ચોમાસુ આવેને રોગચાળો વકરતો હોય છે. જેનું સૌથી મોટું કારણ છે સ્વચ્છતાનો અભાવ. ઘણી વખત આપણી બેદરકારીના કારણે સામાન્ય વાયરલ ઈન્ફેક્શન પણ જીવલેણ સાબિત થાય છે. અત્યારે ચાંદીપુરા રોગના કારણે લોકોમાં ફફડાટ વ્યાપેલો છે. જો કે આ રોગ એટલો જીવલેણ હોતો નથી. પરંતુ તકેદારી રાખવામાં ન આવે અને સારવારમાં મોડું થાય તો આ રોગમાં વ્યક્તિએ જીવ ગુમાવવો પડતો હોય છે. ચાંદીપુરા રોગ અને અન્ય વાયરલ રોગો વિશે જાણકારી મેળવવા માટે અને અત્યારની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ચિત્રલેખા.કોમએ સિવિલ હોસ્પિટલ, અસારવાના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી સાથે ખાસ વાતચીત કરી. જાણીએ આ રોગના ફેલાવા અને તેનાથી બચવાના ઉપાયો વિશે તેમનું શું કહેવું છે.
રાકેશ જોશી: સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે, અહીં આવતા દરેક કેસ ચાંદીપુરાના હોતા નથી. હજુ સુધી માત્ર એક જ બાળકનું સેમ્પલ પોઝિટિવ આવ્યું છે. બાકીના બધા કેસ વાયરસ ઈન્ફેક્ટેડ હોય છે. ચોમાસાના ત્રણ મહિનાના પિરયડમાં આવા કિસ્સાઓ દર વર્ષે મળતા હોય છે. દર વર્ષે તેનું પ્રઝન્ટેશન દરેક લેવલે કંઈકને કંઈક અલગ-અલગ હોય છે. પરંતુ લક્ષણો એના કોમન હોય છે. જેમ કે હાઈગ્રીન ફિવર આવે, ખેંચ આવે અથવા તો બાળક બેભાન થઈ જાય. ડાયરિયા-વોમિટિગ સાથે બાળક આવે એટલે એને એનકેફેલાઈટિસ હોય શકે. આથી એનકેફેલાઈટિસ માટે બેક્ટેરિયલ ઈન્ફેક્શન, વાયરલ ઈન્ફેક્શન, મેલેરિયા અથવા ડેન્ગ્યૂ જવાબદાર હોય શકે છે. આ સિઝનમાં આ પ્રકારના કેસીસ જોવા મળતા હોય છે. ચાંદીપુરાનો એક કેસના આધારે સમચારોમાં તેને વધુ પડતો હાઈપ આપી દેવામાં આવ્યો છે. જેનાથી પેરેન્ટ્સમાં નેગેટિવ ઈમ્પેક્ટ થઈ રહ્યો છે. લોકો ભયમાં આવી ગયા છે. દરેક માતા-પિતાને એવું લાગે છે કે અત્યારે જો તેમનાં બાળકને તાવ આવશે તો તે મરી જ જશે. લોકોને ડરવાની જરૂર નથી.
ચાંદીપુરાના વાયરલ ઈન્ફેક્શન વિશે તમે શું કહેશો? તેમાંથી કઈ રીતે બાળકોને બચાવી શકાય?
ચાંદીપુરા થાય એટલે તે બીજું કઈ નહીં એક પ્રકારનું વાયરલ ઈન્ફેક્શન છે. કોઈપણ પ્રકારના ઈન્ફેક્શન માટે સૌથી મહત્વની વસ્તુ એ છે કે તે કઈ રીતે થાય છે, તેના કારણો જાણવા અને તે કારણોને નાબૂદ કરવા. જો પૂરેપૂરી સાવચેતી રાખવામાં આવે તો બાળકને આ ઈન્ફેક્શન થશે જ નહીં. જો બાળકને ઈન્ફેક્શન થઈ જાય પછી તમે દોડો છો તો ટાઈમ પર દોડો. દરેક હોસ્પિટલમાં અત્યારે જે બાળકોના મૃત્યુ થયા છે એમનો રિપોર્ટ જોશો તો તમને ખબર પડશે કે બાળકને લાસ્ટ સ્ટેજમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હોય છે. બાળક લાસ્ટ સ્ટેજમાં આવે એટલે તેને તરત જ વેન્ટિલેટર પર મુકવુ પડે છે. એ પરિસ્થિતિમાં આવે એટલે તો ગમે તેટલી સઘન સારવાર કરવામાં આવે તો પણ અમને બચાવવા માટેનો પૂરતો સમય મળતો નથી. અત્યારે ખરેખર લોકોમાં એવી અવેરનેસ લાવવાની છે કે જો તમારા બાળકને ફિવર હોય, ખેંચ આવે અથવા ઝાડા-ઉલ્ટી થયા હોય તો તેને ઘરેમાં પડેલી ઘરગથ્થું દવા ના આપશો. તેને લઈને સીધા જ નજીકની હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરને બતાવો અથવા તો જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં બાળકને લઈ જાઓ. જો તમે બાળકને લઈને સમયસર પહોંચી જાઓ તો ચોક્કસથી તેને બચાવવાનો સમય ડોક્ટર્સને મળી રહેતો હોય છે.
