અત્યારના સમયમાં બાળકોને રઝીવવા કે શાંત રાખવા માટે મોબાઈલ ફોન એક મહત્વનું સાઘન બની ગયું છે. બાળકો પણ ટીવી, ઓનલાઈન જાહેરતો જોઈને નવી નવી ગેમ્સ રમવાનું શરૂ કરે છે. ઘણી વખત તો એવી ગેમ્સ રમવાનું શરૂ કરતા હોય છે, જ્યાં શરૂઆતમાં કંપની રીવર્ડ અને જોઈનીગ બોનસના નામે બાળકોને ટાર્ગેટ કરતા હોય છે. લોભામણી ઓફર જોઈ બાળકો પણ તેમાં જોડાતા હોય છે. આવી એપ્સ રૂપિયા રોકીને ઝડપથી નફો કમાવવાના સપના બતાવે છે, જેના કારણે ઘણા લોકો તેમાં જોડાઈ રહ્યા છે. પરંતુ આની પાછળનું જોખમ અનેક ચિંતાઓ ઉભી કરે છે. ઘણી વખત હારના કારણે લોકો નાણાકીય નુકસાન ઉપરાંત માનસિક તણાવનો પણ સામનો કરે છે, જેના પરિણામે ખોટાં પગલા ભરી લે છે.
આવી એપ્સની લાલચ અને તેની સામાજિક અસરો પર ચર્ચા જરૂરી છે. શું આ એપ્સ ખરેખર આર્થિક લાભ આપે છે, કે તે ફક્ત જોખમી જુગારનું સ્વરૂપ છે?
ડૉ. રામાશંકર, M.D. મનોચિકિત્સક, માનસિક આરોગ્યની હોસ્પિટલ, અમદાવાદ
“મનુષ્યના મગજમાં પ્લેઝર સર્કિટ રહેલું છે, જે ઓનલાઈન બેટિંગ એપ્સ કે વેબસાઈટ્સ દ્વારા નફો મળવાથી જે સક્રિય થાય છે. આનાથી જીતની આશામાં વ્યક્તિ વારંવાર આ પ્રવૃત્તિ તરફ ખેંચાય છે. રિવોર્ડ કે નફાની લાલચમાં જ આવીને યુવક-યુવતીઓ ઘણું ગુમાવે છે. આવી વસ્તુની આદત કોઈ આપણા સર્કરમાં રમતા હોય ત્યાંથી પડી શકે અથવા તો લુભામણી જાહેરાતોથી થાય છે. ઘણી વખત એવું બનતુ હોય કે, હારેલી રકમ પાછી મેળવવાની લાલસામાં વ્યક્તિ રમત ચાલુ રાખે છે. જ્યારે નુકસાન વધી જાય, ત્યારે ફિયર સર્કિટ સક્રિય થઈ, વ્યક્તિ આઘાત કે ગિલ્ટમાં સરી પડે છે. નાનું નુકસાન હોય તો તેની ભરપાઈ શક્ય છે, પરંતુ મોટું નુકસાન ખોટાં પગલાં તરફ દોરી જાય છે. આવી ઘટનાઓ બાળકોમાં પણ જોવા મળે છે. તેઓ વાલી પાસેથી રૂપિયા લઈને રોકાણ કરે છે, હાર્યા છતાં લાલચમાં ફરી રમે છે અને નાની ઉંમરે ખોટાં પગલાં ભરી લે છે. પહેલી ભૂલ બાદ પણ બાળકો રોકાતા નથી. મોટા લોકોમાં સોશિયલ પ્રેશરના કારણે પણ એક સમય પર આવી પ્રવૃતી વારંવાર કરવાથી રોકાય જતા હોય છે. તો ઘણી વખત નશીલા પદાર્થોનો ઉપયોગ કરનારાઓમાં આવી ભૂલોનું પુનરાવર્તન વધુ થાય છે, કારણ કે તેમનું મન નિયંત્રણ ગુમાવે છે.”
જ્ય શુક્લા, ઈન્ફલુએન્સર
“એક ઇન્ફ્લુએન્સર તરીકે હું કોઈ પણ એપનું પ્રમોશન કરતા પહેલા તેનો સંદેશ કેવો છે તે ચકાસું છું. જો એપ સામાન્ય લોકોને નુકસાન પહોંચાડે તેવો સંદેશ આપતી હોય, તો હું તેનું પ્રમોશન કરવાનું ટાળું છું. કેટલીક એપ્સ માત્ર ગેમિંગના દૃષ્ટિકોણથી પ્રમોટ થાય છે અને તેમાં નાણાકીય બાબતોનો ઉલ્લેખ નથી હોતો. આવી એપ્સ પ્રમોશન માટે યોગ્ય ગણી શકાય. પ્રમોશન ઇન્ફ્લુએન્સર માટે આજીવિકાનું સાધન છે, પરંતુ વ્યક્તિગત લાભ માટે સમાજમાં ખોટો સંદેશ ન જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી વખત સેલિબ્રિટીઝ પણ ટીવી પર આવી એપ્સનું પ્રમોશન કરે છે, જેનાથી ક્રિએટર્સને લાગે છે કે, જો તેઓ કરી શકે, તો અમારું શું ખોટું? જો સરકારને આવા સંદેશાઓથી સમસ્યા હોય, તો આવી એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવવી જોઈએ. એપ ન હોય તો આવા પ્રશ્નો ઊભા ન થાય. આ એપ્સની અલગ-અલગ કેટેગરી હોય છે, તેથી સરકારે આવી એપ્સનું લિસ્ટ અધિકૃત પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવું જોઈએ, જેથી લોકો જાગૃત થાય અને ક્રિએટર પ્રમોશન પણ ન કરે. નિયમો બનાવવામાં આવે તો તે સૌ પર સમાન રીતે લાગુ થવા જોઈએ, પછી ભલે તે સેલિબ્રિટી હોય કે ઇન્ફ્લુએન્સર.”
