મુંબઈની એક કોર્ટે 40 વર્ષ જૂના બળાત્કારના કેસમાં 70 વર્ષના આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. એની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા. 1986થી ફરાર આરોપીની મે 2024માં યુપીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી મુંબઈની સેશન્સ કોર્ટે ચાર સુનાવણીમાં કેસનો નિકાલ કર્યો હતો. કારણ કે આ કેસ સાથે જોડાયેલા મોટા ભાગના સાક્ષીઓ હવે આ દુનિયામાં નથી અથવા તો તેઓ મળી શક્યા નથી. કોર્ટે કહ્યું કે રેકોર્ડ પર એવો કોઈ પુરાવો નથી કે એ સાબિત કરે કે આરોપીએ મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. આવી બીજી ઘટના વિશે વાત કરીએ તો સુપ્રિમ કોર્ટે ઉત્તર પ્રદેશના વિષ્ણુ તિવારીના કેસને ટાંકીને અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરતા કહ્યું હતું કે એને વ્યક્તિગત ઝઘડાના કારણે બળાત્કારના કેસમાં ફસાવવામાં આવ્યો હતો. 20 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ એ નિર્દોષ સાબિત થયો. આવા તો કઇંક કેટલા કેસો છે જેમાં પુરુષ પર બળાત્કારના ખોટા આરોપ લાગે છે અને અંતે વર્ષો બાદ એ મુક્ત થાય છે. જો કે આજે વાત કરીએ ગુજરાતમાં વધી રહેલા બળાત્કારની ઘટના વિશે..
કોલકાતામાં ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ફરી એકવાર લોકોને એમની માતાઓ, બહેનો અને પુત્રીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સૌથી સુરક્ષિત કહેવાતા ગુજરાતની સ્થિતિ શું છે? એ જાણીએ..
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં રેપ અને ગેંગ રેપની 10 હજાર કરતા વધુ ઘટનાઓ બની છે. ગાંધીના આ ગુજરાતમાં દરરોજ 6 મહિલાઓ પર બળાત્કાર થાય છે. જો કે આ આંકડો તો પોલીસ ચોપડે નોંધાયેલો હોય એ છે. આ સિવાય જો તપાસ કરીએ તો ચોકાવનારો આંકડો સામે આવે.
આંકડા કહે છે..
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના પ્રમાણે ગુજરાતમાં મહિલાઓ સામે છેડતી, હુમલો, હત્યા, બળાત્કાર અને ઘરેલુ હિંસાના કેસ સતત વધી રહ્યા છે. દર વર્ષે મહિલાઓ પર થતા અત્યાચારના 7 થી 8 હજાર કેસ પોલીસ ડાયરીમાં નોંધાય છે. આના કરતાં પણ મોટા ભાગના કેસ નોંધાયા વિના જ બને છે. ગુજરાતમાં વર્ષ 2019-20માં 2200 બળાત્કાર અને 29 ગેંગ રેપની ઘટના બની હતી. એજ રીતે વર્ષ 2020-21માં 2076 રેપ, 27 ગેંગ રેપ, 2021-22માં 2,239 રેપ, 32 ગેંગ રેપ, 2022-23માં 2,209 રેપ 36 ગેંગરેપ જ્યારે 2023-24માં 2,095 રેપ અને 31 ગેંગ રેપની ઘટનાઓ બની છે.
આ આંકડાઓ અત્યંત ચિંતાજનક છે, પરંતુ એનાથી પણ વધુ ડરામણી વાત એ છે કે પોલીસ ગુનેગારોને પકડવામાં સતત નિષ્ફળ રહી છે. બળાત્કારના 194 ગુનેગારો હજુ પકડવાના બાકી છે, જેમાંથી 67 આરોપીઓ છેલ્લા 6 મહિનાથી ફરાર છે. 63 આરોપીઓ એક વર્ષથી અને 64 આરોપી બે વર્ષથી પોલીસથી નાસી છૂટ્યા છે. આ સંજોગોમાં ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત છે એ સવાલનો કોઈ જવાબ નથી.
સાઉદી અરેબિયા જેવા કાયદાની જરૂર છે
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગુજરાતના પ્રથમ પોલીસ સર્જન ડો. હસુમતીબહેન પટેલ કહે છે, હકીકતમાં કલકત્તા જેવી ઘટના એ ખુબ શરમજનક બાબત છે. આપણા ત્યાં કાયદા કડક હોવા જરૂરી છે. જો બળાત્કાર કરનારા માટે કડક કાયદાની જોગવાઈ થાય તો જ આ બાબતે કોઈ ઉકેલ મળી શકે. સાઉદી અરેબિયામાં જે પ્રમાણે કાયદા છે એ રીતના કાયદા જરૂરી છે. મારી દ્ધષ્ટિએ એ વાત સાવ ખરાબ છે. પોલીસ આ બાબતે વધુ સજાગ બનીને જે ગુનેગાર છે એમને સજા અપાવવાનું કામ કરે અને વિક્ટીમ મહિલા અને એમના પરિવારને સહાનુભૂતિ અને સહકાર આપે એ પણ જરૂરી છે.
