અહીં બજાર વચ્ચે છે બાબાની સમાધિ…

અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા આ વિસ્તારમાં સવારે સોના-ચાંદીના વેપારનો ધમધમાટ હોય અને રાત્રે ખાણી-પીણીની જ્યાફત ઉડે. આ માણેકચોકની વચ્ચે માણેકનાથ બાબાની સમાધિ આવેલી છે. આ એક સ્મારક મંદિર છે જ્યાં બાબા માણેકનાથે સમાધિ લીધી હતી.

માણેકનાથ (અથવા માણેકબાબા) 15મી સદીના સંત હતા. એક વાયકા મુજબ અમદાવાદના કિલ્લાના બાંધકામના કામમાં એમની શક્તિઓ દ્વારા અવરોધ ઉભો કરતા હતા. એમની આગવી શક્તિઓ દ્વારા સુલતાનના કારીગરો દ્વારા બનાવેલો કોટ પાડી દેતા હતા. કારણ કે એમને સુલતાન અહેમદ શાહ દ્વારા આ વિસ્તાર કબજે કરવાનો રોષ હતો.
માણેકનાથ દિવસે ચાદર વણતા અને જ્યારે તેઓ વણાટ ખોલતા હતા ત્યારે કિલ્લો કોટ તૂટી જતા હતા. જ્યારે એમણે પોતાની શક્તિ સાબિત કરી ત્યારે કિલ્લાના શિલ્પી અહેમદ ખટ્ટુએ કિલ્લાની જગ્યા પસંદ કરવા માટે તેમનું માર્ગદર્શન લીધું. એ પછી શહેરનો નકશો બદલી નખાયો.

માણેકનાથ બાબાએ એક ટાપુ જેવી જગ્યા પર સમાધિ લીધી હતી, જે સાબરમતી નદીના પ્રવાહનો ભાગ હતો. આ પ્રવાહ ટંકશાળમાંથી અને ફર્નાન્ડિસ બ્રિજ નીચેથી પસાર થતો હતો. શહેરના મધ્યનો આ વિસ્તાર માણેકચોક નામે ઓળખાય છે. આજે એ શાકભાજી, વાસણ, સોના ચાંદી, કપડાં, ખાણી-પીણી જેવા અનેક વેપાર-ધંધાથી ધમધમે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)