ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં 5મી જુલાઈથી એક નવો નિયમ લાગુ પડ્યો છે. દર શનિવારે શાળાએ ‘નો બેગ ડે’ ઉજવવાનો. તેનો મતલબ એ છે કે ગુજરાતમાં હવે ધો. 1થી 8માં ભણતા વિદ્યાર્થીઓ શાળાએ દર શનિવારે જશે, પરંતુ તેમની સાથે દફ્તર નહીં હોય. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તથા ‘ભાર વગરનું ભણતર’ હેઠળ સરકારે આ નિર્ણય કર્યો છે.
જો કે અમદાવાદની જાણીતી સી. એન. વિદ્યાલય તો આ નિયમનું પાલન ઘણા સમય પહેલાંથી જ કરી રહી છે. આથી સરકારના આ નિર્ણય વિશે ચિત્રલેખા.કોમએ સી.એન.ના કેમ્પસ ડિરેક્ટર ડૉ. વૈશાલીબેન શાહ સાથે વાત કરી. જાણવાનો પ્રયત્ન કર્યો કે, ‘બૅગલેસ ડે’ના આ નવા નિર્ણયથી બાળકો પર તેની શું અસર થશે? બાળકોને શનિવારે કેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે? વગેરે..
ચિત્રલેખા.કોમ: ‘નો બેગ ડે’ નિર્ણયનો પરિપત્ર મળ્યા બાદ તેની અમલવારી કેવી રીતે કરી?
ડૉ. વૈશાલીબેન શાહ: સી. એન. વિદ્યાલયમાં સરકારનો પરિપત્ર જાહેર થયો તે પહેલાંથી જ આ નિયમનું પાલન શરૂ કરી દીધું હતું. નેશનલ એજ્યુકેશન પોલીસીનો ડ્રાફ્ટ રજૂ થયો તે સમયે બેગલેસ ડેની વાત તેમાં હતી. આમ પણ પહેલાંની શિક્ષણ પ્રણાલીમાં પણ શનિવારના દિવસ શાળામાં બાળકોને શારિરીક શિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ક્રિએટિવ આર્ટ માટે રહેતો હતો. સી.એન.ના કેમ્પસમાં અમે તે જૂની શિક્ષણ પ્રણાલીને પાછી લાવવા માટે પ્રયત્નશીલ છીએ. જેમાં અમે લગભગ છ જેવાં નવાં પ્રોગ્રામ્સ શરૂ કર્યા છે. બેગલેસ ડે પણ તેમાંથી એક જ છે. કેમ્પસમાં ઘણી બધી સંસ્થાઓ આવેલી છે, જેમાં સ્પોર્ટસ, ફાઈન આર્ટ્સ, કલા નિકેતન, કમ્પ્યુટર સેન્ટર, અંગ્રેજી કેન્દ્ર વગેરે છે. પર્યાવરણ તો આખા કેમ્પસમાં ખોબેને ખોબે ભરાયલું છે. આથી બાળકોને એન્વાયરમેન્ટ એજ્યુકેશન પણ ખૂબ જ સરસ રીતે મળે જ છે. અમે પહેલેથી જ આ બધાં સેન્ટરની મદદથી શનિવારનો ઉપયોગ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં માટે કરતાં જ હતા. હવે સરકારના પરિપત્ર બાદ બાળકોને વધુ સમય આ પ્રકારની એક્ટિવિટીમાં અમે એક્ટિવ રાખીશું.
દર શનિવારે બૅગ વિના શાળામાં આવતા વિદ્યાર્થીઓ માટેની પ્રવૃત્તિઓ શું છે?
