાય છે.

હેરો સ્કૂલ, યુ.કે

હેરો સ્કૂલ, યુનાઇટેડ કિંગડમના લંડનમાં 324 એકરના વિશાળ કેમ્પસમાં આવેલી શાળા છે. 1572માં રાણી એલિઝાબેથ I ના રોયલ ચાર્ટર હેઠળ સ્થપાયેલી આ ઐતિહાસિક બોર્ડિંગ સ્કૂલ ફક્ત છોકરાઓ માટે શૈક્ષણિક શ્રેષ્ઠતા, નેતૃત્વ વિકાસ અને સાંસ્કૃતિક પરંપરાઓ માટે જાણીતી છે. આ શાળા A-Levels અને GCSEમાં ઉત્કૃષ્ટ પરિણામો આપે છે. 12 બોર્ડિંગ હાઉસ, 32 રમતગમત, 80થી વધુ ક્લબ અને અનન્ય યુનિફોર્મ સાથે, આ શાળા ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ અને આઇવી લીગ જેવી ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. વાર્ષિક ફી £50,550 (આશરે રૂપિયા 30 લાખ) છે. જો કે શિષ્યવૃત્તિ અને આર્થિક સહાય દ્વારા ફીમાં 5%થી 100% સુધીની રાહત ઉપલબ્ધ છે. આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં વિન્સ્ટન લિયોનાર્ડ સ્પેન્સર ચર્ચિલ, જવાહરલાલ નહેરુ અને બેનેડિક્ટ ટિમોથી કાર્લટન કમ્બરબેચ જેવા જાણીતા લોકો છે.

ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS), મુંબઈ, ભારત

મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં 2003માં સ્થપાયેલી આ શાળા ICSE, IGCSE, અને IB ડિપ્લોમા પ્રોગ્રામ ઓફર કરે છે. તે અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શૈક્ષણિક શ્રેષ્ઠતા, અને સર્વાંગી વિકાસ માટે જાણીતી છે. ફી અંદાજે રૂપિયા 14,00,000 થી રૂપિયા 20,00,000 પ્રતિ વર્ષ છે. શાળા ભારતની નંબર 1 આંતરરાષ્ટ્રીય શાળા તરીકે રેન્ક થઈ છે. શાળા લગભગ 2.4 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. જેનું  સંચાલન રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા થાય છે. DAISમાં લગભગ 1,087 વિદ્યાર્થી અને 183 શિક્ષકો છે. શાળામાં અદ્યતન લેબોરેટરીઝ, લાઈબ્રેરી, ટેરેસ ગાર્ડન, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ અને મથેરાનમાં 18 એકરનું સ્ટડી સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં જાહ્નવી કપૂર, સુહાના ખાન, સારાઅલી ખાન, અર્જુન તેંડુલકર, અલિઝે અગ્નિહોત્રી જેવા ફિલ્મી કલાકારોનો સમાવેશ થાય છે. આ શાળા ખાસ કરીને ઉદ્યોગપતિ અને બોલીવુડ કલાકારોના બાળકોની ફેવરીટ માનવામાં આવે છે.

હેતલ રાવ