મોરબીના રાજાએ કર્યો હતો આ મહાદેવનો જીર્ણોધ્ધાર

સાબરમતી નદી, અરવલ્લીના ડુંગરોમાંથી ઉદ્ભવીને ઉત્તર ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ અને ખંભાતના અખાત સુધી 371 કિલોમીટરની યાત્રા કરે છે. પૌરાણિક શિવ સાથે જોડાયેલી આ નદીના કિનારે કુંભેશ્વર, ધોળેશ્વર, કોટેશ્વર, દુધેશ્વર, વાડજ-કાશ્મીરા મહાદેવ, વિક્ટોરિયા ગાર્ડન પાસે પૌરાણિક મહાદેવ, ગ્યાસપુર સોમનાથ મહાદેવ અને હાંસોલના મહાદેવ જેવાં અસંખ્ય મંદિરો આવેલાં છે. રાજા-રજવાડાઓ અને સાધુ-સંતો દ્વારા સ્થાપિત આ મંદિરો ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.

ગાંધીનગરના કોબા ખાતે સાબરમતી નદીના કિનારે ઊંચાઈ પર આવેલું કુંભેશ્વર મહાદેવ મંદિર જે એક પૌરાણિક તપોભૂમિ છે. ચોસઠ પગથિયાં અને સંતોની સમાધિ ધરાવતા આ સદીઓ જૂના મંદિરના જીર્ણોદ્ધાર માટે મોરબીના રાજા લખધીરજી મહારાજ અને અમદાવાદના ઉદ્યોગપતિ શેઠ નંદલાલ બોડીવાલાએ યોગદાન આપ્યું. માન્યતા છે કે ગાંધીનગર-અમદાવાદનાં પાંચ પ્રસિદ્ધ મહાદેવ મંદિરો એકસાથે બંધાયાં. પાંડવ કાળથી જાણીતા આ મંદિરનો જીર્ણોદ્ધાર યોગેશભાઈ નાઈ જેવા કાર્યકરો નવા સ્વરૂપે કરી રહ્યા છે. શ્રાવણ મહિનામાં ચોમાસાની ઋતુ દરમિયાન આ મંદિર ભક્તોને મહાદેવના સાન્નિધ્યમાં પવિત્ર ઊર્જા પ્રદાન કરે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)