આ છે અમદાવાદના નગરદેવી..

અમદાવાદના મધ્યમાં ભદ્રના કિલ્લા નજીકના ચોકમાં આદ્યશક્તિસ્વરૂપ ભદ્રકાળી માતાજી બિરાજે છે. મોગલ સામ્રાજ્યના બાદશાહ, સુબા અમલદારો સહિત આખુંય નગર જેની સમક્ષ શીશ ઝુકાવીને પૂજા અર્ચના કરતા. ભદ્રકાળી માતાને નગરદેવી કહેવામાં આવે છે. ઇ.સ.૧૪૧૧માં જ્યારે અહમદશાહે કર્ણાવતી નગરીની સ્થાપના કરી ત્યારે ભદ્રનો કિલ્લો બનાવ્યો હતો. એ સમયે પણ અહીં ભદ્રકાળીનું મંદિર હતું. અહમદશાહના પછીના બાદશાહો પણ ભદ્રકાળીમાં આસ્થા રાખતા. મુગલ સુબા આઝમખાન તરફથી ભદ્રકાળીને ચુંદડી અર્પણ થતી. એવી માન્યતા છે કે મરાઠાયુગમાં  પ્રકટ થયેલા ભદ્રકાળી માતાજી પાંડવોની કુળદેવી ગણાય છે.

ગુજરાતભરના લોકો ભદ્રની આસપાસના વિસ્તારમાં ભરાતા બજારમાં ખરીદી કરવા આવે છે. નવરાત્રિમાં તો માનવ મહેરામણ ઉભરાય છે. શ્રધ્ધાળુઓ પગપાળા માના દર્શન કરવા આવે છે. ‘મા’ને રોજ નવી ચુંદડી ઓઢાડવામાં આવે છે. ચૈત્ર મહિનામાં ભક્તો દ્વારા અનુષ્ઠાન કરાય છે. તંત્ર ચુડામણિ ગ્રંથમાં શક્તિપીઠોનું વર્ણન કરાયું છે એમાં ભદ્રકાળીનું વર્ણન છે. ચોરસ બાંધકામને ભદ્ર કહેવાય છે એટલે કાલી સાથે ભદ્ર શબ્દ લાગતા ભદ્રકાલી કહેવાયાં. સમગ્ર નગરને આ દેવીના આશીર્વાદ હોવાથી અમદાવાદ બારે દરવાજા બહાર વિકસતું જાય છે. નગરની જાહોજલાલી વધતી જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)