હેરીટેજ શહેર અમદાવાદમાં આવેલી અને બહારથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણું કેન્દ્ર બની રહેલી એક વાવ એટલ સુપ્રસિધ્ધ અડાલજની વાવ. પહેલાના જમાનામાં વટેમાર્ગુના વિસામા માટે રસ્તામાં આવી રીતે વાવ બાંધવામાં આવતી. સાથે સાથે પાણીનો સંગ્રહ કરવાની શ્રેષ્ઠ પધ્ધતિ તો ખરી જ.
અડાલજના વાઘેલા રાવ વીરસિંહની ધર્મપત્ની રાણી રૂડાબાઈએ સંવત 1555(ઈ. સ. 1499થી 1502) માં મહા સુદ પાંચમે પતિના સ્મરણાર્થે એ સમયના પાંચ લાખ ટકા (રૂપિયા) ના ખર્ચ કરીને અડાલજમાં બંધાવી. આ વાવને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણ પ્રવેશદ્વારમુખ છે. એના કારણે એ ‘જયા’ પ્રકારની વાવ ગણાય છે. આ વાવ બાંધનાર મુખ્ય સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ હતા. દક્ષિણ દિશામાં વાવનું મુખ્ય પ્રવેશદ્વાર છે. વાવ ભૂગર્ભમાં પાંચ માળની છે અને પાંચમો માળ પાણીની સપાટી નીચે છે. વાવની લંબાઈ 75.3 મીટર છે. ત્રણે પ્રવેશદ્વાર નીચેના પહેલા માળ તરફ જાય છે અને ત્યાં દ્વારમંડપ પર ભેગા થાય છે. વાવના બધા જ સ્તંભને ચાર ભાગ છે : કુંભી, સ્તંભ, ભરણું, અને સરૂ.
શિલ્પકળાની દૃષ્ટિએ આ વાવ અદભૂત છે. સીડીના પ્રવેશદ્વાર પર કંડારેલા નવગ્રહ હોય કે શિલ્પકામથી ભરપૂર 56 ગોખલા… નજર નાખો ત્યાં ભારતીય શિલ્પકલાનું સૌંદર્ય પ્રગટે. વાવમાં મા દુર્ગા, મા ચામુંડા વગેરે દેવીઓનાં શિલ્પો કંડારેલાં છે. વાવની વિશાળતા કોતરણી અને શિલ્પ સ્થાપત્ય આજે પણ પ્રવાસીઓને આકર્ષે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
