અમેરિકામાં સરકાર બનાવતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ સમચાર માધ્યમોમાં રોજબરોજની હેડલાઈન બની ગયા છે. સરકાર બનતાની સાથે એમણે ધડાધડ એટલા નિર્ણય પર હસ્તાક્ષર કર્યા છે કે તેમણે નિર્ણયો લેવાનો વર્ષોનો રેકોર્ડ તોડી પાડ્યો છે.
હવે એમાં ઉમેરો થયો છે ટેરિફ અંગે લેવાયેલા નિર્ણયનો. ટ્રમ્પના આ નિર્ણયથી વિશ્વભરના દેશોની આયાત-નિકાસ પર અસર પડવાની છે અને કેટલાય દેશોના અર્થતંત્રની હાલત બદલાઇ શકે છે.
ભારત પણ એમાંથી બાકાત નથી. ટ્રમ્પ સરકારે ભારત પર 26% ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે. તેમણે અગાઉ નિવેદનમાં કહ્યું હતું કે જેટલો ટેરિફ ભારત વસૂલ કરે છે તેટલો જ ટેરિફ અમે પણ વસૂલ કરીશું. હા, એ વાત છે કે તેમણે ભારત જેટલો ટેરિફ વસૂલવાની જગ્યા પર અડધો ટેરિફ લાદવાની વાત કરી છે.
પરંતુ પ્રશ્ન એ થાય છે આ નિર્ણય પછી ભારતનો અમેરિકા સાથેનો વ્યાપાર સંબંધ કેવો હશે? ખાસ કરીને ભારતની અર્થતંત્ર પણ આ નિર્ણયની કેવી અસર થશે?
ડૉ. આત્મન શાહ, આસિસ્ટન્ટ પ્રોફેસર, અર્થશાસ્ત્ર વિભાગ, સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના વિવિધ દેશો ઉપર “રેસિપ્રોકલ ટેરિફ” નાંખીને અમેરિકાના “લિબરેશન ડે” ની ઉજવણી કરી હતી. જેનો મુખ્ય હેતુ અમેરિકાની વેપાર ખાધ ઘટાડવાનો છે. જો કે જે દેશો સાથેના વેપારમાં અમેરિકાને વેપાર પુરાંત છે જેમ કે યુ.કે., બ્રાઝિલ, સિંગાપુર તેવા દેશો ઉપરના ટેરિફમાં ટ્રમ્પે વધારો કર્યો છે. આમ જોવા જઈતો નિકાસના સંદર્ભમાં ભારતના પ્રતિસ્પર્ધી દેશોની સરખામણીએ ભારત પર ઓછો ટેરિફ લગાવવામાં આવ્યો છે. જ્યારે મલેશિયા અને યુરોપિયન યુનિયન દેશ પર ભારત કરતા ઓછો ટેરિફ લગાવવામાં આવ્યો છે. ટેક્સટાઈ, ટેલિકોમ, ફૂડ પ્રોડક્ટ, ઓઈલ અને ગેસ પ્રોડક્ટ્સ પર ટેરિફની માઠી અસર જોવા મળશે કેમ કે ભારતની નિકાસ અમેરિકામાં મોંઘી બનશે. તેની સામે ફાર્માસ્યુટીકલ્સ ઉપરના ટેરિફમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. ગોલ્ડ જ્વેલરીમાં ભારતને ફટકો પડી શકે છે જ્યારે ડાયમંડ અને સિલ્વર જેવલરીમાં ભારતને ફાયદો થશે કેમ કે થાઇલેન્ડ કરતાં 10% ઓછો ટેરિફ ભારત ઉપર નાખવામાં આવ્યો છે. ભારતને ફૂટવેર, ટેક્ટાઈલ, કેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં ફાયદો થવાની શક્યતા છે કેમ કે આપણા પ્રતિસ્પર્ધી દેશોમાં ટેરિફ વધારે છે પરંતુ તેની સાથે જ અન્ય ક્ષેત્રો જેવાં કે કાર્પેટ અને રેડીમેડ ગાર્મેન્ટમાં નુકસાન જશે કેમ કે બીજા દેશો કરતાં ભારત ઉપર વધુ ટેરિફ નાખવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ દેશની GDP ને 0.1% થી 0.6% ની અસર પહોંચવાની શક્યતાઓ છે. અહીં મહત્વનો મુદ્દો એ છે કે જો અન્ય દેશો પણ અમેરિકાની નિકાસ ઉપર ટેરિફ વધારશે તો વિશ્વમાં “ટેરિફ વોર” શરૂ થશે જેની નકારાત્મક અસર બંને દેશો ઉપર પડશે અને તે રીતે વૈશ્વિક સ્તરે પણ તેની નકારાત્મક અસરો જોવા મળશે.
સુનિલ દમણિયા, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, માર્કેટ્સ મોજો એસેટ મેનેજમેન્ટ
આ નિર્ણય પાછળ બે-ત્રણ મુખ્ય વસ્તુઓ અસર કરે છે. પહેલું, ટ્રમ્પે ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે, પરંતુ તે અંતિમ નથી. તેઓ ઈચ્છે છે કે વૈશ્વિક સ્તરે દેશો તેમની તરફેણ રહે છે અને તેમના સૂચનોને માન્યતા આપે છે તો અમેરિકા તેમના માટે ટેરિફ ઘટાડી પણ શકે છે. આ સાથે જો કોઈ દેશ તેમના સૂચન સામે કોઈ પગલુ ભરશે તેમના માટે અમેરિકા ટેરિફ વધારવાનો નિર્ણય પણ કરી શકે છે. પરિણામે, ઘણા દેશો અમેરિકા સામે બોલી શકશે નહીં અને તેમના દબાણ હેઠળ આવશે. તેમના નિર્ણયોને માન્યતા આપવી પડશે. ભારત એક એવો દેશ છે જે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધ ધરાવે છે. આ નિર્ણય “મેક અમેરિકા ગ્રેટ અગેઈન”ની દિશામાં પગલું છે. હાલમાં દેશો પોતાની પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સ્થાનિક અર્થવ્યવસ્થા સારું પ્રદર્શન કરે છે. રોકાણ માટે સ્થાનિક કંપનીઓ મને સારી લાગે છે.
