ગાયનેકોલોજિસ્ટથી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સુધી…

“હું કંઈ કહું છું તેની અસર જો આજે લાખો લોકો પર પડે છે તો મારી એ નૈતિક જવાબદારી બને છે કે હું આજના યુવાનોને સારી-પોઝીટીવ વાતો શીખવું. એમનો સ્ટ્રેસ દૂર કરવા માટે કોમેડી વિડીયો બનાવીને તેમને હસાવું. હું આજે પ્રોફેશનલી એક ગાયનેકોલોજિસ્ટ છું. તો મારી કારકિર્દીની સફરથી પણ તેમને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરું.”

આ શબ્દો છે સોશિયલ મીડિયા પર ‘ડોક્ટર ગર્લ’ તરીકે જાણતા ડૉ. જિમ્મી પટેલના.

સોશિયલ મીડિયાના વધતા જતા ઈન્ફ્લુઅન્સ વચ્ચે આજે વાયરલ બનવું મોટી વાત નથી. પરંતુ તમે ક્યા કારણે વાયરલ થાવ છો તે ખૂબ જ મહત્વનું છે. સોશિયલ મીડિયા પર એવા કેટલાય ઈન્ફ્લુએન્સર્સ છે, જેઓ યુવાનોને સારા રસ્તે આગળ વધવા માટે પ્રેરણા આપતા હોય છે.

આવા જ એક ઈન્ફ્લુએન્સર એટલે ડૉ. જિમ્મી પટેલ. પ્રોફેશનલી ગાયનેકોલોજિસ્ટ, પણ શોખના કારણે શરૂ કરેલી સોશિયલ મીડિયાની સફરમાં જોડાયેલા લોકો આજે તેમનો બીજો પરિવાર બનો ગયો છે. ડૉ. જિમ્મીના ઈન્સ્ટાગ્રામ પર 162K ફોલોઅર્સ છે.

ચિત્રલેખા.કોમ ‘દીવાદાંડી’ વિભાગમાં ડૉ. જિમ્મી પટેલની આ સોશિયલ મીડિયા સફર વિશે વાત કરી.

ડૉ. જિમ્મી પટેલનો જન્મ સાબરકાંઠાના બાયડ તાલુકાના સરસોલી ગામે થયો. ઉછેર અમદાવાદમાં. માતા-પિતા બન્ને શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા. ઘરમાં એક નાનો ભાઈ પણ ખરો. જિમ્મીબેનનો પોતાના વતન સાથેનો લગાવ ખૂબ જ ઉંડો છે. તેમનું કહેવું છે કે, “નાણપણથી કોઈપણ વાર-તહેવાર, બધાં જ વેકેશન અમે ગામડે જ કરતા આવ્યા છીએ. આથી હું ભલે અમદાવાદમાં રહું છું પરંતુ સાબરકાંઠા મારી અંદર રહે છે.”

નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોંશિયાર. શાળાનો અભ્યાસ મણિનગરમાં આવેલી દુર્ગા હાઇસ્કૂલમાં. M.B.B.S.નો અભ્યાસ વી. એસ. હોસ્પિટલમાંથી અને M.S. GYNECOLOGYનો અભ્યાસ તેમણે બી.જે. મેડિકલ કોલેજમાંથી કર્યો છે. પાંચ વર્ષથી તેઓ એક ગાયનેક હોસ્પિટલમાં કાર્યરત છે.

ઉત્તર ગુજરાતના આંજણા પટેલ સમાજમાંથી આવતા જિમ્મીબેનનું કહેવું છે કે, “મારા ઘડતરમાં માતાનો રોલ ખૂબ મહત્વનો છે. તેમણે મને નાનપણથી જ કહી દીધું હતું કે મારે ડોક્ટર અથવા તો પાયલોટ બનવાનું છે. આથી મારો ગોલ નાનપણથી જ નક્કી હતો અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે મારા પિતાની શીખામણો મને ખૂબ જ કામ લાગી. જ્યારે પણ એ લોકો કોઈ મહત્વની વાત કહે તો એની હું ગાંઠ બાંધી લઉં છું.”

