અહમદશાહ બાદશાહએ વસાવેલી ઐતિહાસિક નગરી એટલે આજનું અમદાવાદ. પહેલાંના સમયમાં કોટ વિસ્તારની અંદર શહેર અને બહાર ચારેય તરફ અનેક ગામડાં અને કસ્બા વસેલા હતા. ઝડપથી થતાં શહેરીકરણના કારણે આજે અનેક ગામડાંઓ શહેરમાં સમાઈ જઈને તેનો એક વિસ્તાર બની ગયા છે. એમાનું એક ગામ કસ્બો એટલે આજનો અસારવા વિસ્તાર. હાલ સરકારી કચેરીઓ, રેલવે યાર્ડ, સિવિલ હોસ્પિટલના જુદા-જુદા વિભાગ, જૂની મિલો, નાના-મોટાં ઉદ્યોગોથી અસારવા વિસ્તાર ધમધમી રહ્યો છે.
આ જ અસારવા વિસ્તારમાં પૌરાણિક મંદિર અને વાવ પણ આવેલા છે. અસારવાથી ચામુંડા બ્રિજ તરફના માર્ગ પરના તળાવને અડીને આવેલી માતા ભવાનીની વાવ એક આગવું જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વાવમાં ટાંકેલી માહિતી અનુસાર માતા ભવાનીની આ વાવ 11મી સદીમાં તૈયાર કરવામાં આવી હતી. સોલંકી યુગમાં રાજા કરણે 1083 થી 1093 દરમિયાન આ કુવા, ઝરુખા સાથેની કલાત્મક બહુમાળી વાવ બનાવી હોવાનું અનુમાન છે. વાવની અંદર માતા ભવાની બિરાજમાન છે. આ સાથે અન્ય દેવી દેવતાઓ પણ બિરાજમાન છે. શિવલિંગ સાથે મહાદેવજી પણ આ ઐતિહાસિક વાવમાં છે. માતા ભવાનીની વાવની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં નવરાત્રિએ વાવમાં આસ્થાથી ગરબાની માંડવીઓને સજાવવામાં આવે છે. દીપોત્સવના તહેવારોમાં પણ આખીય વાવને સજાવી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)