દેશને સ્વચ્છ બનાવવા માટે સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન, સ્પેશિયલ ક્લીન સીટી ડ્રાઈવ, ગોબરધન યોજના. સ્વચ્છતા હી સેવા જેવી અનેક યોજનાઓ ચાલે છે. તો બીજી બાજુ સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ પણ કરવામાં આવે છે. ત્યારે જાણીએ 2023-24માં કયા શહેરોએ સ્વચ્છતામાં બાજી મારી છે.
ભારતમાં સ્વચ્છતા અને કચરાના સંચાલન માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ દર વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ કરવામાં આવે છે. આ વખતે પણ 2023ના ટોપ 10 સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યા છે. આ શહેરોએ યોગ્ય વેસ્ટ મેનેજમેન્ટની નવીન પદ્ધતિઓનો ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેમાં છેલ્લા સાત વર્ષ સતત મધ્ય પ્રદેશનું ઈન્દોર શહેર પ્રથમ ક્રમાંક મેળવે છે. જ્યારે આ વખતે ગુજરાતની ડાયમંડ નગરી સુરતનું નામ બીજા સ્થાને છે. તો વળી અમદાવાદનો 10 નંબર પર છે.
ઇન્દોર, મધ્યપ્રદેશ
ઈન્દોર સતત 7મા વર્ષે ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે ટોચ પર છે. એની સફળતા ડોર-ટુ-ડોર કલેક્શન, સેપરેશન, કમ્પોસ્ટિંગ અને રિસોર્સ પુનઃપ્રાપ્તિ સહિત વ્યાપક કચરા વ્યવસ્થાપન પ્રણાલીમાં રહેલી છે. જેમાં જનજાગૃતિ અભિયાન અને નાગરિકોની ભાગીદારીમાં વધુ વધારો કરે છે.
સુરત
ડાયમંડ સિટી તરીકે ઓળખ મેળવનાર સુરત આમ તો લહેરી લાલા કહેવાય છે. પરંતુ આ વખતે હીરા નગરી એની સ્વચ્છતા રેન્કિંગથી ચમકે છે. સુરતે સ્વચ્છતા અને વેસ્ટ મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાને પ્રાથમિકતા આપી છે, જેના કારણે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. અને સ્વચ્છ શહેરનું બિરુદ પણ મેળવ્યું છે.
નવી મુંબઈ
મુંબઈના આ આયોજિત સેટેલાઇટ સિટીમાં કચરાના સંગ્રહ, નિકાલ માટે વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. નવી મુંબઈ દર્શાવે છે કે, કેવી રીતે અસરકારક આયોજન અને કાર્યક્ષમ કચરો વ્યવસ્થાપન સ્વચ્છ અને સ્વસ્થ શહેરી વાતાવરણનું નિર્માણ કરી શકે છે.
વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ
નૈસર્ગિક દરિયાકિનારા અને લીલીછમ જગ્યાઓ માટે જાણીતું, વિશાખાપટ્ટનમ સ્વચ્છતામાં પણ શ્રેષ્ઠ છે. શહેરે કચરાના અલગીકરણ અને ખાતરમાં પહેલ કરી છે, જે એના પ્રશંસનીય રેન્કિંગમાં ફાળો આપે છે.
ભોપાલ, મધ્ય પ્રદેશ
સૌથી પ્રદૂષિત શહેરોમાંથી સ્વચ્છતાના સંદર્ભમાં એક ટોચના દાવેદાર બનવામાં ભોપાલનું પરિવર્તન નોંધપાત્ર છે. અસરકારક કચરો વ્યવસ્થાપન પ્રણાલી અને જનજાગૃતિ અભિયાનનો આ પરિવર્તનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભોપાલ વાસીઓએ સ્વચ્છ શહેરની રચના કરવામાં ઘણી મહેનત કરી છે. એ એના ક્રમ પરથી જાણી શકાય છે.
વિજયવાડા, આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશ રાજ્યમાં બીજા નંબરનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હોવાથી વિજયવાડા પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય છે. પવિત્ર નદી કૃષ્ણાના કિનારે આવેલું, આ શહેર અન્વેષણ કરવા માટે પુષ્કળ પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. મંદિરોના શહેર તરીકે ઓળખાતા વિજયવાડા સ્વચ્છતામાં સતત સુધારો દર્શાવે છે. ડોર-ટુ-ડોર કચરો સંગ્રહ અને વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ એ વિજયવાડાને સ્વચ્છતા બાબતે છઠ્ઠા ક્રમે પહોંચાડે છે.
નવી દિલ્હી, દિલ્હી
આમ તો દિલ્હી નામ પડે એટલે વાયુ પ્રદુષણની સમસ્યા સામે દેખાય. ભારતની રાજધાની એની વધારે વસ્તી અને પ્રદૂષણની ચિંતાને કારણે સ્વચ્છતા જાળવવામાં પડકારોનો સામનો કરે છે. જો કે, નવી દિલ્હીએ એના સ્વચ્છતા માળખા અને કચરા વ્યવસ્થાપન પ્રથાઓને સુધારવા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે, જે એના સુધારેલા રેન્કિંગમાં પ્રતિબિંબિત થાય છે.
મૈસુર, કર્ણાટક
મૈસુરને એના સમૃદ્ધ ઇતિહાસ અને અનન્ય સંસ્કૃતિને કારણે ‘મહેલોનું શહેર’ અને ‘હાથીદાંતના શહેર’ જેવા બિરુદથી સમ્માનિત કરવામાં આવે છે. મૈસુરે ભૂતકાળમાં ઘણા પ્રભાવશાળી સામ્રાજ્ય માટે રાજધાની તરીકે સેવા આપી હતી. સાંસ્કૃતિક અને ઐતિહાસિક શહેર એની સ્વચ્છ શેરીઓ અને જાહેર જગ્યાઓ માટે પણ જાણીતું છે. મૈસૂરમાં લાગુ કરાયેલ કચરાને અલગ કરવા અને ખાતર બનાવવાની પહેલે એને ટોચના 10માં પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે.
