સમય સાથે ટેકનોલોજીએ પણ હરળફાળ ભરી છે. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આંગળીના વેઢે આવી ચૂકી છે. દવા હોય કે શાકભાજી આપણે ઘર બેઠાં જ મંગાવી શકીએ છીએ. ટેક્નોલોજીના આ યુગમાં સ્માર્ટ ફોનથી ફૂડ ઓર્ડરથી લઈને આપણે જીવનસાથીની શોધખોળ સુધી પહોંચી ગયા છીએ. બધી જ સુવિધાઓ સ્માર્ટ ફોનની એપ લાયબ્રેરીમાં સચવાયેલી છે. આવી જ એક એક એક એપ્સ એટલે મેટ્રિમોનિયલની.. ઉમેદવારની પસંદ અને નાપસંદ, ગુણ અને યોગને મેળવી સારા યુવક કે યુવતીના બાયોડેટા આ પ્રકારની એપ્સ કે સાઈટ શોધી આપે છે. પરંતુ આ પ્રકારની સાઈટ્સ પરથી મળતી માહિતી અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો યુવક કે યુવતીના બાયોડેટાની વિશ્વસનિયતા, સચ્ચાઈ અને પ્રમાણિક્તાને લઈને પણ પ્રશ્નો ઉભા થાય છે. એમાં પણ અત્યારે AIના યુગમાં સાયબર ક્રાઈમ વધતા કિસ્સાઓથી સમાચારો ઉભરાતા હોય છે. ત્યારે વધતા જતાં ફ્રોડના જમાનામાં કયા માપદંડથી જીવનસાથીને લેફ્ટ કે રાઈટ સ્વાઈપ કરવા જોઈએ?
આ અઠવાડિયાના ઓપિનિયન વિભાગમાં યુવક અને યુવતીના સ્માર્ટફોન પર ટિક્ કરેલા જીવનસાથી વિશેના પેરામીટર સુખી સંસારના વિશ્વસનીય સ્તંભ બની શકે?
સોનુ ટેકચંદાણી, જીવન ચક્ર મેરેજ બ્યુરો
એક સમય હતો જ્યારે વડીલો છોકરો અને છોકરીના સંબંધ નક્કી કરતા હતા. જે બાદ એક દાયકો એવો આવ્યો કે કોઈ એક વ્યક્તિ વચ્ચે રહી સંબંધ કરાવતા થયા. ત્યારબાદ આજનો સમય છે કે જ્યારે લોકો મેરેજ બ્યુરો કે મેટ્રિમોનિયલ સાઇટથી લગ્ન પ્રસ્તાવ રાખતા થયા છે. આજના ઓનલાઈનના સમયમાં માત્ર ફોટોથી અને બાહ્ય માહિતીથી લગ્ન કરવામાં આવે છે, જ્યાં કેટલીક વાતો છૂપાવવામાં પણ આવે છે. જેના કારણે સંબંધ તૂટવાની સંભાવના પણ રહે છે. અમારે ત્યાં યુવક કે યુવતી સાથે અમે વાતચીત કરી માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. આ સાથે એમના સરકાર માન્ય ડોક્યુમેન્ટ્સની ચકાસણી પણ કરીએ છીએ. કેટલાક અંશે માહિતી પૂછતી વખતે જ સાચા કે ખોટાંની જાણ થઈ જતી હોય છે. અમારે ત્યાં પણ આવા ફ્રોડ કર્યાના કેસ બનતા હોય છે. પણ અમે સંબંધ સમજાવટથી તૂટતો અટકાવવાનો પ્રયાસ કરીએ છીએ. જો કે, સંબંધ નક્કી થયા બાદ અમારી જવાબદારી પૂર્ણ થઈ જતી હોય છે. કેટલીક વખત સત્યની સાથે રહી એક્શન પણ લેવાની જરૂર પડતી હોય છે. એવા સમયમાં અમારા તરફથી સંપૂર્ણ પ્રયાસ રહેતો હોય છે યુવક કે યુવતીને ન્યાય કે સારું વળતર મળે.
