મંદિર નિર્માણ કળાના શિખરે પહોંચેલા શિલ્પકાર

કેન્દ્ર સરકારે 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડ્સની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતમાંથી 8 મહાનુભવોની પસંદગી કરવામાં આવી છે. બેનમૂન શિલ્પકારીથી રામ મંદિરનું નિર્માણ કરનારા ચંદ્રકાન્ત સોમપુરાને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. સોમપુરા પરિવાર છેલ્લી 15 પેઢીથી મંદિર ડિઝાઇન અને નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા છે. હિંદુ અને જૈન ધર્મનાં મંદિરો બનાવવાનું તથા તેમનો જીર્ણોદ્ધાર કરવાનું કામ કરે છે. પરિવારે છેલ્લાં લગભગ 80 વર્ષ દરમિયાન દેશ-વિદેશમાં દોઢસો જેટલાં શૈવ, સ્વામીનારાયણ, હિંદુ અને જૈન મંદિરોના નિર્માણ તથા જીર્ણોદ્ધારનું કાર્ય કર્યું છે. તેઓ ઉત્તર ભારતની નાગર શૈલીના આધારે મંદિર બનાવવામાં નિપુણતા ધરાવે છે.

શામળાજી (શામળાજી, ગુજરાત), અક્ષરધામ (ગાંધીનગર, ગુજરાત), અક્ષરપુરૂષોત્તમ મંદિર (લંડન, યુકે), સર્વધર્મ મંદિર (બૅંગકોક, થાઇલૅન્ડ), શિવમંદિર (સિંગાપોર), 108 પાર્શ્વનાથ ભક્તિવિહાર (શંખેશ્વર, ગુજરાત), જૈન મંદિર (ન્યૂજર્સી, યુએસ), બુદ્ધ મંદિર (જકાર્તા, ઇન્ડોનેશિયા), મુકેશ અંબાણીના ઘરનું મંદિર (મુંબઈ, મહારાષ્ટ્ર), વગેરે મુખ્ય છે. આવા જ મહાન શિલ્પી ચંદ્રકાંતભાઈ સોમપુરા સાથે ચિત્રલેખા.કોમએ છોટી સી મુલાકાત વિભાગમાં વાતચીત કરી.

ચિત્રલેખા.કોમ: આપને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે, આ વિશે આપની શું પ્રતિક્રિયા છે?

ચંદ્રકાંત સોમપુરા: જ્યારે ભારત સરકાર તરફથી કોઈ એવોર્ડ મળે છે, ત્યારે તે ખૂબ જ ખાસ હોય છે. મારા દાદા પ્રભાશંકર ઓધડભાઈ સોમપુરાને પુનઃર્જીવિત સોમનાથ મંદિરની ડિઝાઇન માટે 1977માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હવે મને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો છે. રામ મંદિર પાછળ જે 40 વર્ષથી મહેનત કરી છે. સારા કામની કદર થઈ હોય તેવું લાગી રહ્યું છે. ખુબ જ આનંદ થઈ રહ્યો છે.

આપને રામ મંદિરની ડિઝાઈન તૈયાર કરવાનો અવસર મળ્યો એ વિશે આપનું શું કહેવું છે?

સોમપુરા પરિવાર બિરલા ગ્રુપના જેટલાં પણ મંદિર છે તેને તૈયાર કરે છે. ઘનશ્યામદાસ બિરલાના સૂચનથી રામજન્મભૂમિ આંદોલનનું નેતૃત્વ લેનાર વિશ્વ હિંદુ પરિષદના અશોક સિંઘલે મારો સંપર્ક સાધ્યો હતો.

