આગિયાનાં અજવાળે જીંદગી ઝંખતુ મન

ધોધમાર વરસાદમાં આપણે રાવણ બાળ્યો અને રેઇનકોટ પહેરીને ગરબા ય રમી લીધાં. એ પછી હવે દિવાળીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. દિવસે ઘરની સફાઈ કરવાની સાથે વચ્ચે ચાંદની રાતે શરદપૂર્ણિમાએ દૂધપૌંઆની લહેજત પણ માણી લીધી…. આમ, ધોમધોકાર ઉજવણીની વચ્ચે એક દિવસ ચૂપચાપ જતો રહ્યો એની ખબર ન પડી. એ દિવસ એટલે ઇન્ટરનેશનલ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે.

તકલીફ એ છે કે, જેનું જીવનમાં સૌથી વધુ મહત્વ છે એના વિશે આપણે જાગૃત જ નથી. એનાથી વધારે મોટી તકલીફ એ છે કે, જાગૃતિ હોવી આપણે જરૂરી સમજતા નથી! આવા વિષયોની ખુલ્લી ચર્ચા કરીને એને છંછેડવાનું આપણને પસંદ જ નથી. બીજા દેશોમાં તો મેન્ટલી ચેલેન્જડ લોકો કે ઓટીઝમથી પીડાતા લોકોનુ સમાજમાં ખાસ સ્થાન હોય છે અને આવા લોકોને જોબ પણ આપવામાં આવે છે પણ આપણા સમાજમાં આવાં લોકોની ખાસ સ્વીકૃતિ પણ હોતી નથી.

જન્મજાત મેન્ટલ ડિસોર્ડર કોઈના કન્ટ્રોલમાં હોતું નથી, પણ આપણે અહીં જે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે છે આપણી મનોસ્થિતિ કે માનસિક સ્વાસ્થ્યની, જે મોટેભાગે ફ્લેક્સિબલ છે. આપણાં સ્વભાવ, પરિસ્થિતિ અને સ્વાસ્થ્યને આધારે તે બદલાયે રાખે છે. પોર્શ કારમાં ફરતો અને અબજોની સંપત્તિ ધરાવતો વ્યક્તિ માનસિક સ્વસ્થ છે એવું કહી શકાય નહી. તો, બે ટંકનુ માંડ કમાતો વ્યક્તિ દુઃખી છે એવુ માની લેવું પણ ભૂલ ભરેલું હોઇ શકે. આ બાબતનો સંપૂર્ણ આધાર જેતે વ્યક્તિની પરિસ્થિતિ અને માનસિકતા પર છે.

ટેક્નોલોજી અને ટેન્શન વચ્ચે કઠપૂતળીની જેમ જીવન વીતાવવાની આપણને જાણે આદત પડી ચૂકી છે. ઘડિયાળના કાંટા પર દોડતાં દોડતાં, સબંધો અને જીવનનાં નૈતિક મૂલ્યોને વીસરતા જાઈએ છીએ. બે મિનિટની મેગી જેવા જીવનમાં ઊંઘનુ સ્થાન સોશિયલ મીડિયા લઇ ચૂક્યું છે. અને એની કિંમત ચૂકવી છે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યએ. આ પરિસ્થિતિમાં બોડી ક્લોકનુ ડિસ્ટર્બ થવું સામાન્ય થઇ ચૂક્યું છે, જેની સૌથી વિપરીત અસર આપણા મૂડ પર થઈ રહી છે. અજાણતા જ આપણે કેટલાયે રોગને આમંત્રણ આપતા રહીએ છીએ.

કંટાળો આવવો કે બૉરડમ એ સર્વસામાન્ય સમસ્યા બની ગઈ છે. થોડા સમય પહેલા આત્મહત્યાનાં કિસ્સાઓમાં કરાયેલા સર્વેમાં, સૌથી સામાન્ય કારણ બૉરડમ હતું. બૉરડમ એટલે જીવનમાંથી રસ ઉડી જવો. દેખીતી રીતે કોઈ ચોક્કસ કારણ આમાં જવાબદાર હોતું નથી, પણ આડકતરી રીતે આ થવાનું કારણ, લોકોનો ઘટતો જતો અટેન્શન સ્પાન છે.

દાખલા તરીકે, તમે જો પહેલાની ફિલ્મના ગીતો જોશો તો ખ્યાલ આવશે કે એક આખું ગીત ઓછામાં ઓછા શોટ્સમાં પુરુ થઇ જતું. લોકો ધીરજ ધરાવતા હતા, પણ જેમ જેમ સમય જતો ગયો એમ સ્ક્રીન પર થોડી મિનિટોમાં દ્રશ્યો બદલાતાં ગયાં અને હવેના એક જ ગીતમાં અનેક દ્રશ્ય હોવાં છતાં લોકો કંટાળે છે. લોકોની એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી રહી છે. એક કે બે મિનિટની રીલ જોતા આપણે કલાકો કાઢીએ છીએ, પણ એક સારી લાંબી વિડીયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આ જ સૌથી મોટું કારણ છે કે પુસ્તકોનુ સ્થાન ગેજેટ્સ લઇ રહ્યા છે. એક જ મિનિટમાં કંઈ નવું જોવાની આદત માનસિકતા પર ઘેરો પ્રભાવ પાડે છે. ખાસ કરીને બાળકોમાં આજકાલ આ પ્રકારના ઘણા જ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેનાથી બાળક હાઇપર એક્ટિવ થઇ જાય છે.

