3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન…

“શું તમે જાણો છો કે ભારતમાં દર વર્ષે હજારો લોકો લીવરની ગંભીર બીમારીને કારણે જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હોય છે? પરંતુ આધુનિક તબીબી વિજ્ઞાનમાં લીવર ટ્રાન્સપ્લાન્ટેશન આવા દર્દીઓ માટે આશાનું નવું કિરણ બન્યું છે. હાલના સમયમાં બદલાયેલી લાઈફ સ્ટાઇલના કારણે લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ લીવરને લગતી બીમારીઓ વધી રહી છે. કારણો ઘણા બધા હોય છે. પરંતુ રાહતની વાત એ છે કે, હવે ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા ઉપલબ્ધ બની છે. અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલે છેલ્લાં 3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન પૂર્ણ કર્યા છે  ત્યારે ચિત્રલેખા.કોમએ ‘છોટી સી મુલાકાત’માં ઝાયડસના તબીબ અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશનના પ્રણેતા ગણાતા ડો. આનંદ ખખ્ખર સાથે વાત કરીને સમગ્ર કાર્યક્રમ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો.

ચિત્રલેખા.કોમ: 2007માં જ્યારે તેમણે ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત કરી હતી ત્યારે કેવાં પ્રકારના પડકાર હતા અને અત્યારે તેની સરખામણીએ કેટલી સારી સુવિધાઓ છે?

ડો. આનંદ ખખ્ખર: હું 2007માં ભારત પાછો આવ્યો. તે પહેલાં હું ન્યૂયોર્કમાં કામ કરતો હતો. મારે ભારત પાછા આવીને કામ કરવું હતું. આથી મેં તે સમયે ઘણી બધી હોસ્પિટલ્સને અપ્રોચ કર્યો હતો. ચેન્નઈમાં એપોલો હોસ્પિટલના ડૉ. પ્રતાપ રેડ્ડી સાથે વાત કરી. તેમણે તે સમયે મને કહ્યું કે અમે લોકોએ બે વખત લીવર ટ્રાન્સપ્લાન્ટેશનનો પ્રોગ્રામ રન કરવાનો પ્રયત્ન કર્યો, પણ અમને સફળતા મળી નથી. આથી હવે મને આગળ બહુ આશા કે ઈચ્છા નથી. જો કે મેં એમને વિશ્વાસ અપાવ્યો કે, સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ હું ચલાવી શકીશ. એમણે મને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા કહ્યું, મેં જીવનમાં પહેલી વખત 40 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો. એ સમયે મેં એકલા હાથે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનનો પ્રોગ્રામ શરૂ કર્યો હતો. 2007થી લઈને 2009માં લગભગ અઢી વર્ષમાં મેં 100 લીવર ટ્રાન્સપ્લાન્ટેશન કર્યા હતા. તે સમયે પડકાર અનેક હતા. પણ ધીમે-ધીમે અમે લોકો શીખતા ગયા, નવી-નવી ટેક્નોલોજી આવતી ગઈ અને દર્દીઓ માટે સુવિધાઓ વધતી ગઈ.

લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામમાં કઈ નવી ટેકનોલોજી અને એપ્રોચનો સમાવેશ કરવામાં આવ્યો છે જે અન્યથી આપને અલગ બનાવે છે?

હું 2022માં જ્યારે ઝાયડસમાં જોડાયો ત્યારે જ પંકજભાઈ પટેલ સાથે વાત કરતા કહ્યું હતું કે જો એક સફળ ટ્રાન્સપ્લાન્ટેશન કાર્યક્રમ ચલાવવો હશે તો તેના માટે દરેક પ્રકારની સાધન-સામગ્રી બેસ્ટ ક્વોલિટીની જોઈશે. આધુનિક સાધન-સામગ્રીથી લઈને બેસ્ટમાં બેસ્ટ ટીમ મળી છે. મારી સાથે જોડાયેલ દરેક ડોક્ટર તેમના ક્ષેત્રમાં બેસ્ટ છે. આમ આ બધી સુવિધાઓ, અમારા પ્રયત્નો અને દર્દીઓનો વિશ્વાસ અમને બધાંથી અલગ બનાવે છે. નિષ્ણાંત ડૉક્ટર્સની સાથે ઝાયડસના વૈશ્વિક સ્તરનાં ડેડિકેટેડ લીવર ICU, ખાસ ઓપરેશન થિયેટર્સ, નર્સિંગ સ્ટાફ અને ઓપરેશન પછી સતત મોનિટરિંગની સુવિધા જ અમને અન્ય હૉસ્પિટલથી અલગ તારવે છે. જેને કારણે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના વિભિન્ન રાજ્યો ઉપરાંત વિદેશમાંથી પણ દર્દીઓ સારવાર માટે અમારી પાસે આવે છે.

