ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય સફર પર નીકળેલી ગુજરાતના સુરત શહેરની બાઈકિંગ ક્વીન્સ નેપાળ, ચીન, કિર્ગીસ્તાન થઇને હવે ઉઝબેકિસ્તાનના તાસ્કંદ શહેરમાં પહોંચી છે.
સુરતની બાઈકિંગ કવીન્સ નામના મહિલા બાઇકર્સનાં ગ્રુપ પૈકીની 3 મહિલાઓ ડૉ. સારિકા મહેતા, જિનલ શાહ અને ૠતાલી પટેલ ગઈ 5મી જૂન, 2019થી ભારતની આધ્યાત્મ નગરી વારાણસીથી ભારતીય નારીના ગૌરવને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશથી 25 દેશોના પ્રવાસ પર નીકળી હતી. આ 3 મહિલાઓનું ગ્રુપ વાતાવરણ, સરકારી અડચણોને પાર કરીને સતત આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી એમણે 7300 કિલોમીટરથી વધુની સફર ખેડી લીધી છે.
તાસ્કંદથી chitralekha.com સાથે વાતચીત કરતા બાઈકિંગ કવીન્સનાં સ્થાપક ડૉ. સારિકા મહેતાએ કહ્યું હતું કે, ‘અમે ભારતથી નીકળ્યા પછી પ્રથમ નેપાળમાં પહોંચ્યાં હતાં. ત્યાં ભૂકંપને કારણે તૂટી ગયેલા રસ્તાઓ, એકદમ પથરાળ, વરસાદને લીધે કીચડ થઈ જતાં વાહન ચલાવી ન શકાય એવા રસ્તે બાઈક ચલાવીને અમે ચીનની સરહદ સુધી માંડ પહોંચ્યાં. નેપાળનો એ માર્ગ અમને સૌથી ખરાબ રસ્તાના કારણે સમગ્ર યાત્રામાં યાદ રહી જશે.’
‘એ પછી તો એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી મોટરસાયકલ લઈને જનારું અમારું પ્રથમ બાઈકિંગ કવીન્સ ગ્રુપ બન્યું છે. હિમાલય પર્વતને સમાંતર હજારો ફૂટની ઊંચાઈ ઉપર અનેક તકલીફો અને થીજી જવાય એવા વાતાવરણમાં મોટરબાઈક ચલાવવી એ ખૂબ અઘરું કામ હતું જે બહુ સફળતાપૂર્વક પૂરું થયું. એ પછી આવ્યું ચીન.
ડૉ. સારિકા વધુમાં કહે છે, આખું ચીન પસાર કરતા અમને 20 દિવસ લાગ્યા હતા. એમાં કહો કે અમે બાઈક ચલાવી એના કરતા વધુ સમય અમારે ડગલે-પગલે લેવી પડતી મંજૂરીઓ, તપાસ અને આગળનો માર્ગ નક્કી કરવાની રાહ જોવામાં ગયો હતો. ચીન પસાર કર્યા પછી એ તો નક્કી જ કર્યું છે કે હવે બાઈક લઈને ચીન નહીં જ આવવું. એનું કારણ છે કે અમે દરેક પ્રકારની પૂર્વ મંજૂરી લઈને નીકળ્યા હતા. જે માર્ગ અમે પસંદ કરેલો એની ઉપર લેવા પડે એ તમામ વિઝા અમે લીધા હતા. એમ છતાં ચીનની પ્રક્રિયા એટલી બધી અટપટી છે અને સતત બદલાતી રહે છે. એટલે અમારી પાસે આંતરરાષ્ટ્રીય લાઈસન્સ હોવા છતાં અમારે નવું ચાઈનીઝ લાઈસન્સ લેવું પડ્યું હતું અને સાથે અમારા વાહન માટે પણ ખાસ મંજૂરી લેવી પડી. ચીનમાં પ્રવેશ વખતે આવું હોય તો સમજ્યા પણ લગભગ દર 500 કિ.મી.ના અંતરે ચેકપોસ્ટ છે. એ ચેકપોસ્ટ દરેક પેપર ચેક કરે, અમારા વાહન ચેક કરે અને સાથે જ અમારો દરેક સામાન એકદમ ઝીણવટપૂર્વક તપાસે એટલે દરેક ચેકપોસ્ટ ઉપર અમારે અમારો બધો સામાન ખોલીને ચેક કરાવવાનો અને પાછો પેક કરવાનો. એકદમ થકવી નાખનારી અને ત્રાસદાયક પ્રક્રિયા હતી, જે અમારે દરેક જગ્યાએ તે ભોગવવી પડી હતી. સાથે જ સૌથી મોટી મુશ્કેલી ભાષાની રહી. નવા નિયમ મુજબ એક સ્થાનિક ચાઈનીઝ યુવતીને અમે દુભાષિયા તરીકે સાથે લીધી હતી એના કારણે થોડીક સરળતા રહી.’
