80 વર્ષીય રણધીર ચૌહાણ વિશે જ્યારે જાણવા મળ્યું ત્યારે મને થયું કે આમનું સ્થાન તો ચોક્કસથી ચિત્રલેખા.કોમ ના ‘દીવાદાંડી’ વિભાગમાં છે. એમને ફોન કર્યો ત્યારે એ મુંબઈ ખાતે તેમની 101મી મેરેથોન દોડીને માથેરાન પહોંચ્યા હતા એટલે વાત ન થઇ શકી.
બે દિવસ રાહ જોયા બાદ મેં એમને વોટ્સએપ પર મેસેજ મૂક્યો તો સામેથી ત્રીજા દિવસે સવારે રણધીરભાઈનો વોટ્સએપ ઓડિયો કોલ આવ્યો. તેમના અવાજમાં એક ઉત્સાહનો રણકો હતોઃ તમે ચિત્રલેખામાંથી બોલો છો? ચિત્રલેખા સાથે તો મારે એક ખૂબ જ અંગત સંબંધ છે. મારું નામ રણધીર ચિત્રલેખાના સ્થાપક શ્રી વજુભાઈ કોટકે પાડ્યું હતું!
એ પછી તેઓ અમદાવાદ પાછા આવ્યા અને 30મી જાન્યુઆરીએ તેમના ઘરે મુલાકાત ગોઠવાઇ. ખૂબ જ ઉત્સાહથી અમારું સ્વાગત કરતાં રણધીરભાઇ કહે છે, મારી સ્ટોરી આમ તો બધા જાણે છે, પણ તમે ચિત્રલેખામાંથી છો એટલે હું તમને કેટલીક વધારે સ્પેશિયલ માહિતી આપીશ. કારણ કે ચિત્રલેખા માટે મારો અલગથી એક અંગત સોફ્ટ કોર્નર છે.
ચિત્રલેખા.કોમ ના આ પ્રતિનિધી માટે દેખીતી રીતે જ આ વાત ઉત્સાહ વધારનારી હતી.
હા, ‘દીવાદાંડી’ સમાન 80 વર્ષીય રણધીર ચૌહાણની વાત ખરેખર કાંઇક અલગ જ છે. આટલી ઉંમરે પણ તેઓ 101 મેરેથોન દોડીને લોકોને જીવનમાં ફિટ રહેવાની સાથે પોતાના સપનાને જીવવાનો સંદેશ આપી રહ્યા છે. સાથે જ ગમતું કાર્ય કરવા માટેની કોઈ ફિક્સ ઉંમર હોતી નથી તેમ પણ જણાવી રહ્યા છે.
67 વર્ષની ઉંમરે તેમણે મેરેથોન દોડવાનું શરૂ કર્યું હતું, જે ઉંમરમાં લોકો રિટાર્યમેન્ટ લઈને ભગવાનનું નામ જપવા બેસી જાય છે. 2010માં તેઓ અમદાવાદમાં તેમની પ્રથમ મેરેથોન દોડ્યા હતા. આ પછી તેઓ સતત ચાર વર્ષ અમદાવાદમાં મેરેથોન દોડ્યા પણ હતા અને જીત્યા પણ હતા. જો કે હવે રણધીરભાઈને એ વાતનો અફસોસ છે કે તેમની ઉંમરની કેટેગરી કાઢી નાખવામાં આવી છે, જ્યારે અન્ય દેશોમાં તો 90 વર્ષ સુધીના લોકોને પ્રોત્સાહન આપવા માટે અલગ-અલગ કેટેગરી હોય છે. અમદાવાદમાં શરૂ થયેલી મેરેથોનનો આ સિલસિલો મુંબઈમાં 101મી મેરેથોન સુધી પહોંચ્યો છે.
