ભારતીય ઋષિ પરંપરામાં સાધુતાનું સ્થાન સદૈવ અતિ ઊંચું રહ્યું છે. ત્યાગ, વૈરાગ્ય, નિયમ, ધર્મ અને પરમાત્મા પ્રત્યેની અખંડ ભક્તિ આ સૌ ગુણો સાધુ જીવનના આભૂષણ માનવામાં આવ્યા છે. સામાન્ય રીતે સાધુતાની ઓળખ ભગવા વસ્ત્રોથી થતી આવી છે. પરંતુ સમયના વહેણ સાથે સમાજમાં આવનારા પરિવર્તનોને પારખી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે સાધુતાનું નવું પરિમાણ વિશ્વ સમક્ષ રજૂ કર્યું “ભગવા હૃદય”ની સાધુતા.
“તમારા સહુના હૃદય ભગવા કરવા છે.” આ શબ્દોમાં માત્ર આશીર્વાદ નહોતો, પરંતુ એક નવી આધ્યાત્મિક દિશાનો દિવ્ય સંકલ્પ સમાયેલો હતો. સન ૧૯૬૫ના નવેમ્બર માસમાં ગોંડલ તીર્થસ્થાને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ, બ્રહ્મસ્વરૂપ કાકાજી મહારાજ અને સર્વ ટ્રસ્ટીઓના સાનિધ્યમાં ‘બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા’ ટ્રસ્ટ કમિટીની એક બેઠક યોજાઈ હતી. તેમાં યોગીજી મહારાજની ૭૫મી જયંતિ ઉજવવા અંગે ચર્ચા થઈ. તે સમયે માત્ર ૨૫ વર્ષના યુવાન જશુભાઈએ ટ્રસ્ટ કમિટીના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપતાં આખી કમિટી પ્રભાવિત થઈ ગઈ અને વિદ્યાનગર યુવક મંડળને યોગીજી મહારાજની ૭૫મી જયંતિ ઉજવવાની મંજૂરી આપવામાં આવી. જશુભાઈ આનંદથી યોગીજી મહારાજ પાસે દોડી ગયા અને સમાચાર આપ્યા કે, “વિદ્યાનગર યુવક મંડળને આપની ૭૫મી જયંતિ ઉજવવાની મંજૂરી મળી ગઈ છે.” ત્યારે યોગીજી મહારાજે તરત જ કહ્યું, “ટ્રસ્ટ કમિટીએ મંજૂરી આપી છે, મેં ક્યાં આપી છે ?” જ્યારે જશુભાઈએ વિનમ્રતાથી પૂછયું, “બાપા ! આપની શું આજ્ઞા છે ?” ત્યારે યોગીજી મહારાજે કહ્યું, “તમે ૧૧ યુવકો સાધુ થાવ.” વિદ્યાનગરના યુવકોમાં એવી અદ્ભુત એકતા હતી કે કોઈનોય વ્યક્તિગત વિચાર કર્યા વગર જશુભાઈએ તરત જ વચન આપ્યું,
“અમે ૧૧ યુવકો સાધુ થઈશું.”
આ વચન સાંભળીને યોગીજી મહારાજ અત્યંત રાજી થયા. તે ક્ષણથી જ સૌ યુવકોના હૃદયમાં દૃઢ સંકલ્પ થઈ ગયો કે હવે આજીવન ભગવાન અને ગુરુ માટે જ જીવવાનું છે.
યોગીજી મહારાજનો ૭૫મો પ્રાગટ્યોત્સવ ૧૭ મે ૧૯૬૬, વૈશાખ વદ બારસ, મંગળવારે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં ઉજવવાનો નક્કી થયો હતો. પરંતુ યોગીજી મહારાજને ખૂબ ઉમળકો હતો કે તેઓ પ્રાગટ્યોત્સવ પહેલાં ૧૩ મે ૧૯૬૬ના રોજ અક્ષરપુરુષોત્તમ છાત્રાલયમાં આવી યુવકો સાથે રહે. તે માટે અમદાવાદ શાહીબાગ મંદિરેથી તેમને લેવા બે ગાડીઓ મોકલવામાં આવી.
