દાખે દલપતરામ….

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરેથી હેરિટેજ વોક શરૂ થાય છે એને અડીને જ આવેલી લાંબેશ્વરની પોળમાં કવિ દલપતરામનો ચોક અને સ્મારક આવેલા છે. કવિ દલપતરામે બાળપણમાં ભણવાની શરૂઆત પિતાથી પ્રભાવિત થઈ યજ્ઞશાળામાં કરેલી.

આઠ વર્ષની વયે દલપતરામે મામા પ્રેમાનંદની સાથે ગઢડામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદનાં દર્શન કરેલાં એની ઊંડી છાપ એમના ચિત્ત પર કાયમી રહી ગયેલી. ‘સત્સંગ’ની દીક્ષા લીધી તે પહેલાં દલપતરામને કવિતા ‘જોડવા’ના સંસ્કાર મળ્યા હતા. 1834થી 1841 દરમિયાન મૂળીમાં રહીને તેમણે સ્વામી દેવાનંદ પાસે છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ભાષાનો અભ્યાસ કર્યો. એ પરથી તેમણે ‘જ્ઞાનચાતુરી’ અને ‘વ્રજચાતુરી’ નામના ગ્રંથો વ્રજભાષામાં લખ્યા. પછી તો દલપતરામ ‘સત્સંગ’ના કવિ તરીકે ખ્યાતિ પામ્યા.

અવસાનના થોડા દિવસ પહેલાં જ એમણે ‘માનવીઓ માત્ર પાસે રે ! હું માફી માગું’ એમ ઉદગારવાળું વિદાયગીત રચેલું, જે દલપતરામના સાત્વિક સ્વભાવનું ઉદાહણ છે. આ શ્રેષ્ઠ સર્જકના આસપાસના આખાય ઐતિહાસિક વિસ્તારનું હાલ સુંદર નવીનીકરણ થઈ રહ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)