સપનાને ઉંમર ન હોય: 82 વર્ષે PhD કરનાર ડૉ. રમીલાબેન શુક્લાની અસાધારણ સફળતા

બધી જવાબદારીઓ પૂરી થયા પછી ખાલી જીવવા ખાતર જીવવું. ખાવું, પીવું, સૂવું અને માત્ર શ્વાસ લેવા ખાતર લેવો, એવું જીવન મારે જીવવું ન હતું. મારે જીવનમાં કંઈક લક્ષ્ય જોઈતું હતું અને ભણવાનું મને જીવનમાં પહેલેથી જ ગમતું હતું. આથી મેં એ રસ્તો અપનાવ્યો. મારે બીજા લોકોની જેમ આ ઉંમરે નકારાત્મકતાના સહારે નહતું રહેવું. સામાન્ય રીતે લોકો કહેતા હોય છે કે, ભણવા માટેની કોઈ ઉંમર હોતી નથી, આપણે શીખતા રહેવું જોઈએ. પરંતુ મારે જ્યારે PhDમાં એડમિશન લેવું હતું ત્યારે ઘણા લોકોએ નકારાત્મક જવાબ પણ આપ્યો હતો. તેમ છતાં મેં હાર માની નહીં. બીજી તરફ બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી તરફથી મને ખૂબ જ સારો સહકાર મળ્યો. જે દર્શાવે છે કે જીવનમાં દરેક પ્રકારના લોકો આપણને મળતા હોય છે. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના પદાધિકારીઓ સમજ્યા કે મારે અભ્યાસ માટે અભ્યાસ કરવો છે અને મને ખૂબ જ સારી રીતે ગાઈડ કરી.

આ શબ્દો છે રમીલાબેન શુક્લના. જિંદગીના 70 દાયકા પસાર કર્યા પછી રમીલાબહેને પોતાની આગળ વધારે ભણવાની ઈચ્છાથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વર્ષ 2016માં ગુજરાતી વિષયમાં માસ્ટર ઓફ આર્ટ્સના કોર્સ માટે એડમિશન લીધું. જે ઉંમરમાં લોકો જિંદગીથી થાકીને આરામ અને કામ વગર રહેવાનું પસંદ કરે છે તે ઉંમરમાં રમીલાબહેને ગુજરાતી વિષય સાથે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ઝંપલાવી દીધું હતું અને ફર્સ્ટ ક્લાસ સાથે તેમણે M.A. પણ કર્યું. રમીલાબહેને આટલાથી સંતોષ માન્યો નહીં. તેમણે વધુ અભ્યાસ કરવા માટે નિશ્ચય કરી લીધો હતો. આમ કરતા તેમણે PhD એટલે કે, ડોક્ટરેટની ડિગ્રી મેળવવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો. આ ઉંમરે PhDની ડીગ્રી પ્રાપ્ત કરવી એ નાની વાત ન હતી.

પોતાના જીવનના પ્રારંભિક સમય વિશે વાત કરતા રમીલાબેન કહે છે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પાસે ડીસામાં ભારતની આઝાદી પહેલા એટલે કે, વર્ષ 1943માં જન્મ થયો. પિતા પોપટલાલ મહેતા ખૂબ જ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા, પરંતુ માતા રુક્ષ્મણીબેન મહેતા ખૂબ જ સ્ટ્રોગ મહિલા હતા, એમણે ક્યારેય ઉછેરમાં પિતાની ખોટ આવવા દીધી નહીં. ચાર ભાઈ અને ત્રણ બહેનોમાં હું સૌથી નાની. મોટાં ભાઈએ એ સમયે મારા માટે પિતાતુલ્ય બની ગયા, એમણે જ બધી જવાબદારીઓ નિભાવી. પરિવારમાં વાંચનનું ખૂબ મહત્વ, સાહિત્ય પ્રત્યેની રૂચિ ખૂબ જ નાની ઉંમરથી મારામાં વિકસી. પિતાનું મૃત્યુ વહેલું થવાના કારણે પરિવારમાં મોટા ભાઈઓ પર જવાબદારી આવતા તેમનું ભણતર પૂરું થયું ન હતું. મારા પરિવારમાં હું પ્રથમ ગ્રેજ્યુએટ થઈ હતી. 1965માં મેં અમદાવાદની એમ.જી. સાયન્સ કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

આગળ વાત કરતા રમીલાબેન કહે છે કે, હું જેમને ઓળખતી હતી તેવાં સનદ શુક્લા મને ગમવા લાગ્યા પછી કિશોરાવસ્થામાં જે સ્વપ્ન હતું કે ખૂબ જ ભણવું, વાંચવું અને વિચારવું છે, એ બદલાયું. હવે એવું લાગ્યું કે એમની સાથે જ જીવન વિતાવવું છે. જીવનમાં થોડાં સંઘર્ષ બાદ વર્ષ 1968માં સનદ મહેતા સાથે લગ્ન થયા. પછી તો ત્રણ બાળકો થયા અને જવાબદારીઓ આવી જતાં સ્વપ્ન ક્યાંય પાછળ રહી ગયું. જો કે 71 વર્ષની ઉંમરે જ્યારે ત્રણેય દીકરા પ્રત્યેની જવાબદારીઓ પૂરી થયા પછી મને ફરી એવું લાગ્યું કે મારી ઉંમરના લોકો જોડેથી જિંદગી માટે જેવી નકારાત્મક વાતો સાંભળું છું, તેવી જિંદગી મારે નથી જીવવી. આ જ ધગશ સાથે વર્ષ 2016માં મહેનત કરીને તેઓએ 73 વર્ષની ઉંમરે M.A.ની ડિગ્રી પ્રાપ્ત કરી.

