આજે આપણે ગુજરાતની પ્રથમ મહિલા મેકઅપ આર્ટિસ્ટ ધનલક્ષ્મી ત્રિવેદીની વાત ચિત્રલેખા.કોમના ‘દીવાદાંડી’ વિભાગમાં કરવાની છે. જેઓ છેલ્લાં 27 વર્ષથી ઈન્ડસ્ટ્રિઝમાં કામ કરી રહ્યા છે. જીવનમાં નાના-નાના પગલાં ભરીને તેમણે કામની શરૂઆત કરી હતી. ખૂબ જ મહેનત કરીને ધીમે-ધીમે આજે તેઓ એ મુકામ પર પહોંચ્યા છે કે, આજની તારીખમાં બોલીવૂડમાંથી પણ જો કોઈ આર્ટિસ્ટ અમદાવાદ કે ગુજરાતમાં ઈવેન્ટ કે પ્રમોશન માટે આવે તો મેકઅપ માટે પહેલાં ધનલક્ષ્મીબેનને બોલાવે છે. જે ખરેખર તેમના કામની સિદ્ધિ છે. અત્યાર સુધીમાં તેમણે 500થી વધુ ફેશન શૉ કર્યા છે, 75થી વધુ ડેઈલી સિરિયલ્સ કરી છે. અલગ-અલગ ન્યૂઝ ચેલન્સમાં પણ તેમણે 10 વર્ષ કરતાં વધુ સમય કામ કર્યું છે. 75થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. હમણાં એક હિન્દી ફિલ્મમાં પણ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે.
ધનલક્ષ્મીબેનની આ સફર બહારથી દેખાય તેટલી સરળ રહી નથી. પોતાના જીવન સફર વિશે વાત કરતા ધનલક્ષ્મીબેન કહે છે, “હું મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું. મેં માત્ર 10 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. મેં ક્યારેય કોઈ પણ પ્રકારની પ્રોફેશનલ તાલીમ મેકઅપ આર્ટિસ્ટ તરીકે લીધી નથી. પરંતુ મને બધાને તૈયાર કરવાનો, ખાસ કરીને નાની બાળકીઓ જે મારી આસપાસ રહેતી હતી, તેમને તૈયાર કરવાનો ખૂબ જ શોખ હતો. મને નવી-નવી હેર સ્ટાઈલ કરવાનો પણ ખૂબ જ શોખ હતો. આ કામ મને ગમતું હતું. આ શોખ મારામાં મારા માતાના ચંપાબેન ઠક્કરના કારણે આવ્યો. મારા માતા ગામડામાંથી પરણીને અમદાવાદ આવ્યા હતા. તેઓ માત્ર બે ચોપડી એ જમાનામાં ભણેલા, પરંતુ એમને વાંચવાનો ખૂબ જ શોખ હતો. તેઓ એ સમયમાં સિંધી, મરાઠી, ગુજરાતી અને હિન્દી જેવી ભાષાઓ બોલી શકતા હતા. અમારા ઘરમાં તે સમયે સખી, ગૃહશોભા જેવી અનેક મેગેઝિનો આવે. મમ્મી એમાં સારા-સારા આર્ટિકલ વાંચે, હું એમાં આવતા ફોટોગ્રાફ્સ ધ્યાનથી જોતી. ખાસ કરીને જે મોડલ્સ તૈયાર થયેલી હોય તેમને જોતી. એમાંથી મારો મેકઅપ અને હેરસ્ટાઇલનો શોખ જાગ્યો. હું એ સમયે મારા એક્સપેરિમેન્ટ્સ આસપાસમાં રહેતી નાની બાળકીઓ પર કરતી, તેમાંથી મારી આ સફર શરૂ થઈ એવું કહી શકાય.”
