ગૃહિણીને આ ફરિયાદ કરવાનો અધિકાર છે?

રિચા, મારી ફાઈલ ક્યાં છે? ક્યારની શોધું છું મળતી જ નથી! મમ્મી, મારો સાયન્સ પ્રોજેક્ટ તૈયાર છે ને..? મોમ, મારો પ્રોટીન શેક કેમ હજુ બન્યો નથી..તને ખબર છે ને એક્સેસાઈઝ પછી તરત મારે જોઈએ છે? અરે રિચા, હું મંદિર જવા નીકળું છુ, જરા પૂજાની થાળી આપ તો..રિચા, હું વોકિંગ માટે જઈ રહ્યો છું અડધો કલાકમાં આવીશ નાસ્તો તૈયાર રાખજે…

હા, પપ્પાજી કહેતા રસોડામાંથી બહાર નીકળતા રિચાએ પતિદેવના હાથમાં ફાઈલ મૂકી, દીકરાને પ્રોટીન શેક આપ્યો. દીકરીને સાયન્સ પ્રોજેક્ટ આપ્યો અને સાસુમાને પૂજાની થાળી આપતાં કહ્યું મમ્મીજી તમે પપ્પાજી સાથે જ નાસ્તો કરશો?

સવારમાં બરાબર પાંચના ટકોરે ઉઠીને ઘરના કામમાં વ્યસ્ત રિચાએ જરા ઊંડો શ્વાસ લેતા ચાનો કપ હાથમાં લઈ સાસુ-સસરા માટે ગરમ નાસ્તો તૈયાર કરવા રસોડા તરફ ચાલતી વખતે રિચાને બે દિવસ પહેલાની વાત યાદ આવી ગઈ. શનિવારે રાત્રે ડિનર માટે સાથે બેઠા હતા. રોજની જેમ, એ ગરમ ગરમ રોટલી પીરસતી હતી. ત્યાં જ રિચાના પતિ અનિકેતે એની મમ્મીને કહ્યું કે મને તો ઘણીવાર એમ થાય છે કે તમારે લોકોને કેટલુ સારું! આ ઘરના બે-ચાર કામ કર્યા અને એ..ય લાંબા પગ પસારીને આરામથી ટીવી જોવાનું. અમારે તો આખો દિવસ કામ..કામને કામ, ઘરે આવ્યા એટલે જૂદી જ જવાબદારી. સાસુમાએ પુત્રના વાતને ટેકો આપતા કહ્યું, હા સમય બદલાયો છે. અમારા વખતે તો સતત કામ કરવું પડતું. વહુઆરુને વળી સુવાનું કેવું! અને ટીવી-બીવી તો અમારે હતા જ ક્યાં?! આજકાલની છોકરીઓને સારું. ન પૈસાની ચિંતા અને ન ઘરની ચિંતા!

રિચાના આ વિચારોએ એની ચા ઠંડી કરી નાખી. એ પોતાની જાતને જ જાણે પ્રશ્ન કરી રહી હતી કે એ છેલ્લા ક્યારે શાંતિથી સૂઈ રહી હતી કે ક્યારે શાંતિથી પગ પસારીને ટીવી જોવા બેઠી હતી. એને તો એ પણ યાદ ન આવ્યું કે છેલ્લે ગરમાગરમ રોટલી એણે ક્યારે ખાધી હતી! એટલામાં સાસુએ બૂમ મારી અને ઠંડી ચાને ત્યાં જ રસોડા પર રાખીને એમને નાસ્તો પીરસવા ગઇ.

તમને શુ લાગે છે આ કોઈ સરસ મજાની વાર્તા છે કે પછી કોઈ ટીવી સીરીયલની સ્ટોરી? ના, એવુ કશુ જ નથી. હકીકતમાં આ એક એવી સચ્ચાઈ છે જેનાથી લગભગ દરેક વ્યક્તિ પરિચિત છે પરંતુ અજાણ બનવાનો પ્રયાસ કરે છે. કારણ કે દરેક ઘરમાં એક ગૃહિણી તો છે જ, જે ઘરમાં કાયમ શાંતિ રહે માટે આવા કેટલાય કડવા ઘૂંટ મૂંગે મોઢે પીવે છે. પરિણામે એ એવા તણાવમાં આવી જાય છે જેની જાણ એને પોતાને પણ નથી થતી. કારણ કે ગૃહિણીએ વળી આખો દિવસ કરવાનું શું હોય..?  બેચાર કામ કરે એટલે પત્યું!

