ધ્યાન રહે, નારી હવે અબળા નહીં, સબળા છે… ભારત સહિત વિશ્વભરમાં મહિલાઓ હવે અબળા રહી નથી, પણ પુરુષની સમોવડી બની ગઈ છે. ખેલકૂદ હોય, રાજકારણ હોય, કલા કે બિઝનેસનું ક્ષેત્ર હોય, નારીઓ હવે પુરુષોની જેવો જ જોરદાર પરફોર્મન્સ આપી રહી છે. એટલું જ નહીં, આજની નારી એર ઈન્ડિયાનું વિમાન ચલાવી જાણે છે, મેટ્રો ટ્રેન દોડાવી શકે છે, એનાથીય વધારે, પ્રજાસત્તાક દિનની પરેડમાં મોટરબાઈક પર પુરુષ જવાનો જેવા જ સ્ટન્ટ કરી બતાવીને તો ભારતીય નારીઓએ આખી દુનિયાની આંખો પહોળી કરી દીધી છે. વિશ્વ મહિલા દિવસ માટે સમસ્ત નારી સમાજને હાર્દિક શુભેચ્છા. આજના આ વિશેષ દિવસે એવી કેટલીક બહાદુર સ્ત્રીઓની સિદ્ધિઓને યાદ કરીને એમને બિરદાવીએ નહીં તો યોગ્ય નહીં કહેવાય.
મેરી કોમઃ મેગ્નિફિસેન્ટ મેરી…
મણિપુર રાજ્યનાં વતની અને દેશના અવ્વલ દરજ્જાનાં મહિલા મુક્કાબાજ મેરી કોમનું મૂળ નામ છે – ચુંગ્નેઈજેંગ મેરી કોમ મેંગતે. પાંચ વખત વર્લ્ડ એમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયન બન્યા છે. મેરી એકમાત્ર એવા બોક્સર છે જેમણે દરેક છ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો છે. ‘મેગ્નિફિસેન્ટ મેરી’નું હુલામણું નામ પામેલાં મેરીે 2012ની ઓલિમ્પિક્સમાં 51 કિ.ગ્રા. વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ સિદ્ધિ હાંસલ કરનાર એકમાત્ર ભારતીય મહિલા બોક્સર છે. એ પછી 2014ની એશિયન ગેમ્સમાં મેરીએ ગોલ્ડ મેડલ જીતી બતાવ્યો હતો. હવે એમની નિમણૂક બોક્સિંગ માટે રાષ્ટ્રીય નિરીક્ષક તરીકે થઈ છે. પદ્મશ્રી અને પદ્મભૂષણથી સમ્માનિત મેરી રાજ્યસભાનાં સદસ્ય તરીકે નિયુક્ત થયા છે. મેરીની ઈચ્છા 2020ની ટોકિયો ઓલિમ્પિક્સમાં બોક્સર તરીકે ભાગ લેવાની છે. ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલાં મેરીની સિદ્ધિઓને રૂપેરી પડદા ઉપર પણ રજૂ કરવામાં આવી છે. 2014માં આવેલી હિન્દી ફિલ્મ મેરી કોમમાં મેરીનું પાત્ર ભજવ્યું હતું પ્રિયંકા ચોપરાએ. મેરી ફૂટબોલર કારુંગ ઓન્ખોલરને પરણ્યા છે અને દંપતીને ત્રણ પુત્રો છે.
|
પી.વી. સિંધુઃ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા, નાયબ જિલ્લા કલેક્ટર
બેડમિન્ટનમાં રાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવ્યા બાદ હૈદરાબાદની વતની પુસરલા વેંકટ સિંધુ (પી.વી. સિંધુ) છેલ્લા 8-9 વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોફેશનલ સ્પર્ધાઓમાં પણ મેડલો જીતીને ભારતનું નામ રોશન કરી રહી છે.