સર્વે પ્રમાણે..
બ્રિટનમાં થયેલા એક સર્વે અનુસાર અડધા ભાગથી વધુ મહિલાઓ માને છે કે બળાત્કારી કરતાં બળાત્કારનો ભોગ બનેલી મહિલા જ એના પર થયેલા શારીરિક સિતમ માટે વધુ જવાબદાર હોય છે. પુખ્તવયની ૧,૦૦૦ મહિલાઓના કરેલા સર્વેમાં ૧૮થી ૨૪ વર્ષ સુધીની ૫૪ ટકા મહિલાઓ માને છે કે બળાત્કાર માટે બળાત્કારનો ભોગ બનેલી મહિલા જ વધુ જવાબદાર હોવી જોઇએ. આજ વયની ૨૪ ટકા મહિલાઓનું કહેવું છે કે ટૂંકાં વસ્ત્રો પહેરવા, બળાત્કારી સાથે ડ્રિંક્સ લેવું અથવા વાતચીત કરવી વગેરે બાબતોના કારણે ભોગ બનેલી મહિલા આંશિકરીતે જવાબદાર છે. લગભગ દર પાંચમી મહિલા માને છે કે હુમલા કરનારાના મકાનમાં મહિલા પાછી જાય તો ભોગ બનેલી જ મહિલા બળાત્કાર માટે દોષિત છે. જયારે ૧૩ ટકા મહિલાએ જણાવ્યું હતું કે કામુક અથવા માદક નૃત્ય અને ફ્લર્ટ કરવું વગેરે બાબત પણ ભોગ બનેલી મહિલાને આંશિક રીતે જવાબદાર ઠેરવે છે. આ સર્વે કરનારા સેકસ્યુઅલ એસોલ્ટ કિલનિકસના જણાવ્યા અનુસાર આ બ્લેમ કલચર(દોષ દેવો) જ બળાત્કારના ગુનાઓ સામે ફરિયાદ કરતાં ભોગ બનેલી મહિલાઓને અટકાવે છે. ‘વેક અપ ટુ રેપ’ શીર્ષક હેઠળ થયેલા આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે ૧૪ ટકા મહિલાઓ માને છે કે મોટાભાગના બળાત્કારના દાવાઓ ઉપજાવી કે બનાવી કાઢેલા હોય છે. ચેતવણીજનક બાબત એ છે કે સર્વેમાં જાણવા મળ્યું હતું કે દર ત્રણમાંથી એક પુરુષનો દાવો છે કે પોતાની સાથીની ઇચ્છા ન હોવા છતાં એની સાથે તે શારીરિક સંબંધ બાંધે તો એને તેઓ બળાત્કાર તરીકે નથી ગણતા. |
પુરુષની વિકૃત માનસિકતા સ્પષ્ટ કરે છે
ફેમીલી કોર્ટના વકીલ પૂજા પ્રજાપતિ ચિત્રલેખા.કોમને કહે છે, કલકત્તાની ઘટના એક ઘૃણાસ્પદ ઘટના છે. જે પુરુષની વિકૃત માનસિકતા સ્પષ્ટ કરે છે. આવા કેસમાં પુરુષને એવી સજા થવી જોઈએ જે અન્ય પુરષો માટે પણ સબક બને. બીજી બાજુ રેપ ન થયો હોય તો પણ પુરુષ પાસે પૈસા પડાવવા કે ખોટી રીતે એને બદનામ કરવા માટે પણ મહિલા આ રેપનો ઉપયોગ વેપન તરીકે કરે છે. જો કે એની માટે પણ મહિલા પર માનહાનીનો કેસ કરી શકાય છે. પરંતુ આવા કેસ બળાત્કારની થતી સાચી ઘટનાને ઢાંકવા માટે પુરતા નથી. કોઈ પણ મહિલા પોતાની જાતને સુરક્ષીત ન સમજી શકે એ સમાજ, સરકાર અને કાયદા માટે પણ શરમજનક બાબત છે.
ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય છે એમ માનવામાં આવે છે. પરંતુ જ્યારે બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓ સામે આવે ત્યારે ખરેખર એ સવાલ તો થાય જ કે મહિલાઓની સુરક્ષાનું શું? કારણ કે જ્યાં સુધી કલકત્તા જેવી કોઈ ઘૃણાસ્પદ બનાવ ન બને ત્યાં સુધી કોઈને ફરક જ નથી પડતો. પરંતુ હવે ખરેખર જાગવાની જરૂર છે, આવા બનાવો સામે બળવો પોકારવાનો સમય આવી ગયો છે.
હેતલ રાવ