‘અરે જીજાજી સાંભળોને એક વાત કરવી હતી તમારી સાથે, દીદી આસપાસ તો નથી ઉભીને? ફોન પર સુરેખાએ પોતાની મોટી બહેન નયનાના પતિ સાથે વાત કરતા પૂછ્યું, જીગ્નેશભાઈએ સાળીને કહ્યું કે તારી દીદી તો બહાર છે બોલ શું વાત છે?કેમ આમ ગભરાયેલા અવાજે બોલું છું ઘરમાં લગ્ન લીધા છે, કોઈ તકલીફ છે? જો હું તારા પિતાની જગ્યાએ છું તારી દીકરી ગાર્ગી પણ અમારી પાસે રહીને મોટી થઈ છે, અમારે તો વળી એના સિવાય કોઈ છે જ ક્યાં. તુ મને કહી શકે છે બોલ. સુરેખાએ ચિંતા સાથે વાત શરૂ કરી, જુઓ જીજાજી મારી બહેને મને મા બનીને મોટી કરી છે, એ જ રીતે મારી ગાર્ગીને પણ તમે જ કોલેજ માટે તમારા ત્યાં રાખી. મને કહેતા સંકોચ થાય છે. પરંતુ ગાર્ગીના પપ્પા કહેતા હતા કે મારી એકની એક દીકરીના લગ્ન છે. એમાં તારી બહેનને કહેજે થોડી દૂર રહે, એનો પડછાયો પણ જો મારી દીકરી પર પડશે તો આ સારા પ્રસંગમાં અપશુકન થશે..એ પોતે તો નિઃસંતાન છે, અને મારી દીકરી પર પણ..આટલુ બોલતા જ જીગ્નેશભાઈ સાળીને વચ્ચે અટકાવી અને કહ્યું ચિંતા ન કર તારી સમસ્યાનું સમાધાન થઈ જશે. અને હા તારી બહેને કહ્યું હતું માટે તારા ખાતામાં બે લાખ જમા કરાવ્યા છે વધારે જોઈએ તો કહેજે તુ પણ મારી દીકરી જ છે. આટલું કહી એમણે ફોન કાપ્યો.’
..સહેજ વારમાં તો જીગ્નેશભાઈ જમીન પર પછડાયા, જે લોકોને કામ નયના પોતાના માનતી રહી, જેના લગ્નની તૈયારી એ કરી રહી છે, એના જ લગ્નમાં સારા પ્રસંગો વખતે એને દૂર રહેવાનું કહેવામાં આવ્યું. કેમ? કારણ કે એ માતા નથી બની શકી માટે..શુ એ ગાર્ગીની યશોદા માતા નથી..હું કેવી રીતે એને સમજાવીશ.
માત્ર મહિલાને જ કેમ વાંઝણી કહેવી?
આ ઘટના કોઈ કાલ્પનીક નથી બિલકુલ સાચી છે, હા નામ જરૂર બલ્યા છે પરંતુ હકીકત શબ્દસહ છે. નવાઈ લાગતી હશે નઈ કે એકવીસમી સદી જ્યાં સ્ત્રી-પુરુષ ખભેથી ખભો મિલાવી કામ કરે ત્યાં આવી માનસિકતા ધરાવતા લોકો હજુ પણ છે? હા છે જે આજે પણ સંતાન ન હોય એવી મહિલાને વાંઝણી કહે છે..એવો સમાજ છે જયાં લગ્ન પછી માતા બનેલી મહિલાઓને જ સમ્માન મળે છે, એવા લોકો છે જે વારંવાર કહે છે, કે જે સ્ત્રી સંતાનને જન્મ ન આપી શકે એનો ચહેરો સવારમાં જોવાથી દિવસ ખરાબ જાય છે. એક બાજુ આપણે ચાંદ પર પહોંચવાનો ગર્વ મનાવીએ છીએ. જ્યારે બીજી બાજુ આજે પણ મહિલાએ નિઃસંતાન હોવાના મહેણાં સાથે જીવન પસાર કરવું પડે છે. પરંતુ કેમ સંતાન ન હોય એવી મહિલાને અપશુકનિયાળ માનવામાં આવે છે? શુ એના માટે પણ મહિલા જ જવાબદાર છે?
મહિલાની અવગણના થાય છે
જાણીતા લેખિકા દિનાબહેન રાયચુરા ચિત્રલેખા.કોમને કહે છે, બાળક ન હોવું એ પુરુષ મહિલા બંનેની જવાબદારી છે, એને શુકન અપશુકન સાથે સાંકળવા એ ખોટી વાત છે. મે જોયું છે કે એક સ્ત્રી તરીકે ભલે માતા ન બની શક્યા હોય પરંતુ તમારા પરિવારમાં કાકી, માસી, મામી કે ફોઈ તરીકે તમે માતાની પરફેક્ટ ભૂમિકા નિભાવી હોય છે. પરંતુ જ્યારે સારા પ્રસંગની વાત આવે ત્યારે આવા સમયે તમારી અવગણના કરવામાં આવે છે. હું તો માનું છું કે ભગવાન દરેક સ્ત્રીમાં એક માતા મુકી છે, એ બહેન, દીકરી, પત્ની, ભાભી, પુત્રવધુ જુદા-જુદા સ્વરૂપે પોતાની ભૂમિકા નિભાવતી હોય છે. જરૂરી નથી કે તમે ફિઝિકલી જ માતા બનો.