ગુજરાતના ‘મેરેથોન મેન’ તરીકે જાણીતા રણધીરભાઈ 80 વર્ષની ઉંમરે પણ 42 કિલોમીટરની મેરેથોન 6 કલાક કરતાં ઓછા સમયમાં દોડી જાય છે. તેમણે જીતેલા મેરેથોન મેડલ્સ એમના ધરે એક રૂમમાં પલંગ પર પાથરીને મૂકેલા એમણે ચિત્રલેખા.કોમ ને દેખાડ્યા. આ બધા મેડલ્સ સાચવવા એક અઘરૂં કામ તો ખરું જ, પરંતુ એ જ્યારે 1944માં ચિત્રલેખાના સ્થાપક-તંત્રી શ્રી વજુભાઈ કોટકે તેમના પિતાજી અમૃતલાલ ચૌહાણને લખેલો પત્ર બતાવે છે ત્યારે થાય કે, એમની સાચવણી તો ખરેખર ખૂબ જ ચિવટભરી છે. આટલો જૂનો પત્ર સાચવ્યો છે એમ આ મેડલ્સ પણ સચવાઇ જ જશે.
રણધીરભાઈના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેઓ મૂળ મોરબીના, પણ જન્મ મુંબઈમાં. તેમના પિતાજી એ સમયે અંગ્રેજોની પોલીસ ફોર્સમાં કાર્યરત હતા. વચ્ચે એમનું પોસ્ટિંગ થોડાં સમય માટે મુંબઈ હતું. ત્યાંથી અમદાવાદમાં પોસ્ટિંગ થયું એટલે તેઓ અમદાવાદ થોડોક સમય માટે સ્થાયી થયા હતા. હાઇસ્કૂલમાં આવ્યા ત્યારે પિતાજીનું પોસ્ટિંગ ફરી અમરેલી થયું એટલે ત્યાં અભ્યાસ કર્યો. કોલેજનો અભ્યાસ કરવા માટે પૂણે ગયા, પણ ફાવ્યું નહીં એટલે ફરી અમદાવાદ આવ્યા અને આર્ટ્સ કોલેજમાં એડમિશન લીધું. કોલેજ પૂરી કરી ત્યારે તેમના બાપુજી મહેસાણા Dy.S.P. હતા અને સંજોગોવશાત રણધીરભાઈએ પણ PSI તરીકેની તેમની પોલીસની કારકિર્દી પણ મહેસાણાથી જ શરૂ કરી હતી. પરિવારમાં દીકરીના લગ્ન થઈ ગયા છે અને એ USAમાં ગવર્મેન્ટ જોબ કરે છે, જ્યારે દીકરો ચંદીગઢમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે.
કરિયરના વર્ષોની વચ્ચે તેમના એક મિત્રએ તેમને USA માટે સ્પોન્સર કર્યા હતા એટલે ત્યાં પણ રહ્યા. એમના મિત્રએ રણધીરભાઈના નામે USAમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું અને તેઓને ગ્રીન કાર્ડ મળી ગયું. પછી તો અમેરિકામાં જ રણધીરભાઈ રોકાઇ ગયા અને ત્યાં જ બિઝનેસ શરૂ કરી દીધો. અત્યારે એછ મહિના અમેરિકા અને છ મહિના ભારતમાં રહે છે.
મેરેથોનની સફર કેવી રીતે શરૂ થઈ તે વિશે રણધીરભાઈ કહે છે, “અમેરિકામાં હતો ત્યારે TV પર મેરેથોન બહુ જોતો એટલે થયું કે ચાલોને આપણે પણ ટ્રાય કરીએ. સૌપ્રથમ વખત ન્યૂયોર્કની મેરેથોનમાં મેં ફોર્મ ભર્યું, પણ ત્યારે થોડી ઈજા થઈ એટલે એ સમયે દોડવાનું મુલતવી રાખ્યું. એ પછી 2010માં હું પહેલી મેરેથોન દોડવા અહીં અમદાવાદ આવ્યો. પહેલી જ ફુલ મેરેથોન એટલે કે 42 કિલોમીટર દોડી. એ મેરેથોન 6 કલાકમાં પૂરી કરવાની હતી. મેં દોડવાનું શરૂ કર્યું અને વચ્ચે ખાલી એક વાર પાણી પીવા ઊભો રહ્યો. એ સમયે મેરથોન મેચમાં જોઈએ તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી ન હતી. પાણી મેં પોતાના પૈસે ખરીદીને પીધું હતું. મેં 100 રૂપિયા આપીને પાણીની બોટલ લીધી અને બાકીના છુટ્ટા પૈસા લેવા માટે ન રોકાયો. જો રોકાયો હોત તો હું મેરેથોન જીતી શક્યો ન હોત. ફક્ત 20 સેકન્ડ બાકી હતી ત્યાં મેં મેરેથોન પૂરી કરી. હું મેરેથોનમાં સૌથી છેલ્લે આવ્યો હતો, પણ ફર્સ્ટ વિનર પણ બન્યો હતો. કેમ કે મારી કેટેગરીમાં મારા સિવાય બીજું કોઈ હતું જ નહીં.’
