છેલ્લાં કેટલાક સમયથી ભારતમાં મહિલાઓની સ્થિતિમાં મોટા ફેરફારો આવ્યા છે. બહુ દૂરનું ન જોઇએ અને સ્વતંત્ર ભારતની વાત કરીએ તો ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં મહિલાઓએ અગત્યની ભૂમિકા ભજવી હતી. જેની દરેક વિગતો ઇતિહાસના પન્ને નોંધાયેલી છે. કવિયત્રી અને સ્વાતંત્ર્ય સેનાની સરોજીની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતા. અને ભારતના રાજ્યના રાજ્યપાલ બનનારા પ્રથમ મહિલા હતા. આઝાદી પછીના લગભગ પાંચ દાયકા પછી ભારત સરકાર દ્વારા વર્ષ 2001ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યુ હતું. અને આ જ વર્ષે મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ પસાર કરવામાં આવી હતી. પરંતુ મહિલાઓના માન સન્માનમાં એમને સમાજની વ્યવસ્થામાં, રાજનીતિમાં એક વિશેષ સ્થાન મળવું જોઇએ એ વાતને અમલમાં મૂકતા બીજા થોડા વર્ષ વિતી ગયા. અને ત્યારબાદ 9 માર્ચ 2010ના દિવસે અંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પછી રાજ્યસભા દ્વારા મહિલા અનામત ધારો પસાર કરવામાં આવ્યો. જેમાં સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતની ખાતરી આપવામાં આવી છે.
જો કે કેટલીક મહિલાઓએ આવા કોઇ વિશેષ લાભની અપેક્ષા રાખ્યા વગર જ રાજનીતિ જેવા કપરાં ક્ષેત્રમાં, સીધા ચઢાણ કર્યા છે અને પોતાનો મુકામ બનાવ્યો છે. લગભગ દર વર્ષે થતા આવા સર્વેક્ષણોમાં જે રીતે નવા નવા નામ ઉભરીને સામે આવે છે એ જોતાં લાગે છે કે ભારતીય સમાજમાં સ્ત્રીઓનું સ્થાન, દરજ્જો અને મોભો એક વિશેષ દબદબો જાળવી રહ્યો છે. ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપની સરકાર બની છે. 26 ડિસેમ્બરનાં રોજ વિજય રૂપાણીએ ગાંધીનગરમાં બીજીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. વિજય રૂપાણીના નવા કેબિનેટ મંત્રી મંડળમાં કેટલાક નવા ચહેરાઓ અને કેટલાક જૂના ચહેરાઓ થઇને 19 લોકોનો સમાવેશ કરાયો છે. વિભાવરીબેન દવે એક માત્ર મહિલાએ મંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યા.વિભાવરીબેન દવેની વાત કરીએ તો તેઓ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. ગુજરાતમાં થયેલી 14મી વિધાનસભા ચૂંટણીમાં વિભાવરીબેન દવે ભાવનગર પૂર્વથી વિધાનસભા સીટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા છે. તે આ પહેલા રાજ્યમાં થયેલી 12મી અને 13મી વિધાનસભા ચૂંટણીમાં ભાવનગર ઉત્તરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. હાલમાં તેમણે રૂપાણી સરકારમાં રાજ્યમંત્રી તરીકે શપથ લીધી. રૂપાણી સરકારમાં શપથ લેનારી એક માત્ર મહિલા મંત્રી છે. વિભાવરીબેન દવે ભાવનગરના પહેલા મહિલા મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. સાથે જ તેઓ વિજય રૂપાણીની ગત સરકારમાં સંસદિય સચિવ પણ રહી ચૂક્યા છે. વિભાવરીબેન દવે વરિષ્ઠ નાગરીકો માટે બનાવેલા સામાજીક સંગઠનના સંસ્થાપક પણ છે. તમને એ પણ જણાવી દઇએ કે વિજય રૂપાણીની સરકારમાં 19 મંત્રીઓનો સમાવેશ થયો છે. જેમાં એ એક માત્ર મહિલા મંત્રીની સાથે સાથે બ્રાહ્મણ સમાજથી આવે છે. બાકીના 18 મંત્રીઓની વાત કરીએ તો 6 પાટીદાર, 6 ઓબીસી, 2 રાજપૂત, 1 જૈન અને 1 દલિત સમાજમાંથી છે.અન્ય એક મહિલાની વાત કરીએ તો તે છે સોનિયા ગાંધી જેમણે થોડા સમય પહેલા જ કૉંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ અને હવે એ કમાન તેમના પુત્ર રાહુલ ગાંધી સંભાળી રહ્યા છે. સોનિયા ગાંધી સૌથી લાંબા સમય સુધી કૉંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે. સોનિયા ગાંધીનું મૂળ નામ એન્ટોનિયા એડવિજ ઓલ્બિના મેઇનો છે જે ભાગ્યે જ કોઇને ખબર હશે. 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ કૉંગ્રેસી નેતાઓની માગણી છતાં અમુક વર્ષ સુધી તેઓ રાજકારણથી દૂર રહ્યા હતાં. પણ બાદમાં સહમત થયા હતા અને 1998થી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા. હાલ તેઓ રાયબરેલીની બેઠક પરથી સાંસદ છે. ત્યારે એમની નિવૃત્તિ બાદ સવાલ એ પણ ઉભો થાય છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં શું તેઓ ભાગ લેશે? આ બેઠક પરથી પહેલાં ઇન્દિરા ગાંધી સાંસદ હતા. યુપીના અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠક પર શરૂઆતથી જ નેહરૂ અને ગાંધી પરિવારનો કબજો રહ્યો છે. એવામાં જો સોનિયા ગાંધી રાજકારણમાંથી સન્યાસ લે તો આ બેઠક પર પ્રિયંકા ગાંધીનો રસ્તો સાફ થઇ શકે છે. જો કે રાહુલની તાજપોશી બાદ પ્રિયંકાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું નિવૃત્તિ બાદ આપ રાયબરેલીથી ચૂંટણી લડશો ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે મારી મા બહાદુર છે, રાયબરેલીથી હું ચૂંટણી લડુ તેવો કોઇ સવાલ જ ઉભો થતો નથી. રાયબરેલીથી મારી માતા જ ચૂંટણી લડશે.
રાજકારણની વાત કરીએ એટલે આનંદીબેન પટેલની વાત તો આવે જ. ગુજરાતના સર્વપ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયેલા આનંદીબેન પટેલ મૂળે તો શિક્ષણનો જીવ. સત્તાના કેન્દ્રસ્થાને આવ્યા પછી એવા કંઇ કેટલાંય સુધારા કર્યા કે આજે ગુજરાતમાં શિક્ષણનું સ્તર પ્રમાણમાં સુધર્યુ છે. 2014માં ગુજરાતના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનતા પહેલા આનંદીબેન પટેલે રાજ્ય સરકારમાં 1998થી 2014 સુધીના સમયગાળામાં શિક્ષણ, મહિલા અને બાળકલ્યાણ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક માર્ગ, મકાન અને શહેરી આવાસ, મહેસૂલ જેવા વિભાગોમાં જવાબદારી સુપેરે નિભાવી ચૂક્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમનો કાર્યકાળ ભલે પ્રમાણમાં ટૂંકો રહ્યો હોય છતાં તેમણે ગુજરાતનો ખૂબ સારો એવો વિકાસ કર્યો. આ સિવાય દેશમાં બીજા ઘણાં અગ્રીમ હરોળના મહિલા નેતાઓ છે. જેમણે રાજકારણમાં આવીને પોતાનું સારુ એવુ નામ કમાવ્યુ છે.