ચાંદીપુરા એ સેન્ડફ્લાયથી ફેલાય છે. તે ગામડાઓમાં જ વધારે જોવા મળે છે. ગામડાઓમાં પણ ખાસ કરીને છાણ પડી રહેતું હોય એવી જગ્યાએ, જ્યાં ગંદકી વધારે હોય તેવી જગ્યાએ, કાચા મકાનોની તિરાડોમાં સેન્ડફ્લાયની ઉત્પતિ થતી હોય છે. આથી સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે કે, મકાનોની તિરાડો પૂરી દો, ગંદકી ન કરો. જંતુનાશક પાવડરનો છંટકાવ કરો. આ સિઝનમાં મેલેરિયા-ડન્ગ્યૂ જેવાં મચ્છરોની ઉત્પતિ પણ વધારે પ્રમાણમાં થતી હોય છે. આથી લોકોમાં એમાં પણ ખાસ કરીને અંતરિયાળ ગામડાના લોકોમાં આ વિશે જાગૃતિ આવે તે અત્યારે ખુબ જ જરૂરી છે. જેથી કરીને આ પ્રકારના વાયરલ રોગોને વધુ પ્રમાણમાં ફેલાતા રોકી શકાય. સૌથી મહત્વની વાત એ છે કે જે એક કેસ ચાંદીપુરાનો જે જિલ્લામાંથી મળ્યો છે ત્યાં એગ્રેસિવ રીતે પ્રિવેન્શનના પગલાં લેવામાં આવે તો મારી દ્રષ્ટિએ હજારો લોકોને બચાવી શકાય છે અને આ પગલાં લેવાયા જ છે. આથી જ અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે.
સામાન્ય દિવસોમાં પણ જે નવા કેસ આવે તેનું ટેસ્ટિંગ કમ્પલસરી જ હોય છે. વાયરલ પ્રોફાઈલ કરવાનું અત્યારે ડિટેક્શન છે. પહેલાં એવું હતું કે કોમન એનકેફેલાઈટિસ શેનાથી થાય કે જેમાં મૃત્યુ થવાના ચાન્સિસ વધી જાય એનાં રિપોર્ટ કરવામાં આવતા. જેમ કે ડેન્ગ્યૂ, મલેરિયાના ટેસ્ટિંગ કરવામાં આવતા. અત્યારે પણ દરેકે-દરેક સ્ટેજ અને લક્ષણોના આધારે પિડિયાટ્રિક્સ ટેસ્ટિંગ કરાવતા જ હોય છે. એમાં પણ ચાંદીપુરા માટે તો અત્યાર સુધી સેમ્પલ આપણે પુણે મોકલવા પડતા હતા. પરંતુ હવે તો ગાંધીનગરમાં જ આપણે ટેસ્ટિંગની સુવિધા થઈ ગઈ છે. સેમ્પલમાં બ્લડ, યુરિન અને મગજમાંથી પ્રવાહી ખેંચીને તેને ટેસ્ટિંગ કરાવવામાં આવે છે.
બાળક જ્યારે પણ અમારી પાસે આવે એટલે અમે તેના લક્ષણોના આધારે દવા ચાલુ કરી દઈએ છે. જેમ કે વાયરસ માટે એન્ટિ બાયોટિક આપીએ, તાવ હોય તો તેની દવા આપીએ, ઝાડા-ઉલ્ટિ હોય તો તેની દવા આપવાનું શરૂ કરી દઈએ છે. પછી ટેસ્ટિંગના રિઝલ્ટસમાં જે વાયરસ ડિટેક્ટ થાય તેના આધારે દવા ચાલુ કરવામાં આવે છે. ધારો કે બાળકના રિપોર્ટમાં કોઈપણ વાયરસ ડિટેક્ટ થતો નથી તો તેને જે લક્ષણો હોય તેની જ દવા આપવામા આવે છે. કોઈપણ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનને શરૂઆતના સ્ટેજમાં જો તમે કંટ્રોલમાં કરી લો છો તો વ્યક્તિ ઝડપથી રિક્વર થઈ જાય છે.