અર્જુન, પદ્મશ્રી અને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડથી સમ્માનિત સિંધુ અત્યાર સુધીમાં 346 મેચો રમી છે, જેમાંથી 242માં જીતી છે, 104 હારી છે. એણે હાંસલ કરેલા 10 મુખ્ય ખિતાબોમાં રિયો ઓલિમ્પિક્સ (2016)ના રજત ચંદ્રક, વિશ્વ સ્પર્ધા (2017)ના રજત ચંદ્રક, એશિયન ગેમ્સ (2014) અને કોમનવેલ્થ ગેમ્સ (2014)માં જીતેલા કાંસ્ય ચંદ્રકોનો ખાસ ઉલ્લેખ કરવો પડે. સિંધુ લગાતાર જોરદાર દેખાવને કારણે 2017ના એપ્રિલમાં નંબર-2 વર્લ્ડ રેન્કિંગ પર પહોંચી હતી જે તેનું અત્યાર સુધીનું બેસ્ટ રેન્કિંગ રહ્યું છે.
આંધ્ર પ્રદેશ સરકારે સિંધુને કૃષ્ણા જિલ્લાની ડેપ્યૂટી કલેક્ટર તરીકે નિયુક્ત કરી છે.
|
મિતાલી રાજઃ બે વર્લ્ડ રેકોર્ડ હજીય અકબંધ છે
બે વખત (2005 અને 2017માં) મહિલાઓની વર્લ્ડ કપમાં જેનાં નેતૃત્વ હેઠળ ભારતે રનર્સ-અપ ટ્રોફી જીતી છે એ મિતાલી રાજનો જન્મ જોધપુરમાં તામિલ પરિવારમાં થયો હતો. એણે 10 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. એનો મોટો ભાઈ સ્કૂલ લેવલનો ક્રિકેટર હતો. એની સાથે મિતાલીએ ક્રિકેટ કોચિંગ મેળવવાનું શરૂ કર્યું હતું. નેટ્સમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરતી અને પુરુષોની સાથે ક્રિકેટ રમતી હતી એનાથી એની ગેમ મજબૂત થઈ. મિતાલી કિશોરીવયમાં ક્રિકેટની સાથોસાથ નૃત્યનો પણ બહુ શોખ ધરાવતી હતી, પણ ક્રિકેટ પ્રતિ આકર્ષણ વધતાં નૃત્ય છોડી દીધું. મિતાલી ટેસ્ટ અને વન-ડે, બંને ફોર્મેટની ભારતીય ટીમની કેપ્ટન છે. 2002માં માત્ર 19 વર્ષની જ વયે એણે વર્લ્ડ રેકોર્ડ કર્યો જે આજે પણ અકબંધ છે. ઈંગ્લેન્ડ સામે ટોન્ટન ખાતેની એ ટેસ્ટ મેચના દાવમાં મિતાલીએ 214 રન ફટકાર્યા હતા. એ પહેલાં વર્લ્ડ રેકોર્ડ કેરન રોલ્ટનનાં નામે હતો – 209 રનનો. મિતાલીએ એ રેકોર્ડ તોડ્યાને આજે 16 વર્ષ થઈ ગયા છે, પણ તે હજીય અકબંધ છે. વન-ડે ક્રિકેટમાં 6000 રન કરનારી પણ મિતાલી વિશ્વની એકમાત્ર બેટ્સમેન છે. મિતાલી જમણેરી બેટિંગ કરે છે અને લેગ બ્રેક બોલર પણ છે. 2003માં અર્જૂન એવોર્ડ અને 2015માં પદ્મશ્રીથી સમ્માનિત મિતાલીએ 10 ટેસ્ટ મેચોમાં 663 રન કર્યા છે, 189 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 6,259 રન કર્યા છે તો 64 ટ્વેન્ટી-20 મેચોમાં 1,762 રન કરી ચૂકી છે. ટેસ્ટ મેચોમાં એની બેટિંગ સરેરાશ 51.00, વન-ડે ક્રિકેટમાં 50.88 અને ટ્વેન્ટી-20માં 39.15 છે.
