દિવાળીમાં ત્યારે જ સાતેય કોઠે દિવા થશે…

દિવાળી એટલે સીતા અને ઉર્મિલાનાં જીવનનો હર્ષોત્સવ. કૌશલ્યારૂપી ધીરજનો પ્રાણોત્સવ. રામ, લક્ષ્મણ અને જાનકીના વનવાસ બાદ અયોધ્યા આગમનની ઉજવણી અને ઉલ્લાસનો ઉત્સવ. દશાનનરૂપી નકારાત્મકતા પર ત્યાગ, તપ અને ધર્મનો વિજ્યોત્સવ. રિદ્ધિ-સિદ્ધિ સહિત લક્ષ્મીજીના આગમનના વધામણાનો તહેવાર.

પરંતુ ક્યારેય એવું લાગે છે કે વર્તમાન સમયમાં બધી માન્યતાઓ, પરંપરાગત વ્યવસ્થા અને વ્યવહારની સાચવણી કરવા જતાં ઘણી વાર બધુ કષ્ટદાયક થતુ જાય છે? બધા જ લોકો અને રિવાજો આપણાથી નથી સચવાતા ક્યારેક…

ઘરની સફાઈ કરતાં ક્યારેક કમરના મણકાઓનો મિજાજ બદલાઈ જાય છે અને બાળકોના કપડાં અને માણસોના પગાર ચૂકવતાં જ બજારમાં મંદી અને દાઢીમાં ક્યારે સફેદી છવાય જાય છે એનો અંદાજ રહેતો નથી. ઝગમગાટમાં રહેવાના સપનાંઓ દિવસભરના થાક પર ભારે પડે છે અને ભીનાં ખૂણાવાળી આંખના ફ્રોઝન શમણાઓ ઊંઘ સામે રોજ જીતી જાય છે. ઓનલાઇન લીલા ટપકાંમાં અને ફોરવર્ડ કરેલા મેસેજમાં પ્રિયજનની હાજરી શોધતાં શોધતાં છેવટે ક્યાંય પહોંચાતું નથી.

તેલના દીવડાના તેજમાં અને ઘૂઘરાના સાચા ઘીમાં મંદીએ પોતાનો સ્વભાવ જાળવી રાખ્યો છે અને એટલે જ ડાલડા ઘી અને પ્લાસ્ટિકના ફૂલોના માર્કેટનો પ્રભાવ ક્યારેય ઝાંખો થતો નથી.

મધ્યમ વર્ગ પર ઘર ચલાવવાની ચિંતાનુ કદ, કાળીચૌદશના મેલીવિદ્યાના પ્રભાવ કરતાં વધુ હોય છે. મોંઘવારી, થાક અને ખર્ચાઓનો કકળાટ કોઈ ચાર ચોક વચ્ચે મૂકી શકતું નથી અને ઘરમાંથી કકળાટ તો નીકળી જાય છે, પણ મનનો કકળાટ નીકળવા માટે હજુ કોઈ રસ્તા શોધાયા નથી. હનુમાનજીના વડા દ્વારા ભૂખ અને શેઠિયાઓના ઉતરેલ કપડામાં ફેશન સંતોષતો મજૂર વર્ગ વર્ષમાં એક વાર જ પોતાના પગના છાંલાઓને ઢાંકવા સક્ષમ બની શકે છે.

પ્લાસ્ટિકના ફૂલો, મીણીયા દીવડા અને ચાઇનીઝ રોશનીમાં ભૂલા પડેલા લક્ષ્મીજી અંતે તો શોધતા હોય છે-સાફ આંગણે કરાયેલ તેલનો એક દીવો.

આલિશાનતા તો ધનતેરસે લક્ષ્મીપુજાથી મેળવી જ લેવાય છે, પરંતુ ધનકુબેર બનતા બનતા છૂટી જાય છે શાંતિ અને સંતોષ. કેમકે લક્ષ્મીજીના ફોટા સાથે સરસ્વતી અને ગણપતિનુ મહત્વ આપણે કદાચ સમજી શક્યા નથી. જયારે આપણે એ મહત્વને જાણશું ત્યારે જ જ્ઞાનગંગા સાથે આવનારી લક્ષ્મીજી દરેકના જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવી શકશે.

ખરા અર્થમાં દિવાળી એ મનની આંગણવાડીનો ઉત્સવ છે. મનના ભેદભાવને વાળીને ખડે ચોકે મુકતા જ શાંતિરૂપી લક્ષ્મીજી નવા વર્ષે વેણ વગાડતાં ઘરમાં પ્રવેશશે. સ્નેહીઓને મળવાનુ ટાળવા જયારે આપણે હિલસ્ટેશનની રિસોર્ટમાં ભરાવાનો પલાયનવાદ ત્યજશું ત્યારે જ પરાણે દેખાદેખીમાં થતાં સ્નેહમિલનના રિવાજો બંધ થશે. જયારે દેખાદેખીનુ સ્થાન સાદગી અને માથે પડેલા રિવાજોનું સ્થાન એકમેકની અનુકૂળતા લેશે ત્યારે જ જીવનના આનંદરૂપી સબરસની બોણી થશે અને સાતેય કોઠે દિવા પ્રગટશે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)