નશા હી નશાઃ આ ‘ઊડતા ગુજરાત’ છે?

અરે મેડમજી, ડ્રગ્સકા ક્યા બોલના, વો તો અબ આમ બાત હો ગઈ હૈ. બડે બાપ કી બિગડેલ ઔલાદ તો ઈસ કે લીયે દિલ ખોલકર પૈસા ખર્ચ કરતી હૈ, ઔર ઈનકે સાથ કભી-કભી સાદે ઘર કે છોકરે ભી આ જાતે હૈ. અપુન કા કામ તો આપ જાનતી હો, બસ પૈસે સે મતલબ.. પર હા, ડ્રગ્સ આસાનીસે મિલતા હૈ.. ચાય કી લારી સે લેકર બડે બડે હોટલો મેં ઔર છોટે-છોટે ગેસ્ટહાઉસમેં ભી મીલ જાતા હૈ. બસ કોડવર્ડ આના ચાહિયે.

કોડવર્ડ, વો કૈસા..?

દવા, બંદૂક, સીફા, ફ્રૂટ્સ, વટાણા એસે કોડવર્ડ આના ચાહીયે, પર હા કોડવર્ડ બોલો તો ભી સામને વાલી પાર્ટી કો પતા ચલ જાતા હૈ કે તુમ ગીરાક હો કે ફીર ફીરકી લેને આયે હો, ફીરકી યાની સમજે..અરે પકડને..ઔર પતા કરને..

લેકિન જબ ડ્રગ્સ બડી માત્રામાં પકડા જાતા હે..તબ તો થોડોને દીન કેલિયે સર્વિસ ડાઉન હોતી હોગીની..

ના રે ના..દવા કી દુકાન હૈ ના..? વહા વિટામિન કી ડીબ્બીયો મેં ક્યા હૈ..? કોન દેખને જાયેગા..?

લેકિન પતા કેસે ચલાગા કે કોનસી દુકાન હૈ..દુકાન તક પહોંચેગા કોન..?

યે બાત જાને દો..આપ ફસવાઓગે મુજે..

અરે નહીં..નહીં..એસા નહીં હોગા..બોલો..

સબકો પતા હૈ..લોગ જાનતે હૈ..ઈસમેં હી મેરા જવાબ હૈ.

આ વાર્તાલાપ ડ્રગ્સ એજન્ટ સાથેનો છે. એના પરથી સમજવું અઘરું નથી કે, ડ્રગ્સ મેળવવું વાસ્તવમાં કેટલું સહેલું પણ છે! છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો જે રીતે પકડાઇ રહ્યો છે એના કારણે ગુજરાતમાં ડ્રગ્સની હેરફેર અને ડ્રગ્સનું સેવન બહુ ચર્ચામાં છે. ગુજરાતમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં કુલ 87.60 ટન ડ્રગ્સ જપ્ત થયું છે જેની બજાર કિંમત 9680 કરોડ છે. એવું પણ જાણવા મળે છે કે, ડ્રગ્સના ઓવરડોઝના કારણે થતાં મૃત્યુઆંકમાં દેશમાં ગુજરાત ત્રીજો ક્રમ ધરાવે છે.

 

 

વિશ્વમાં દર વર્ષે અંદાજે 29 હજાર અબજ રૂપિયાના ડ્રગ્સનો કારોબાર થાય છે. રોજની ઓછામાં ઓછી 350થી પણ વધુ ડ્રગ્સની થેલીઓ ભારતમાં ઘૂસાડવામાં આવે છે. 2023માંના એક વર્ષમાં 33.68 લાખનો 336.29 કિલો જથ્થો પકડાયો છે. જયારે ચરસના છ કેસમાં 15.52 કરોડનો 31.79 કિલો જથ્થો, એમડીનો 1.56 કરોડનો 1.56 કિલો જથ્થો, ઓપિયમના પાંચ લાખનો 1.14 કિલો જથ્થો અને રોમટેરિયલના 10.90 લાખનો 10.9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 2024ના એપ્રિલ, મે અને જૂન એમ કુલ ત્રણ મહિનામાં જ અમદાવાદ અને સુરતમાં સાત કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રગ્સના નશા પછાળ યુવાધન બરબાર થઈ રહ્યું છે

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના હેડ રાજેન્દ્ર જાની ચિત્રલેખા.કોમને કહે છે, “માણસ હવે ધીમે ધીમે એકલતાથી ઘેરાયો છે. બે પેઢી વચ્ચેનું અંતર પણ વધ્યું છે. માતા-પિતા નોકરી કરતા થયા છે. બાળકો એકલા થયા છે.

આવા સંજોગોમાં વ્યસન તરફ યુવાપેઢી આગળ વધે છે. સમાજ અને શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા લોકોની પણ જવાબદારી છે આવી બાબત હવે પગલા લેવા જોઈએ. અને વ્યસન મુક્ત સમાજનું ઘડતર કરવા માટે આગળ આવવું જોઈએ.”