પરંતુ તે સમય દરમિયાન સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠા વચ્ચે અસમંજસ ચાલતી હતી. સમયની ગંભીરતા પારખીને યોગીજી મહારાજે છાત્રાલયમાં આવવાનો કાર્યક્રમ મુલતવી રાખ્યો. એક ગાડી પાછી મોકલી દીધી અને બીજી ગાડીમાં આવેલા જશુભાઈને રોકીને કહ્યું, “આવતીકાલે ૧૪ મે ૧૯૬૬, સવારે ૫ વાગે શાહીબાગ મંદિરે તમે મને મળવા આવજો.” બીજા દિવસે સવારે પ.પૂ. સાહેબદાદા અને નિષ્ઠાવાન હરિભક્ત જશુભાઈ ભટ્ટ યોગીબાપાના દર્શને પહોંચ્યા. એકાંતમાં યોગીજી મહારાજે અત્યંત હેતથી કહ્યું,
“તમને સૌને સાધુ બનાવવા છે, પણ ભગવા કપડામાં નહીં. આજ વેશમાં રાખી તમારા સૌના હૃદય ભગવા કરી, સાધુતા નીખારી ભગવાનથી ભરવા છે. તમ સૌ દ્વારા ભગવાનનું કાર્ય કરવું છે. વિદ્યાનગરમાં બ્રહ્મવિદ્યાની કોલેજ સ્થાપવી છે. તમો સૌ સાધુની માફક ઘર–સંસાર છોડી સાથે રહી પ્રભુભક્તિ કરજો, અક્ષરપુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કરજો. અમો તમારી સાથે જ છીએ.”
આ શબ્દો માત્ર માર્ગદર્શન નહોતા; તે નૂતન યુગની સાધના પદ્ધતિની સ્થાપના હતી. ભારતીય ઋષિ પરંપરામાં આજ સુધી સાધુતાની ઓળખ મુખ્યત્વે ભગવા વસ્ત્રોથી થતી આવી હતી. પરંતુ યોગીજી મહારાજે આવનારા યુગને ધ્યાનમાં રાખીને “સાધુ એટલે ભગવા હૃદય”નો અભિગમ સ્થાપ્યો. આ માર્ગ અત્યંત કઠિન હતો. કારણ કે બહારથી સામાન્ય વેશમાં રહી અંતરમાં અખંડ સાધુતા જીવવી તે સતત આત્મચિંતન અને જાગૃતિનો માર્ગ હતો. સમાજને બહારથી સમજાય નહીં કે આ વ્યક્તિ સાધુ છે, છતાં અંતરમાં અખંડ ભાવ રહે,
“હું યોગીજી મહારાજનો સાધુ છું, હું સાહેબજી મહારાજનો સાધુ છું.”

ભગવાન સ્વામિનારાયણના સમયમાં દ્વેષી સાધુઓના ઉપદ્રવને કારણે પરમહંસોની દીક્ષા આપવામાં આવી હતી. તે જ રીતે ભવિષ્યના યુગને પારખીને યોગીજી મહારાજે આ નૂતન દિશા આપી. યોગીજી મહારાજ બહારથી ભલે સરળ અને પરંપરાગત લાગતા હોય, પરંતુ તેમની વિચારધારા અત્યંત આધુનિક અને દુરંદેશી હતી. તેઓ સંતોને કહેતા, “સત્સંગ કાર્ય માટે વિદેશ જવાનું થશે, એટલે સંસ્કૃત અને અંગ્રેજી જેવી ભાષાઓ શીખવી પડશે.” તેઓ માત્ર મંદિર કે ધાર્મિક વિધિઓ પૂરતા મર્યાદિત નહોતા; પરંતુ સમગ્ર સમાજના ઉત્કર્ષ માટે વિચારી રહ્યા હતા. તેઓએ યુવકોને એવો પ્રેમ આપ્યો કે દુનિયાની દોડમાં ભાગતા મન અને ઇન્દ્રિયો શાંત થઈ ગયા અને જીવન ભગવાનના ગમતામાં સ્થિર થઈ ગયું.

ચિન્મય મિશનના સ્થાપક પરમ પૂજ્ય ચિન્મયાનંદ સ્વામીજી જ્યારે અમેરિકામાં વિચરણ કરતા હતા ત્યારે તેમણે જોયું કે યોગીજી મહારાજ ક્યારેય અમેરિકા ગયા નહોતા છતાં તેમના શિષ્યો હજારો માઈલ દૂર રહીને પણ નિયમ-ધર્મમાં અડગ હતા. આ વાતથી પ્રભાવિત થઈ તેઓ મુંબઈ આવી સીધા દાદર મંદિરે યોગીજી મહારાજના દર્શને પહોંચ્યા હતા.