multidisciplinary ટીમ (સર્જન, એનસ્થેટિસ્ટ, નર્સ, કાઉન્સેલર વગેરે) એકબીજાની સાથે કેવી રીતે સંકલિત રીતે કાર્ય કરે છે?

મારી આગેવાની હેઠળની નિષ્ણાત ટીમના ડૉ. યશ પટેલ, ડૉ. મયુર પટેલ, ક્રિટિકલ કેર ટીમના ડૉ. હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેટિસ્ટ અને લીડ ડૉ. મીતા અગ્રવાલ, ડૉ.પરાગસિંહ ગોહિલ તથા સમગ્ર ટીમના સંયુક્ત પ્રયત્નોથી જ આ પ્રોગ્રામ ચાલે છે. આ દરેક વિભાગના ડોક્ટર તેમના વિષયમાં ખૂબ જ નિપુણ છે અને તેમની પાસે અનુભવ પણ એટલો જ બહોળો છે. ખાસ કરીને ડેડિકેટેડ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામનો અનુભવ પણ તેઓ ધરાવે છે. અમે સાથે મળીને પિડિયાટ્રિક દર્દીથી લઈને 70 વર્ષ કરતાં પણ વધુ વય ધરાવતાં દર્દીઓના ટ્રાન્સપ્લાન્ટેશન કર્યા છે. ભગવાનની ખૂબ જ મહેરબાની છે કે અમારા આ પ્રયત્નો થકી અનેક લોકોને નવજીવન મળ્યું છે. તેની સાથે 1 વર્ષથી પણ ઓછા સમયગાળામાં અમે લોકોએ એકસાથે લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનાં (SLKT) અનેક સફળ કેસનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.

તમારી અત્યાર સુધીની સફરમાં એવાં કોઈ પડકારજનક દર્દીઓનું તમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, જેમનું સર્વાઈવ કરવું અત્યારે તમને પણ આનંદ આપે છે!

અમે કોઈ પણ વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટેશન માટે ના પાડતા નથી. દર્દીને તેના કેસ વિશેની વાસ્તવિક્તા અમે કહી દઈએ છીએ. કેસમાં કેટલું રિસ્ક છે તેની માહિતી દર્દીને આપી જ દઈએ છીએ. તેની સાથે જ અમે કોઈ પણ દર્દીને ના પાડતા જ નથી. આમ તો અહીં આવતા દરેક કેસ અમારા માટે પડકારજનક અને ટ્રીટમેન્ટની દ્રષ્ટિએ યાદ રહી જાય તેવાં જ હોય છે. કોઈ પણ દર્દીના કેસમાં જો પચાસ ટકા પણ સફળ થવાની શક્યતા રહેલી હોય છે, તો અમે તેની પાસેથી તે પચાસ ટકા આશા છીનવી લેતા નથી. અમે તેને બીજી પચાસ ટકા આશા આપીને સો ટકા પ્રયત્ન કરીને ટ્રાન્સપ્લાન્ટેશન કરીએ છીએ. અમે અહીં ABO ઈન્ક્મપેટિબલ બ્લડ ગ્રુપથી લઈને HIV પોઝિટિવ દર્દી સુધીના અલગ-અલગ મેડિકલ હિસ્ટ્રી અને અઢળક મુશ્કેલી ધરાવતાં અનેક દર્દીઓના ટ્રાન્સપ્લાન્ટેસન કર્યા છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)