બાળકો આ દિવસોમાં શારિરીક એક્ટિવિટી વધારે કરે છે. આ દિવસે બાળકોને અમે સ્પોર્ટસ એક્ટિવિટી કરાવીએ છીએ, જેથી ફિઝિકલ ફિટનેસ એમની વધુ સારી થાય છે. આ સિવાય સી. એન. કેમ્પસમાં સંગીત, ક્લાસિકલ ડાન્સના તેમજ ચિત્રકામના ક્લાસીસ ગોઠવવામાં આવે છે. સ્કિલ ડેવલેપમેન્ટના ક્લાસ રાખવામાં આવે છે. બાળકો ફાઈન આર્ટસના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ પાસે જઈને સુંદર આર્ટ વર્કશોપ કરે છે. સી.એન કેમ્પસમાં અરણ્ય છે. જેમાં જઈને બાળકો એન્વાયરમેન્ટ એજ્યુકેશન મેળવે છે. અમારી પાસે ટેક્નિકલ સેન્ટર છે, તેમાં અમે બાળકોને લાઈફ સ્કિલ એક્ટિવિટી શીખવીએ છીએ. કમ્પ્યુટર સેન્ટર અને અંગ્રેજી કેન્દ્રમાં જઈને પણ બાળકો અલગ-અલગ એક્ટિવિટી કરતાં હોય છે. બાળકોનાં ધોરણ પ્રમાણે દર શનિવારે કઈ એક્ટિવિટી ક્યારે કરાવવી તેનું પ્લાનિંગ અમે વર્ષની શરૂઆતથી જ કરી લીધું છે.
શિક્ષકોને આ માટે કોઈ ખાસ તાલીમ આપવામાં આવી છે?
હા, નેશનલ એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને અમે શિક્ષકો માટે ખાસ તાલીમ વર્ગો પણ પહેલાંથી જ શરૂ કરી દીધા હતા. શિક્ષકોએ પણ પોતાની ટિચિંગ-લર્નિંગ એક્ટિવિટીમાંથી સમય કાઢીને ખાસ તાલીમ લીધી છે અને પોતાને નવી-નવી બાબતો માટે તૈયાર કર્યા છે. બીજી બાજુ બાળકોને પણ એક આખો નવો અનુભવ કેમ્પસમાં અલગ રીતે મળે તેની તૈયારીઓ અમે શરૂ કરી જ દીધી હતી. ફેબ્રુઆરી-માર્ચમાં નવા એકેડેમિક વર્ષનું જ્યારે અમે પ્લાનિંગ શરૂ કર્યું હતું, ત્યારે જ અમે ન્યૂ એજ્યુકેશન પોલિસી અનુસારની એક્ટિવિટીનો સમાવેશ કરવાનું નક્કી જ કર્યુ હતું. પરિપત્રના કારણે વધુ પીઠબળ મળ્યું. પરિપત્ર બાદ વાલીઓ સુધી અમારી વાત જલ્દીથી અને સારી રીતે હવે પહોંચશે.
‘બૅગલેસ ડે’ આ નવા નિર્ણયથી બાળકોમાં શું ફેર પડશે?
જ્યારે બાળકો શાળાએ આવે ત્યારે તેઓ માનસિક રીતે જ ખુશ હોય કે હાશ, આજે તો ભણવાનું નથી શાળામાં, માત્ર રમવાનું છે, નવી-નવી એક્ટિવિટી કરવાની છે. આથી બાળકોનો શાળાએ આવવાનો ઉત્સાહ જ અલગ પ્રકારનો હોય છે. કારણ કે એ દિવસે એમને પોતાની મનગમતી એક્ટિવિટી કરવા માટે વધુ સમય મળે છે. જેના કારણે બાળકો જે પણ કામ કરે, તેમાં તેમનું ઈન્વોલમેન્ટ ખૂબ જ વધી જાય છે. ઈન્વોલવમેન્ટ વધવાના કારણે બાળકોની અન્ડરસ્ટેન્ડિંગ વધે છે. જેના કારણે તેમની સ્કિલ ઓટોમેટિકલી ડેવલોપ થાય છે. બાળકો ચોપડીઓ સિવાયનું જે ખરેખર પ્રેક્ટિકલ નોલેજ છે તે આ દિવસે મેળવે છે.
આ પહેલનાં લાંબા ગાળાના પરિણામો વિશે તમારું મૂલ્યાંકન શું કહેવું છે?
લાઈફ લોંગ લર્નિંગનો જે કોન્સેપ્ટ છે તેને પૂરો કરવા માટે થઈને આ ‘બેગલેસ ડે’નો પ્રોગ્રામ ખરેખર બહુ જ મદદગાર થશે. રાજ્ય સરકારના આ નિર્ણયનો અમે ખરેખર આવકારીએ છીએ. કારણ કે તેનાથી બાળકો માટે જે વર્ષો પહેલાં જોયફૂલ શનિવાર હતો તે પાછો આવ્યો છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
