શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ રહી છે. ઠંડીની સાથે-સાથે દેશ-વિદેશના યાયાવર પક્ષીઓ પણ પોતના મનગમતા સ્થળો જેવાં કે નળસરોવર, થોળ કે જામનગર આવી રહ્યાં છે. પક્ષી પ્રેમીઓ માટે શિયાળો એ ખૂબ જ ગમતી ઋતુ છે. કારણ કે આ જ સમયે તેઓ પોતાના મનગમતા પક્ષીઓને ખૂબ જ નજીકથી મોટી માત્રામાં જોઈ શકે છે.
ત્યારે અમદાવાદ શહેરમાં પક્ષીપ્રેમીઓ પોતાના પ્રકારનું પ્રથમ અમદાવાદ સિટી બર્ડ એટલાસ (ACBA) બનાવવા માટે કામ કરી રહ્યા છે. અમદાવાદ સિટી બર્ડ એટલાસ (ACBA) પ્રોજેક્ટ એ અમદાવાદ શહેરના પક્ષીઓનો અભ્યાસ કરવા માટે લાંબા ગાળાની, બિન-લાભકારી, સ્વયંસેવક-સંચાલિત પહેલ છે. ગુજરાત બર્ડ કન્ઝર્વેશન સોસાયટી (BCSG)ના સહયોગથી આ વર્ષે અમદાવાદ યુનિવર્સિટી ખાતે કોમ્યુનિટી ઇકોલોજી લેબ દ્વારા આ પ્રોજેક્ટની શરૂઆત અને અમલ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટને બર્ડ કાઉન્ટ ઈન્ડિયા દ્વારા ટેક્નિકલી સપોર્ટ આપવામાં આવ્યો છે અને ઈ-બર્ડ દ્વારા સંચાલિત છે. આ કાર્યક્રમને દેવવ્રતસિંહ મોરી (ઓર્નિથોલોજિસ્ટ, ઇકોલોજી ક્લસ્ટર, અમદાવાદ યુનિવર્સિટી) અને શોમેન મુખર્જી (એસોસિએટ પ્રોફેસર, સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, અમદાવાદ યુનિવર્સિટી) લીડ કરી રહ્યા છે.
અમદાવાદ શહેર બર્ડ એટલાસ માટે પ્રથમ ઓરિએન્ટેશન વર્કશોપ અમદાવાદ યુનિવર્સિટી ખાતે દેવવ્રતસિંહ મોરી અને શૌમેન મુખર્જી દ્વારા હાથ ધરવામાં આવી હતી. પક્ષી ઓળખ અને એબર્ડ એપને અનુક્રમે પ્રસાદ ગણપુલે અને ડો. મૌલિક વરુ દ્વારા સરસ રીતે સમજાવવામાં આવી હતી.
શું છે અમદાવાદ શહેર બર્ડ એટલાસ પ્રોજેક્ટ? તેના પરિણામ કેટલાં મહત્વના અને ઉપયોગી છે? તેમજ ક્યાં સુધીમાં આ એટલાસ તૈયાર કરવામાં આવશે?
આવાં જ કેટલાંક પ્રશ્નોના જવાબ મેળવવા માટે અમે ગુજરાત બર્ડ કન્ઝર્વેશન સોસાયટી (BCSG) સાથે જોડાયેલા જાણીતા ઓર્નિથોલોજિસ્ટ દેવવ્રતસિંહ મોરી સાથે ‘છોટી સી મુલાકાત’ માં વાત કરીઃ
ચિત્રલેખા.કોમ: બર્ડ એટલાસ એટલે શું? આ પહેલાં આ પ્રકારના કોઈ શહેરના બર્ડ એટલાસ તૈયાર થયા છે?
દેવવ્રતસિંહ મોરી: અમદાવાદ શહેર બર્ડ એટલાસ એટલે શહેરમાં પક્ષીઓના વિતરણ અને વિવિધતાનો નકશો તૈયાર કરવો. આ નક્શામાં તમને માહિતી મળશે કે શહેરના ક્યા વિસ્તારમાં ક્યા પ્રકારના પક્ષીઓ દેખાય છે. કયું પક્ષી ક્યા વિસ્તારમાં વધારે જોવા મળે છે, ક્યું પક્ષી ક્યા વિસ્તારમાં ઓછું જોવા મળે છે. આ માહિતી પક્ષીઓના લાંબા ગાળાની દેખરેખ અને સંરક્ષણમાં મદદ કરશે. ગુજરાતનો તો આ સૌપ્રથમ સિટિઝન સાયન્સ પ્રોગ્રામ છે. સાથે જ ગુજરાતના કોઈ શહેરનો સૌપ્રથમ બર્ડ એટલાસ પણ તૈયાર થવા જઈ રહ્યો છે. આમ તો કહી શકાય કે વેસ્ટર્ન ભારતનો આ પ્રકારનો આ પહેલો બર્ડ એટલાસ તૈયાર થવા જઈ રહ્યો છે. ભારતમાં સૌપ્રથમ શહેરનો બર્ડ એટલાસ મૈસૂર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. 2014માં મૈસૂર બર્ડ એટલાસ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના આધારે રસપ્રદ એક રિસર્ચ પેપર પણ પબ્લિશ કરવામાં આવ્યું છે. આ પ્રકારના એટલાસ બીજા પણ શહેરોમાં તૈયાર થયેલાં છે. જેમ કે કોમ્બતૂર શહેરનું તૈયાર થઈ ગયું છે. પૂણેમાં કામ ચાલુ છે. કેરળ રાજ્યનું બર્ડ એટલાસ તૈયાર કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ રાજ્યનું પણ બર્ડ એટલાસનું કામ ચાલી રહ્યું છે. હૈદ્રાબાદ શહેરનું બર્ડ એટલાસનું કામ પણ ચાલી રહ્યું છે.