 

 

કેટલામાં વેચાય છે ડ્રગ્સ? 

  • ચરસ, પાંચ ગ્રામ 2000થી 2500
  • બ્રાઉન સુગર, એક પડીકી 300થી 500 રૂપિયા
  • ગાંજો, એક પડીકી 70થી 100 રૂપિયા
  • હેરોઈન, પાંચગ્રામ 32 હથારથી 40 હજાર
  • અફીણ, 30 ગ્રામ, 1000થી 1500 રૂપિયા
  • એસિડ પેપર, 1500થી 2700 રૂપિયા
  • એમડી, એકગ્રામ 4000થી 5200 રૂપિયા

છેલ્લા 30 વર્ષથી રાજકોટની કોટક હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા જાણીતા મનોચિકિત્સક ડો.ભાવેશ એમ કોટક ચિત્રલેખા.કોમને કહે છે કે, “જે બાળકોનું બાળપણ ડિસ્ટપ રહ્યું હોય, કે એમની ઉપસ્થિતિની અવગણા થઈ હોય એ બાળકો થોડા મોટા થઈને વ્યસન તરફ વળે છે. જયારે અન્ય કિસ્સામાં મિત્રો ડ્રગ્સ લેતા હોય ત્યારે પોતે ડ્રગ્સ નહીં લે તો બધાથી અલગ લાગશે કે પછી દોસ્તો ગ્રુપમાં નહીં રાખે જેવી માનસિક્તાથી પિડાતા ટીનએજ, કે યુવાનો પણ ડ્રગ્સના રવાડે ચઢે છે. પિતા વ્યસન કરતા હોય કે બાળક સાથે ડોમેસ્ટિક વાયોલન્સ થતું હોય તો સ્ટ્રેસ ઓછુ કરવા ડ્રગ્સ લેતા થાય છે. એવી જ રીતે મહિલાઓ પણ પહેલા કિટી પાર્ટીમાં સિગારેટ, વોડકાથી વ્યસન શરૂ કરે છે, પછી એ ડ્રગ્સ સુધી પહોંચે છે. આ બદીમાંથી બહાર નિકળવા માટે ડ્રગ્સ લેતી વ્યક્તિને મનથી મજબૂત બનાવો પડે. જેમ વ્યાજના ચક્રમાં પરિવારનું કોઈ સદસ્ય ન ફસાય એના માટે બધા ભેગા મળીને પૈસા કાઢે એમ જ આ ડ્રગ્સની બદીમાંથી પણ બચાવવા માટે પરિવારે આગળ આવવું પડશે.”

ડ્રગ્સમાં ખાસ કરીને મજૂર વર્ગ અને શ્રીમંતો જેના આદી છે એ ગાંજો તો સહેલાઈથી મળી રહે છે. એક નિવૃત પોલીસ અધિકારીએ નામ ન આપતા કહ્યું કે, ગુજરાતમાં 20 લાખ કિલોથી પણ વધુ ગાંજો બહારના રાજ્યોમાંથી આવે છે. એક કિલો ગાંજાના પત્તાં પાંચથી છ હજાર રૂપિયાના ભાવે મળે છે. જે હવે ખાસ પ્રકારના કાગળમાં સિગારેટ બનાવીને ફિલ્ટર સાથે પીવામાં આવે છે. ઓરિસ્સાથી આવતા ગાંજાનું હોટ સ્પોટ વડોદરા, સુરત, ભરૂચ, અને અમદાવાદ જેવા રેલવે સ્ટેશનો છે.

નશા મુક્ત અભિયાન ચલાવી ડ્રગ્સ અને અન્ય વ્યસનના આદી બનેલા લોકોને એમાંથી બહાર લાવવા સતત પ્રયત્ન કરતી સુરતની યુથ નેશન સંસ્થાના ડાયરેક્ટર વિકાસ દોશી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે “ ડ્રગ્સ એવો નશો છે જેનાથી બહાર નિકળવું મુશ્કેલી ભર્યુ છે. એક સત્ય વાત એ પણ છે કે જે લોકો બે વર્ષ કરતા વધારે સમયથી ડ્રગ્સના આદી છે એ દરેક લોકો આ વ્યસનમાંથી મુક્ત થવા ઇચ્છે છે.  સેહેલાઈથી ડ્રગ્સ મળી જાય છે માટે દેખાદેખીમાં યુવાનો એનો નશો કરવા લાગે છે. પંદર વર્ષના છોકરા-છોકરીઓ તો એમડી(ડ્રગ્સનો એક પ્રકાર)જેવા નશામાં છે. દેશનું યુવાધન આ નશા પાછળ બરબાર થઈ રહ્યું છે.”

