ગરબોઃ ઘૂમતો ઘૂમતો ક્યારે-ક્યાંથી આવ્યો?

આસો સુદ એકમથી શરૂ થતી નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનું પર્વ. નવ નવ રાત્રિ દરમ્યાન રમાતા ગરબા એ ગુજરાતનું સાંસ્કૃતિક ગૌરવ અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે ગરબો એટલે ગુજરાતીઓની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ગુજરાતના આ સૌથી લોકપ્રિય લોકનૃત્યનો યુનેસ્કોએ માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં પણ સમાવેશ કર્યો છે.

માતાજીની આરાધના માટે ગવાતા અને રમાતા આ ગરબા કેટલાં પ્રાચીન છે, તેનું મહત્વ શું એ વિશે દૂરદર્શનના અમદાવાદ કેન્દ્રના પૂર્વ ડીરેક્ટર ડૉ. રૂપા મહેતા કેટલીક રસપ્રદ વાતો વાગોળે છે. દૂરદર્શન પર નવરાત્રિ-ગરબાનો લગતા અનેક કાર્યક્રમોના પ્રસારણ ઉપરાંત વ્યક્તિગત રીતે પણ રૂપાબહેન ગુજરાતના કળા-સાંસ્કૃતિક જગત સાથે જોડાયેલા છે અને એના પર ગાઢ અધ્યયન કર્યું છે. આજે ‘છોટી સી મુલાકાત’ માં એમની સાથે થયેલી વાતચીતના અંશો…

ચિત્રલેખા.કોમ: ગરબાનો ઈતિહાસ કેટલો જૂનો હશે?

ડૉ. રૂપા મહેતા: નૃત્યશૈલી બે પ્રકારની હોય. એક લાસ્ય અને બીજી તાંડવ. ગરબા લાસ્ય શૈલીનો પ્રકાર છે. રાસમાં લાસ્ય અને તાંડવ બન્ને શૈલી જોવા મળે. સૌરાષ્ટ્રના મેર લોકોના ડાન્સમાં કે કણબીઓ, રજપૂતો જે ગરબા રમે છે તેમાં તાંડવ સ્વરૂપ જોવા મળશે. આ લાસ્ય શૈલી પાર્વતી માતાએ બાણાસુરના પુત્રી ઉષાને શીખવી હતી. ઉષા શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે પરણીને ગુજરાતમાં દ્વારકા નગરી આવ્યા એ પછી અહીંની ગોપ કન્યાઓને લાસ્ય શૈલી શીખવી હતી. આ વાતનો ઉલ્લેખ ‘સંગીત રત્નાકર’ નામના ગ્રંથમાં કરવામાં આવ્યો છે.

એક લોકવાયકા એવી છે કે અર્જુને ગુપ્તવાસ દરમ્યાન વિરાટ રાજાના દીકરી ઉત્તરાને લાસ્ય શૈલી શીખવેલી. ઉત્તરા અભિમન્યુ સાથે પરણીને દ્વારકા આવ્યા અને એ રીતે ગુજરાતમાં ગરબાનું આગમન થયું. આજે પણ આહિર સ્ત્રીઓને ગરબા ગાતા જુઓ તો તેમની જે શૈલી છે, તેમના જે પોસ્ચર છે તેમાં તમને લાસ્ય શૈલી જોવા મળશે. આખી દુનિયામાં ગોળ ડાન્સ ફોર્મ એટલે કે ગોળ ફરીને ગરબા ગાવા તે ફોર્મ ખુબ જ યુનિક છે.

નવમી-દસમી સદીમાં જામનગરના એક કવિ શ્રીકંઠે લખ્યું હતું કે, ‘લાસ્યોત્તમા ગુર્જરી’ એટલે કે લાસ્યમાં કોઈ ઉત્તમ હોય તો તે છે ગુર્જરી(ગુજરાત).

રાસની વાત કરીએ તો પંડિત ભાવમિશ્રના ‘ભાવપ્રકાશ’ પુસ્તકમાં રાસક નૃત્યના ત્રણ પ્રકાર કહ્યાં છે. દંડ રાસક, તાલ રાસક અને લત્તા રાસક. જેમાં તાલ રાસકમાં બે પ્રકાર છે. એક તાલી કરીને અને બીજું ગરબા રમતા-રમતા મંજીરા કે બીજા કોઈ વાદ્યનો ઉપયોગ કરવો તે. લત્તા રાસક એટલે એકબીજાના હાથમાં હાથ મેળવીને જે નૃત્ય કરીએ તે. ગરબા આ બન્ને પ્રકારના રાસકમાં આવે છે. નળકાંઠામાં રહેતી પંડાર કોમ્યુનિટીના ગરબા એ તાલ અને લત્તા રાસકના ઉત્તમ ઉદાહરણ છે. તેઓ સુંદર રીતે મંજીરા સાથે રાસ ગાતા હોય છે. એમના રાસમાં તમને નળકાંઠાની પાણીની મુવમેન્ટ જોવા મળે. સત્તરમી સદીમાં લખાયેલાં ‘ગીત ગોવિંદ’ નામના ગ્રંથમાં તાલ રાસક અને લત્તા રાસકના અદ્દભૂત ચિત્રો છે.