સચિન બારોટ, બિઝનેસમેન, કલોલ
“જો દુનિયામાં બધી વસ્તુથી આપણે બાળકોને બચાવી શકતા નથી અથવા તો તેના પર રોક લગાવી શકતા નથી. ઘરેમાંથી નહીં બહારથી, બહારથી નહીં ટીવી મોબાઈની દુનિયામાંથી બાળકને જે સમજવું હશે તે સમજી જશે. ઉમરને ધ્યાને રાખી બાળક સાથે વર્તન કરવું જોઈએ. હા તે ગેમ રમવાથી રોકી ન શકીયે તો શાંત મગજ સાથે તેને ગેમના નુકસાન વિષે સમજાવવું જોઈએ. આ તો વાત થઈ ગેમ્સની પણ બીજી બાજું બાળકને આપણે નાણાકીય જવાબદારીનું મહત્વ સમજાવવું જોઈએ. ઝડપી કમાણીની જાહેરાતો પાછળ જોખમ હોવાની સમજણ આપણે જ આપી શકીએ. બીજું, ઓનલાઈન ગેમ્સ અને એપ્સનો ઉપયોગ મર્યાદિત કરી દેવો જોઈએ. તેમની પ્રવૃત્તિ પર નજર રાખીએ જોઈએ. સંતાન સાથે ખુલ્લીને વાત કરીએ, જેથી તેઓ આવી એપ્સની લાલચમાં ન આવે. સ્માર્ટફોનનો ઉપયોગ માટે પેરેન્ટલ કંટ્રોલ ટૂલ્સનો ઉપયોગ કરી શકાય. સૌથી મહત્વનું, આપણે સ્વયં જવાબદારીભર્યું વર્તન કરી દાખલો બેસાડીએ, જેથી સંતાન સાચી દિશામાં ચાલે.”
આયુષ ધીનોજા, GEM Z યુવાન, અમદાવાદ
“એવું નથી કે, આવી એપ્સ માત્ર મેચ દરમિયાન ચાલે છે. ઘણી એવી એપ્સ પણ છે જે બીજી ગેમ્સ આપીને પણ લોકોને લુટવાના ધંધા કરે જ છે. ગેમ્સ વસ્તુ એક ખાય જેવું છે, જેનું તળીયું દેખાતું નથી. હા, જાહેરાતો જોઈ લોકો તેની તરફ આકર્ષાય છે. પણ તેમાં છેલ્લે એવું બોલે છે, વ્યક્તિનું જોખમ આ ગેમ છે. પોતાની સાવધાની રમો. આ ટીવ પર આવેલી વાત સાચી ગણાય છે પણ સામે બેઠેલા વ્યક્તિની વાત નકારવામાં આવે છે. તેમા પણ બોસર, રિવર્ડ મળતા હોય એટલે એવું લાગે કે હા આતો મફતના રૂપિયા મળે છે. તેમાં પણ રીલ્સના જમાનામાં રીલ્સથી પણ ગેમ્સની જાહેરાત થાય છે. એટલે બધાને વાત 100 ટકા સાચી લાગે. જ્યારે સરકારને ખબર જ છે કે આવી વસ્તુથી લોકોને જોખમ થશે એ વસ્તુ ચાલુ જ શુ કામ રાખવી જોઈએ બંધ કરી દેવી જોઈએ. આપણે ત્યાં ટીકટોક બંધ થયું તેમ આવી એપ્સ પર પણ પ્રતિબંધ લગાડવો જોઈએ. ઘણા યુવાનો મેચના જોશમાં રૂપિયા રોકે છે, પણ હારવાથી નિરાશા અને કેટલાક કિસ્સામાં ખોટાં પગલાં ભરાય છે. આ એપ્સની લત લાગે તો બચત, કારકિર્દી અને પરિવાર પર અસર પડે છે. આપણે રમતનો આનંદ માણીએ, પણ જવાબદારીપૂર્વક. બેટિંગને બદલે સ્વપ્નને હકીકત બનાવવા મહેનત કરીએ!”
(તેજસ રાજપરા)