પરંતુ એ સત્ય નથી, હકીકતમાં ગૃહિણી ઘર, બાળકો, પરિવારની જવાબદારી પોતાના શિરે લે છે ત્યારે જ એક સારા સમાજની રચના શક્ય બને છે. પણ એ ગૃહિણી પોતે અનેક સમસ્યાઓથી ઘેરાયેલી રહે છે જેની જાણ એ કોઈને નથી કરતી.

ગૃહિણીમાં જુદી રીતનો તણાવ હોય છે

અમદાવાદની NHLMMC (NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ)ના મનોચિકિત્સા વિભાગના વડા ડો. નિમેશ પરીખ ચિત્રલેખા.કોમને કહે છે કે, ગૃહિણીઓમાં માનસિક તણાવ વધારે જોવા મળે છે. ઘરમાં એમને અનેક કામ હોય છે એનું ખૂબ ભારણ રહેશે. જો કે ગૃહિણી જે કામ કરતી હોય છે એનું ભારણ પોતે પણ નથી અનુભવી શકતી અને બીજા પણ સમજી નથી શકતા. જેથી એનું બર્ડન એમના શરીર અને મન પર જોવા મળે છે. આ પણ એક કારણ છે કે એમનામાં એન્જાઈટી અને ડિપ્રેશન વધારે રહે છે. પરંતુ એ થોડું જુદું હોય છે જેમ કે એમને માથું દુખે, ચક્કર આવે, શરીરના પગના સ્નાયુઓ દુખે આ તણાવોનો એક ભાગ છે મહિનામાં એકાદ વખત દુખે તો થીક પણ સતત આવી સમસ્યાઓ એક પ્રકારનો તણાવ જ કહેવાય. ગૃહિણી હોય એમનામાં જલ્દી મન ઉદાસ રહે છે કે કશું ગમતું નથી એવી સમસ્યા જોવા નથી મળતી. એમને જુદી રીતે તણાવ રહે છે.

 

તણાવના અનેક કારણો છે..

ગૃહિણીઓને વિવિધ પ્રકારના તણાવનો સામનો કરવો પડે છે, જે તેમના દૈનિક જીવન અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે.

ઘરેલુ કામકાજ અને જવાબદારીઓ: ગૃહિણીઓને ઘરનું કામકાજ, રસોઈ, સફાઈ, બાળકોની સંભાળ, અને અન્ય દૈનિક કામકાજના ભાર તળે રહેવું પડે છે. ક્યારેક આ જવાબદારી પૂરી કરવાની ચિંતામાં રહેવું પડતું હોય છે, એ સતત તણાવના રૂપમાં રહે છે.

આર્થિક દબાણ: જો પરિવારનો એકમાત્ર રોટી કમાવનાર વ્યક્તિ પતિ હોય તો ગૃહિણી પર આર્થિક સજાગતાનો બોજો હોય છે. ઘરનું બજેટ સંભાળવું, ખર્ચાને નિયંત્રણમાં રાખવું અને જરૂરિયાતોને પૂરી કરવા માટે દબાણ અનુભવવું પડતું હોય છે.

અપેક્ષા અને સમાજની માન્યતાઓ: ગૃહિણીઓને એમના પરિવાર, મિત્રો, અને સમાજની અપેક્ષાઓ પૂરી કરવા માટે સતત દબાણનો સામનો કરવો પડે છે. ગૃહિણી તરીકે, ઘણી વાર એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ દરેક વાતમાં પરિપક્વ અને નિષ્ણાત હોવા જોઈએ, જે એમને વધુ તણાવમાં મૂકી શકે છે.