ચંદીગઢ, કેન્દ્રશાસિત પ્રદેશ
ચંડીગઢ એ સ્વતંત્ર ભારતમાં સૌંદર્ય અને સ્થાપત્ય કલા દ્રષ્ટિને લક્ષમાં રાખીને આયોજિત કરેલું સર્વપ્રથમ નગર છે. આધુનિક પરિવહનની સમસ્યાઓ ધ્યાનમાં લઈને ચંડીગઢના વિશાળ રાજમાર્ગો અને આંતર-વ્યવહારના માર્ગો બંધાયા છે. વૃક્ષોની હારમાળાથી એ ભવ્ય લાગે છે. ચંદીગઢ 31 સેકટરમાં વિભાજિત થયેલું શહેર છે. ચંદીગઢની સ્વચ્છતા જાળવવા માટે ડોર-ટુ-ડોર કલેક્શન, કમ્પોસ્ટિંગ અને રિસાયક્લિંગે મહત્વનો ભાગ ભજવ્યો છે.
અમદાવાદ, ગુજરાત
ગુજરાતના હાર્દ ગણાતા અમદાવાદે સ્વચ્છતા માટે દસમો ક્રમાંક મેળવ્યો છે. એ વાત અલગ છે કે અમદાવાદમાં સૌથી મોટી ડમ્પિંગ સાઈડ છે છતાં શહેર એની સ્વચ્છતા સુધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. જન જાગૃતિ ઝુંબેશ અને વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અમદાવાદને રેન્કિંગ ઉપર ચઢવામાં ફાળો આપ્યો છે.
સ્વચ્છ સર્વેક્ષણ એટલે શું ? એ કેવી રીતે કામ કરે છે?
સ્વચ્છ સર્વેક્ષણએ ભારત સરકારે 2016માં શરૂ કરેલી એક પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરો અને ગામડાઓમાં સફાઈ અને સ્વચ્છતાને પ્રોત્સાહિત કરવાનો છે. આ સર્વેક્ષણનું આયોજન સ્વચ્છ ભારત મિશન હેઠળ કરવામાં આવે છે અને દર વર્ષે દેશના વિવિધ શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કેવી રીતે કરે છે કામ મૂલ્યાંકન અને ક્રમ: આ સર્વેક્ષણ દરમિયાન ભારતના દરેક શહેરની સફાઈ અને સ્વચ્છતા વિશે વિશિષ્ટ માપદંડો પર મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમ કે કચરાનો યોગ્ય નિકાલ, જાહેર શૌચાલયની ઉપસ્થિતિ, સફાઈની પ્રવૃત્તિઓ, પ્રજાની જાગૃતિ અને એમની ભાગીદારી. ઉપરાંત નાગરિકો દ્વારા આપવામાં આવેલાં ફીડબેક. મૂલ્યાંકનના ક્ષેત્રો કચરાના સંચાલન: કચરો એકત્ર કરી એની રિસાયક્લિંગ અને નિકાલની વ્યવસ્થા. ખુલ્લામાં શૌચમુક્ત: ખુલ્લામાં શૌચક્રિયા કરવામાં ન આવે અને હર ઘર શૌચાલયને પ્રાધાન્ય આપવામાં એ માટે કાર્ય કરવામાં આવે છે. એ કેટલા અંશે પૂર્ણ થાય છે, ઉપરાંત એનો ઉપયોગ કેટલો સફળ રહ્યો એ પણ જોવામાં આવે છે. જાહેર જગ્યાઓની સફાઈ: શહેરના જાહેર રસ્તા, બાગ-બગીચા, બજાર વગેરે જેવી જગ્યા પર કેટલી સફાઈ છે એ પણ જોવામાં આવે છે. જાગૃતિ: નાગરિકોની ભાગીદારી, જનજાગૃતિ, અને સ્વચ્છતા માટે થતી પ્રવૃત્તિઓ. ડેટા સંગ્રહ અને મૂલ્યાંકન પદ્ધતિ ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન એટલે કે નક્કી કરેલા નિયમો અનુસાર સ્થાનનું ભૌતિક મૂલ્યાંકન ઉપરાંત નાગરિકોની ભાગીદારી અને સ્વચ્છતા અંગે એમની સામેની સજાગતા વિશે ફીડબેક લેવામાં આવે છે. એ સિવાય ફોટોગ્રાફ્સ અને ડોક્યુમેન્ટેશનનો પણ ઉપયોગ થાય છે. એટલે કે શહેરોનો વિકાસ જોવા માટે વિગતો મગાવવામાં આવે છે. શહેરની રેન્કિંગ: સર્વેક્ષણના અંતે, દરેક શહેરના એના દેખાવ પ્રમાણે રેન્ક આપવામાં આવે છે. આ રેન્કિંગને આધારે સરકાર અને નાગરિકો વધુ સુધારવા માટે પ્રયત્ન કરે છે. |
નોંધનીય બાબત એ છે કે સ્વચ્છ સર્વેક્ષણ દ્વારા શહેરો વચ્ચે એક હકારાત્મક સ્પર્ધા ઊભી થઈ છે, જેના કારણે લોકો અને પ્રબંધકોને સફાઈ અને સ્વચ્છતા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.
હેતલ રાવ