આજે આ દિવ્ય સંકલ્પનું ફળ અનુપમ મિશનના કાર્યોમાં સ્પષ્ટ જોવા મળે છે. છેલ્લા લગભગ ૬૦ વર્ષથી નિષ્કામ કર્મયોગની આ સાધના અવિરત ચાલી રહી છે. અનુપમ મિશનના સંતો સ્વાશ્રયી બની ઉદ્યોગો, શાળાઓ, મહાશાળાઓ, આઈ.ટી. સેન્ટરો, ટેકનીકલ ઇન્સ્ટિટ્યૂટ, આરોગ્ય કેન્દ્રો, નેચરક્યોર હોસ્પિટલ, આદિવાસી ઉત્કર્ષ, મહિલા સશક્તિકરણ અને યુવાનો, યુવતીઓને માર્ગદર્શન જેવા અનેક સામાજિક અને આધ્યાત્મિક કાર્યો કરી રહ્યા છે.
દેશ-વિદેશમાં અનેક શિખરબદ્ધ મંદિરો તથા અનેક સંસ્કાર અને અધ્યાત્મ કેન્દ્રો દ્વારા અનુપમ મિશન ભારતીય સંસ્કૃતિ અને અક્ષરપુરુષોત્તમ ઉપાસનાનો દિવ્ય સંદેશ વિશ્વભરમાં પ્રસરાવી રહ્યું છે. અનુપમ મિશનમાં ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, પીએચ.ડી., ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ તથા સ્નાતકો જેવા ઉચ્ચ શિક્ષિત ૧૦૮ જેટલા વ્રતધારી સંતો પોતાના હૃદય ભગવા કરી સમાજ અને આધ્યાત્મિક ક્ષેત્રે અવિરત સેવા આપી રહ્યા છે. સંત ભગવંત સાહેબદાદા, સદગુરુ સંતોના માર્ગદર્શન હેઠળ આયોજિત યુથ કેમ્પો, જ્ઞાન શિબિરો તથા વિવિધ આધ્યાત્મિક અભિયાનો દ્વારા હજારો યુવાનોના જીવનમાં સંસ્કાર, સદાચાર અને આધ્યાત્મિક જાગૃતિનું સિંચન થઈ રહ્યું છે.
સંત ભગવંત સાહેબજીએ પોતાની સાધુતા, સેવા, તપ, ભક્તિ અને સમર્પણથી સમગ્ર સંત સમાજમાં એક આગવી ઓળખ સ્થાપિત કરી છે. હરિદ્વારમાં યોજાયેલા એક દીક્ષા સમારંભમાં યોગમૂર્તિ રામદેવજી મહારાજે જાહેરમાં કહ્યું હતું કે
“તેઓ ભગવા વસ્ત્રવાળા સાધુ નહીં, પરંતુ ભગવા હૃદયવાળા સાધુ છે.”
સાહેબદાદાએ આરંભેલ આ નૂતન સાધના પથ પર સદગુરુ સાધુ પૂ. અશ્વિનદાદા, પૂ. શાંતિદાદા, પૂ. રતીદાદા, પૂ. વી. એસ.દાદા, પૂ. ડો. સનદદાદા, પૂ. પુનમદાદા, પૂ. હર્ષદદાદા અને પૂ. રમેશદાદાએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી ભગવા હૃદયી સાધુતા પ્રાપ્ત કરી યોગીબાપાની પ્રસન્નતાના પાત્રો બન્યા છે.
આજે, દાયકાઓ પછી પણ, યોગીજી મહારાજનો આ સંદેશ વધુ પ્રાસંગિક લાગે છે. દુનિયાને આજે બહારના દેખાવ કરતાં અંતરની પવિત્રતા, પ્રેમ, સેવા અને સંસ્કારની વધારે જરૂર છે. યોગીજી મહારાજે પુરવાર કર્યું કે સાચી સાધુતા વસ્ત્રોમાં નહીં, પરંતુ હૃદયની પવિત્રતામાં વસે છે. અને જેનું હૃદય ભગવુ બની જાય છે, તેનું સમગ્ર જીવન ભગવાનમય બની જાય છે. ભગવાન હૃદયી સાધુતની આધ્યાત્મિક ઉત્ક્રાંતિના યુગદ્રષ્ટા બ્રહ્મસ્વરૂપ ગુરુદેવ યોગીજી મહારાજને ૧૩૫માં પ્રાગટ્ય મહામંગલ પર્વે તથા શ્રી યોગી આજ્ઞા મંત્રદીક્ષાના ઐતિહાસિક વર્ષે તેમના ચરણોમાં અનંત વંદન સાષ્ટાંગ દંડવત પ્રણામ.
(સાધુ પંકજદાસ, અનુપમ મિશન)