ડિપ્રેશન કે એકલતા એવા મનોરોગ છે, જેના વિશે ઘણું લખાયેલું છે અને ઘણા ઉપાયો સૂચવાયેલા છે, પણ સૌથી મોટી સમસ્યા એનાથી પીડિત વ્યક્તિ સુધી પહોંચવાની છે. આ લોકોની મનોસ્થિતિનાં વમળો એટલા ગૂઢ હોય છે કે ઘરના સભ્યો કે મિત્રો પણ એને પાર કરી શકતા નથી. સૌથી મોટી સમસ્યા કોમ્યુનિકેશનની છે. કયાંયને કયાંય મનની વાત કોઈની સાથે શેર નાં કરવી કે કોઈ સંકોચ, કયાંય ને કયાંય અવગણના કે આલોચનાની બીક માણસને સ્વકેન્દ્રી અને ગૂઢ બનાવતા જાય છે. ઇતિહાસનાં પાને ચડવાની ખમીરી રાખતો માણસ, જાનવર જેવું જીવન પણ જીવી શકતો નથી. તે કુદરતનાં સૌથી અમૂલ્ય સર્જનને નકામું ગણી કાઢે છે.

મનની આ લડાઈમાં સૌથી વધુ ફાવે છે, મોટીવેશનલ સ્પીકરો, મનોચિકિત્સકો અને એન્ટી ડિપ્રેસન્ટ દવાની કંપનીઓ. બેશક, એક વાર મનોરોગના શિકાર બન્યા પછી ડોક્ટર પાસે ગયા વગર છૂટકો જ નથી, પણ એ પહેલાના ઉપાયો વધુ અસરકારક અને સહેલા બની શકે છે. જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ અને ભાવનાત્મક પરિપકવતા દ્વારા કઠિનથી કઠિન પરિસ્થિતિમાંથી ઉગરી શકાય છે. નજીવી આદતોથી શરીરના ઘણા મિરેકલ કેમિકલ્સને જાગૃત કરી શકાય છે.

આપણાં શરીરનાં ઘણા જ હોર્મોન્સની અસર આપણા સ્વભાવ અને મૂડ પર થાય છે. એવી જ રીતે, આપણે આપણી ઘણી આદતોથી હોર્મોનલ ઇફેક્ટને કંટ્રોલ કરી શકીયે છીએ. જેમ કે મેડિટેશન, પૂરતી ઊંઘ, મનગમતી એકટીવિટી કે ફ્રેંડ્સ સાથેનાં ગપાટ્ટા પણ હેપી હોર્મોન્સને રિલીઝ કરવા માટે પૂરતાં છે. નાના નાના ગોલ અચીવ કરવા કે સામાજિક રીતે એકટીવ રહેવાથી બ્રેઇનમાંથી ડોપામાઇન રિલીઝ થાય છે. કોઈને મદદ કરવી, પાળતું જાનવર સાથે સમય પસાર કરવો વગેરે બાબતોથી ઓક્સિટોનીન નામનું કેમિકલ રિલીઝ થાય છે, જે સ્વસ્થ માટે ખૂબ અગત્યનાં છે.

ગમે તેવું હેકટીક શિડ્યુલ હોય, બ્રેક લેવો જરૂરી હોય છે. વીકમાં એકાદ દિવસ લેઝી ડે તરીકે ઉજવી લેવો જોઈએ. હજારો કામ પડતા મૂકીને પણ સારુ મૂવી જોઈ લેવાથી કે મનગમતું મ્યુઝિક સાંભળી લેવાથી પણ નેચરલ પેઈનકીલર એન્ડોફીન મગજમાં પ્રસરી જાય છે. એકાદ સાચવવા જેવી મૂડી કયાંય જણાય તો એક નકામો વ્યક્તિ સાચવી લેવો, જે આપણો બકવાસ સાંભળી શકે. બસ, એક વાર મન હલકું થઇ જાય પછી કોઈ રોગ મનમાં પ્રવેશવા લાયક રહેતો નથી. આ દિવાળીએ ઘરની સફાઈ કરતાં પહેલા મનનાં નકામા આવરણો દૂર કરી હલકા થઈએ. મનનાં એ દીવડાનો પ્રકાશ જીંદગીને કાયમી પ્રજ્જવલિત રાખશે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)