જીવનના ઉતાર-ચઢાવ વિશે વાત કરતા આગળ ધનલક્ષ્મીબેન કહે છે, “મારા જીવનમાં સ્ટ્રગલનો પિરિયડ લગ્નની શરૂઆતથી થયો હતો. મારા એક્સ હસબન્ડ કોલેજના પ્રથમ વર્ષમાં હતા, ત્યારે જ અમે લોકોએ લગ્ન કરી લીધા હતા. આથી એ સમયે પણ ઘર ચલાવવા માટે મેં લોકોના ઘરે જઈને ઘરકામ કર્યું હતું, રસોઈકામ કરવા માટે પણ જતી હતી. મારા એક્સ હસબન્ડનું ભણવાનું પત્યું અને તેમણે નોકરી શરૂ કરી ત્યાં સુધી આવો પિરયડ ચાલ્યો. લગ્નજીવનમાં પછી થોડોક સારો સમય આવ્યો. મારા દીકરા નિહાલનો જન્મ થયો. જો કે કુદરતને મારું ખુશ રહેવું પસંદ ન હતું અને દીકરો ચારેક વર્ષનો થયો ત્યારે હું મારા પતિથી અલગ થઈ ગઈ. 22 વર્ષથી હું એક સિંગલ મધર છું. હું જ્યારે પતિથી અલગ થઈ ત્યારે ફરીથી મારી સ્ટ્રગલ શરૂ થઈ. એ સમયે ફરી મેં લોકોના ઘરના કામ કર્યા, શાકભાજીની લારી પણ ચલાવી હતી. જો કે મારા અંદર રહેલી મેકઅપ આર્ટિસ્ટ આ સ્ટ્રગલમાં પણ ખુશી શોધતી હતી. આસપાસ રહેતી નાની બાળકીઓને હું ત્યારે પણ મેકઅપ કરી આપતી હતી. એક દિવસ મારું આ કામ તારા ચેનલના એક ડિરેક્ટરે જોયું. તેઓ મારા ઘર પાસે કોઈને મળવા માટે આવ્યા હતા અને મને પૂછ્યું કે, મારો એક નાના બાળકોનો પ્રોગ્રામ છે, તેમાં તમે આ રીતે મેકઅપ અને હેરસ્ટાઈલ કરવા માટે આવશો? રોજના ચારથી પાંચ બાળકો હશે અને તેમણે એ સમયે મને રોજના 200 રૂપિયા આપવાનું કહ્યું. જે મારા માટે ખૂબ જ મોટી રકમ હતી. મારી જરૂરિયાત હતી એટલે મેં આ ઓફર સ્વીકારી લીધી આમ મારી ઓફિસિયલ મેકઅપ આર્ટિસ્ટ તરીકેની સફર શરૂ થઈ. તારા ચેનલમાંથી મને બીજા કામ પણ મળવા લાગ્યા.”
“જીવનમાં ચાઈલ્ડ મેકઅપ આર્ટિસ્ટમાંથી ફૂલ ટાઈમ મેકઅપ આર્ટિસ્ટ કેવી રીતે બન્યા તે વિશે વાત કરતા ધનલક્ષ્મીબેન કહે છે, હું તારા ચેનલના બાળકોવાળા પ્રોગ્રામમાં મેકઅપ કરી રહી હતી, ત્યારે એક દિવસ ત્યાંથી મૃણાલિની સારાભાઈ નીકળ્યા. તેમણે મને મેકઅપ કરતા જોઈ અને મારી પાસે આવીને કહેવા લાગ્યા કે, “કાલે સવારે મારો એન્કરિંગનો એક પ્રોગ્રામ છે, તો બેટા તમે ફ્રી હોવ તો મને આવીને મેકઅપ કરી આપશો?” ત્યારે મેં એમને કહ્યું કે, મેં ક્યારેય મોટાં લોકોનો મેકઅપ કર્યો નથી. આ રીતે નાના બાળકોનો જ મેકઅપ કર્યો છે. પ્રોફેશનલી હું મેકઅપ આર્ટિસ્ટ નથી, મારી પાસે તો મેકઅપનો સામાન પણ ઓછો છે. તો મને કહે કે “વાંધો નહીં, નોર્મલ એન્કરિંગ માટે જ મેકઅપ કરવાનો છે. તો તને જેટલો ફાવે એટલો આવીને કરી આપજે.” બીજા દિવસે સવારે હું મૃણાલિની સારાભાઈનો મેકઅપ કરવા માટે ગઈ. અમ્માને મારો મેકઅપ ખૂબ જ ગમ્યો.
એ સેટ પર ત્યાં બીજી એક ડેઈલી સિરિયલ ચાલતી હતી, તેના ડિરેક્ટર કલ્યાણ આચાર્યને મારું કામ ખૂબ જ ગમ્યું. એ સમયે ઈન્ડસ્ટ્રીઝમાં લેડિઝ મેકઅપ આર્ટિસ્ટ કોઈ જ નહતી. હેરડ્રેસર હોય, પરંતુ મેકઅપ તો બધાં જ જેન્ટ્સ જ કરતા હતા. આથી કલ્યાણ આચાર્યને લાગ્યું કે, આ બેન સારો મેકઅપ કરે છે. તેમની સાથે ફિમેલ આર્ટિસ્ટ પણ કમ્ફર્ટેબલ રહેશે. આથી એ સમયે તેમણે મને મહિને 12 હજાર રૂપિયાનો પગાર આપવાનું કહ્યું હતું. મેં તરત જ આ ઓફર સ્વીકારી લીધી. જીવનનો મોટો બ્રેક મને 2009માં સંદીપ પટેલની ડેઈલી સિરિયલ ‘મોટી બા’થી મળ્યો. આ સિરિયલમાં દીપક ઘીવાલા, રાગીણી શાહ, જૈમનીબેન, ચેતન રાવલ, રાગી જાની જેવાં મોટા કલાકરો હતા. એમાં બધાં જ કલાકારો મને ખૂબ જ મદદ કરતા. એ સમયે રાગીણી શાહ મુંબઈથી આવે, તો તેઓ મને મેકઅપ વિશે નવું-નવું નોલેજ પણ આપે. આમ મારું નોલેજ અને પ્રેક્ટિસ વધતા ગયા અને લોકોને મારું કામ ગમતું ગયું.”