આધુનિક ફિલ્મોમાં પણ આ વાત દર્શાવે છે
તાજેતરમાં જ અક્ષય કુમાર અને અન્ય કલાકારોને દર્શાવતી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ આવી, જેમાં તાપસી પન્નુ પર વંશને આગળ વધારવાનું દબાણ છે, એ માટે એને વારંવાર મહેંણા મારવામાં આવે છે. જ્યારે મલ્હાર ઠાકર અને પૂજા જોશીને દર્શાવતી ગુજરાતી ફિલ્મ ‘વીર ઇશાનું શ્રીમંત’ પણ માતા-પિતા બનવા ન ઇચ્છતા યુવા કપલ અને સમાજનું એમના જીવનમાં જબરદસ્તીની દખલગીરી દર્શાવવામાં આવી છે. થોડા વર્ષો પહેલા આવેલી ગુડ ન્યુઝ ફિલ્મમાં પણ બાળકને લઈને પરિવાર અને સમાજનું માનસિક દબાણ બતાવાયું છે. અફસોસ આ બધામાં વધારે મહિલાને જ માતા ન બનવા માટે દોશી દર્શાવવામાં આવી છે. આવી તો કેટકેટલી ફિલ્મો છે. |
માતા ન બની શકે તો એમાં સ્ત્રીનો શો વાંક?
સોશિયલ એક્ટિવિસ્ટ અને લેખિકા ગિરિમાબહેન ઘારેખાન ચિત્રલેખા.કોમને કહે છે, માતા બનવું ન બનવુંએ સ્ત્રીના હાથની કે માનવના હાથની વાત નથી, એ ઇશ્વરના હાથની વાત છે. તો એના માટે કોઈ સ્ત્રીને જવાબદાર ઠેરવી કેટલું યોગ્ય છે? સ્ત્રી માતા બનવા માટે બધુ કરી છુટે છે, હવે તો આઈવીએફ પણ કરાવે છે. શારીરિક યાતનાઓથી લઈને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરી માતા બનવા એ પ્રયત્નશીલ રહે છે. પણ જો એ માતા ન બની શકે તો એમાં એનો શો વાંક? આમ તો આપણે નાની-નાની વાતોમાં ભગવાનની મરજી એમ કહીએ છીએ, જ્યારે બીજી બાજુ માતા ન બની શકનાર મહિલા પર દોષનો ટોપલો ઢોળીએ જે યોગ્ય નથી. બીજી એક વાત એ પણ કહેવી છે કે આપણા કહેવાતા ભદ્ધ સમાજમાં સંતાન ન હોય એવી સ્ત્રી માટે વાંજીયણ શબ્દ છે પરંતુ પુરુષો માટે કોઈ શબ્દ નથી. એટલે માતા ન બની શકે એવી મહિલાનો જ બધો દોષ હોય એવુ સ્વાભાવિક રીતે માની લેવામાં આવે છે.
માતા બનવા બાળકને જન્મ આપવો જરૂરી નથી
અમદાવાદની નેશનલ કોલેજમાં 15 વર્ષથી સુપરવાઇઝર તરીકે કામ કરતા અને સામાજિક વિષય પર મહિલાઓને માર્ગદર્શન આપતા ચેતનાબહેન દવે ચિત્રલેખા.કોમને કહે છે, સ્ત્રીને ભગવાનનું સ્વરૂપ કહે છે, એ ગમે એ રીતે વાત્સલ્ય આપી શકે છે. હું તો માનું છું કે, આધુનિક યુગમાં આવી વાતો સારી નથી, સ્ત્રી જ લક્ષ્મી છે તો એને શુકન કે અપશુકન સાથે ન જોડી શકાય. એવું પણ બની શકે કે ઈશ્વરની ઈચ્છા હોય કે એ અન્ય બાળકોને દત્તક લઈને એના પર પોતાનું માતૃત્વ છલકાવે માટે જ એને નિઃસંતાન રાખી હોય. ટૂંકમાં મહિલા ફિઝિકલી ભલે માતા ન હોય પરંતુ એનામાં હંમેશા માતાનું દીલ ધબકતું જ રહે છે. સ્ત્રીની સાચી ઓળખ જ એક મા તરીકેની છે એની માટે એને સંતાનને જન્મ આપે એ જરૂરી નથી.
હકીકતમાં તો હવે માતા-પિતા બનવું કે નહીં એ આજના યુવા કપલ પ્લાનીંગ કરીને નક્કી કરે છે, જો એમને યોગ્ય ન લાગે તો એ યશોદા-નંદલાલ બનીને પોતાના ઘરે કોઈ કનૈયા કે રાધારાની લઇ આવે છે. જેમાં કશું ખોટું પણ નથી. સમાજે સ્વીકારવાની જરૂર છે કે કોઈ મહિલા માત્ર માતા ન બને તો એ અપશુકનિયાળ ન બની જાય કેમ ખરું ને?
હેતલ રાવ