અહીં રચાયો હતો આનંદનો ગરબો!

અમદાવાદના મુખ્ય એસ.ટી.ડેપો ગીતામંદિર રોડથી ભૂલાભાઇ પાર્ક તરફ જતાં નવાપુરામાં બહુચરાજી માતાજીનું એક અનોખું ઐતિહાસિક મંદિર છે. આ આસ્થાનું એવું કેન્દ્ર છે, જ્યાં મા બહુચરાજીની આસ્થા, વલ્લભ ભટ્ટની રસ-રોટલી જમાડવાની કથા અને આનંદના ગરબાની રચનાની વાતો જોડાયેલી છે. અહીં મંદિર સંકુલમાં પ્રવેશતા જ જુદા જુદા મંદિરો, રમતા કુકડાઓ અને જળાશયને જોઇ શ્રધ્ધાળુઓને અલગ જ પ્રકારની અનુભૂતિ થાય છે.

મંદિરની સ્થાપના માગશર સુદ બીજના રોજ કરવામાં આવી છે. એક માન્યતા પ્રમાણે, શહેરની રચના થઇ ત્યારે સર્વપ્રથમ નવ “પરા” વસ્યા હતા. આ નવ પરાના સૌથી પ્રાચીન દેવી હતા મા બહુચર.‌ સમય જતાં નવાપરાનું અપભ્રંશ થઈ નવાપુરા નામ પ્રચલિત બન્યું.

મંદિરમાં સરસ મજાનું જળાશય છે, જેને માનસરોવર તરીકે ઓળખવામાં આવે છે. મા બહુચરાજીની ભક્તિ સાથે જોડાયેલો પ્રસિધ્ધ આનંદનો ગરબો વલ્લભ ભટ્ટજીએ અહીં રચ્યો હતો. માતાજીના ગોખમાં લાડુ ધરાવવાની પરંપરા પણ અહીંથી પ્રચલિત થઈ હોય એવું માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)