“જો કે એ સેટ પરનો મારો એક અનુભવ જીવનભરનું મારા માટેનું સંભારણું છે. રાગિણી શાહ મોટી બા સિરિયલમાં મુખ્ય કલાકારમાંના એક, મારા કામનો પ્રારંભિક તબક્કો હતો. એ વખતે મારી પાસે એટલું ખાસ કહી શકાય એટલું મટિરિયલ્સ પણ ન હતું. તેઓ વીસેક વર્ષ કરતાં વધુ સમયથી ઈન્ડસ્ટ્રિઝમાં કામ કરતા હતા, હું તો સાવ નવી. આટલા વર્ષોમાં તેમણે ક્યારેય કોઈ ફિમેલ મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવ્યો જ ન હતો. મોટી બા સિરિયલમાં પહેલો સીન એમનો જ હતો. એટલે સંદીપ સરે મને એમનો મેકઅપ કરવા માટે કહ્યું. હું ગઈ તો રાગિણીબેન મને જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. મને જોઈન જ એમણે કહી દીધું કે મેં ક્યારેય ફિમેલ પાસે મેકઅપ કરાવ્યો નથી, એટલે મને તમારા પર વિશ્વાસ નથી. હું એમની સામે કંઈ બોલી શકી નહીં. બસ એટલું જ કહ્યું કે, સંદીપ સરે મને મોકલી છે, તો તમે એમની સાથે વાત કરો. આ જોઈને દીપક ઘીવાલા ત્યાં ઉભા હતા. તેમનો પણ મારે મેકઅપ કરવાનો હતો. તેમણે રાગિણીબેનને કહ્યું કે, હું મેકઅપ કરાવી લઉં છું. જો તને ગમે તો તું કરાવજે. મેં દીપક ઘીવાલા સરનો જે મેકઅપ કર્યો, મારો જે હાથ ફરતો હતો એ જોઈને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા. પછી તેમણે મારી પાસે મેકઅપ કરાવ્યો. એટલું જ નહીં, પછી તો તેમણે સેટ પર બધાને ભેગા કર્યા. હું તો ગભરાઈ ગઈ, પણ એમણે બધાંને ભેગા કરીને કહ્યું કે, આ છોકરીએ એક ફિમેલ મેકઅપ આર્ટિસ્ટ તરીકે ખૂબ જ સારું કામ કર્યું છે. પહેલી વખત મારે એક શબ્દ પણ બોલવો નથી પડ્યો અને મારો ખૂબ જ સારો મેકઅપ થઈ ગયો છે. એક મહિલા તરીકે તે આ ક્ષેત્રમાં આગળ વધી રહી છે, એ માટે મને તેના પર ખૂબ જ માન છે. આથી બધાં સેટ પર હાજર લોકો એના માટે ક્લેપ કરો, પછી જ આપણે કામ શરૂ કરીએ. ત્યારે તો સેટ પર મારા ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા.”
ધનલક્ષ્મીબેનને જીવનના પ્રારંભિક તબક્કામાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેમનો દીકરો ચારેક વર્ષનો હતો અને તેઓ પતિથી અલગ થયા. એ સમયે પરિસ્થિતિઓ એટલી ખરાબ હતી કે, તેમણે એક વખત તો મરવાનો પણ નિર્ણય કરી લીધો હતો. આ વિશે વાત કરતા ધનલક્ષ્મીબેન કહે છે, “આજે હું જીવિત છું એનું એકમાત્ર કારણ મારો દીકરો નિહાલ છે. એ સમયે એણે જે શબ્દો કહ્યા હતા, જે મને હિંમત આપી હતી એના કારણે મેં ફરી જીવનમાં લડવા માટેની તૈયારી દાખવી હતી. ખરેખર તો મારે એની આંગળી પકડીને એને ચાલતા, જીવનમાં આગળ વધતા શીખવવાનું હોય. પરંતુ મારા જીવનમાં મારા દીકરાએ મારી આંગળી પકડીને તે દિવસથી લઈને આજ દિન સુધી મને ચાલતા શીખવી છે, મને જીવતા શીખવ્યું છે. આજે પણ મારો દીકરો જ મારા જીવનનો ખરો આધારસ્તંભ છે. મારા પ્રોફેશનમાં શૂટિંગ પર જવાનો સમય નક્કી હોય, પરંતુ ઘરે પાછા આવવાનો સમય નક્કી ન હોય. તો એ પાંચ વર્ષનો હતો ત્યારથી તેણે પોતાની જાતને પણ સાચવી છે અને મને પણ સાચવી છે. એટલી નાની વયથી તેણે મારા કામનું મહત્વ સમજ્યું છે.”
