વિકાસની હરણફાળ ભરી રહેલા ભારતની અર્થવ્યવસ્થા હાલ પાંચમા નંબરે આવી પહોંચી છે. વિકાસ થયો છે તો સાથે લોકોની સંખ્યા પણ વધી છે. 2023માં ભારત આખા વિશ્વને પાછળ છોડી સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો.
આપણા દેશમાં ‘અમે બે અમારા બે’ સૂત્ર સાથે પરિવારમાં બે બાળક રાખવાની અપીલ કરવામાં આવી, પરંતુ હમણાં RSSના વડા મોહન ભાગવતનું એ મતલબનું નિવેદન ચર્ચામાં છે કે, હિન્દુઓએ બેથી વધુ બાળકો પેદા કરવા જોઇએ.
એક તરફ દેશ કુપોષણ અને રોજગારીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે બીજી તરફ એક જ પરિવારમાં બેથી વધુ બાળકો પેદા કરવાની આ વાત પર દેશમાં અલગ અલગ મત પ્રવર્તી રહ્યા છે. કોઇ કહે છે કે, વસ્તી નહીં વધારાય તો હિન્દુઓ ભવિષ્યમાં લઘુમતીમાં આવી જશે અને એના અસ્તિત્વ સામે ખતરો ઊભો થશે તો એની સામે કોઇ એવી દલીલ કરે છે કે, હિન્દુઓએ વસ્તીની ચિંતા કરવાના બદલે દેશમાં હાલ કુપોષણ, રોજગારી સહિત પાયાની માનવીય સુવિધા તરફ ધ્યાન આપવાની જરૂર છે.
આવો જાણીએ, સમાજના વિવિધ ક્ષેત્રના લોકો શું કહે છે આ બાબતે…
પ્રો. આત્મન શાહ, અર્થશાસ્ત્ર વિભાગ, સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ
“ભારતની વસ્તી હાલની તકે 140 કરોડને પાર પહોંચી ગઈ છે. હવે એમાં પણ જો વસ્તી વધારાની વાત કરો તો, તેની સામે ગુણવત્તાયુક્ત રોજગારી, મેડિકલ સુવિધા, શિક્ષણ સુવિધા ઊભી કરવી પડે. જેના માટે સરકારે ખુબ મોટું મૂડીરોકાણ કરવાની જરૂર પડે. પરંતુ જો આ તમામ સુવિધા ઉપલબ્ધ કરાવ્યા વિના બાળકોની સંખ્યા વધી તો શું બાળકોનું ભવિષ્ય સુઘડ બનશે? ભારતમાં ઘણાં લોકો છે જેના માટે એક બાળકનો ખર્ચ પણ મોંઘો પડે છે. વધતા શહેરીકરણ અને મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિક શું ત્રણ બાળકોની જવાબદારી ઉપાડી શકશે? મારા મત પ્રમાણે વસ્તીનીતિને કોઈ ધર્મ કે સમાજને ધ્યાનમાં રાખીને નહિ પરંતુ વસ્તીની સામાજીક અને આર્થિક પરિસ્થિતિ જોઈને જ નક્કી કરી શકાય.”
ડો.સુનિલ શાહ, સ્ત્રીરોગ નિષ્ણાત, અમદાવાદ
“રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતા તમામ સ્ટેટમેન્ટ સામાજિક છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈપણ વધુ ફરક પડતો નથી. આમ જોવા જઈએ તો બે બાળક કરો કે ત્રણ, મહિલાઓમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કોઈ ફેરફાર થતો નથી. જ્યારે પરિવારની આર્થિક સ્થિતિ સારી હોય તો કોઈ ફરક નથી પડતો. પરંતુ આપણે ત્યાં મધ્યમ વર્ગનું પ્રમાણ મોટું છે. ગરીબ કે નીચલા મધ્યમ વર્ગના પરિવારોમાં પોષણ, લોહીની ટકાવારી અને વિટામીન જરૂરિયા કરતા ઓછા પ્રમાણમાં હોય છે. એટલા માટે તંદુરસ્તીને ધ્યાને રાખી ઓછા બાળકો હોય તો વધુ સારું. જો માતા પિતાની સારી તંદુરસ્તી હોય તો બાળકોની સંખ્યાથી ફરક નથી પડતો.”
ડૉ. શીતલ પંજાબી, શાશ્વત ફાઉન્ડેશન, અમદાવાદ
“એ વાત સાચી કે, ભારતની વસ્તી કંટ્રોલમાં રાખવા માટે બે બાળકો જ કરવા જોઈએ છે. પરંતુ વિસરતા સમાજે ધાર્મિક દ્રષ્ટિને ધ્યાને રાખી અને જે લોકો સધ્ધર હોય તેવા લોકો માટે ત્રણ બાળકો આવકાર દાયક છે. મારૂં એવુ માનવુ છે કે આપણે જો વધુ બાળક ન કરીએ તો કોઈક બીજી રીતે ભારતના વિકાસમાં આપણું યોગદાન આપીએ. હાલના સમયમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરેલા લોકો એક બાળક કરવાનું પસંદ કરે છે, જ્યારે એક બાળકથી વધુ બાળક ન કરવા હોય ત્યારે આપણે સ્ત્રીબીજ અને પુરુષ બીજદાન કરવા જોઈએ, અને ભારતના વિકાસમાં આપણું યોગદાન આપવું જોઈએ.”
તૃપ્તિ બિમલ ગંધા, નાગરિક, અમદાવાદ
“હાલ પરિસ્થિતિ પ્રમાણે ત્રણ બાળકો સામાન્ય નાગરિકને ના પોસાય, હા એ વાત છે કે એક બાળકની કંપની માટે બીજા માટે વિચારી શકાય. પરંતુ અત્યારની મોંઘવારી પ્રમાણે જરૂરિયાતના હોય તો ત્રણ બાળકો ના જ કરવા જોઈએ. જો ત્રણ બાળકો હશે તો માતા અને પિતાના પ્રેમના પણ વધુ ભાગલા પડી જાય. અત્યારના સમયમાં એક બાળકના એજ્યુકેશનનો ખર્ચ ઉઠાવો પણ આકરો પડતો હોય, ત્યારે ત્રણ બાળકોના એજ્યુકેશન ખર્ચને કેમ પહોંચી વળવા? આ ઉપરાંત હવે સંયુક્ત કુટુંબ રહ્યા નથી અને વિભાજીત કુટુંબમાં ત્રણ બાળકોનો ઉછેર કરવો મુશ્કેલ બને. એટલા માટે મારા મત મુજબ એક કે બે બાળક કરવા જોઈએ.”