ગુજરાતના યુવાનો અને ઉચ્ચ પરિવારની મહિલાઓમાં ડ્રગ્સની આદત વધી ગઈ છે. યુવાનો પાર્ટીના બહાને ડ્રગ્સ લેતા હોય છે. ગાંજા પછી સૌથી સરળતાથી ચરસ મળી રહે છે. કારણ કે એનું વેચાણ ચાની કીટલી પર થાય છે. ત્યાં ચરસના ગોળ દાણા રાખેલા હોય છે. લેવા આવનારા ચરસી વટાણા તરીકે એનો ઉલ્લેખ કરે છે. એમાં પણ બે પ્રકાર છે. જેમાં એક પાર્ટ અને બીજો ઝેર, પાર્ટનો ઉપયોગ મજૂરવર્ગ અને ઝેરનો ઉપયોગ ધનિક નબીરા કરે છે. પાર્ટ બગડેલો માલ હોય છે માટે એની કિંમત પણ ઓછી હોય છે. જ્યારે ઝેર ચરસીઓનું ફેવરિટ ડ્રગ્સ છે. ચરસ બંદૂકમાંથી સાફ થઈ ગળા સુધી પહોંચે માટે કપડાનો ઉપયોગ કરવામાં આવે છે. જેને સીફા કહેવામાં આવે છે. ચરસના એક તોલાનો ભાવ 600 રૂપિયાથી પણ વધારે છે. જ્યારે વટાણાની કિંમત 70થી 80 રૂપિયા છે. જે બંદૂક ઉપરાંત કેવેન્ડર્સ સિગારેટમાં પીવાય છે. બ્રાઉન સુગરની એક પડીકીની કિંમત 300થી 500 રૂપિયા છે જેમાં એકથી ડોઢ ચપટી બ્રાઉન સુગર આવે છે.

બાળકોની જવાબદારી, બચતનો વપરાશ, ડિપ્રેશન જેવી અનેક સમસ્યાઓથી ઘેરાયેલા યુવાનો જ નહીં પરંતુ યુવતીઓ અને મહિલાઓ અને અનેક લોકો ડ્રગ્સના રવાડે ચઢી ગયા છે.

ડ્રગ્સ એના પ્રકાર અને અસર

એસડીએસઃ નાની મોટી પાર્ટીમાં એસડીએસનું સેવન થાય છે. શરીરમાં ઉત્સાહ પુરો પાડે છે. પરંતુ યુવાનોને ખ્યાલ નથી કે આ ડ્રગ્સ સ્વાસ્થ માટે અત્યંત જોખમકારક છે. ગાંજો ખૂબ ખતરનાક છે. એની લતથી ફેફસાંની બીમારી થવાની પૂરેપૂરી શક્યતા છે.

કોકેનઃ કોકેનની આદત જલ્દી છૂટતી નથી એની અસર સીધી મગજ પર થાય છે. યાદશક્તિ પર પણ માઠી અસર પડે છે.

એલએસડીઃ આ ડ્રગ્સની ડિમાન્ડ સૌથી વધારે પોશ વિસ્તારમાં જોવા મળે છે. રેવ પાર્ટીના શોખીન લોકો એલએસડી ડ્રગ્સનો વધુ ઉપયોગ કરે છે. આ ડ્રગ્સના સેવનથી આંખો પર સીધી અસર પડે છે. એટલું જ નહીં ડ્રગ્સ લેનારને ઘબરાહટ, અસહજતા અને બેચેની થાય છે. અંતે ભાન ભૂલી જાય છે અને મનોરોગ થવાની પણ શક્યતા છે.

સ્પીડ બોલઃ આ હેરોઈન અને કોકેનનું ઘાતક મિશ્રણ છે. આ ડ્રગ્સ ખૂબ ખતરનાક છે. આનાથી ઘણાબધા લોકોનાં મોત થાય છે.

ક્રિસ્ટલ મેથઃ શરીરની ઊર્જા માટે આ ડ્રગ્સ લેવામાં આવે છે. જે સમગ્ર વિશ્વભરમાં વેચાય છે. આની લત જલ્દી છૂટતી નથી અને સ્વાસ્થ માટે અતિ ઘાતર પુરવાર થાય છે.

ગુજરાતમાં દારૂબંધી છે પણ ઠેર ઠેર ગેરકાયદેસર રીતે દેશી-વિદેશી દારૂ મળે છે. દેશભરમાં ડ્રગ્સનું વેચાણ અને સેવન બન્ને ગુનાહિત કૃત્ય છે છતાં પણ ડ્રગ્સ જપ્ત થવાના આંકડા સામે આવ્યા કરે છે. સાથે જ ડ્રગ્સના નશામાં ચકનાચુર થનારા ગુજરાતીઓની સંખ્યા પણ વધી રહી છે, જે ચિંતાજનક બાબત છે.

(હેતલ રાવ)