તહેવાર અને લગ્નની સીઝન આવતા દરેક મહિલાઓ પોતાના વોર્ડરોબને ખંખેળવા લાગે છે. જો ઘરનાં જ લગ્ન હોય કે પછી તહેવારમાં ખરીદી કરી હોય તો તો કાંઇ વાંધો જ નથી પરંતુ જો ખરીદી ન કરી હોય અને જો કોઇ દૂરનાં સંબંધીઓના લગ્ન હોય તો ઘરમાંથી જ કાંઇક મળી જાય એવુ વિચારતા હોઇએ છીએ. ત્યારે એવુ લાગે છે કે અમુક વસ્તુઓ તો આપણી પાસે હોવી જ જોઇએ. તો એવી કઇ વસ્તુઓ છે કે જેના વગર તમારો વોર્ડરોબ સૂનો લાગે છે એની વાત કરીએ.સૌથી પહેલા વાત કરીએ જેની વધુ જરૂર પડે છે. સાડી…દરેક મહિલા સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે. અને સાડીની ફેશન પણ ક્યારેય આઉટ ફેશન નથી થતી. તમારે કોઇ લગ્નમાં જવુ છે અને જો તમારી પાસે લેટેસ્ટ ફેશનનો કોઇ ડ્રેસ નથી તો મૂંઝાવાની કોઇ જ જરૂર નથી કારણ કે તમારી પાસે સાડી તો છે જ ને. કેમ કે સાડીની ફેશન ક્યારેય જૂની નહીં થાય. તમારા વોર્ડરોબમાં એવી બેથી ત્રણ સાડી અચુકથી રાખો કે જેને તમે પ્રસંગમાં પહેરી શકો. રેડ, ગોલ્ડન અથવા તો બ્લેક સાડી તમે પાર્ટીમાં, મેરેજમાં કે કોઇપણ ફંક્શનમાં પહેરી શકશો. રેડ પ્યોર શિફોનની સાડી તમે વસાવી શકો છો. રેડ શિફોનની સાડી પર પતલી ગોલ્ડન બોર્ડર ખૂબ સરસ લાગશે. આ પ્રકારની સાડી તમે કોઇ દૂરના સંબંધીના લગ્ન પ્રસંગમાં જાવ તો ત્યાં પણ પહેરી શકશો. ત્યારબાદ એવી સાડીનું કલેક્શન કરો કે જેની ફેશન ક્યારે પણ જૂની ન થાય જેવી કે સિલ્ક, કાંજીવરમ, ટિશ્યુ, નેટ, શિમર. પરંતુ તમે તમારી ઉંમર પ્રમાણે સાડીનું સિલેક્શન કરી શકો છો.
હવે વાત કરીએ કે એવી વસ્તુની કે જેના વગર ભારતીય મહિલાનો શ્રૃંગાર અધૂરો છે. જી હા બિલકુલ બિંદી વગર મહિલાએ ગમે એટલો શ્રૃંગાર કર્યો હશે છતાં પણ અધૂરુ જ લાગશે. માર્કેટમાં ઘણી નવી ડિઝાઇનની બિંદી મળે છે જે તમે આઉટફીટને અનુરૂપ લગાડી શકો છો. આ પણ એક એવી જરૂરિયાતની વસ્તુ છે જે તમારા વોર્ડરોબમાં ખાસ હોવી જોઇએ. જો તમે સિમ્પલ તૈયાર થયા હશો અને બિંદી કરી હશે છતાં પણ તમે ખૂબ જ સરસ લાગશો. તમે તમારા સ્કિનટોનને અનુરૂપ બિંદીની પસંદગી કરશો તો એ વધુ સારુ લાગશે. અને લાલ કલરની બિંદીથી તો ચહેરો એકદમ આકર્ષક લાગે છે. ઘણીવાર આપણે ટ્રેન્ડમાં નાની-નાની એક્સેસરીઝ પહેરવાની ભૂલી જતા હોઇએ છીએ. જેમ કે વેસ્ટ બેન્ડ અથવા તો કમરબંધ. સાડીમાં તમે કમર પર પતલો એવો કમરબંધ બાંધશો તો તમારા લુકમાં ચાર ચાંદ લાગી જશે. કમરબંધમાં પણ ઘણી બધી વેરાયટી મળે છે જે તમે તમારા લુક અને બોડી પ્રમાણે પસંદ કરી શકો છો.
એક ગોલ્ડન બ્લાઉઝ અથવા તો મલ્ટી કલરનું બ્લાઉઝ તમારી ઘણી સમસ્યા ઓછી કરી શકે છે. ગોલ્ડન એક એવો કલર છે કે ઘણી બધી સાડીમાં મેચીંગ થશે. જો તમારી પાસે સાડી છે અને મેચીંગ બ્લાઉઝ નથી તો તમે ગોલ્ડન બ્લાઉઝ એની સાથે મેચ કરી શકો છો. જો તમારુ બોડી ભરાવદાર છે તો તમે સિમ્પલ બ્રોકેટનું ગોલ્ડન કલરનું બ્લાઉઝ લઇ શકો છો. અને જો તમે પતલા છો તો ગોલ્ડન નેટ વાળુ અથવા ગોલ્ડન કટ વર્ક વાળુ બ્લાઉઝ પર પસંદગી ઉતારી શકો છો. હવે વાત ફૂટવેરની, તમે રોજબરોજ ભલે રેગ્યુલર ફ્લેટ્સ જ પહેરતા હોવ પરંતુ કોઇ પ્રસંગમાં જાવ ત્યાં તો હીલ્સ જ સારી લાગશે. જેથી તમારા કલેક્શનમાં એક બ્લેક અને એક ગોલ્ડન હિલ્સ કાયમ રાખો. ગોલ્ડન હિલ્સ તમને ફંક્શનમાં કામ લાગી જશે અને બ્લેક હિલ્સ તમને પાર્ટીમાં કામ લાગી જશે. જેમની હાઇટ શોર્ટ છે એમણે તો ખાસ હિલ્સ પહેરવી. જો એવુ હોય કે તમને પેન્સિલ હિલ્સ ન ફાવતી હોય તો પ્લેટફોર્મ હિલ્સ પણ પહેરી શકો છો. અને હવે વાત ક્લચની, એવા ક્લચ કે તમે જેને હાથમાં સહેલાઇથી પકડી શકો. દરેક પ્રસંગમાં હેન્ડબેગ લઇને જઇએ તો સારુ નથી લાગતુ. એટલા માટે જ ગોલ્ડન અથવા તો બ્લેક કલરનું એવુ ક્લચ જરૂરી છે કે જેમાં તમારો મોબાઇલ, થોડા કેશ આવી શકે. તો તમે પણ તમારા વોર્ડરોબમાં આટલી વસ્તુ અચુકથી રાખતા થઇ જાવ જેથી તમારે છેલ્લી ઘડીએ દોડા દોડ ન કરવી પડે.