દિલ્હી ખાતે વિ.હિ.પ.ના અગ્રણીઓની સાથે મારી બેઠક થઈ હતી. લગભગ ત્રણ દાયકા પહેલાં વિવાદાસ્પદ સ્થળે માપપટ્ટી લઈ જવાની મંજૂરી પણ ન હતી. અશોકજી મને ગાડીમાં બેસાડીની જન્મસ્થળ પર લઈ ગયા હતા. જો કે વધુ વિવાદ થાય તેમ હોવાથી તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યચા નહી. હું રામ જન્મસ્થળ કે જ્યાં અત્યારે મંદિર બનાવવામાં આવ્યું છે તે સ્થળ પર ગયો. પગથી માપીને એટલે કે દેશી યુક્તિ અપનાવીને મેં માપ લીધું હતું અને મંદિરની ત્રણ-ચાર ડિઝાઇન તૈયાર કરીને આપી હતી. જેમાંથી એક 1989માં પસંદ કરવામાં આવી હતી. જેનું લાકડાનું મોડલ બનાવીને મેં આપ્યું હતું. 1989માં યોજાયેલા કુંભમેળામાં એ લાકડાનું મૉડલ રજૂ કરવામાં આવ્યું હતું. એ મૉડલનો સ્વીકાર થયો હતો અને અભિયાન દરમિયાન તેનો ઉપયોગ થયો હતો. 2020માં રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યા બાદ લોકડાઉનમાં અમે કામ શરૂ કર્યું હતું. વર્ષ 1992માં વિશ્વ હિન્દુ પરિષદ અને અમારા વચ્ચે માત્ર બે પન્નાંના સાદા કરાર થયા હતા. જો કે નવગઠિત રામ મંદિર ટ્રસ્ટે પણ અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારી પાસે જ ડિઝાઇન બનાવડાવાનું નક્કી કર્યું. લૉકડાઉન દરમિયાન અમે ઑનલાઇન ડિઝાઇન્સ તૈયાર કરી હતી અને ટ્રસ્ટની પ્લાનિંગ કમિટી સમક્ષ રજૂ કરી હતી. સૂચનોના આધારે જ ઑનલાઇન સુધારા-વધારા કર્યા હતા, એ પછી ટ્રસ્ટે ફાઇનલ ડિઝાઇન પર મંજૂરીની મહોર મારી હતી. મંદિરનું કામ અત્યારે લગભગ 80 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. વર્ષ 2025ના અંત સુધીમાં રામ મંદિરનું સંપૂર્ણ કાર્ય પૂરું કરી દેવામાં આવશે.

અયોધ્યા રામ મંદિરમાં અમે સિંહ દ્વાર, રંગમંડપ, ગૂઢમંડપ અને ગર્ભગૃહ મૂળ ડિઝાઇન પ્રમાણે તૈયાર કર્યા છે. જો કે, ચર્ચાઓ બાદ ભાવિકોને વધુ સંખ્યામાં સમાવિષ્ટ કરી શકાય તે માટે નૃત્યમંડપ, ભોગ મંડપ તથા બાજુમાં કીર્તનમંડપ અને પ્રાર્થનામંડપ ઉપરાંત એક માળ પણ ઉમેરવામાં આવ્યો છે. મૂળ ડિઝાઈન બે માળની તૈયાર કરવામાં આવી હતી.

ભારતમાં મંદિર નિર્માણ અને મંદિરોની શૈલી વિશે આપ શું કહેશો?

એક સમયે અવિભાજિત ભારતમાં મંદિર નિર્માણની સોળ જેટલી શૈલી પ્રચલિત હતી. પરંતુ હાલમાં મુખ્યત્વે ત્રણ પ્રકારનાં જ મંદિરો જોવાં મળે છે અને તેનું નિર્માણ થાય છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં નાગર શૈલી, પૂર્વ અને મધ્ય ભારતમાં વસેરા જ્યારે દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીનું પ્રચલન છે. દક્ષિણ ભારતમાં પ્રવેશદ્વાર કે ગોપુરમ્ મોટું હોય છે અને તેની સરખામણીમાં મંદિરનું કદ નાનું હોય છે. તેઓ માને છે કે સંસારરૂપી મોટાં પાપો અને મોહમાયામાંથી પસાર થઈને આપણે સત્ય કે ઈશ્વરને સન્મુખ થઈએ છીએ. જ્યારે ઉત્તર ભારતમાં માનવામાં આવે છે કે ઈશ્વર જ સર્વોચ્ચ અને સર્વોપરી છે એટલે મંદિરમાં સૌથી ઊંચું સ્થાન ગર્ભગૃહના શિખરનું હોય છે. એટલે કે ભગવાનની ઉપર ધજા હોવી જોઈએ, ભગવાનનું શિખર ઊંચું હોવું જોઈએ.

