આંખો નથી તો શું? સપનાંઓને ઉડાન આપી છે અમિષાએ!

જે લોકો સપનાં જુએ છે તેઓ જ કંઈક અલગ કરી શકે છે! આ વાત સાબિત કરી છે અમિષા ડાંગોદરાએ. અમિષા, એક એવી છોકરી કે જેની પાસે આંખોની રોશની નથી, પણ જીવન માટેનું તેનું વિઝન આંખોથી જોઈ શકે તેવાં લોકો કરતાં પણ વધારે સ્પષ્ટ છે. તેની સંઘર્ષગાથા જાણો તો એમ જ લાગે કે, અમિષા સંજોગો સામે લડવા માટે જન્મી છે.

ઘરની આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોવા છતાં પરિવારે અમિષાના સપનાંઓ પર કોઈ મર્યાદા ક્યારેય મૂકી નહીં. પરિવારનો સાથ, સખત મહેનત અને દ્રઢ નિશ્ચયે જ આજે અમિષાને એક સફળ ઉદ્યમી બનાવી છે.

જ્યાં લોકો મુશ્કેલીઓ સામે ઝૂકી જાય છે ત્યાં અમિષાએ પોતાની મુશ્કેલીઓને જ પોતાની હિંમત બનાવીને જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. બાળપણથી જ બંને આંખે જોઈ ન શકતી અમિષા પ્રથમ બ્લાઈન્ડ ગર્લ બની છે, જેણે જર્નાલિઝમના કોર્સમાં એડમિશન લીધું.

ચિત્રલેખા.કોમના “દીવાદાંડી” વિભાગમાં આજે વાત કરવાના છીએ કમ્યુનિકેશન અને જર્નાલિઝમની ગુજરાતની પ્રથમ દિવ્યાંગ વિદ્યાર્થિની  અમિષા ડાંગોદરા  વિશે, જેણે આ અઘરા વિષયમાં પોતાનું સ્થાન બનાવી, સાબિત કરી દીધું છે કે મન મજબૂત હોય તો શારીરિક અવરોધ અડચણ બનતા નથી!

અમિષાનો જન્મ ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના વાવરડા ગામમાં થયો. સામાન્ય રીતે ગામડાઓમાં દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે બહારગામ મોકલવામાં આવતી નથી. એમાં પણ અમીષાની આંખોની દ્રષ્ટિ તેના ભણતરમાં નડતર બનશે તેવું સૌને લાગ્યું હતું. પરંતુ અમિષાએ તેની મહેનત અને નિશ્ચયથી આ બધી જ બાબતોને ખોટી સાબિત કરી. તેની પાસે આંખો નહીં, પણ વિશાળ દ્રષ્ટિ છે! તેનું સપનું છે કે તે એક વોઈસ આર્ટિસ્ટ અને રેડિયો જોકી(RJ) બને. Accessibility Tester તરીકે પ્રગતિ કરે અને પોતાના કૌશલ્યથી દુનિયાને એક નવો અવાજ આપે.

જ્યાં મોટાભાગના બાળકો માતા-પિતાની નરમ સ્નેહભરી છાંયામાં ઉછરે છે ત્યાં અમીષાને નાની ઉંમરથી જ હોસ્ટેલમાં રહેવું પડ્યું. અમિષાના માતા તેને હોસ્ટેલ મોકલવા માંગતા ન હતા. પરંતુ ગામમાં કે આસપાસ બ્લાઈન્ડ વિદ્યાર્થીઓ માટેની શાળા ન હોવાના કારણે પિતાએ અઘરો નિર્ણય કર્યો. નાની ઉંમરમાં જ અમિષાને રાજકોટમાં હોસ્ટેલમાં ભણવા માટે મૂકી દીધી. શરૂઆતમાં તેને કેટલીક તકલીફોનો સામનો કરવો પડ્યો.

જો કે સમય સાથે અમિષાએ એકલતાને પાછળ છોડી દીધી. પરીક્ષાઓ અને મુશ્કેલીઓને હરાવીને નિરંતર જીવનમાં અને અભ્યાસમાં આગળ વધતી રહી. બારમા ધોરણ સુધીનો અભ્યાસ રાજકોટમાં કર્યો, ગ્રેજ્યુએશન માટે અમદાવાદ આવી. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી વિષય સાથે સ્નાતક થઈ.

હવે શરૂ થયો જંગ. કોલેજમાં એન્કરિંગ કરવાથી અમિષામાં એક કોન્ફિડન્સ આવ્યો હતો. તે માસ કોમ્યિનિકેશનનો અભ્યાસ કરવા માગતી હતી. અનેક જર્નાલિઝમ કોલેજોએ અમિષાની આંખોની દ્રષ્યિના કારણે તેને એડમિશન આપવાનો ઈન્કાર કર્યો. જો કે અમદાવાદની ચીમનલાલ પટેલ ઈન્સ્ટિટ્યૂટે અમિષાને તેની શારિરીક નહીં પરંતુ માનસિક એબિલિટીના આધારે એડમિશન આપ્યું. અત્યારે તે અહીં માસ કમ્યુનિકેશનના દ્વિતિય વર્ષમાં અભ્યાસ કરે છે.