આપણે ત્યાં દસમી સદીના શિલ્પોમાં રાસના અદ્દભુત દ્રશ્યો જોવા મળે છે. ભૂજમાં આવેલ કોટાય મંદિરમાં રાસના અદ્દભૂત સ્કલ્પચર્સ છે એ લત્તા રાસકના પ્રતીક છે. મોઢેરા, રાણકી વાવ, સુણોક મંદિર, સંડેર મંદિર ઉપરાંત નાના ગામોમાં બંધાયેલાં અનેક મંદિરોમાં નૃત્ય શૈલીના શિલ્પો અચૂક જોવા મળે છે.  આ રીતે રાસ-ગરબાના ઉલ્લેખો તો ખુબ જૂનાં છે.

આમ અત્યારે ગરબાની જે શૈલી છે તે અગિયારમી કે બારમી સદી આસપાસ અસ્તિત્વમાં આવી હોવી જોઈએ. બાર ગામે જેમ બોલી બદલાય તેમ બાર ગામે નૃત્યની શૈલી પણ બદલાય છે. ગરબાના પણ સમયાંત્તરે સ્વરૂપો બદલાયા છે.

ઘટ સ્થાપનનું મહત્વ શું નવરાત્રિમાં?

ગરબો એ ફર્ટિલિટીનું પ્રતીક છે. આપણા તહેવારો કૃષિ સાથે જોડાયેલા છે. શારદીય નવરાત્રિ પણ એમાંથી એક છે. ચોમાસામાં જે અનાજ વાવ્યું હોય એ ઓક્ટોબરમાં ઉગે. એની ઉજવણી નવરાત્રિમાં કરવામાં આવે. જૂનાં સમયમાં ગરબીનું સ્થાપન કરે એટલે એનાં નીચે ઘંઉના જવારા ઉગાડવામાં આવતા. એ સમયે એવું કહેવાતું કે જેનાં જવારા સારાં તેને ત્યાં આખું વર્ષ સુખ-સમૃદ્ધિ રહેશે. ગરબીને બ્રહ્માંડ સાથે જોડીને બ્રહ્માંડના સ્વરૂપમાં પૂજવામાં આવતી. ગરબામાં પડાયેલા 27 છિદ્રને 27 નક્ષત્રના પ્રતીક માનવામાં આવે છે. એક નક્ષત્રને ચાર ચરણ હોય એટલે 27 X 4= 108ની સંખ્યા થાય. એટલા માટે કહેવાય છે કે ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

નવરાત્રિના તહેવાર પાછળનું ધાર્મિક, સાંસ્કૃતિક કે સામાજિક મહત્વ શું?

ગરબા દરેક વર્ગના, દરેક ઉંમરના અને દરેક સમાજના લોકો ગાતા હોય છે. દરેક ધર્મ-સમાજના લોકોની ભાગીદારી છે એમાં. આપણા ત્યાં લખાયેલાં ગરબામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે, કુંભારને માતાજીનો ગરબો બનાવવાનું કહેવામાં આવે છે. સુથારને કહો છો કે માતાજીની માંડવડી, બાજોટ બનાવી લાવ, મણિયારાને માતાજીનો ચુંડો બનાવી લાવવાનું કહેવામાં આવે છે. સોનીને માતાજી માટેનાં ઘરેણાં લાવવાનું કહેવામાં આવે છે. માળીને ગજરા, મોચીને મોજડી અને દોશીડાને ચુંદડી લાવવાનું કહેવામાં આવતું. આ રીતે ગરબા દરેક સમાજને એકસાથે જોડવાનો, સમન્વયવાળો તહેવાર છે.

ગરબા અને ગરબી વચ્ચે શું તફાવત?

જે સ્ત્રીઓ ગાય એ ગરબો અને જે પુરૂષો ગાય તે ગરબી કહેવાય. સૌરાષ્ટ્રમાં એવી પરંપરા હતી કે સ્ત્રી-પુરૂષ એકસાથે ગરબા ન ગાય. સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં આજની તારીખમાં પણ માતાજીની માંડવડીની સ્થાપના થાય ત્યારે પહેલાં પાંચ ગરબા પુરૂષો ગાય, જેને ગરબી કહેવામાં આવે. એ પછી સ્ત્રીઓ ગરબા ગાય. આજે પણ વલ્લભ મેવાડાના ગરબા સુપ્રસિદ્ધ છે. દયારામની ગરબીઓ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે.