|
અનુષ્કા શર્માઃ એક્ટ્રેસમાંથી બની છે, બોલીવૂડની યંગેસ્ટ પ્રોડ્યૂસર
શરૂઆતમાં મોડેલિંગ કર્યા બાદ યશરાજ બેનરની ત્રણ ફિલ્મ સાથે બોલીવૂડમાં પોતાની આગવી છાપ ઊભી કરનાર અનુષ્કા શર્માએ છેલ્લા પાંચ વર્ષમાં ગજબની પ્રગતિ સાધી છે. હવે એ અભિનેત્રીની સાથોસાથ નિર્માત્રી તરીકે પણ ઈન્ડસ્ટ્રીમાં પંકાઈ છે. બેન્ડ બાજા બારાતી, રબને બના દી જોડી, જબ તક હૈ જાન જેવી ફિલ્મોમાં અભિનય શક્તિ દર્શાવનાર અનુષ્કા NH10, ફિલ્લૌરી અને એકદમ લેટેસ્ટમાં, પરી ફિલ્મોનું નિર્માણ કરીને બોલીવૂડમાં પોતાનું સ્થાન વધારે મજબૂત બનાવ્યું છે, દર્શકોમાં નવો જ પ્રભાવ પાડ્યો છે. NH10 ફિલ્મમાં અનુષ્કાએ કોર્પોરેટ કંપનીમાં કામ કરતી, પણ સામાજિક અપરાધીઓ સામે લડતી અને એક પછી એક બદલો લેતી બહાદુર યુવતીનો રોલ કર્યો હતો. ફિલ્લૌરીમાં દિલચસ્પ ભૂતની વાર્તા છે. તો પરી બનાવીને તો અનુષ્કાએ ખળભળાટ જ મચાવી દીધો છે. આ ફિલ્મ બોલીવૂડની અત્યાર સુધીની બેસ્ટ હોરર ફિલ્મ બની છે. અનુષ્કાએ સાબિત કરી બતાવ્યું છે કે પોતે રમૂજી, રોમેન્ટિક, સિરિયસ તેમજ ડરામણા પાત્રના રોલ પણ ખૂબીપૂર્વક ભજવી શકે છે.
|
પ્રિયંકા ચોપરાઃ મિસ વર્લ્ડ તાજ વિજેતા, કરોડો ચાહકોનાં દિલની ધડકન
બિહારના પરંતુ હવે ઝારખંડમાં આવેલા જમશેદપુરમાં જન્મેલી પ્રિયંકા બોલીવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક ગણાય છે. 2000માં મિસ ઈન્ડિયા અને મિસ વર્લ્ડનો તાજ જીતનાર પિગ્ગી ચોપ્સ, સનશાઈન, મિમી, પીસી… આવા ઉપનામો ધરાવતી પ્રિયંકા બોલીવૂડમાં અંદાઝ, ઐતરાઝ, મુઝસે શાદી કરોગી જેવી પોતાનું સ્થાન જમાવવામાં સફળ થયા બાદ એક કદમ આગળ વધીને એણે હોલીવૂડમાં પણ પોતાની અભિનયશક્તિનાં પારખાં કરાવી દીધાં. બેવોચ ફિલ્મમાં નેગેટિવ રોલમાં ચમકેલી પ્રિયંકાએ અમેરિકી ટીવી સિરીઝ ક્વાન્ટિકોમાં કરેલા અભિનય બદલ તો 2016માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં દર્શકોની સૌથી પહેલી ચોઈસનો એવોર્ડ જીતી બતાવ્યો હતો. અમેરિકામાં સ્કૂલનું ભણતી હતી ત્યારે સાથોસાથ સંગીતની પણ તાલીમ લીધી હતી. એ દરમિયાન 1997માં એને નેશનલ ઓપસ ઓનરકોરથી સમ્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ મેળવનાર પ્રિયંકા એકમાત્ર ભારતીય છે. પ્રિયંકાને ભૂતપૂર્વ યૂએસ પ્રમુખ બરાક ઓબામાએ પ્રમુખ તરીકે એમના વ્હાઈટ હાઉસમાં યોજેલા છેલ્લા સત્તાવાર ડિનર સમારંભમાં પ્રિયંકાને આમંત્રિત કરી હતી.