સોશિયલ મીડિયાની સફર કેવી રીતે શરૂ થઈ?

ડૉ. જિમ્મી કહે છે, “કોરોના સમયમાં જ્યારે મારે OPD ઓછી હોય ત્યારે મારી મિત્ર રૂચિ અને ભાઈ સાહિલ સાથે ટાઈમપાસ માટે ટિકટોક પર વિડીયો બનાવવાના શરૂ કર્યા. 5 લાખથી વધુ ફોલોઅર્સ પણ બની ગયા. પછી તો લોકોને મજા પડવા લાગી એ જોઈને મને પણ વિડીયો બનાવવાની મજા આવવા લાગી. પરંતુ ટિકટોક પર પ્રતિબંધ આવી ગયો. પછી મેં જોયું કે ઈન્સ્ટાગ્રામ પર લોકોનો રસ વધી ગયો. લોકો સર્ચ કરી-કરીને મારા પેજ પર આવવા લાગ્યા. એવામાં મારો બનાસકાંઠાની બોલી વર્સિસ અમદાવાદની બોલીવાળો વિડીયો ખૂબ જ વાયરલ થયો. એટલે એવું લાગ્યું કે લોકોને હસાવવા માટે કે એન્ટરટેઈનમેન્ટ માટે આવા વધુ વિડીયો બનાવવા જોઈએ. આજે તો એવું થઈ ગયું છે કે ઈન્સ્ટા રીલ બનાવવા માટે મારી 6 માણસની ટીમ છે. જેની સાથે અમે ચર્ચા કરીને, પ્લાન બનાવીને વિડીયો શૂટ કરતા હોઈએ છીએ. મોટાભાગે મારી OPD હોય છે. આથી મારા ખાલી સમયમાં કેવી રીતે વિડીયો શૂટ કરી શકાય તેનું પ્લાનિંગ બનતું હોય છે. દરેક વખતે એવું નથી પણ બનતું. ક્યારેક પ્લાનિંગ વગર ઈન્સ્ટન્ટ વિચાર આવેને તેમાંથી પણ વિડીયો બની જાય છે.”

કેવાં પ્રકારના વિડીયો તમે વધારે બનાવો છો?

જવાબમાં જિમ્મીબેનનું કહેવું છે, “આમ તો હું જે બોલું તે લોકોને વધારે પસંદ આવે છે. પરંતુ હવે હું અને મારી ટીમ લોકોને હસાવવા માટે કેટલાંક ફની વિડીયો પણ બનાવીએ છીએ. હા પણ હું જે મારા વિચારો રજૂ કરું છું તે વિડીયો મિલિયન્સમાં શેર થતા હોય છે. ત્યારે મને વિચાર આવ્યો કે જો હું કંઈ કહું છું તો લોકો તેને સાંભળે છે. તો હવે હું વધારે સભાનપણે લોકોના જીવનમાં ઉપયોગી થાય તેમને પ્રેરિત કરે તેવાં વિડીયો વધારે બનાવું છું. આમ પણ હું ધાર્મિક પુસ્તકો વધારે વાંચું છું. તો તેમાંથી જે સારી વાતો હોય તે હું વધારે લોકો સુધી પહોંચે તે પ્રકારના પ્રયાસો ચોક્કસથી કરું છું.”

આજે જે બાળકોમાં મોબાઈલ ફોનનું વળગણ થઈ ગયું છે તેના વિશે તેમનું કહેવું છે, “મારા માટે એ ખૂબ જ સૌભાગ્યની વાત છે કે મારું બાળપણ ગામડામાં વીત્યું છે. જેના કારણે મને આજે પણ દરેક ઝાડનાં નામ ખબર છે. ઝાડ પર કેવી રીતે ચઢાય તે ખબર છે. ઝાડ પરથી સીધા ફળો તોડીને ખાધા છે. આંબલી, કેરી, પપૈયુ, સીતાફળ, ચીકુ દરેક ફળના ઝાડ કેવાં હોય તે પણ ખબર છે. વેકેશનમાં અમે ખૂબ રખડતાં અને રમતા. આજના જેમ મોબાઈલ ફોન તો હોય જ નહીં. આઉટડોર ગેમ્સ જેટલી પણ હોય તે બધી જ અમે રમ્યા છીએ. આજે મારા કોઈ દર્દી આવીને એમ કહે કે મારું બાળક તમારી રીલ ખૂબ જ જુએ છે. તો હું તેમને કહું છું કે આ કોઈ ઉંમર નથી તમારા બાળકોની ફોન વાપરવાની કે મોબાઈલમાં રીલ જોવાની. તમારું બાળક હજુ નાનું છે, તેની બધી ઈન્દ્રિઓ અત્યારે એક્ટિવ થઈ રહી હોય તો તેને બને તેટલી આઉટડોર ગેમ્સ રમાડો. બાળકને ઈન્દ્રિયો ખીલવવા માટે જરૂરી હોય તેવી એક્ટિવિટી કરાવો.”

