પાર્થી, આ ઉનાળા વેકેશનમાં તો તારે રસોઈ કરતા તો શીખી જ જવું પડે, હવે બારમાં ધોરણમાં આવીશ. તને રસોઈ કરતા ન આવડે એ ન જ ચાલે. આ તો તારા મા-બાપે માથે ચડાવી છે. તારી ઉંમરે તો અમે આખા ઘરનું કામ એકલે હાથે કરતા. દાદીમાએ વગર વાંકે પાર્થીને લાંબુ લચક ભાષણ આપી દીધું. સાથે પુત્રવધુ જાનકીને પણ બોલવા લાગ્યા કે, હું જ્યારે જ્યારે અહીં રોકાવા આવું છું. ત્યારે તમારા લોકોના નવા જ નાટક જોવા મળે છે. પાર્થીને કામ કરતા શીખવાડો એ બરાબર કહેવાય, પણ સાથે અક્ષર પાસે ઘરના કામ કરાવવા યોગ્ય નથી. એ તો તાંબાનો લોટો છે, પાર્થીને પારકા ઘરે મોકલવાની જો એને કશું નહીં આવડે તો કુટુંબની આબરૂ જશે.
જાનકી સાસુમાની વાત મુંગા મોઢે સાંભળી રહી હતી, પરંતુ યોગેશથી ચૂપ ન રહેવાયું. એણે પોતાની મમ્મી સામે જોતા કહ્યું, કે હવે સમય બદલાયો છે. આજે દીકરી-દીકરા વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ રહી છે. હું અને જાનકી બંને નોકરી કરીએ, માટે અમારા બંને બાળકો પોતાના કામ અને ઘરકામ જાતે કરે એ વધારે સારું. કાલે ઉઠીને અક્ષર બીજા શહેર કે દેશમાં અભ્યાસ કરવા જશે તો અમે એની પાછળ નથી જવાના. કામ શીખેલુ હશે તો એના જ કામમાં આવશે. તમે મને કોઈ કામ ન શીખવ્યું તો જાનકીને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો. એ તો હવે હું એને મદદ કરતો થયો છું. હું ઇચ્છું છું કે મારો દીકરો પહેલેથી જ બધુ શીખે, જેથી એ કોઈના પર નિર્ભર ન રહે અને પત્નીને કામ કરવામાં મદદ પણ કરે.
જૂનવાણી વિચારના જશુબહેનને પુત્રની વાત અવગણી અને મનમાં જ બબડવા લાગ્યા કે, આ બધી મોટા શહેરની વાતો. દેખાદેખીએ બધુ કરે છે. દીકરા તે કોઈ દી’ ઘરકામ કરે? એ તો મરદની જાત, ઘરની બહાર કામ કરતા હારા લાગે ઘરની અંદર નહીં! યોગેશ અને પરિવાર આ બધું સાંભળી રહ્યા હતા, પણ કઈ બોલ્યા વગર પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.
સવાલ એ થાય કે શું ખરેખર દીકરાએ પણ દીકરીની જેમ જ ઘરના અને બહારના કામ શીખવા જરૂરી છે?
રીલ લાઈફ રીયલ હોઈ શકે?
2016માં અર્જુન કપૂર અને કરીના કપૂરની ‘કી એન્ડ કા’ ફિલ્મ આવી હતી જેમાં અર્જુન કપૂરે લગ્ન પછી ઘર સંભાળવાનો નિર્ણય કર્યો. સામે કરીનાએ ઘરનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બહુ સફળતા નહોતી મેળવી, પરંતુ સ્ટોરીનો વિષય ચર્ચાતો થયો. સમાજમાં મોટાભાગના લોકો આને રીલ લાઈફ કહી, જ્યારે ઘણા લોકો એમ પણ વિચારતા કે આવું જો રીયલમાં થાય તો ? એક પુરુષ ઘર સંભાળે એમાં વળી ખોટું શું છે?
આ વિશે વાત કરતા અમદાવાદના ફેમિલી કોર્ટના વકીલ અલ્પાબહેન જોગી ચિત્રલેખા.કોમને કહે છે “અમેરિકા અને અન્ય દેશોમાં સમાજ અને ગૃહસ્થ જીવન વધુ સમાનતાવાદી બની ચૂક્યું છે, પરંતુ આપણા દેશમાં આધુનિકતા અને વિચારોમાં ફેરફાર થયો હોવા છતાં, સામાજિક મનોવૃત્તિમાં મોટાપાયે પરિવર્તન આવવું હજી બાકી છે. એક ફેમીલી કોર્ટના વકીલ તરીકે મેં ઘણી વખત આ વાતનો અનુભવ કર્યો છે કે જો એક મહિલા નોકરી કરે, તો પણ ઘરમાં રસોઈ બનાવવી, બાળકોની સંભાળ લેવી અને અન્ય ગૃહકામ કરવાની પ્રાથમિક જવાબદારી એના માથે જ રહે છે. હકીકતમાં, 90 ટકા પુરુષો ઘરના રોજિંદા કાર્યમાં પોતાની ભાગીદારી આપતા નથી. જો એ રસોઈ ન બનાવી શકે તો શાકભાજી તો કટીંગ કરે અથવા નાના કામમાં મદદરૂપ થઈ શકે. જો કે, એ માટે પણ તૈયાર નથી હોતા. જો એક દીકરાને નાની ઉંમરે ઘરના કામકાજ કરતા શીખવવામાં આવે, તો ભવિષ્યમાં એ પોતાની પત્નીને પણ મદદરૂપ થઈ શકે છે.”
