Opinion: શું પેકેજ્ડ લેબલના મોટા અક્ષરોથી લોકો સાવધાન થશે?

ગુજરાત સહિત ભારતમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હ્દયને લગતા રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. નિષ્ણાંતોના મતે અવ્યવસ્થિત ખોરક જ આ પ્રકારના રોગ થવાનું મૂળભૂત કારણ બની શકે છે. પેકેજ્ડ ફૂડના વધતા વપરાશ વચ્ચે લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી રહી છે. આવા ખાદ્ય પદાર્થોમાં સુગર અને ફેટનું પ્રમાણ કેટલું હોય છે, તેની જાણકારી ગ્રાહકો સુધી પહોંચે તે આજના સમયની મોટી જરૂરિયાત છે. આ સાથે જાણકારી મેળવવાની જાગૃતતા ગ્રાહકોમાં આવવી તે પણ મોટો પડકાર છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતા દાખવી છે અને ત્રણ મહિનામાં પેકેજ્ડ ફૂડ પર સુગર અને ફેટની માત્રા દર્શાવતા લેબલ લગાવવા માટે નિયમો ઘડવાનો આદેશ આપ્યો છે.

આ પગલું લોકોને તેમના આહાર વિશે સભાન કરવા અને મેદસ્વિતા, ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી બચાવવા માટે મહત્વનું પગલુ માનવામાં આવે છે. ઘણી વખત ગ્રાહકો લેબલ પરની જટિલ માહિતીને સમજી શકતા નથી, જેના કારણે તેઓ અજાણતાં જ અસ્વસ્થ ખોરાકનું સેવન કરી લે છે. પરંતુ પ્રશ્ન એ થાય કે, આ નવો નિયમ લાગુ થશે તો ખાદ્ય ઉદ્યોગોમાં પારદર્શિતા આવશે? શું લોકો અખાદ્ય ખોરાક ખાતા અટકશે?

ડૉ. ધારા લાખાણી, આયુર્વેદિક અને ડાયટ કન્સલ્ટન્ટ

કોઈ પણ ફૂડ પેકેજ્ડમાં “શૂગર ફ્રી” લખ્યું હોવા છતાં તેમાં અલગ અલગ નામની ખાંડ છૂપાયેલ હોય છે, જેમ કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, કોર્ન સિરપ. આ ઉપરાંત “0% ટ્રાન્સ ફેટ” હોય તો પણ પાર્શિયલી હાઈડ્રોજેનેટેડ ઓઈલના રૂપે ફેટ હોય છે, જે હૃદય માટે ખૂબ ખરાબ હોય છે. કેટલાક પેકેજ્ડમાં રંગ અને ફ્લેવર તો લાજવાબ લાગે છે, પણ તે કેમિકલથી બનેલા હોય છે, જે ત્વચા, લિવર અને દિમાગ પર અસર કરે છે. આ ઉપરાંત પામ ઓઈલ, સસ્તું હોય છે, તેથી બજારના પેકેજ્ડમાં વધારે તે જ ઓઈલ વપરાઈ છે, પણ તેનાથી શરીરમાં સોજો અને કોલેસ્ટ્રોલ વધી જવાની બીમારી થવાની સંભાવના રહે છે. ઘણી વખત વેપાર વધારવા માટે પેકેજ્ડમાં પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે શરીરમાં લાંબા ગાળે ઝેરનું કામ કરે છે.

દરરોજ પેકેજ્ડ ફૂડ ખાવાથી લાંબા સમયે મેદસ્વિતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ રોગ, કિડનીની તકલીફો અને બાળકોમાં એકાગ્રતાના અભાવ જેવી બીમારીનો સામનો કરવો પડી શકે છે. આપણે પેકેજ્ડ લેતા પહેલા તેને યોગ્ય રીતે વાંચવું જોઈએ. દરેક વખતે કંપનીઓ “serving size” એવું લખે છે જે ખાવાની માત્રા કરતા બહુ ઓછી હોય, એટલે ખોટી રીતે ઓછું જોવા મળે. તમે આખું પેકેટ ખાધું તો ખાંડ અને મીઠું બધું બમણું થાઈ. ખાતા પહેલા એક general rule રાખવો જોઈએ કે, જો પેકેટ પર 5 કરતાં વધુ એવી વસ્તુઓ લખેલી હોય જે તમે સમજી ના શકો, તો એ પેકેટ તમારી પ્લેટ માટે નહીં હોય. આપણે લેબલ વાંચવાનું શીખવું જોઈએ અને આપણે સાથે બાળકોને પણ આ સમજણ આપવી જોઈએ.