PhDના કોર્સમાં એડમિશન લેવા માટે તેમણે પહેલો પડાવ પાર કરવાનો હતો. PhDની પ્રવેશ પરીક્ષા માટે રમીલાબહેને ટ્યુશનનો સહારો લીધો. આ પરીક્ષા પાસ કરીને તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના PhD કોર્સમાં એડમિશન લીધું. ગુજરાતી વિષયમાં ખૂબ જ રસ હોવાથી PhD માટે રમીલાબહેને ‘ગઝલકાર શૂન્ય પાલનપુરી-એક અભ્યાસ’ વિષય પસંદ કર્યો. રમીલાબહેન પાસે કમ્પ્યૂટરનું જ્ઞાન ન હતું અને તેમણે ડીગ્રી પ્રાપ્ત કરવા માટે ગુજરાતી ટાઈપિંગ કરવું જરૂરી હતું. કેમ કે, PhD માટેના થીસીસ લખવા માટે કમ્પ્યૂટરનો સહારો લેવો અનિવાર્ય હતો. તેઓએ આ માટે કમ્પ્યૂટરનું પાયાનું જ્ઞાન લીધું અને કમ્પ્યૂટર ઉપર જરૂરિયાત પૂરતું કામ કરી શકે તેટલું તેઓ શીખી ગયા.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રોફેસર યોગેન્દ્રભાઈ પારેખ રમીલાબેનની PhD ડિગ્રી માટે તેમના પ્રોફેસર અને ગાઇડ હતા. પ્રો. યોગેન્દ્રભાઈ તેમને દરેક પડાવ ઉપર માર્ગદર્શન – મદદ કરતા હતા. રમીલાબહેન કુતુહલવશ પ્રો. યોગેન્દ્રભાઈને પૂછતા કે, PhD કરવા માટે ઓછામાં ઓછા કેટલા પુસ્તકો વાંચવા પડે? પ્રો. યોગેન્દ્રભાઈ કહેતા કે, પોતાના વિષયના ઓછામાં ઓછા 100 પુસ્તકો વાંચવા પડે. રમીલાબહેને પોતાની વાંચનશક્તિનો ભરપૂર ઉપયોગ કરીને 135 જેટલા પુસ્તકો વાંચી પોતાના વિષય માટે થીસીસ લખ્યો.

રમીલાબેન કહે છે, “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી મને ખૂબ જ સારો સહકાર મળી રહ્યો. યુનિવર્સિટીએ મારા જેવા વિદ્યાર્થી પ્રત્યે ખૂબ સમજણ દાખવી ભણતરમાં મને ખૂબ સાથ સહકાર આપ્યો. યુનિવર્સિટી તરફથી મળેલા આ સાથ સહકાર બદલ હું યુનિવર્સિટી માટે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરું છું. સાથે જ મારા પરિવાર: ત્રણેય દીકરા, પુત્રવધુઓ અને પૌત્ર-પૌત્રીઓનો પણ ખૂબ જ સારો સહકાર મળ્યો. મારા બાળકો મને જો ખાલી બેઠેલી જુઓ તો તરત જ મીઠો ઠપકો આપતા કહે કે શું તમારે ભણવાનું નથી? ચાલો ભણવા બેસો. આમ બધાંના સાથ-સહકાર સાથે મેં ટીમ સ્પિરીટ સાથે આ PhDની ડિગ્રી મેળવી છે. મારી આ સફરમાં જેટલાં લોકોનો મને સહકાર મળ્યો છે તે દરેકનો હું ખરેખર આભાર માનું છું.”

PhDના વિષય ‘ગઝલકાર શૂન્ય પાલનપુરી-એક અભ્યાસ’ વિશે વાત કરતા રમીલાબેન કહે છે કે, આ વિષય માટે મને દિલથી પ્રેમ છે. કારણ કે શૂન્યભાઈ અમારા ઘરે આવતા-જતા. મેં એમને રૂબરું સાંભળ્યા પણ છે. તેમના બધાં જ પુસ્તકો વાંચ્યા પણ છે. શૂન્યભાઈની ગઝલમાં ખૂબ જ વિષય વૈવિધ્યતા છે. જો કે મને એવું લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં જેટલું તેમને મહત્વ મળવું જોઈએ તેટલું મળ્યું નથી. શૂન્યભાઈએ વિવિધ વિષયો ઉપરના શેર લખ્યા છે. જેમ કે, પ્રણય, ઈશ્વર અને ધર્મને ભેગા કરીને તેનું કલેક્શન કરી લખવાનું તેઓ પસંદ કરતા હતા. મને શૂન્ય પાલનપુરીને એક વિષય તરીકે પસંદ કરીને ડિગ્રી મેળવવા ઉપરાંત તેમના વિશે કામ કરવા મળ્યું તે જ મારા માટે મોટી વાત છે. મારા રસનો વિષય જ્યારે ભણવા મળી ગયો ત્યારે ભણવાની કેવી મજા આવે તે એક વિદ્યાર્થી જ સમજી શકે છે!

જીવન જીવવાની ધગશથી ભરેલા રમીલાબહેન મહિલાઓ અને મોટી ઉંમરના લોકો માટે ઉદાહરણ સમાન છે. રમીલાબહેનમાંથી ડૉ. રમીલાબહેન શુક્લા બનવાની સફરમાં તેમની આખી જિંદગીનો સાર છે. મહેનત અને પરિશ્રમના સહારે આ ઉંમરે પોતાના સ્વપ્ન પૂરા કરતાં 82 વર્ષના આ મહિલા સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત છે.

(રાધિકા રાઓલ-અમદાવાદ)