બર્ડ એટલાસ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
આ એક સિટીઝન સાયન્સ પ્રોગ્રામ છે. તે કોઈ એક વ્યક્તિનો કે કોઈ ગ્રુપનો પ્રોજેક્ટ નથી. આ પ્રોગ્રામમાં વધુમાં વધુ શહેરના લોકો જોડાય તે માટેના અમારા પ્રયત્નો છે. અમદાવાદ શહેરનો ટોટલ એરિયા 504 સ્કેવર કિલોમીટર છે. જેમાં AMCનો બાઉન્ડ્રી એરિયા 400 સ્કેવર કિલોમીટર છે. અત્યારે અમે લોકોએ આ 400 સ્કેવર કિલોમીટરના વિસ્તારને સાયન્ટિફિક પદ્ધતિથી નાના-નાના ગ્રીડમાં એટલે કે નાના-નાના સ્કેવરમાં વિભાજીત કર્યો છે. જેથી અમને લોકોને આઈડિયા આવે કે અમારે કઈ ગ્રીડમાં જઈને બર્ડ વોચિંગ કરવાનું છે, તેનો ડેટા ક્લેક્ટ કરવાનો છે. અત્યારે અમે લોકો જે બર્ડ એટલાસનું કામ કરી રહ્યા છીએ તેમાં અમારી સાથે 250 લોકો જોડાયેલા છે. આ બધાં જ સ્થાનિક લોકો છે. જેમાંથી કોઈ ડોક્ટર છે, કોઈ પ્રોફેસર, કોઈ સાયન્ટિસ્ટ, ઈસરોના સાયન્ટિસ્ટ છે, ગર્વમેન્ટ ઓફિસર છે તેમજ વિદ્યાર્થીઓ પણ છે. જેટલાં પણ પક્ષી પ્રેમી લોકો છે તે અમારી સાથે જોડાયેલા છે. આ લોકો દરેક વીકેન્ડમાં જ્યારે પણ સમય મળે ત્યારે તેમના જ વિસ્તારમાં જઈને બર્ડ વોચિંગ કરે છે. અમે લોકોએ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે જે વ્યક્તિ જે વિસ્તારમાં રહે છે તેની આસપાસના વિસ્તારમાં જ તે બોર્ડ વોચિંગ કરવા માટે જાય, જેથી જે તે વ્યક્તિનો સમય અને નાણા બન્નેની બચત થાય. વધુમાં વધુ લોકો આ પ્રોગ્રામમાં જોડાય અને બર્ડ એટલાસ વિશે જાણે તે માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ.
બર્ડ એટલાસ તૈયાર કરવાનો હેતુ શું?
બર્ડ એટલાસ તૈયાર કરવાનું કારણ એ છે કે તેનાથી જે ડેટા તૈયાર થશે તે શહેરના લોકો અને વિદ્યાર્થીઓને ખૂબ જ કામમાં આવશે. કોઈપણ યુનિવર્સિટી, સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માટે કે રિસર્ચ માટે આ ડેટાનો ઉપયોગ કરી શકશે. સાથે જ લોકોમાં પોતાની આસપાસની ડાયવર્સિટી ખાસ કરીને પક્ષીઓ વિશે અવેરનેસ ફેલાવવાના હેતુથી પણ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ એટલાસ માટે બર્ડ વોચિંગની પ્રેક્ટિસ વર્ષમાં બે વખત કરવામાં આવે છે. શિયાળા અને ઉનાળા બન્ને સિઝનમાં આ પ્રેક્ટિસ કરવામાં આવશે. ડેટાના એનાલિસિસથી એ પણ જાણવા મળશે કે અમદાવાદના ક્યા વિસ્તારમાં કેટલાં પ્રકારના પક્ષીઓ જોવા મળે છે? ક્યા પક્ષી વધારે જોવા મળે છે? ક્યા પક્ષી ઓછાં જોવા મળે છે? પક્ષી ઓછાં હોવાનું કારણ શું છે? આ પ્રેક્ટિસ લાંબા સમય સુધી કરવામાં આવશે. જેથી દર વર્ષે ડેટા તૈયાર થશે. લાંબા ગાળા પછી દરેક વર્ષના ડેટાનું એનાલિસિસ કરી શકાશે. જેમ કે અમદાવાદ શહેરમાં પક્ષીઓની સંખ્યા વધે છે કે ઘટે છે? વધે છે તો કઈ પ્રજાતિની વધે છે ઘટે છે તો કઈ પ્રજાતિના પક્ષીઓની સંખ્યા ઘટે છે. તેની પાછળના કારણો જાણવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે.
આ એક અદ્ભુત અમદાવાદ શહેર-આધારિત નાગરિક વિજ્ઞાન પ્રોજેક્ટ છે. જેમાં કોઈપણ વ્યક્તિ યોગદાન આપી શકે છે. અમદાવાદ બર્ડ એટલાસ પરિવારમાં તમે પણ જોડાઇને શહેરી પક્ષીઓ વિશે વધુ જાણી શકો છો.
(રાધિકા રાઓલ – અમદાવાદ)