તમામ પડકારો વચ્ચે, અમિષા માત્ર શિક્ષણમાં જ નહીં, પણ Accessibility Testing, વૉઈસ ઓવર, સ્પોર્ટ્સ અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં હંમેશા આગળ રહે છે. સ્ટેટ લેવલની સ્પીચ કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંક મેળવીને પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. Accessibility Testing ક્ષેત્રમાં પણ પ્રગતિની શિખરો સર કરી રહી છે. તે હાલ McLeod Accessibility Tester તરીકે અભ્યાસ કરી રહી છે અને એક પબ્લિક રિલેશન એજન્સીમાં Voice Over પણ શીખી રહી છે. એક ન્યૂઝ વેબસાઇટમાં કામ પણ કરી રહી છે.

અમીષા કહે છે, મારા પપ્પા પાસે સગવડ હોય કે ન હોય પરંતુ હું જે વસ્તુ વિશે ડિમાન્ડ કરું તે વસ્તુ ગમે તેમ કરીને તેઓ મારી સામે હાજર કરી દેતા. મારી નાનામાં નાની ઈચ્છા પૂરી કરવાના પ્રયત્ન કરતા. સમાજ કે ગામવાળા કંઈ પણ કહે, પરંતુ મારા માતા-પિતાએ ક્યારેય અમને બે ભાઈ-બહેનને દિવ્યાંગ હોઈએ તેવો અનુભવ કરાવ્યો નથી. જો કે કુદરતને મારી ખુશી મંજૂર ન હતી. આથી મારા પપ્પાને ખૂબ જ જલ્દી મારી પાસેથી લઈ લીધા. કોરોના સમય પહેલાં જ પપ્પાનું અવસાન થયું. ત્યારે પરિવારની સમગ્ર જવાબદારી મમ્મી પર આવી ગઈ. મારા મમ્મી મજૂરી કરીને પણ અમને ચાર ભાઈ-બહેનને ઉછેરી રહ્યા  છે. મારા જેવી દિવ્યાંગ દીકરી માટે તો તેઓ દીવા સમાન છે. મારે તો બીજા જન્મમાં પણ આંખો નથી જોઈતી, પરંતુ મમ્મી-પપ્પા તો આ જ જોઈએ છે!”

કેટલીય કોલેજોએ અમિષાને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો. કારણ કે “બ્લાઈન્ડ છોકરી જર્નાલિઝમના ફિલ્ડમાં કેવી રીતે આગળ વધશે?” પણ અમિષાએ હાર ન માની. તારક લુવારના માર્ગદર્શન હેઠળ અમદાવાદની ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવ્યું. આજે તે પોતાની ફેકલ્ટીમાં એક પ્રેરણારૂપ દાખલો છે!

અમિષા આજે સમાજમાં એક મજબૂત સંદેશ આપી રહી છે, “દીકરીઓએ ભણવું જોઈએ, સમાજે તેમને બંધનોમાં નથી બાંધવી!” તે કહે છે, “જગત આપણને શું આપશે, તે મહત્વનું નથી. આપણે દુનિયાને શું આપી શકીએ, તે વધુ મહત્વનું છે!” જ્યાં મોટા ભાગના યુવાનો આજે એક નાની નિષ્ફળતા પછી ગભરાઈ જાય છે, ત્યાં અમીષા જેવાં લોકો પોતાના સંઘર્ષથી પ્રગતિના દરવાજા ખોલે છે.

અમીષાનું માનવું છે કે સફળતા સુધી પહોંચવા માટે બે વસ્તુઓ જરૂરી છે: એક, દ્રઢ મનોબળ, અને બે, ક્યારેય હાર ન માનવાની ઝંખના.” અમીષાનું કહેવું છે કે તેની  પાસે બંને છે! આજના ટેક્નોલોજીના જમાનામાં પ્રજ્ઞાચક્ષુઓ કંઈ ન કરી શકે તે વાત શક્ય જ નથી. હા થોડી ઘણી મુશ્કેલીઓ ચોક્કસથી આવે. પરંતુ તેનું સમાધાન કરીને સફળતા તો મેળવી જ શકાય છે. આખરે, જીવનમાં સફળતા તેઓને જ મળે છે, જે ક્યારેય મુશ્કેલીઓની સામે શરણાગતિ સ્વીકારતા નથી. જો તમારા સપનાઓ મોટાં હોય તો તેને પૂરાં કરવા તારે પણ મોટું બનવું પડશે! અમીષાની અત્યાર સુધીની સફર દરેક યુવાને પ્રેરિત કરે છે કે, મહેનત અને હિંમતથી કંઈ પણ સંભવ છે!

(રાધિકા રાઓલ-અમદાવાદ)