સોમપુરા પરિવાર કેટલીય પેઢીઓથી મંદિર નિર્માણની કલાને સમર્પિત છે, આ કળાને જીવંત રાખવા માટે અવિરત પ્રયત્નશીલ છે. ત્યારે આપના પરિવાર વિશે થોડી માહિતી આપશો.

આમ તો અમારો સોમપુરા પરિવાર લગભગ 15 પેઢીથી આ કામ કરતો આવ્યો છે. મુંબઈમાં મોતીશા શેઠ દ્વારા બનાવવામાં આવેલું મોતીશા જૈન મંદિર આવેલું છે. તે મોતીશા શેઠ પાલિતાણામાં 250 વર્ષ પહેલાં આવ્યા હતા. તેમણે પાલીતાણામાં જૈન મંદિર બનાવવા માટે ઈચ્છા વ્યક્ત કરી. પાલીતાણાના ઠાકોર સાહેબે તે સમયે કહ્યું કે, નગરમાં જે સારો શિલ્પી હોય તેને બોલાવો. ત્યારે અમારી આઠ પેઢી પહેલાં દાદા થઈ ગયેલા રામજીભાઈ તેમને બોલાવવામાં આવ્યા. મારા દાદાએ કામ શરૂ કર્યું. કામ પૂરું થવાની તૈયારી હતી ત્યારે મોતીશા શેઠ મુંબઈથી જોવા માટે આવ્યા હતા. તેઓ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું કે, મેં બનાવ્યું છે તે તો દરેકને યાદ રહેશે, પરંતુ આ મંદિર તમે બનાવ્યું છે એ કોને યાદ રહેશે? આથી તેમણે મંદિરમાં પ્રવેશ માટે પહેલો રામપોર બનાવવામાં આવ્યો છે. સોમનાથના મંદિરને પુનઃસ્થાપિત કરવાનું કામ મારા દાદાએ કર્યું. મથુરામાં બિરલા દ્વારા કૃષ્ણજન્મસ્થાન મંદિર બાંધવામાં આવ્યું છે. જેનું નિર્માણકાર્ય પણ સોમપુરા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. અત્યારે મારા દીકરા નિખિલ અને આશિષ, નિખિલના બે દીકરા મારી સાથે આ કામમાં જોડાયેલા છે. આશિષનો નાનો દીકરો પણ ફાઈનલ યર આર્કિટેકનો અભ્યાસ કરી રહ્યો છે. તે પણ અમારી સાથે જોડાય શકે છે. અમારી આગામી પેઢીમાંથી પણ કોઈને વ્યવસાય બદલવાનો વિચાર આવી રહ્યો નથી. એ વાતની ખુશી છે. ભગવાનની દયા છે, અમે ભગવાનના ઘર બનાવીએ છીએ, ભગવાન અમારા ઘર બનાવે છે. આ સમગ્ર કાર્ય ખૂબ જ આનંદનો વિષય છે.

અત્યાર સુધી બનાવેલા મંદિરોમાંથી ક્યું કામ યાદગાર અને ખુબ જ મુશ્કેલ રહ્યું છે?