સામાજિક એકલતા: ઘરમાં સતત રહેવાને કારણે, ઘણી ગૃહિણીઓ સામાજિક જીવનમાં વધુ જોડાઈ શકતી નથી, જેને કારણે તેઓને એકલતા અને અલગાવનો અનુભવ થાય છે. આ એકલતા અને બાહ્ય સંબંધોની અછતને કારણે માનસિક તણાવ વધી શકે છે.

ખોટી ઓળખ અને સ્વ-મૂલ્ય: ઘણી વખત, ગૃહિણીઓએ એમના કામના મહત્ત્વને માન્યતા નથી મળતી. આ ખોટી ઓળખ અને સ્વ-મૂલ્યના અભાવને કારણે તેઓને અયોગ્યતા, નિરાશા અને તણાવનો અનુભવ થાય છે.

શારીરિક તણાવ: સતત કામમાં વ્યસ્ત રહેતા ગૃહિણીઓને આરામનો સમય મળતો નથી, જે શારીરિક તણાવ અને આરોગ્ય સમસ્યાઓનું કારણ બને છે.

બાળકો અને કુટુંબની ચિંતા: બાળકોની સંભાળ, એમની ભવિષ્યની ચિંતા, શિક્ષણ અને સ્વાસ્થ્ય વગેરેને લગતા મુદ્દાઓ ગૃહિણીઓને વધુ તણાવમાં મૂકે છે.

રવિવારની રજા પણ ગૃહિણીને નથી મળતી

અંકલેશ્વરના ગૃહિણી સોનલ પ્રકાશ માંજરીયા ચિત્રલેખા.કોમને કહે છે, સામાન્ય રીતે જે મહિલા કશુ જ ન હોય એને ગૃહિણી કહેવામાં આવે છે. તમે નોકરી ન કરતા હોય એટલે તમે નથીંગ. પણ જો એક ગૃહિણીનું મંતવ્ય જાણો તો ખબર પડે કે સવારથી સાંજ સુધીનું રુટીન સેટ કરવું કેટલું પડકારજનક છે. પરિવારની નાનામાં નાની જવાબદારીથી લઈને ઘરની દરેક સમસ્યાઓનું સમાધના શોધીને એનું નિરાકરણ લાવવાનો સૌથી મોટા પડકારનો સામનો રોજ એક ગૃહિણીએ કરવો પડે છે અને એમાં સૌ ટકા માર્કસ સાથે પાસ થવું ફરજીયાત છે. ગૃહિણી માટે રવિવારની રજા નથી હોતી. જો થોડા મોડા ઉઠો તો આખુ શેડ્યુલ વિખરાઇ જાય. માનસિક તાણ અનુભવે. ગુસ્સો આવે, સ્વભાવ ચિડીયો થઈ જાય, છતા રૂટીન બ્રેક ન થવું જોઈએ. ગૃહિણીને પણ મન થાય કે ક્યારેક લાંબા પગ કરી આખો દિવસ ઉંઘવા મળે અથવા ઘરે જમવાનું જ ન બનાવું પડે. ક્યારેક શાંતિની બે ક્ષણ એ પોતાના માટે કાઢે. મારા મતે ગૃહિણીને માનસિક તણાવ છે એમ કહેવાની પણ પરવાનગી નથી.

યસ, સૌથી મહત્વની વાત એ છે પોતે સતત આટલો માનસિક તણાવ અનુભવતી હોવા છતાં આપણા સમાજમાં મહિલાઓ ગૃહિણી તરીકે પરિવારના કાળજીમાં એટલી બધી ડૂબેલી હોય છે કે એમને ખુદ તણાવમાં છે એવી મોટાભાગે ખબર જ નથી હોતી! અને, કોઇ કિસ્સામાં કદાચ ખબર હોય તો પણ આપણો સમાજ એમને આ ફરિયાદ કરવાની તક નથી આપતો એ ય કડવી વાસ્તવિકતા છે.

હેતલ રાવ