આ પંથકમાં અંગ્રેજ અધિકારી પૂજાય છે…

ભારતના ઇતિહાસમાં અંગ્રેજ અમલદારની વાત આવે એટલે અત્યાચાર અને દમન નજર સામે દેખાવા માંડે. જો કે, બ્રિટીશ શાસનકાળમાં કેટલાક અંગ્રેજ અમલદારો એવા પણ થઇ ગયા જે પોતાની સકારાત્મક છાપ છોડી ગયા છે.

એનો એક અદભૂત પુરાવો એટલે ખેડા પંથકના રતનપુર ગામમાં આવેલી અંગ્રેજ લેફ્ટનન્ટ કર્નલ વિલિયમ કાર્ડનની કબર. ઇતિહાસ અનુસાર ટ્રિનિટી કોલેજ ડબલિન યુનિવર્સિટીમાં સ્નાતક થયેલા વિલિયમ કાર્ડન ભારતમાં સૈનિકોના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. એ 17મી રેજિમેન્ટ, લાઇટ ડ્રગુન્સના અધિકારી હતા.

વિલિયમ કાર્ડન બીજા અંગ્રેજ અધિકારીઓ કરતાં કંઇક અલગ જ હતા. એમની છાપ આ ક્ષેત્રમાં રોબિન હુડની હતી. એમનું કાર્યક્ષેત્ર ખેડા પંથક હતું. સામાન્ય માણસને સરકારી કામમાં કોઇપણ અડચણ થાય એટલે તરત જ સહાય કરતા. જરૂરિયાતમંદ લોકોની વહારે ઉભા રહેતા. લગ્ન પ્રસંગ હોય તો દીકરીના માતા પિતાની પડખે ઉભા રહી મદદ કરતા.

આ બધાના કારણે એમની લોકચાહના વધવા માંડી હતી. એમાંય આ વિસ્તાર જ્યારે મહામારી અને દુષ્કાળના ભરડામાં આવી ગયો ત્યારે પણ કાર્ડને ખુબ મદદ કરી હતી, જેના કારણે આખોય પંથક એમને આજેય યાદ રાખે છે. આ અંગ્રેજ અમલદારનું અવસાન થયું પછી એમને રતનપુરમાં દફનાવવામાં આવ્યા હતા. રતનપુરમાં જ્યાં વિલિયમ કાર્ડનની કબર છે એની આસપાસ જ હિંદુ મુસલમાન બંને કોમના ખેતરો છે. આઝાદીના આટલા બધા વર્ષો થયાં એમ છતાં અહીંના લોકો એમને યાદ રાખે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)