|
સુનિતા વિલિયમ્સઃ સાહસિક અવકાશયાત્રી
ગુજરાતી પિતા દીપક પંડ્યા અને ચેકોસ્લોવેકિયાનિવાસી માતાની પુત્રી સુનિતાનો જન્મ અમેરિકામાં 1965માં થયો. ભારતીય મૂળના દ્વિતીય અવકાશયાત્રી, યૂએસ નેવી અધિકારી અને યૂએસ અવકાશ સંશોધન સંસ્થા NASAની અવકાશયાત્રી છે. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ સુનિતા યૂએસ નેવલ એકેડેમીમાં જોડાયા હતા. ફિઝિકલ સાયન્સમાં બીએસસી કર્યા બાદ ફ્લોરિડા ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટમાંથી એમએસસી એન્જિનીયરિંગ મેનેજમેન્ટની પદવી હાંસલ કરી. યૂએસ નેવીમાં પાઈલટ બન્યા બાદ સુનિતાને અવકાશયાત્રી બનવાનું સપનું સેવ્યું હતું અને એક દિવસ NASAમાંથી કહેણ આવ્યા બાદ તે સાકાર થયું. દરેક પ્રકારની જરૂરી તાલીમ મેળવ્યા બાદ ડિસ્કવરી શટલ દ્વારા એમણે અવકાશગમન કર્યું હતું. આઈએસએસ અવકાશ મથક અથવા પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલા કૃત્રિમ સેટેલાઈટમાં પ્રવેશ મેળવનાર સુનિતા પ્રથમ ભારતીય મહિલા બન્યાં. અંતરિક્ષમાં સૌથી વધારે સમય રહેવા અને સ્પેસ વોક કરવાનો રેકોર્ડ પણ સુનિતાનાં નામે છે. આવા સાહસમાં સફળતા હાંસલ કરીને એમણે સાબિત કરી આપ્યું કે મહિલાઓ પણ પુરુષોથી જરાય ઉતરતી નથી. સફળ અવકાશયાત્રા બાદ સુનિતા ભારત આવ્યા હતા. 2008માં સુનિતાને ભારત સરકારે પદ્મભૂષણ એવોર્ડથી સમ્માનિત કર્યા હતા.
કલ્પના ચાવલાઃ સપનું સાકાર થયું, અંતિમ ઈચ્છા પરિપૂર્ણ થઈ…
અંતરિક્ષનાં પરી કહેવાયેલાં કલ્પના ચાવલાનો જન્મ હરિયાણામાં થયો હતો. નામ મુજબ બાળપણથી જ કલ્પનાશીલ વાતો કરતાં રહેતા હતા. કાયમ આકાશ અને એની ઊંચાઈ વિશે વિચારતાં રહેતા. 1982માં ચંડીગઢની એન્જિનિયરિંગ કોલેજમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરીને પોતાનાં સપનાંઓને સાકાર કરવા એ અમેરિકા ગયાં. ત્યાં એમણે કોલોરાડો યુનિવર્સિટીમાંથી સ્પેસ એજ્યુકેશનમાં પીએચડી મેળવી. 1988માં એમને NASAમાં સામેલ કરવામાં આવ્યાં. એમની લગન અને મહેનતને જોઈને એમને અંતરિક્ષ મિશનની ટોપ-15 અને ત્યારબાદ ટોપ-6 અવકાશયાત્રીઓની ટીમમાં સામેલ કરવામાં આવ્યાં. 1997ની 19 નવેંબરે કલ્પના સહિત છ જણની ટીમે સ્પેસ શટલ કોલંબિયામાં અવકાશગમન કર્યું. અંતરિક્ષમાં જનાર કલ્પના પ્રથમ ભારતીય મહિલા હતાં. એ મિશન 1997ની 5 ડિસેમ્બરે પૂરું થયું હતું. પાંચ વર્ષ બાદ ફરી એક મિશન માટે કલ્પનાની પસંદગી કરવામાં આવી. 2003ની 16 જાન્યુઆરીએ કોલંબિયા સ્પેસ શટલ દ્વારા જ એ મિશનનો આરંભ થયો હતો. એ મિશન 16 દિવસનું હતું અને કલ્પના અને એમના સાથી અવકાશયાત્રીઓએ મળીને અવકાશમાં 80 પ્રયોગો કર્યા હતા. 1 ફેબ્રુઆરી, 2003ના રોજ સ્પેસ શટલ પૃથ્વી પર પાછું આવી રહ્યું હતું. ધરતી પર ઉતરાણને માંડ 16 મિનિટ બાકી હતી ત્યારે શટલ ધડાકા સાથે ફાટ્યું હતું અને કલ્પના તથા અન્ય તમામ અવકાશયાત્રીઓ શહીદ થઈ ગયા હતા. કલ્પના ચાવલાનાં શબ્દો યાદ રહી જશેઃ ‘હું અંતરિક્ષ માટે જ બની છું. પ્રત્યેક ક્ષણ અંતરિક્ષ માટે જ વિતાવી છે અને એને માટે જ મરીશ.’ |