અયોધ્યામાં બનાવેલું રામ મંદિર અમારા માટે ખૂબ જ યાદગાર રહ્યું છે. 40 વર્ષ સુધી આ મંદિર બનાવવા માટે અમે ખૂબ જ મહેનત કરી છે. જો કે લંડનનું સ્વામીનારાયણ મંદિરનું કામ કરવું અમારે માટે ખૂબ જ અઘરૂં હતું. કારણ કે ત્યાંની સરકારના નિયમો ખૂબ જ અલગ હતા અને તેઓ આપણા મંદિર આર્કિટેક્ચરને સમજવા માટે તૈયાર જ ન હતા.  1983માં અમે મંદિરના કાર્ય માટે મિટિંગ કરી હતી. જો કે મંદિરના નિર્માણ માટેની પરવાનગી આપવામાં ત્યાંની સરકારે 12 વર્ષ જેટલો સમય લીધો હતો. આપણા ત્યાં મંદિરનો જે ડોમ કે ગર્ભગૃહ કહો તે તૈયાર કરવામાં સળિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો ત્યાંની સરકારનું કહેવું હતું કે, આ પ્રકારનું સ્ટ્રક્ચર ટકી જ ન શકે. મંદિર પડી જાય. આથી ત્યાંના અધિકારીઓએને અમે ભારત લાવ્યા અને મંદિરો બતાવ્યા અને પછી તેમણે અમને મંદિર બનાવવા માટે પરવાનગી આપી.

આગામી પેઢીના આર્કિટેક્ટ જે મંદિર બનાવવાની કળા શીખવા માગે છે, તેમને આપ શું કહેશો?

પ્રાચીન સમયથી આપણા ત્યાં શિલ્પશાસ્ત્ર આવેલું છે. પૌરાણિક માન્યતા મુજબ વાસ્તુવિદ્યાને 64 કળામાંથી એક ગણવામાં આવી છે. કોઈપણ મકાન કે દુકાન બનાવવાની હોય તો તેમાં તેના પાયાથી લઈને દરેક સ્તર પરની ડિઝાઈન હોય છે, શિલ્પકળામાં પણ સોઈલ ટેસ્ટિંગથી માંડીને આખા કવચ સુધીનું કામ કરવામાં આવે છે. દરેક ભગવાનના મંદિરનું શાસ્ત્ર અને ડિઝાઈન અલગ-અલગ હોય છે. આથી મંદિર આકિર્ટેકમાં પણ ખૂબ જ ઊંડો અભ્યાસ કરવો પડે છે. મારા દાદાજી મને કહેતા કે, મંદિર નિર્માણ વિશેના દરેક પાસા મેં મારી ચોપડીઓમાં લખી નાખ્યા છે. પ્રાચીન સમયમાં આર્કિટેકને જો 12 ભાગ્યા લખવું હોય તો તે, રવિ ભાગ્યા લખે. કારણ કે રવિ એટલે સૂર્ય અને સૂર્યના 12 નામ છે. જો કોઈ માપને 27થી ગુણવાના હોય તો તે સ્થ્ળ પર નક્ષત્ર ગુણ્યા લખ્યું હોય. કોડ ભાષાની જગ્યાએ મારા દાદાજીએ 16 પુસ્તકો સરળ ભાષામાં લખ્યા. જેમાં ‘જય પૃચ્છકમ’, ‘વાસ્તુસાર’, ‘ભારતીય શિલ્પસંહિતા પ્રતિમા કલાનિધિ’, ‘શ્રી વાસ્તુવિદ્યાયાં વાસ્તુશાસ્ત્રે’, ‘વાસ્તુ કલાનિધિ’, ‘જય પૃચ્છકમ’ વગેરે મુખ્ય છે.  જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જો મંદિર બનાવવા માગે છે, તે તેમના પુસ્તકોમાંથી જ્ઞાન મેળવી શકે છે. જો કે પ્રેક્ટિકલ જ્ઞાન આ ફિલ્ડમાં ખૂબ જ જરૂરી છે. મને મારા દાદાજીએ શામળાજી મંદિર તૈયાર કરવાનું હતું ત્યારે 3 વર્ષ રાખ્યો હતો. જેથી કરીને હું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકું. ખરેખર તો એ જ મારી સાચી શાળા હતી એમ હું અત્યારે પણ માનું છું.

(રાધિકા રાઓલ – અમદાવાદ)