જિનલ શાહ માહિતી આપતાં કહે છે, ‘પ્રક્રિયા તો અટપટી જ સાથે ચીનના નિયમો પણ એટલા જ વિચિત્ર. આપણે ઇન્ટરનેટ પણ બહુ મર્યાદિત, સોશિયલ મિડિયા ચાલે નહી. ગૂગલ મેપ વાપરવાની પણ મંજૂરી નહીં એટલે પ્રિન્ટેડ નકશા જોઈ ને આગળ ચાલતા રહ્યા. આ બધી તકલીફોથી બચવા અમારે અમુક દિવસ તો 500 કિ.મી.થી પણ વધારે એક જ દિવસમાં કાપવા પડ્યા છે. નિયમોની સાથે અમને બદલાતા વાતાવરણનો પણ સામનો કરવો પડ્યો છે. એક તરફ અમે હિમાલયની તળેટીમાંથી એકદમ ઠંડા પ્રદેશમાંથી આગળ વધતા રહ્યા તો આગળ અમને 48 ડિગ્રી જેટલા ગરમ હવામાનનો સામનો કરવો પડ્યો. ચીનમાંથી જ્યાં બહાર નીકળ્યાં એટલે રણપ્રદેશ હતો ગરમી તો લાગી જ સાથે ત્યાં ધૂળનું તોફાન પણ હતું. એ તીવ્ર ફૂંકાતા પવનમાં અમે આગળ વધ્યા છીએ.
ૠતાલી પટેલ કહે છે, હા, તકલીફો તો હતી જ પણ સાથે જ અમે કુદરતના સુંદર દ્રશ્યો અમારી આંખમાં અને કૅમેરામાં ઝીલ્યાં છે. કુદરત સોળે કળાએ ખીલી હતી. એક તરફ બરફના ડુંગરો અને બીજી તરફ લીલીછમ હરિયાળી. બાઈક મૂકીને અમે તો થોડું થોડું એ બધું માણ્યું છે અને આગળ વધતા રહ્યા છીએ.
દરેક દેશમાં સ્થાનિક બાઈક ગ્રુપ, ભારતના રાજદૂત વગેરેએ બાઈકિંગ કવીન્સનું સ્વાગત કરીને સમ્માન કર્યું છે. હવે આ બાઈકિંગ ક્વીન્સ એમની સફરમાં આગળ કઝાખસ્તાન, રશિયા, લેટવિયા, લિથુનીયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ્સ, બેલ્જીયમ, સ્પેન, મોરક્કો અને ફરી સ્પેન થઇને બ્રિટનમાં પ્રવેશીને લંડન પહોંચશે. 25મી ઓગસ્ટે લંડનમાં એસ કેફેમાં થનારા મુખ્ય કાર્યક્રમમાં તેઓ મહેમાન બનશે અને આ 25 દેશોની 25,000થી વધુ કિલોમીટર ચાલનારી યાત્રાનું સમાપન કરશે.
આ અનોખા સાહસ સાથે ‘ચિત્રલેખા’ મિડિયા પાર્ટનર તરીકે જોડાયું છે એટલે આ અનોખી સફરના પ્રત્યેક તબક્કાની લેટેસ્ટ માહિતી ‘ચિત્રલેખા’ તેની પ્રિન્ટ તેમજ ડિજિટલ આવૃત્તિઓમાં આપતું રહેશે.