રવિ દિયોરા, માર્કેટ એક્સપર્ટ અને કુંવરજી ગ્રુપના હેડ ઓફ રિસર્ચ, અમદાવાદ
ટેરિફનો નિર્ણય ભારત માટે મોટી ચિંતા નથી. આપણા દેશમાં ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી, ઈલેક્ટ્રોનિક્સ જેવા સેક્ટર છે, જ્યાં મશીનરી કરતાં લેબર વર્ક વધુ છે. આ ઉદ્યોગો અમેરિકા સાથે સારો વેપાર કરે છે, પરંતુ 26% ટેરિફથી નિકાસ મોંઘી થઈ શકે છે. જોકે, ભૌગોલિક તણાવથી સેક્ટરોમાં મંદી છે, અને હવે ટેરિફનો માર પણ પડશે. તેમ છતાં, ભારત અમેરિકાનું વિશ્વસનીય ટ્રેડ પાર્ટનર છે. આ નિર્ણય બાદ વ્યાપારની દ્રષ્ટીએ આપણી પાસે એક સારી તક છે. મારા મતે, આ ટેરિફ રેટ વાજબી છે, કારણ કે બીજા દેશોની તુલનાએ ભારત પર ઓછો ટેરિફ છે. અમેરિકામાં લેબરની કમી છે, જ્યારે ભારત સસ્તું લેબર અને સુવિધાઓ આપે છે. આપણે ચીનની 54% ટેરિફની સરખામણીએ 26% પર સસ્તી નિકાસ અને ટ્રાન્સપોર્ટેશન આપી શકીએ છીએ. આપણે એક બિલિગ પોઈન્ટ પણ બંને દેશો વચ્ચે બની શકીએ. શરૂઆતમાં ટેરિફથી મુશ્કેલી લાગશે, પરંતુ ભવિષ્યમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. ગ્લોબલ અર્થતંત્ર પર અસર પડશે, પરંતુ ટેક્નોલોજી, મેટલ્સ અને એનર્જી સેક્ટરમાં અસર વધુ જોવાશે. ભારતનું માર્કેટ સ્થિર છે, અને સ્થાનિક માંગ તેને સપોર્ટ કરશે. પરંતુ બીજા દેશોના માર્કેટની સરખામણીએ આપણું માર્કેટ ઘણું સ્ટેબલ રહ્યું છે. હા એ વાત ગ્લોબલી માર્કેટ સુધરે નહીં, આપણું માર્કેટ પોઝીટીવ તો નહીં જ થાઈ.
ભાવિક રાઠોડ, ખાનગી કંપનીમાં ટેલેન્ટ એન્ડ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન લીડ, રાજકોટ
ટ્રમ્પના 26% ટેરિફના નિર્ણયથી ભારતના વેપાર દૃષ્ટિકોણમાં ફેરફાર થઈ શકે છે. અમેરિકા, જે ભારતનું મુખ્ય નિકાસ બજાર છે, ત્યાં ટેક્સટાઈલ, જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોને ફટકો પડશે, કારણ કે નિકાસ મોંઘી થશે. આનાથી ટૂંકા ગાળામાં નફાકારકતા અને સ્પર્ધાત્મકતા પર અસર થશે. જોકે, ચીન અને વિયેતનામ જેવા દેશો પર વધુ ટેરિફ હોવાથી ભારતને પ્રમાણમાં ફાયદો થઈ શકે છે. ભારતની મજબૂત સ્થાનિક માંગ અને ઓછી વેપાર નિર્ભરતા તેને સ્થિર રાખશે. સરકારે અમેરિકા સાથે વાટાઘાટો અને નવા બજારો શોધીને આ પડકારનો સામનો કરવો જોઈએ. લાંબા ગાળે, આ નિર્ણય ભારતને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મજબૂત સ્થાન આપી શકે છે.
હિતેશ પટેલ, બિઝનેસમેન, અમદાવાદ
ટ્રમ્પનો 26% ટેરિફનો નિર્ણય ભારતના વેપાર દૃષ્ટિકોણને ટૂંકા ગાળામાં નુકસાન પહોંચાડશે. અમેરિકા અમારું મોટું બજાર છે, અને ટેક્સટાઈલ, જ્વેલરી જેવા ઉદ્યોગોમાં નિકાસ મોંઘી થશે, જેનાથી નફો ઘટશે. પરંતુ ચીન પર 54% ટેરિફ હોવાથી, ભારતને સ્પર્ધામાં ફાયદો થઈ શકે છે. અમેરિકામાં લેબરની કમી છે, જ્યારે ભારત સસ્તું લેબર અને સુવિધાઓ આપી શકે છે, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. ભારતે અન્ય બજારો જેમ કે યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સરકારે અમેરિકા સાથે વાટાઘાટો કરીને ટેરિફ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. આ નિર્ણયથી શરૂઆતમાં મુશ્કેલીઓ આવશે, પરંતુ યોગ્ય વ્યૂહરચના સાથે ભારત આ પડકારને તકમાં ફેરવી શકે છે
(તેજસ રાજપરા, અમદાવાદ)
