ગુજરાતમાં UCC એટલે કે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જેને લઈ પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી ટૂંક જ સમયમાં સરકારને UCC અંગેનો રિપોર્ટ સુપ્રત કરશે. જેના આધારે સરકાર વિધાનસભામાં UCC બિલ રજૂ કરશે અને બિલ પાસ થયા બાદ UCC કાયદા તરીકે લાગુ કરવામાં આવશે.
UCC, યુનિફોર્મ સિવિલ કોડની પહેલ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. UCCનો અર્થ એ છે કે તમામ નાગરિકો માટે, તેમના ધર્મ, જાતિ અથવા ભાષા ભલે અલગ-અલગ હોય. પરંતુ લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક લેવા જેવી નાગરિક બાબતો માટે એક સમાન કાયદા હોય. હાલમાં, વિવિધ ધર્મો માટે અલગ-અલગ વ્યક્તિગત કાયદા છે, જે અનેક બાબતોને નિયંત્રિત કરે છે. UCCનો ઉદ્દેશ્ય છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક કાયદા હોવા જોઈએ, જે લિંગ અને ધર્મના આધારે કોઈ ભેદભાવ ન કરે.
સી. પી. રાઠોડ, એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ
UCC એક્ટ એટલે તમામ ધર્મના પર્સનલ લોની જગ્યા પર એક સમાન કાનૂન બનાવવામાં આવે. અત્યારે તમામ ધર્મના રીત રિવાજ પ્રમાણે અલગ-અલગ કાયદા છે. UCC કાનૂનના ફાયદા પણ છે અને નુકસાન પણ છે. આપણો દેશ વિવિધતામાં એકતાનો દેશ છે. જ્યાં વિવિધ ધર્મના લોકો વસે છે, એટલે જ આ કાનૂન લાવવામાં થોડી મુશ્કેલી પડશે. પરંતુ જ્યુડિશિયલ રીતે જોવા જઈએ તો, ન્યાય પ્રણાલી એક સુઘડ અને સરળ બની જશે. એક રીતે જોવા જઈએ તો, આ નિર્ણય સીધો કોઈ પણ ધર્મ પર થોપવામાં આવશે તો, કોઈ પણ સ્વીકારી નહીં શેક. સરકારે તમામ ધર્મને માનસિક રીતે તૈયાર કરવા પડશે. કેમ કે, એક રીત રિવાજમાં જીવતા લોકો આ બદલાવ અમુક અંશે સમજી નહીં શકે. હા, જ્યારે પતિ અને પત્ની બંને અલગ-અલગ ધર્મના હોય તેવા કિસ્સામાં અત્યારે એક સ્પેશિયલ એક્ટની જરૂર છે, પણ UCCના લાગુ થયા પછી આ એક્ટની જરૂર નહીં પડે. મારા મત પ્રમાણે કાયદાકીય રીતે આ કાનૂન પોઝિટિવ ઈમ્પેક્ટ લાવશે.
સાજીદ મહમ્મદ ઈદ્રીશુસેન સૈયદ, સામાજિક કાર્યકર, આણંદ
UCC લાગુ કરવાથી ધર્મને લગતા કાયદા એક સમાન બની જશે. અત્યારે તમામ ધર્મના કાયદા અલગ-અલગ છે, એ પછી લગ્ન હોય કે છૂટાછેડા તમામ ધર્મના રીત રિવાજો પણ અલગ હોય છે. આપણા દેશમાં સંવિધાન છે, તમામ કાયદા પણ છે. પણ જ્યારે ધર્મની વાત આવે ત્યારે એ કાયદાને છંછેડવો ન જોઈએ. જો કોઈના ધર્મના રિવાજોને નુકસાન પહોંચશે તો એક સામાજિક માળખું તૂટવાની શક્યતા વધી જશે. હા, એ વાત છે કે ધર્મના રીત-રિવાજને છોડીને, લોકોના મતના આધારે UCC લાગુ કરી શકાય છે. પરંતુ આ કાયદો બનતા પહેલા તમામ ધર્મના અનુયાયીઓના મત લઈ, કોઈ પણ ધર્મને ઠેસ ન પહોંચે એ રીતે કાયદો લાગુ કરી શકાય. આવુ કરવાથી સમાનતા જળવાય રહેશે.
નિતીન પાઠક, આચાર્ય & સમાજશાસ્ત્રી, રંગપુર પ્રાથમિક શાળા, રંગપુર
આ નિર્ણયના બે પાસા છે, એક સારુ છે અને એક ખરાબ પણ છે. UCC લાગુ થવાથી તમામ ધર્મ એક સમાન બની જશે. હા, અમુક ધર્મના રીત-રિવાજો ફરી જવાથી UCCનો વિરોધ થશે. પણ મારા મત પ્રમાણે આ એક સારો નિર્ણય સાબિત થશે. આ નિર્ણયમાં લીવ-ઈનને લઈ જે કાયદો બનાવવામાં આવ્યો છે, તે સૌથી સારો છે. કેમ કે, આજ કાલ યુવાને લીવ-ઈનનો ગેરલાભ ઉઠાવે છે, તે બંધ થઈ જશે. એક રીતે જોવા જઈએ તો, આદિવાસી પ્રજાને આ નિર્ણયથી દૂર રાખે તો વધુ સારું. કેમ કે, તે લોકોની સંસ્કૃત ઘણી આકરી અને અનોખી હોય છે. આ કાયદો આવવાથી તેમના રીત-રિવાજો ખોરવાઈ જશે. દરેક કાયદાની બંને બાજુ હોય છે, ફાયદો અને નુકસાન કાયદાના લાગુ થયા પછી જ ધ્યાને આવશે. હા, એ વાત છે કે જે કમિટીની રચના કરવામાં આવી છે, ત્યાં દરેક ધર્મના લોકોનો સમાવેશ કરવો જોઈએ.
હેતલ અમીન, પ્રમુખ, કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ, અમદાવાદ
જો સરકાર કોઈ કાનૂન લાવતી હોય તો, એ કાનૂન કંઈક સમજી વિચારીને લાવતી હશે. UCC આવવાથી તમામ ધર્મના લોકોએ સમાન બની જશે. અત્યારે કેવું થાય કે સરકાર કંઈ પણ કરે સારું કે ખરાબ અમુક એવા લોકો હોય છે જે તે નિર્ણયનો વિરોધ કરે છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયમાંથી કંઈ પણ કરીને લુ ફોલ્ટ શોધી એકબીજાને ભડકાવે. જ્યારે કોઈ પણ ધર્મ સમાનતાની વાત કરતું હોય કે, સમાનતા નથી મળી તેમને એક ટેબલ પર લાવવા માટે જ સરકાર આ નિર્ણય કરે છે. આ સાથે UCC આવવાથી આજ યુવાનો જે ગેરમાર્ગે જઈ રહ્યા છે. તે અમુક અંશે અટકી જશે. મારા મત અનુસાર તો, UCCનો કાયદો સારો છે અને તેના અમલથી ગેરલાભ ઓછા અને ફાયદા વધુ થશે.
(તેજસ રાજપરા, અમદાવાદ)