તેમની આ સફરમાં પરિવારના સાથ વિશે વાત કરતા ડૉ. જિમ્મી પટેલે કહ્યું કે, “આ સફરમાં મારો ભાઈ અને ખાસ મિત્ર રૂચિ હંમેશા સાથે હોય છે. હવે તો તેઓ મારી ટીમનો એક ભાગ બની ગયા છે. મારા પતિ દિપેશ ગજ્જરનો મોરલ સપોર્ટ પણ ખૂબ જ મળે છે. તેઓ મને હંમેશા એટલું જ કહે છે કે, સાચવીને કામ કરવું. કારણ કે સોશિયલ મીડિયા ફોલોઅર્સમાં બધાં જ સારા હોય તેવું જરૂરી પણ નથી. હા, હજુ સુધી કોઈ ખરાબ અનુભવ થયો નથી. એકાદ બે કિસ્સામાં કેટલાંક લોકો મારાથી પ્રેરિત થઈને મને મળવા માટે હોસ્પિટલ આવી ગયા હતા. એક દીકરી જેણે MBBS પાસ કર્યું હતું તો ખૂબ દૂરથી મને મળવા માટે હોસ્પિટલ પહોંચી ગઈ. આવીને મને કહે કે જો હું તમારા જેમ ગાયનેકોલોજિસ્ટ નહીં બની શકું તો હું ડિપ્રેશનમાં આવી જઈશ. તેને મેં એકાદ કલાક બેસાડીને ખૂબ જ સમજાવીને ઘરે મોકલી.”

 

જિમ્મીબેન ગરબા ક્લાસીસ પણ ચલાવે છે. દર વર્ષે તેઓ નવરાત્રીના ત્રણ મહિના પહેલાંથી જ ગોકુલ ટ્રેડિશનલ નામે ગરબા ક્લાસીસ ચલાવે છે. દર વર્ષે 200થી 250 બાળકો શીખવા આવે છે. એમાં ખાસ કરીને નાની બાળકીઓને ટ્રેડિશનલ ગરબા શીખવવામાં આવે છે. સાથે જ જિમ્મીબેને તૈયાર કરેલા ટ્રેડિશનલ કપડાંની ડિમાન્ડ પણ ખૂબ જ વધારે હોય છે. જેને લોકો ભાડે લઈ જતા હોય છે.

આગળ હવે શું?

જવાબમાં જિમ્મીબેનનું કહેવું છે, “સોશિયલ મીડિયાને લઈને મારા કોઈ ગોલ્સ નથી. આ તો મને કામ સિવાય જે સમય મળે છે તેમાં હું કરું છું. મને અત્યારે ગમે છે તો હું કરી રહી છું. જ્યારે આ કામ કરવું નહીં ગમે તો હું બંધ કરી દઈશ. જે ક્ષણે, જે સમયે, જે કરવાનું મન થાય અને એ તમને યોગ્ય લાગે, તેનાથી કોઈને નુક્સાન ન થતું હોય તો તે કામ કરવું જોઈએ. સોશિયલ મીડિયા સાથે મારી જે જવાબદારી વધી છે તેને સભાનપણે યાદ રાખીને યુવાઓને પ્રેરિત કરવા માટે અત્યારે તો કામ કરી જ રહી છું.”

(રાધિકા રાઓલ – અમદાવાદ)