રાજુભાઈ સરવૈયા, સામાજિક કાર્યકર, અમદાવાદ

સુપ્રીમ કોર્ટનો પેકેજ્ડ ફૂડ પર સુગર અને ફેટની માત્રા દર્શાવતા લેબલ લગાવવાનો આદેશ એક સકારાત્મક પગલું છે. ગુજરાત સહિત ભારતમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયરોગના કેસ વધી રહ્યા છે અને આનું મુખ્ય કારણ અવ્યવસ્થિત ખોરાક છે. આ નિયમથી ગ્રાહકોને જાણકારી મળશે, પણ માત્ર લેબલથી કામ નહીં ચાલે; જાગૃતિ ફેલાવવી અનિવાર્ય છે. આ માટે આપણે શાળાઓ, કોલેજો અને ગામડાઓમાં અભિયાન ચલાવીને લોકોને લેબલ વાંચવાનું અને સ્વસ્થ આહારનું મહત્ત્વ સમજાવવું જોઈએ. સોશિયલ મિડીયા પર વિડીયો અને ઇન્ફોગ્રાફિક્સ દ્વારા યુવાનો સુધી પહોંચી શકાય. સરકારે પણ ખાદ્ય ઉદ્યોગો પર કડક નિયંત્રણ લાવવું જોઈએ અને અતિશય ખાંડ-ચરબીવાળા ઉત્પાદનો પર ટેક્સ વધારવો જોઈએ. સ્થાનિક સ્તરે સ્વસ્થ ખોરાકના વિકલ્પોને પ્રોત્સાહન આપવા બજારોમાં જાગૃતિ મેળાઓ યોજાય. નાના વેપારીઓને પણ સામેલ કરીને પૌષ્ટિક ખાદ્યપદાર્થોનું ઉત્પાદન વધારવું જોઈએ. આ નિયમનો અમલ થાય તેની ખાતરી માટે સમાજે સરકાર પર દબાણ રાખવું પડશે. જાગૃતિ અને પગલાંથી જ આપણે આરોગ્યની આ કટોકટીને રોકી શકીશું.

અલ્પા ચૌહાણ, ગૃહિણી, અમદાવાદ

પેકેજ્ડ ફૂડ પર સુગર અને ફેટની માત્રા દર્શાવતા લેબલ ફરજિયાત થવાથી ઘણો ફાયદો થશે. આજે બજારમાંથી ખરીદેલી વસ્તુઓ ઘરમાં લાવીએ છીએ, પણ તેમાં શું છે તેની પૂરી જાણકારી નથી હોતી. સુપ્રીમ કોર્ટનો આદેશ લોકોને સભાન કરશે અને અમને પરિવાર માટે સ્વસ્થ ખોરાક પસંદ કરવામાં મદદ કરશે. પણ માત્ર લેબલથી કામ નહીં ચાલે; ગ્રાહકોમાં જાગૃતિ પણ જરૂરી છે. ખાદ્ય ઉદ્યોગો પારદર્શી બને તો સારું, પરંતુ ગૃહિણીઓએ પણ લેબલ વાંચીને સમજવાની આદત રાખવી પડશે. આ નિયમથી બાળકો અને મોટેરાંને અખાદ્ય ખોરાકથી બચાવી શકાશે, જે આરોગ્ય માટે શ્રેષ્ઠ પગલું છે.

માધવ ફિચડીયા, એન્ટરપ્રેન્યોર, જૂનાગઢ

પેકેજ્ડ ફૂડ પર સુગર અને ફેટની માત્રા દર્શાવતા લેબલ લગાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ ખૂબ જરૂરી છે. આજના યુવાનો, જેમાં હું પણ સામેલ છું, નાનપણથી જ ચિપ્સ, ચોકલેટ, ફાસ્ટ ફૂડ જેવી પેકેટની વસ્તુઓ ખાઈને મોટા થયા છે. પણ આની અસર ભવિષ્યમાં સ્થૂળતા, ડાયાબિટીસ કે હૃદયરોગ તરીકે સામે આવી શકે છે, જે ચિંતાજનક છે. આ નિયમથી અમને ખબર પડશે કે અમે શું ખાઈએ છીએ, અને ખોટી આદતો સુધારવાની તક મળશે. ખાદ્ય ઉદ્યોગો પારદર્શી બને તો સારું, પણ યુવાનોએ પણ જવાબદારી લઈને સ્વસ્થ વિકલ્પો તરફ વળવું પડશે. માત્ર લેબલ નહીં, જાગૃતિ અને સંયમથી જ આપણે ભવિષ્યમાં બીમારીઓથી બચી શકીશું.

(તેજસ રાજપરા, અમદાવાદ)