મચ્છરજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં અત્યારે વધારો નથી થયો. તેનું કારણ છે કે અમદાવાદ જિલ્લામાં જોઈએ તેવો વરસાદ હજુ સુધી પડ્યો નથી. વરસાદની સિઝન બરાબર જામશે પછી તેમાં વધારો થઈ શકે છે. અત્યારે પાણીજન્ય રોગો વધારે જોવા મળતા હોય છે. જેની અંદર હિપેટાઈટિસ કે ડાયરિયા-વોમિટિંગના કેસો આવતા હોય છે. જો તેના ડેટા વિશે વાત કરીએ તો જૂન મહિનામાં 186 દર્દીઓ હિપેટાઈટિસના નોંધાયા હતા. જુલાઈ મહિનાની 18 તારીખ સુધીમાં 110 દર્દી હિપેટાઈટિસના નોંધાયા છે. તેવી જ રીતે ઝાડા-ઉલ્ટીના જૂન મહિનામાં 423 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જુલાઈ મહિનાની 18 તારીખ સુધીમાં 260 દર્દીઓએ સારવાર લીધી છે. જૂન મહિનામાં વાયરલ ઈન્ફેક્શનના કેસ 666 હતા. જે જુલાઈ મહિનાની 18 તારીખ સુધીમાં 198 દર્દીઓ નોંધાયા છે. જૂન મહિનામાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા હતા. જે જુલાઈ મહિનાના 18 દિવસમાં 17 થયા છે. મેલેરિયાના કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના કેસ જૂનમાં 7 હતા જે જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં 11 થયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના કેસ જૂન મહિનામાં 2 હતા જે જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં શૂન્ય છે. ટાઈફોઈડના કેસ જૂન મહિનામાં 22 કેસ નોંધાયા હતા. જે જુલાઈ મહિનામાં 18 દિવસમાં 13 થયા છે. જો સ્વચ્છતા અને સાવચેતી રાખવામાં આવશે તો આ કેસોમાં વધારો નહીં જ થાય.
આપણને ગાંધીજી પણ કહી ગયા છે કે સ્વચ્છતા રાખો. આપણા ઘરમાં, આપણા અસપાસમાં, સોસાયટીમાં પણ. જો સ્વચ્છતા રાખવામાં આવશે તો ચોમાસામાં રોગચાળો થવાની શક્યતા નહિવત થઈ જાય છે. આ માત્ર સરકારની જવાબદારી નથી, આપણા સૌની પણ છે. જો આપણે આપણા ઘરમાં સ્વચ્છતા અને સાવધાની રાખીશું તો આપણા ઘરમાં કોઈ ઈન્ફેક્ટેડ નહીં થાય. તેવી જ રીતે આપણી સોસાયટીમાં પણ સ્વચ્છતા રાખવી એ આપણી જ જવાબદારી છે. ખાસ કરીને જ્યાં મચ્છરની ઉત્પતિ થતી હોય તેવી દરેક વસ્તુઓ તમારે દૂર કરવાની હોય છે. ઘરની અંદર ક્યાંય પાણી ભરાતું હોય તો તેનો તાત્કાલિક નિકાલ લાવવો જરૂરી છે. કોઈ ટાયરમાં, કોઈ જૂના વાસણમાં કે બીજી કોઈપણ જગ્યા કે જ્યાં પાણી ભરાતું હોય તેનો તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ. બીજું કે બાળકોને મચ્છરદાનીમાં સુવડાવવા જોઈએ, તેને આખી બાંયના કપડાં પહેરાવો. આવાં સામાન્ય સાવચેતીના પગલાં પણ જો આપણે લઈએ તો રોગ થવાની શક્યતાઓ અડધો-અડધ ઘટી જાય છે.
સિવિલ હોસ્પિટલ એ સરકારની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે. અહીં કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર દર્દીઓની સેવા કરવામાં આવે છે. એની સાથે અમે ક્યારેય કોઈપણ દર્દીને ના પાડતા નથી. અમારી બધી જ કેપેસિટિ ભરાય જાય તો પણ અમે કોઈપણ પ્રકારે દર્દીની સારવાર કરતા જ હોઈએ છીએ. અમારા ડોક્ટર્સ પૂરી રીતે તૈયાર છે. કોઈપણ માત્રામાં દર્દીઓ આવે તેને પહોંચી વળવા માટે અમે સજ્જ છીએ. અમારી પાસે પૂરતી દવાઓ છે, પૂરતા ડોક્ટર્સ છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે આ સિવાય પણ તમામ સુવિધાઓ પણ છે. કોઈએ ગભરાવવાની જરૂર નથી. બસ સમયસર દર્દી અમારી પાસે આવી જાય તો અમારી ટીમ તેને ચોક્કસથી બચાવી લેશે. કોઈપણ પ્રકારના રોગમાં મોડું થાય એટલે દર્દીના બચવાના ચાન્સિસ ઘટી જતા હોય છે. આથી અમે કહેવા માંગીએ છીએ કે દર્દી સમયસર અમારી પાસે આવે. જો તાવ આવે તો જાતે જ પેરાસિટામોલ લઈને બેસી ના રહે, જાતે ઊંટવૈધું ના કરે. જો દર્દી તાત્કાલિક દવાખાને પહોંચી જાય તો તેના રોગનું ઝડપથી નિદાન પણ થાય છે અને સમયસર સારવાર પણ થાય છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)