વાંસમાંથી બનેલા આ ફેશનેબલ વેઅર પર્યાવરણ માટે પણ સુરક્ષિત
વાંસમાંથી બનતા ફર્નિચર, મકાન, અથાણું કે ગૃહ સજાવટની વસ્તુઓ વિશે તો તમે સાંભળ્યું હશે. પરંતુ શું તમે વાંસમાંથી તૈયાર થતાં કપડાં વિશે સાંભળ્યું છે? હવે લોકો ઓર્ગેનિક ફૂડની સાથે-સાથે ઓર્ગેનિક ફેબ્રિક વિશે પણ જાગૃત થઈ રહ્યા છે. તેનું જ પરિણામ છે કે વાંસમાંથી બનતા ઓર્ગેનિક ફેબ્રિકમાંથી તૈયાર થતાં ફેશનેબલ ડિઝાઇનર ક્લોથ આજે લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. અમારા ‘દીવાદાંડી’ વિભાગમાં અમે સુરતના યંગ ફેશન ડિઝાઇનર અને Oganikkuના સ્થાપક સાક્ષી ગોયલ સાથે વાત કરી અને તેમની આ આર્ગેનિક સફર વિશે જાણવાનો પ્રયત્ન કર્યો.
“વર્ષ 2015માં મેં મારી 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પૂરી કર્યા બાદ હું જયપુર શિફ્ટ થઈ ગઈ હતી. ત્યાર બાદ મેં જયપુરમાં આવેલી પર્લ એકેડમીમાંથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો હતો. કોર્સ પૂર્ણ કર્યા બાદ હું મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. ત્યાર બાદ મેં પુણેથી મારો ઈન્ટરનેશનલ બિઝનેસ સ્ટડિઝનો અભ્યાસ કર્યો છે. જ્યારે હું ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી રહી હતી, ત્યારે જ અમને ફિલ્ડ વિઝિટ માટે મુંબઈ લઈ જવામાં આવતા હતા. ફેશન ડિઝાઇનિંગ શું હોય, કઈ રીતે કામ કરવામાં આવે છે, કઈ રીતે સ્ક્રેચમાંથી વસ્તુ તૈયાર કરવામાં આવે તે વિશે અમને શીખવવામાં આવતું હતું. રૉ મટિરિયલથી લઈને ડિઝાઇનર ક્લોથ તૈયાર થાય ત્યાં સુધીની આખી જર્ની અમે લોકો જોતા હતા. ત્યારે મેં જોયું કે એક કાપડ તૈયાર થાય ત્યાં સુધીમાં તો તેમાં હજારો ટન કેમિકલનો ઉપયોગ થતો હોય છે અને આ કેમિકલવાળા કપડાં આપણે પહેરીયે છીએ. આ જોયા પછી મેં મારા વોર્ડરોબમાંથી લગભગ 60 ટકા કપડાં ડોનેટ કરી દીધા. મને મુંબઈમાં એક જાણીતી ટીવી ચેનલ માટે ફેશન ડિઝાઇનર તરીકે કામ મળ્યું હતું. પણ એ કામ છોડીને મેં મારી પોતાનું ઓર્ગેનિક ક્લોથ લેબલ ડેવલોપ કરવાનું વિચાર્યું. એક વર્ષ સુધી મેં આ વિષય પર રિસર્ચ કર્યું. કોવિડ સમયે હું પાછી સુરત આવી અને એ દરમિયાન જ મને વાંસમાંથી બિલકુલ નેચરલ, પહેરવામાં કમ્ફર્ટેબલ, વજનમાં ખૂબ જ હલ્કું અને ટકાઉ કાપડ બનાવવાનો વિચાર આવ્યો. જેનાથી જન્મ થયો Oganikku લેબલનો. જેમાં કાપડ તૈયાર કરવાથી લઈને ઓર્ગેનિક ડાય તૈયાર કરવાથી લઈને ડિઝાઇનિંગ, સ્ટિચિંગ, હેન્ડ વર્ક સુધીનું બધું જ કામ ઇનહાઉસ કરવામાં આવે છે. મારી સાથે અત્યારે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી એમ કુલ 15 જેટલાં લોકો જોડાયેલાં છે.”
