અંજલિ, 28 વર્ષીય એક આધુનિક યુવતી, અમદાવાદના મોંઘા એપાર્ટમેન્ટમાં રહેતી. ઇન્સ્ટાગ્રામ પર એની પ્રોફાઈલ જોઈને લોકોની આંખ ચમકી જાય, સુંદર સેલ્ફી, હસી પડતી તસવીરો, મોટિવેશનલ ક્વોટ્સ, યોગા વિડીઓ…એકદમ #PositiveVibesOnly
દરરોજ એ સ્ટેટસ મૂકે,
“Be the energy you want to attract”,
“Pain is temporary, pride is forever”,
“You never know how strong you are until being strong is the only choice you have.”
એના મિત્રો, ફોલોઅર્સ, સગા-સંબંધી બધાને લાગતું કે, વાહ! કેટલી મજબૂત છે અંજલિ! પણ વાસ્તવિકતા એ હતી કે અંજલિ કોઈને કહી નહોતી શકતી કે, આખી રાત રડીને એ ચહેરા પર ખુશીનું નકલી માસ્ક પેહરીને ફોટો ક્લિક કરે છે!
અંજલિનો પતિ વિવેક એક નામી કોર્પોરેટ કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરે છે, પરંતુ બંનેના સંબંધ લાગણી શૂન્ય છે. એકબીજાની આંખોમાં ક્યારેય પ્રેમ જોવા નથી મળતો. લગ્ન પછી જીવન સંબંધમાં બાંધેલું લાગતું હતું. એકવાર અંજીલિની વેદના અજાણતા છલકાઈ પણ ગઈ.. દુઃખમાં એ બોલી બેઠી કે ‘હું ખુશ નથી…’ પણ એ વાક્ય પૂરું કરતાં પહેલા જ જવાબ મળ્યોઃ છોડ યાર! તું તો કેટલી પોઝિટિવ છે! કેટલા લોકો તને ફોલો કરે છે! તું વળી કયાંથી દુઃખી કહેવાય..મજાક કરે છે અમારી સાથે?
બસ, એ દિવસથી અંજલિએ પોતાનું દુઃખ એના શબ્દો નહીં, સ્ટેટ્સ દ્વારા વ્યક્ત કરવાનું શરૂ કર્યું. એક દિવસ, એણે એક રીલ મૂકી.. તેરે બીના જીના પાયેંગે હમ, અને કેપ્શનમાં લખ્યું..
Sometimes smiles are just masks, and strength is just silence.
એ Reel પર કોમેન્ટ આવી,
Such a strong soul!
Always inspiring!
U r Queen ..
પણ એ રાતે, અંજલિને ઉંઘ ન આવી, એ પોતાની ડાયરીમાં લખતી રહી કે, જો હું મારા દુઃખની વાત કરું, તો શું મને કોઈ સાંભળશે? કે પછી ફરી કહેશે – તું તો મજબૂત છે!
અંજલિની આ વાત ઘણીબધી મહિલાઓ, જે સોશિયલ મિડીયા પર મજબૂત દેખાય છે એમને લાગુ પડે છે. આજે અનેક મહિલાઓ, યુવતીઓ, પોતાની અંદરની તકલીફોને સમાજ સામે વ્યક્ત નથી કરી શકતી. કારણ કે સમાજ એને મજબૂત માને છે, માટે એને તૂટવાની, થાકવાની પણ મંજૂરી નથી. જો કે આવી અનેક મહિલાઓના મોટીવેશનલ સ્ટેટસ હકીકતમાં કાલ્પનિક મજબૂતીનું કવચ હોય છે, જેને પાછળથી ધીમે ધીમે એકાંત વિલીન કરે છે. એના આ સ્ટેટસથી બીજા ઈમ્પ્રેસ થઈ જાય છે, પરંતુ એ પોતે અંદરની અંદર ક્ષણે-ક્ષણે તૂટ્યા કરે છે.
શું ખરેખર આવા પોઝીટીવ સ્ટેટસથી મહિલાઓને જજ કરી શકાય? લાગણીઓને વાચા આપવાના એમને હક છે? શું કામ કોઈ પણ મહિલા કે યુવતી પોતાના તકલીફ બીજા સમક્ષ રજૂ કરતા ખચકાય છે?