વિવેક માસિયાવા, વકીલ
મારા ધ્યાને આ પ્રકારના ફ્રોડના કેસ આવેલ છે, કે જ્યાં પહેલા લગ્ન માટે યુવક કે યુવતીને વિશ્વાસમાં લેવામાં આવે છે. બાદમાં એક પાર્ટી બીજી પાર્ટી પાસેથી કોઈપણ કારણોથી રૂપિયાની માગે અને બાદમાં રૂપિયા લઈ ફરાર થઈ જાય. આ પ્રકારના કેસમાં કેટલીક સ્ત્રી પીડિતા હોય તો, કેટલીક વખત પુરુષ પીડિત હોઈ શકે છે. આવા કેસમાં છેતરપિંડીની કલમ 406 અને 420 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. તો 467 અને 468 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રકારની સાઈટ્સથી 50 ટકા લાભ થવા સાથે 50 ગેરલાભ પણ થવાની શક્યતા રહે છે. સામે પક્ષે જ્યારે દુર કે નજીકના સગાને જાણતા ન હોય ત્યારે છેતરપિંડી થવાની પૂરી શક્યતા રહે છે. કેટલાક કેસમાં એવું પણ બની શકે કે સમજાવટથી પતિ કે પત્ની છૂટા થઈ જતા હોય છે. એવા કેસમાં કાનૂન કંઈપણ કરી શકતું નથી. મેટ્રિમોનિયલ સાઈટમાં રજીસ્ટ્રેશન ફી હોવાથી સારા ઘરના લોકો આ પ્રકારના લગ્ન કરવા માટે આગળ વધતા હોય છે.
અનુષા અય્યર, ડેપ્યુટી સેન્ટ્રલ મેનેજર, કન્ઝ્યુમર એજ્યુકેશન & રિસર્ચ સેન્ટર
મેટ્રિમોનિયલ સાઈટ પર બધી વેબસાઈટ્સ એવી હોતી નથી કે, જ્યાં તમામ ઉમેદવારોનું વેરિફિકેશન થાય. જે વેબસાઈટ ફ્રી રજિસ્ટ્રેશનો ઓપશન આપતી હોય ત્યાં આ પ્રકારના ફ્રોડ થવાની શક્યતા રહે છે. જ્યારે રૂપિયા આપી રજિસ્ટ્રેશન કરાવતી વેબસાઈટ થોડું વિશ્વસનીયતા રહે છે. આ ઉપરાંત હવે પ્રોફાઈલ લોક કરવા સાથે વેરિફાઈડ કરવાનો પણ ઓપશન આપે છે. આપણે ધ્યાન એ રાખવાનું છે કે જે યુવક કે યવતીનું પ્રોફાઈલ વેરિફાય હોય તેને જ પસંદ કરવા. ઉમેદવારે જે માહિતી સાઈટ ઉપર આપી હોય તેને પોતાની રીતે પણ વેરિફાય કરવી જોઈએ. ઉમેદવારને પસંદ કર્યા પછી જ્યારે તે કોઈપણ કારણોસર પૈસાની માગણી કરે છે તો ચોક્કસથી ચેતી જજો.
કિંજલબેન, મેટ્રિમોનિયલથી જીવનસાથી શોધેલા
હા, મારા લગ્ન મેટ્રિમોનિયલ સાઇટથી થયા છે.સામાન્ય રીતે મેટ્રિમોનિયલ સાઈટ પર પહેલા આપણે પ્રોફાઈલ અપડેટ કરવાની હોય છે. આપણી પ્રોફાઈલ અનુસાર કંપની બાયોડેટા સૂચવે છે. મારા લગ્ન પહેલા મેં એક યુવક સાથે મીટિંગ કરી હતી. પરંતુ અમે લોકો પરિવારની હાજરીમાં મળ્યા હોવાથી કોઈ પણ અનિચ્છનીય ઘટના બનવાની શક્યતા નહીંવત હતી. જ્યારે મારા પતિ સાથે મેં લગ્ન પહેલાં બે કે ત્રણ મીટિંગ કરી હતી. જેમાં એક વખત તેઓ પરિવાર સાથે ઘરે આવ્યા હતા. લગ્ન પહેલાં તેમના વિશેની જે માહિતી અમને વેબસાઈટ કે રૂબરૂ મુલાકાતથી મળી હતી તેને અમે અમારી રીતે ક્રોસચેક પણ કરી હતી. મેં એવા કેસ પણ જોયા છે કે જેમાં આવી સાઈટથી મળ્યા બાદ ફ્રોડ થયા હોય. મારું માનવું છે કે મેટ્રિમોનિયલ સાઈટ્સથી પસંદ કરેલ સંબંધમાં પણ જો પરિવારનું ઇન્વોલ્વમેન્ટ હોય તો ફ્રોડ થવાની શક્યતા ઓછી રહે છે.
(તેજસ રાજપરા – અમદાવાદ)