|
અવનિ ચતુર્વેદીઃ ફાઈટર વિમાનની પ્રથમ સ્વતંત્ર ફાઈટર પાઈલટ
આમ તો ઘણી ભારતીય મહિલાઓ અત્યાર સુધીમાં વિવિધ પ્રકારના ઈતિહાસ સર્જી ચૂકી છે. એમાં એક નામ ઉમેરાયું છે મધ્ય પ્રદેશના વતની અવનિ ચતુર્વેદીનું, જેમણે 2018ની 19 ફેબ્રુઆરીએ 24 વર્ષની વયે ભારતીય હવાઈ દળના ફાઈટર વિમાન મિગ-21ના પાઈલટ તરીકે ખુલ્લા આકાશમાં એકલે હાથે વિમાન ઉડાડ્યું હતું. ફાઈટર પાઈલટ બનવાની દિશામાં આ એમનું પહેલું ચરણ હતું, જે એમણે સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ચેસ, ટેબલ ટેનિસ, સ્કેચિંગ, પેઈન્ટિંગનો શોખ ધરાવતાં અવનિ બે વર્ષની તાલીમ પૂરી કર્યા બાદ અન્ય ફાઈટર વિમાન સુખોઈ અને તેજસને પણ ઉડાડવા સક્ષમ બની જશે. ભારતીય હવાઈ દળમાં ફાઈટર પાઈલટ બનવાની તાલીમ લેનાર અન્ય બે મહિલા છે – ભાવના કાંત અને મોહના સિંહ. હવાઈ દળમાં માત્ર આ ત્રણ જ મહિલા છે એવું નથી, 1,500 જેટલી મહિલાઓ હવાઈ દળમાં અલગ અલગ પ્રકારે સેવા બજાવી રહી છે, પરંતુ એમાંથી અવનિ, ભાવના અને મોહનાએ અલગ દિશામાં ડગલાં ભર્યાં છે.
|
ઈન્દ્રા નૂયીઃ રિસેપ્શનિસ્ટમાંથી પેપ્સિકોનાં સીઈઓ બન્યાં…
1955માં ચેન્નાઈમાં તામિલ પરિવારમાં જન્મેલાં ઈન્દ્રા કૃષ્ણમૂર્તિ નૂયી અમેરિકામાં વસે છે. ઈન્ડિયન-અમેરિકન બિઝનેસ એક્ઝિક્યૂટિવ તરીકે એમનું નામ દુનિયાની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં ગાજે છે. મદ્રાસમાં ગ્રેજ્યુએટ થયા બાદ કલકત્તામાંથી એમબીએમાં પોસ્ટ ગ્રેજ્યુએશન શિક્ષણ પૂરું કરનાર ઈન્દ્રાએ અમેરિકા જઈને યેલ યુનિવર્સિટીમાંથી પબ્લિક અને પ્રાઈવેટ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન હાંસલ કર્યું. કારકિર્દીની શરૂઆતમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરનાર ઈન્દ્રા પેપ્સિકો કંપનીનાં ચેરવુમન અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર છે. 2016નાં આંકડા અનુસાર એમનો વાર્ષિક પગાર આશરે 3 કરોડ ડોલર છે. વિદેશમાં હાંસલ કરેલી આવી જ્વલંત સફળતા વિશે તેઓ કહે છે, તમે ત્યાંના માહોલમાં એડજસ્ટ થાવ એ સૌથી વધુ જરૂરી છે. તમારે અંદરથી ભારતીય રહેવાનું, પણ જ્યાં રહેતા હો એ દેશની જરૂરિયાતોને બરાબર રીતે સમજો તમે ભારત બહાર પણ ઉત્તમ સફળતા પામી શકો.
|