પ્રાચીન અને અર્વાચીન ગરબા વિશે શું કહેશો?

પ્રાચીન અને અર્વાચીન ગરબા અલગ-અલગ ફોર્મમાં લખાતા આવ્યા છે. કહેવાય છે કે પ્રથમ ગરબો વલ્લભ સદને લખ્યો હતો, જ્યારે અર્વાચીન ગરબામાં નારીવાદી ગરબો કવિયત્રી સ્વરૂપ ધ્રુવે લખ્યો છે.

ગરબા રમવાની વાત કરીએ તો તાલી અને ઠેસ એ ગરબાની નૃત્યશૈલીના બે મુખ્ય અંગ છે. પરંપરાગત ગરબામાં સ્ત્રીઓ કાં તો એક તાલી, બે તાલી કે પછી ત્રણ તાલી રમતી હોય. આધુનિક ગરબામાં તાલી કે ઠેસનું કોઈ મહત્વ રહ્યું નથી. પહેલાં શેરી ગરબા હતા, પછી સ્ટેજ ગરબા આવ્યા અને હવે આવ્યાં છે પાર્ટી પ્લોટ ગરબા. સ્ટેજના ગરબામાં નવી-નવી કોરિયોગ્રાફી અને કોસ્ચ્યુમ આવ્યા. નવા વાંજિત્રો આવ્યા. શેરી ગરબામાં તો માત્ર ઢોલના તાલે જ ગરબા રમાતા હતા. પાર્ટી પ્લોટ ગરબામાં તો ગોળ ગરબે ઘૂમતી ગુજરાતણનો કોન્સેપ્ટ જ બદલાઇ ગયો. એમાં બજાર પણ આવ્યું અને માર્કેટિંગ પણ આવ્યું.

હું એવું નથી કહેતી કે આધુનિક ગરબા ખરાબ છે, પરંતુ તે તદ્દન જુદાં જ પ્રકારના ગરબા છે. હા, હજુ પણ અનેક ગામડાઓમાં ગરબાના મૂળ સ્વરૂપો, પરંપરાગત ગરબા, લાસ્ય શૈલીમાં રમાતા ગરબા જોઈ શકાય છે. ગરબાનું બજારીકરણ થઇ ગયું હોવાથી ગરબા એટલે શક્તિની આરાધના એ પ્રકારની જે ભાવના હતી તે હવે જોવા મળતી નથી. કોઈપણ વસ્તુમાં પરિવર્તન તો આવે જ, પરંતુ એ પરિવર્તન કેવાં પ્રકારનું છે તે મહત્વનું હોય છે.

પરંતુ હવે તો કોમર્શિયલ ઓર્ગેનાઈઝર્સ પણ શેરી ગરબા, મંડલી ગરબા કે ઢોલ અને શરણાઈના તાલે ગરબા એવી જાહેરાતો કરતા હોય છે…

હા, લોકોને હવે એવું લાગે છે કે ગરબા રમવા પાછળની આપણી જ ધાર્મિક માન્યતા કે સામાજિક પરિવેશ હતો એ ભૂલાતો જાય છે એટલે બધાં ફરી શેરી ગરબા, મંડલી ગરબા, ઢોલના તાલે ગરબા તરફ વળતા થયા છે. પરંતુ ખરેખર ટ્રેડિશનલ ગરબાની વાત કરીએ અમુક જ્ઞાતિ-સમાજોમાં એની પરંપરા જળવાઇ છે. લતીપુરના ગરબામાં પુરૂષો માથે અગ્નિ લઈને ગરબા કરે છે. મોરબી પાસેના એક ગામમાં મુસ્લિમોની મુતવા નામની કમ્યુનિટી નવરાત્રિમાં ગરબા ગાય છે. કચ્છના આહિરો, મેર કમ્યુનિટી અને ભરવાડ કમ્યુનિટીના ગરબા પણ ખુબ જ સુંદર હોય છે. નાયક કમ્યુનિટીના ભવાઈ કલાકારોને ગરબા રમતા જોવાની મજા આવે. અમદાવાદની દોશીવાડની પોળમાં આઠમના દિવસે પુરૂષો જ સાડી પહેરીને ગરબા ગાય છે. નાગરોમાં સ્ત્રીઓ બેસીને ગરબા કરે છે. આમ હજુ પણ ક્યાંક-ક્યાંક ગરબાને તેના ઓરિજનલ ફોર્મમાં જાળવી રાખવામાં આવ્યા છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)