અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રુદાતલ ગામે વિધ્નહર્તા ભગવાન ગણેશજીનું એક અતિ પ્રાચીન મંદિર ખૂબ જ જાણીતું છે. ચુંવાળ પંથકમાં આવેલું આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું અને પેશ્વાઓના સમય પહેલાનું માનવામાં આવે છે.
ભગવાન ગણેશજી આ મંદિરમાં રિદ્ધિ-સિદ્ધિ સાથે બિરાજમાન છે. પ્રાચીન મંદિર હોવાથી દર મહિનાની ચોથના રોજ દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે.
શક્તિપીઠ બહુચરાજીથી 25 કિલોમીટરના જ અંતરે આવેલા સોલંકી રાજાઓના વખતના આ મંદિર સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે. કહે છે કે, રૂદાતલની પાસે સીતાપુરના પટેલોને એક પથ્થર મળ્યો હતો, જે ગાડામાં મૂક્યા બાદ ગાડું આગળ ચાલી શક્યું ન હતું. ત્યારે એક પટેલને થયું કે, આ ગાડું પથ્થરનાં કારણે આગળ જતું નથી. એમણે જેવો પથ્થર નીચે મૂક્યો અને ગાડું ચાલવા લાગ્યું હતું. એ પછી અહીં ગણપતિના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
ગણેશજીના મંદિરોમાં આમ તો દાદાને બુંદીના લાડુ કે મોદકનો પ્રસાદ ધરાવાતો હોય છે. અહીં આ દુંદાળા દેવને લોકો પોતાની માનતા પૂર્ણ થાય એ માટે ઘઉંના લાડુનો પ્રસાદ અર્પણ કરે છે. મંદિરના મુખ્ય આચાર્ય મહંતશ્રી બાબુગીરી ગોસ્વામીનો પરિવાર ચાર પેઢીથી દાદાની સેવા કરે છે. હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે બાપ્પાના દર્શન કરવા લાંબી કતારો લાગે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