સાક્ષીબેનનું કહેવું છે, “તમે તમારી સવારની શરૂઆત યોગા સાથે કરો છો, પરંતુ આખો દિવસ તમારી સાથે જે રહે છે એ છે તમારા કપડાં. કપડાં એવાં હોવા જોઈએ કે જે તમને રિલેક્સેશન આપે અને તમારા મૂડને પણ સારો રાખે. આથી જો તમારા કપડાં નેચરલ રીતે તૈયાર કરવામાં આવેલાં હશે તો તમને ચોક્કસથી તેનો ફાયદો મળશે અને તમે એ વસ્તુ ફિલ પણ કરી શકશો. ફેશન ખાલી સ્ટાઇલ માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ સુરક્ષિત હોવી જોઈએ. આ કાપડ બનાવવામાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો નથી. સંપૂર્ણપણે ઓર્ગેનિક વસ્તુઓમાંથી જ આ કાપડ તૈયાર કરવામાં આવે છે. વાંસમાંથી બનાવેલા અમારા યાર્નમાં એક અલગ જ ચમક હોય છે અને તેમાં એન્ટિબેક્ટેરિયલ ગુણો પણ હોય છે. આથી જ વાંસમાંથી તૈયાર કરેલા કપડાંની લોકોમાં ધીમે-ધીમે ડિમાન્ડ વધી રહી છે. અમે ટ્રેન્ડ મુજબ સ્ટાઇલિશ કપડાં તૈયાર કરી આપીએ છીએ. અમે લોકોને કમ્ફર્ટ સાથે ફેશનની મજા આપી રહ્યા છીએ. જ્યારે અમે કોઈ ક્લોથ તૈયાર કરી રહ્યા છીએ, તો સ્ટિચિંગ વખતે તેમાંથી થોડુંક કપડું વેસ્ટ તરીકે નીકળી જતું હોય છે. તો આ કપડું પણ વેસ્ટ ન થાય તે માટે અમે તેમાંથી વુડ એન્ડ ફ્રેબિક જ્વેલરી તૈયાર કરી રહ્યા છીએ. ધીમે-ધીમે આગળ હજુ અમે લોકો ઓર્ગેનિક મેક અપ પ્રોડ્ક્ટસ પણ ડેવલોપ કરવાનું વિચારી રહ્યા છીએ. કિડ્સ વેઅરમાં પણ અમે હોસ્પિટલ સાથે ટાઇઅપ કરી રહ્યા છીએ. કારણ કે ન્યૂ બોર્ન બાળકોની સ્કિન ખૂબ જ ડેલિકેટ હોય છે. આથી તેમને કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન ન થાય તે માટે અમારા નેચર ફ્રેન્ડલી ક્લોથ્સ તેમના સુધી પહોંચાડવા માટે અમે પ્રયત્નશીલ છીએ.
ફેબ્રુઆરીમાં સાક્ષીબેનના લેબલને એક વર્ષ પૂર્ણ થશે. અત્યાર સુધીમાં તેમણે લગભગ 8 લાખ ઇનવેસ્ટમેન્ટ કર્યું છે. સામે તેમણે લગભગ 15 લાખ જેટલાં રૂપિયા પાછા મેળવ્યા છે. તેમના કપડાંની રેન્જ વિશે વાત કરીએ તો 2,500થી શરૂ થઈને 10,000 રૂપિયા સુધીના હોય છે. જ્યારે જ્વેલરી 250 રૂપિયાથી શરૂ કરીને 1,000 રૂપિયા સુધીની હોય છે. અત્યારે તેમનો મોટા ભાગનું સેલિંગ એક્ઝિબિશન થ્રુ જ થાય છે. આ સિવાય સુરતના વેસુ વિસ્તારમાં ઓફ લાઈન સ્ટુડિયો પણ આવેલો છે. સોશિયલ મિડીયા પર પણ એમની બ્રાન્ડનું પેજ આવેલું છે. હવે તેઓ પોતાની વેબસાઇટ પણ ડેવલોપ કરી રહ્યા છે.
વર્ષોથી વાંસમાંથી અવનવી વસ્તુઓ બનાવીને જીવતા વનવાસી તેનો ઉપયોગ વિવિધ રીતે કરતા આવ્યા છે. આજે ફરી એ જ પરંપરા નવા ટ્રેન્ડના રૂપમાં પાછી ફરી રહી છે. જેમને સસ્ટેનેબલ ક્લોથિંગ વેઅર જોઈએ છે તેમની માટે સાક્ષીબેનનું લેબલ ખૂબ જ સારો ઓપ્શન છે. સાથે જ તેનાથી ગ્રાસરૂટ લેવલ પર કામ કરતાં લોકોને પણ આજીવિકા મળી રહી છે. જે લોકો એક વખત આ ઓર્ગેનિક વેઅર પહેરે છે તેઓ વારંવાર સાક્ષીબેન પાસે પાછા ફરી રહ્યા છે તે જ એ વાતની સાક્ષી પૂરે છે કે Oganikku ખરેખર લોકોને કેમિકલ ફ્રી ક્લોથિંગનો ઓપ્શન આપી રહ્યું છે.