એ સ્ત્રીની અંદર ચાલી રહેલા તોફાન પર એક ખોટું મૌન હોય છે
અત્યારનો સમય એવો છે જ્યાં દરેક જણ પોતાના પરિબળોને સમજવાને બદલે દેખાડાને વધારે મહત્વ આપે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ સમાજ વધુ જટિલ બની ગયો છે. કેટલીક વાતો એવી હોય છે જે કહેવામાં શરમ આવે, અને જો હિંમત કરીને કોઈ મહિલા પોતાનું દુઃખ વ્યક્ત કરે તો ઘણીવાર એને સહાનુભૂતિના બદલે મજાક, અવગણના કે દોષારોપણનો સામનો કરવો પડે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ઉદ્યોગની મીના જયસ્વાલ કહે છે કે, “આજની સ્ત્રી હૃદયમાં વેદનાનું વાવટું લઈને ચાલે છે, પણ બહારથી હંમેશાં મજબૂત અને ખુશ દેખાવાનો ઢોંગ કરે છે. કારણ કે એમને ખબર છે કે જો કોઈ નકારાત્મક કે દુઃખદ સ્ટેટસ મૂકે તો લોકોના લાઈક્સ નહીં મળે, ફોન નહીં આવે, લોકો દૂર થવા લાગશે. ઘણા લોકો એવો જલદી નિર્ણય કરી નાખે છે કે, આ મહિલાને તો જરૂર અટેન્શન જોઈતી હશે, અથવા આમ trist trapezoid(ટ્રિસ્ટ ટ્રેપેઝોઇડ) લખવાની શું જરૂર હતી? આ સમાજમાં હવે એવા લોકોની સંખ્યા વધી રહી છે જે દુઃખ સાંભળવા નહીં, પરંતુ રીલ જોવા તૈયાર છે. ખુશ દેખાવું હવે સામાજિક ફરજ બની ગઈ છે. ઘણીવાર એ પણ વિચારવું પડે કે જો હું મારી વાસ્તવિક સમસ્યા કહીશ, તો શું સામેની વ્યક્તિ સાંભળશે? સમજી શકશે? મદદ કરશે? મોટા ભાગે ઉત્તર ‘ના’ હોય છે. એટલે મહિલાએ પોતાનું દુઃખ પોતાના સુધી જ સીમિત રાખવાનું શીખી લીધું છે.”
ઘણી સ્ત્રીઓ પોતાનું દુઃખ પોતાની રીતે જ વેઠી રહી છે
સામાન્ય રીતે સ્ત્રીને જોઈને હંમેશા એવું લાગે કે એના જીવનમાં બધું સહેજ અને શાંત છે. પરંતુ હકીકત એ છે કે દરેક ઘરમાં જેમ દૂધ ઊકળે છે, એજ રીતે દરેક સ્ત્રીના મનમાં પણ કોઈક દુઃખ ઉકળતું હોય છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજીક કાર્યકર રેખા ઠક્કર કહે છે કે, મહિલા પણ માણસ છે. એની લાગણીઓ છે, એની મર્યાદા છે, એની પોતાની એક આંતરિક લડત છે. પણ એ એના દુઃખ વિશે ક્યારેય જાહેરમાં કંઈ કહેતી નથી. કારણ કે એને પતિ, પરિવાર પર લાંછન લાગે એ મંજૂર નથી હોતું. એના મૌન પાછળ પરિવાર માટેનો પ્રેમ છે, સમાધાન છે અને સૌથી વધુ, સંબંધોને બચાવવાનો પ્રયાસ છે. આ ઉપરાંત, બહારની દુનિયા પણ એની વાતને સમજવા તૈયાર નથી. એના દુઃખને લોકો વહેમ, અહમ કે પછી નાટક ગણાવે છે. જ્યારે કોઈ સ્ત્રી હિંમત કરીને પોતાની લાગણી વ્યક્ત કરે છે, ત્યારે એનું દુઃખ સાચું માનવાને બદલે એને શંકાની નજરે જોવામાં આવે છે. સમાજ તરત જ એને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. એટલે આજે ઘણી સ્ત્રીઓ પોતાનું દુઃખ પોતાની રીતે જ વેઠી રહી છે, જ્યારે બહારની દુનિયામાં એની જાણ શુદ્ધા કોઈને નથી રહેતી.
મહિલાઓ માટે સંઘર્ષ દુઃખ નથી, પણ એને છુપાવવાની ફરજ છે
સમાજમાં સાંભળવાની જગ્યા હવે રીલને મળી ગઈ છે, લાગણીની જગ્યા હવે ફિલ્ટર અને કેપ્શનને મળી છે. જે સ્ત્રી રીલ પર Everything is fine લખે છે, હકીકતમાં એ અંદરથી ઘણી વાર તૂટી રહી હોય છે. સાયલેન્ટલી એ હજી પણ બધા માટે ખુશ દેખાવાનો ઢોંગ કરે છે. બસ એટલે જ કે એને કોઈ ખોટી ન સમજે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ભાવિકા પટેલ કહે છે કે, “ઘણીવાર એવું લાગે છે કે, મહિલાઓ માટે સૌથી મોટો સંઘર્ષ દુઃખ નથી, પણ એ દુઃખને છુપાવવાની ફરજ છે. સમાજે સ્ત્રીઓને માત્ર મજબૂત રહેવાની ફરજ આપી છે, જેમ કે દુઃખ, થાક કે તણાવનો એના માટે અવકાશ નથી. જો એ કદી પોતાનું અંતર્મન ખોલે તો એને તરત જ નબળી ગણવામાં આવે છે. આજે, જ્યારે કોઇ સ્ત્રી થોડું પણ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે, ત્યારે એની અંદરની વાતને ગંભીરતાથી સમજવાને બદલે, એના પર ટિપ્પણીઓ શરૂ થાય છે.”
કોઈ મહિલા રીલ કે સ્ટેટસ એ માટે નથી મૂકતી કે એ બીજાને બતાવી શકે કે એ કેટલી ખુશ છે, પણ કદાચ એ જ એનો એકમાત્ર રસ્તો છે પોતાને સમજવાનો, કે ‘હું હજી ટકી રહી છું.
હેતલ રાવ