આજના સમયની અગત્યની જરૂરિયાત છે
માતા-પિતા દીકરીને દરેક બાબતમાં સક્ષમ બનાવવાની જવાબદારી લે છે, એ જ રીતે દીકરાઓને પણ બેઝીક કૌશલ્ય શીખવવા જોઈએ. કામ કરવા માટે યોગ્ય મનોદશા અને કુશળતા બંને જરૂરી છે. દીકરાને એ સમજાવવા જોઈએ કે ઘરના કામકાજમાં મદદ કરવું એક ખોટું નથી પરંતુ પરિવાર પ્રત્યેની જવાબદારી છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિક્ષીકા હેમાંગીની હાર્દિક રાવલ કહે છે, “હું એ વાતથી સંપૂર્ણ સહમત છું કે દીકરાને ઘરના કામકાજમાં નિપુણ બનાવવા માટે પ્રેરિત કરવા આજના સમયની અગત્યની જરૂરિયાત છે. જે એમને જીવન કૌશલ્યમાં સક્ષમ બનાવે છે, સાથે જ એમના કેરિયરમાં પણ સહાયક બને છે. ઘરની મહિલાઓ કે દીકરીઓ હંમેશા ઘરના કામ સાથે નોકરીના દબાણને હસતા મોઢે સંભાળે છે, પણ એ ધીરજ અને સહનશક્તિનો અહેસાસ ઘણી વાર દીકરાઓને થતો નથી. એક સ્ત્રી પોતાનું ઘર, પરિવાર અને પ્રોફેશન ત્રણેયની જવાબદારી નિભાવે છે, તો એની અંદર એ શક્તિ અને સંઘર્ષ માટેની તૈયારી કેવી રીતે આવે છે, એની વેલ્યૂ અને એના મહત્વનો દીકરાઓને અહેસાસ કરાવવો જરૂરી છે. જ્યારે આ સમજણ વિકસસે, ત્યારે જ એક પુરૂષને સમજાય છે કે માત્ર કમાઈને લાવવું પૂરતું નથી, પરંતુ ઘરના કામમાં ભાગીદારી કરવી એ પણ સમાન રીતે અગત્યનું છે. દિકરાઓને આ મુદ્દે પ્રોત્સાહન આપવાથી તેઓ ઘરની મહિલાઓ સાથે વધુ સહાનુભૂતિ ભર્યો સંબંધ સ્થાપિત કરી શકે છે. સાથે જ એમનું મહત્વ વધુ સારી રીતે સમજી શકે છે. આ એક માત્ર પરિવાર માટે નહીં, પણ સમાજને વધુ સમાનતાવાદી બનાવવામાં પણ યોગદાન આપી શકે છે.”
નાની પણ મહત્વની શરૂઆત
મહિલાઓના શ્રમ અને નિષ્ઠાની કદર કરવી અને એમની સાથે કાર્યોમાં ભાગીદારી દાખવવી એ બદલાવનું પ્રથમ પગથિયું છે. આ એક નાની પણ મહત્વની શરૂઆત છે, જે દીકરાઓને આદરભાવ સાથે જીવન જીવવા માટે તૈયાર કરશે અને સમાજને વધુ સંવેદનશીલ બનાવશે.
કુકીંગ બેકિંગ ઇન્સ્ટીટ્યુટના ઓનર ઝલક જીગર મહેશ્વરી ચિત્રલેખા.કોમને કહે છે કે “ઘર સંચાલન માત્ર મહિલાઓની જ જવાબદારી નથી. જો છોકરાઓ બેઝિક કામ શીખે, તો તેઓ પોતાનું જીવન સરળ બનાવે છે સાથે જ પરિવારને પણ મદદરૂપ બની શકે. આકાશી ક્ષિતિજ હાંસલ કરવા માંગતા યુવકો માટે આ કુશળતા જીવનમાં સ્વતંત્રતા અને સમર્થનનો આધાર સ્તંભ બની શકે છે. અમારે ત્યાં અનેક યુવાનો એવા છે જે કુકીંગ શીખવા માટે આવે છે. એ શીખે છે અને ઘરે જઈને બનાવે પણ છે. કમ સે કમ એ પોતાના બેઝીક કામ તો જાતે કરી શકે એટલું તો મેનેજ કરી જ લે છે.”
આજના સમયમાં, દીકરીને પગભર થવા માટે શિક્ષિત કરવાનું મહત્વ છે, એ જ રીતે દીકરાને પણ ઘરકામમાં પણ નિપુણ બનાવવું જરૂરી છે. જેમ આપણે દીકરીને બધુ શીખવીએ છીએ, એવી જ રીતે દીકરાને પણ ઘરકામના તત્વો શીખવવા જોઈએ. જે સમાનતાના વિચારોને પ્રોત્સાહન આપવાની સાથે પરિવાર અને સમાજમાં સમરસતાનું નિર્માણ કરશે.
હેતલ રાવ