ધનલક્ષ્મીબેનના માતા-પિતા ખૂબ જ મધ્યમ પરિસ્થિતિમાં જીવતા હતા. પિતા રમણલાલ ઠક્કરને મણિનગર શાક માર્કેટમાં તે સમયે શાકભાજીની પોતાની દુકાન હતી. પરંતુ 22 વર્ષ પહેલાં દીકરાનું એટેક આવીને મૃત્યુ થતાં, તેઓ ભાંગી પડ્યા હતા. એટલે સંઘર્ષના દિવસોમાં ધનલક્ષ્મીબેન પણ તેમની સામે હાથ લંબાવી ન શકે, બીજી તરફ માતા-પિતા અને ભાઈના પરિવારની જવાબદારી ધનલક્ષ્મીબેન પર આવી ગઈ. પણ હા, મારે આર્થિક સિવાયનો દરેક સપોર્ટ તેમને માતા-પિતા તરફથી મળ્યો. જરૂર પડે ત્યાં તેઓ હંમેશા તેમની સાથે ઉભા રહેતા હતા. આ વિશે વાત કરતા ધનલક્ષ્મીબેન કહે છે, “મારો દીકરો 12 વર્ષનો થયો ત્યારે મારા પિતાજી એને સાચવવા માટે અમારી સાથે રહેવા આવ્યા હતા. એ પછી તો 9 વર્ષ એ અમારી સાથે જ રહ્યા હતા. મમ્મીને એમના ઘરે જ ફાવતું હતું, એટલે તેઓ રહેતા ન હતા, પણ આવતા-જતા રહેતા હતા. મારા મા-બાપનો મને જીવનમાં ખૂબ જ સાથ મળ્યો હતો. મેં જ બંન્ને ઘરની દીકરા તરીકે જવાબદારીઓ સંભાળી લીધી હતી. આ બધી જવાબદારીઓમાં મેં ક્યારેય બીજા લગ્ન કરવાનો પણ વિચાર કર્યો નથી. કારણ કે મને ખબર હતી કે, કોઈ મારી કે મારા દીકરાની જવાબદારી ઉઠાવી શકશે, પરંતુ મારા માતા-પિતાની કે મારા ભાઈના પરિવારની જવાબદારી ન જ ઉઠાવી શકે.”
ધનલક્ષ્મીબેનની એક મેકઅપ આર્ટિસ્ટ તરીકેની સફર ખૂબ જ લાંબી અને વિશાળ છે. તેમાં તેમને અઢળક સન્માન, પુરસ્કારો, ટ્રોફી મળી જ હોય તે સ્વાભાવિક છે. પરંતુ આમાંથી ખાસ અને યાદગાર કઈ એ વિશે પૂછતાં તેમણે કહ્યું કે, “મારા જીવનમાં જો મને સૌથી પહેલું કોઈ સન્માન મળ્યું હોય તો તે, સંદીપ પટેલની ‘મોટી બા’ સિરિયલ માટે હતું. આ સિરિયલ માટે મને જે ટ્રોફી મળી હતી તે આજે પણ મેં સાચવીને રાખી છે. એ પછી તો અઢળક જગ્યાઓ પર મારું સન્માન કરવામાં આવ્યું છે. લખનઉમાં ‘મેં હુ બેટી’ કરીને એક એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં સમગ્ર વર્લ્ડમાંથી માત્ર 17 લોકોનું સિલેક્શન કરવામાં આવ્યું હતું, તેમાં મારું નામ પણ હતું. એ વાતનો આજે પણ મને ગૌરવ છે.”
ધનલક્ષ્મીબેનની આ પ્રેરણાદાયક સફરમાં છેલ્લે તેમણે કહ્યું કે, “આજે મારો દીકરો 26 વર્ષનો થઈ ગયો છે. તે ખૂબ જ સારો ફોટોગ્રાફર બની ગયો છે. એના કામમાં આગળ વધી રહ્યો છે. મારી આ સફળતામાં મને ઈન્ડસ્ટ્રિઝમાંથી દરેક વ્યક્તિએ મને ખૂબ-ખૂબ સાથ આપ્યો છે. આ ઈન્ડસ્ટ્રિઝે મને ક્યારેય હારવા નથી દીધી. હું એક સિંગલ મધર હતી, તો પણ હું મારી લડાઈ સારી રીતે લડી શકી છું, એ માટે મને મારી ઈન્ડસ્ટ્રિઝ પર ખરેખર ખૂબ ગૌરવ છે.”
(રાધિકા રાઓલ – અમદાવાદ)
