સ્વતંત્રતા અને સ્વચ્છંદતા આ બંને શબ્દોમાં જમીન આસમાનનો ફરક છે. સ્વતંત્ર થવું એક અલગ બાબત છે. અને સ્વચ્છંદ થવુ એ પણ એક અલગ બાબત છે. આ વાત અહીં એટલે યાદ આવી રહી છે કારણ કે આજની યુવતી સ્વતંત્ર નહી પરંતુ સ્વચ્છંદ થઇ રહી છે. મોડે સુધી બહાર રહેવું, કરીઅર-કૉન્શિયસ થઈ જવું, સંબંધો તોડી નાખવાની હિંમત કરવી અને જો કોઇ મુશ્કેલીનો કોઇ જ રસ્તો ન નીકળે તો વ્યસનતરફી થઇ જવુ. તમને આગળ વધુ ભણવા માટે, જોબ કરવા માટે પરવાનગી મળે છે, તમને સ્વતંત્રતા મળે છે એનો મતલબ એ નથી કે તમે એ વાતનો દુરુપયોગ કરો. તમારા પેરેન્ટ્સ તમારા પર વિશ્વાસ રાખીને તમને બહારગામ ભણવા માટે, જોબ કરવા માટે મોકલે છે પરંતુ એમને ઘરે શું ખબર કે એમની દીકરી ખોટા રવાડે ચડી ગઇ છે. આ વાત થોડી ખરાબ લાગશે પણ અત્યારે ધીરે ધીરે આ હકીકત બનતી જઇ રહી છે.જ્યારે મહિલાઓને બહાર કામ કરવાની કે આગળ ભણવાની પરવાનગી નહોતી મળતી ત્યારે એવુ કહેવાતુ કે મહિલાઓને આઝાદી નથી મળતી. પરંતુ જેવી તેમને પરમિશન આપવામાં આવી કે બધુ બદલાઇ જ ગયું. મહિલા પુરુષોની હરોળમાં દોડવા લાગી. અને એ બહુ સારી વાત પણ છે કે આજે મહિલાઓ પુરુષ સમોવડી છે. પરંતુ અત્યારે યુવતીઓને પરમિશન શું આપી દેવામાં આવી છે કે એક શૂન્યાવકાશ સર્જાઇ ગયો. આ વાત દરેક કિસ્સામાં કે દરેક યુવતીને લાગુ નથી પડતી. પણ અત્યારે મોટા ભાગે આવા કિસ્સાઓ જોવા મળે છે.
નારીગુલામી કે નારી પર અંકુશ રાખવાની વાત કરીએ તો એ આમ તો અઢારમી સદી સુધી જ સીમિત રહી છે. કારણ કે ત્યાર પછી તો જરૂરિયાત મુજબ અને સંજોગોને ધ્યાનમાં લઈને નારીઓને છૂટછાટ આપવામાં આવી જ છે. અને ઇંદિરા ગાંધી તેનુ સ્પષ્ટ ઉદાહરણ છે. નારી ત્યારે જ આઝાદ થઇ ગઇ હતી. પરંતુ હજુ પણ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં નારીને આજે પણ કોઇ આઝાદી નથી. આજે પણ દિકરી જેવી જન્મે તેવી તેને દૂધપીતી કરી દેવામાં આવે છે. પરંતુ શહેરોમાં તો આજે યુવતી બિન્દાસ્ત ફરી શકે છે. પ્રોફેશનલી કરીઅર બનાવી શકે છે, વ્યસનની તલબ લાગે તો એ પણ જાહેરમાં પૂરી કરી શકે છે. આ બધાને કારણે હવે તેને એવું લાગી રહ્યું છે કે હવે અમે હવે સંપૂર્ણ આઝાદ છીએ, પણ મારું માનવું છે કે આ બધામાં ક્યાંક થોડી સ્વચ્છંદતા પણ ભળી ગઈ છે. આ આઝાદી નથી.
આજે કેટલાક ઘરની યુવતી રાતે 10 વાગ્યા પછી બહાર નહી દેખાતી હોય તો કેટલાક ઘરની યુવતી રાતે એક વાગે પણ તમને બહાર ફરતી દેખાશે. મિત્રો સાથે રસ્તા પર ગ્રુપ બનાવીને ગપ્પા મારતી દેખાશે. આવી યુવતીઓને જોઇને કેટલાક લોકો વિચારતા હશે કે શું આ યુવતીઓને શું ઘરેથી તેમના માતા પિતા કાંઇ કહેતા નહી હોય. આવા ઘણા બધા સવાલ આપણા મનમાં આવે. પરંતુ આમા યુવતીઓના માતા-પિતાનો કોઇ જ દોષ નથી હોતો. અને યુવતીઓ એટલી સ્વચ્છંદ થઇ ગઇ હોય છે કે માતા-પિતાની વાતને તો આમ ઉડાડી દે છે. આજકાલની છોકરીઓ મન પડે ત્યારે જાગે છે અને જો એકલી રહેતી હોય તો ઘરમાં રસોઈ કરવાને બદલે બહારથી ફૂડ મગાવી લેશે. પણ આ કેટલા અંશે યોગ્ય છે?
લજ્જા, સંવેદના, મમતા આ બધા જ ગુણો એક સ્ત્રીના આભૂષણ છે. જ્યારે પણ આપણે કહીએ છીએ કે મારે આકાશ આંબવુ છે તો એ યાદ રાખો કે આકાશ પક્ષીઓનું પણ નથી. તેમને પણ પોતાના દાણા માટે જમીન પર આવુ જ પડે છે. છતાં પણ તેમની ઉડાન મુક્ત હોય છે. જ્યારે પિંજરામાં તે ઘૂંટાઇ જાય છે. એટલે જ દરેક સ્ત્રીએ કોઇપણ ધ્યેય કરતા પહેલા અને પછી ક્યારેય પોતાના સ્ત્રીત્વ અને સંવેદનાનો ભોગ ક્યારેય ન લેવો જોઇએ. રજનીશજીના શબ્દોમાં કહીએ તો માનવતાને જીવવા માટેની એકમાત્ર આશા સ્ત્રીની નરમાશ છે, સખતાઇ નહી.