લાંબામાં લાંબી મેરેથોન કઈ હતી?
રણધીરભાઈ કહે છે, ‘મારી લાંબામાં લાંબી મેરેથોન ચંડીગઢની થઈ છે. એ મેરેથોનની પેટર્ન એવી હતી કે 3 દિવસમાં 3 અલ્ટ્રા મેરેથોન પૂરી કરવાની. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમારે 70 કિલોમીટર પૂરા કરવાના અને એ પણ ત્રણ દિવસ સુધી કન્ટિન્યૂ. એ મેરેથોનમાં અમે 20 જણા જીત્યા હતા. એમાં તો એક મસ્ત ઘટના થઈ હતી. પહેલાં જ દિવસે મારી સાથે એક બ્રિટનની લગભગ 30-35 વર્ષની છોકરી હતી. મેં તો એને ઇમ્પ્રેસ કરવા વાત કરી કહ્યું કે, ‘આ મારી 50મી મેરેથોન છે.’ એ મારી સામે હસી અને મને કહે, ‘આ મારી 500મી મેરેથોન છે’. એ દિવસે મારી સાથે એક માણસ જતો હતો. મને થયું કે ચલો એને કહું. એને કીધું તો એ ભાઈ એ છોકરી કરતા પણ આગળ નીકળ્યો. એની આ 1958મી મેરેથોન હતી! ફરી મારું મોઢું બંધ! મતલબ જે મેરેથોન દોડે એટલે એનો ચસ્કો લાગી જ જાય.’
આટલી મેરેથોન બાદ કેટલી રકમ ઈનામમાં મેળવી?
જવાબમાં એ કહે છે, શરૂઆતમાં થોડીઘણી જગ્યાએથી રકમ મળી હતી, જે ગુજરાત પોલીસ વેલફેર ફંડમાં આપી દીધી છે.
રણધીરભાઈ હસતાં-હસતાં કહે છે કે, “ઘણી વખત તો મારી મેરેથોન અલ્ટ્રા મેરેથોન બની જાય છે. મેરીલેન્ડમાં એક મેરેથોન હતી. એનો રન એટલો અઘરો હતો કે એક એક ફૂટ દોડો ત્યાં રસ્તામાં ઝાડનાં થડિયાં આવે. જંગલમાં દોડીએ એવા રફ રોડ પર દોડવાનું હતું. એમાં પણ અધૂરામાં પૂરું, રસ્તામાં પોલીસને એક ડેડબોડી મળી હતી, તો પોલીસે એ આખો એરિયા કોર્ડન કરીને રાખ્યો હતો. તો એમાં વળી મારે રસ્તો બદલવો પડ્યો અને ખાલી-ખાલી 5-10 કિલોમીટર વધુ દોડવું પડ્યું. એ આખી મેરેથોન દોડવી ભારે પડી ગઈ હતી.”
આગળ વાત વધારતા રણધીરભાઈ કહે છે કે, પછી તો મેરેથોનનો ચસ્કો લાગ્યો. પછી તો એક પછી એક મેરેથોન પૂરી થતી ગઈ. ઘણીવાર વિચાર પણ આવ્યો કે, બસ હવે આ મેરેથોન પછી નથી દોડવું. પરંતુ નવી કોઈ મેરેથોન વિશે સાંભળીને ફરી દોડવાનું મન થઈ જાય. તેમ કરતાં-કરતાં તો હવે મેરેથોનની સદી પૂરી કરી લીધી. સેન્ચ્યુરી કરવાનું બીજું કારણ એ છે કે, મારા બાપુજી ઈચ્છતા હતા કે હું એથ્લેટ બનું. તેઓ મોરબી ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. આથી મેં મારું 100મું મેડલ સાચવીને રાખ્યું. વિચાર્યું છે કે ફરી સચીન તેંડુલકરને મળવાનું થશે તો તેના હાથે આ મેડલ પહેરીશ.
(રાધિકા રાઓલ – અમદાવાદ)