આરોગ્ય અને સુખ એકબીજાના પૂરક છે. નાનપણમાં વડીલો પાસેથી સાંભળેલું આ વાક્ય ‘પહેલું સુખ, તે જાતે નર્યા’, તમને યાદ જ હશે. ઘણા અંશે એ સાચુ છે, પરંતુ સમયની સાથે તેમાં પણ હવે પ્રો-વર્ઝન જરૂરી બન્યુ છે. માત્ર તમારી મેડિકલ હેલ્થ જ તમારી સુખાકારી માટે જવાબદાર ન હોઇ શકે. જો એવું જ હોત તો પબ, ક્લબ અને રાત ઉજાગરા કરાવતા ડિસ્કોથેક હંમેશ માટે બંધ થઇ ચૂક્યા હોત અને સ્વાસ્થ્ય કેન્દ્રો મંદિર બની ગયા હોત.
સમયના અનુસંધાને જયારે આપણે માત્ર બે ટંક ભોજન માટે જ નથી કમાતા એવી જ રીતે સુખના સાધનોમાં માત્ર તંદુરસ્તી જ પૂરતી નથી. પરંતુ સુખાકારીનો અદ્ભૂત મંત્ર ઘણા અલૌકિક શબ્દરૂપી તત્વોથી રચાયેલો છે. આપણે જે સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ તેના મૂળ આપણને આપણા અસ્તિત્વથી આપણા લક્ષ સુધીનું આકાશ આપવા સક્ષમ છે. તેથી જ આપણો વ્યક્તિગત અને સર્વાંગી વિકાસ એ સત-ચિત્ત-આનંદનું મૂળ સ્વરૂપ છે.
ઈમોશનલ ગ્રોથ – ભાવનાત્મક વિકાસ
ઊભરાતી લાગણીઓને કાબુમાં રાખવાની કળા એ ભાવનાત્મક વિકાસ છે. આપણને બાળપણથી જ ક્યારે શું રિએક્ટ કરવું, લોકો સાથે કેમ વર્તવું એ બધું શીખવવામાં આવે છે. બાળપણમાં આનંદ, ઉદાસી અને ભયને જ ઓળખતુ, ખીલખીલાટ હસતું બાળક યુવાનીમાં મંદમંદ હસતો જવાબદાર યુવાન બની જાય છે. તેના માટે હવે અકળામણ, શરમ, અભિમાન,સહાનુભૂતિ જેવી લાગણીઓ મહત્વની હોય છે અને અનુશાસક પ્રૌઢ પિતા ઘડપણમાં ફરી બિન્દાસ બાળક બનતા જાય છે. અહીં ઉંમર સાથે ભાવનાત્મક વિકાસનું મહત્વ સમજી શકાય છે. ભાવનાઓને કાબુમાં રાખવી એ માત્ર વ્યક્તિગત જીવનમાં જ નહીં, પરંતુ કોર્પોરેટ જગતમાં પણ હવે ખૂબ જરૂરી બની ગયું છે. કંપનીઓ દ્વારા ઈમોશનલ ક્વોશનન્ટનું મહત્વ વ્યક્તિના ઇન્ટેલીજન્ટ ક્વોશન્ટ જેટલું જ વધારે હોય છે, જેથી એ વ્યક્તિ કામના પ્રેશરમાં, અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપી શકે.
બૌદ્ધિક વિકાસ
કંઈપણ શીખવાની પ્રકિયા હંમેશા નિરંતર હોય છે. તમે ગમે તે ઉંમરે શીખી શકો છો. મનનો ‘કોગ્નિટીવ વિકાસ’એ સાયકોલોજીમાં ખુબ જ મહત્વ ધરાવે છે. શીખવું, વિચારવું, ઝડપી નિર્ણયો લેવા જેવી પ્રક્રિયાઓ મગજના ન્યુરોન્સને એક ઉર્જા આપે છે, જેનાથી તેઓ લાંબા સમય સુધી એકટીવ રહે છે. આપણા વિકાસનો આધાર એના પર હોય છે કે આપણે આપણો સમય કેવી રીતે પસાર કરીયે છીએ. બુક વાંચવી, ભાષાઓ શીખવી, સંગીત કે ગુંથણ જેવી કળાઓ શીખવી, કસરત કરવી વગેરે નાની પણ અસરકારક ટેવો તમારા ન્યુરોન્સનું આયુષ વધારી શકે છે. સાથે સાથે કંટાળો આવવો, બેચેની જેવી પરેશાનીથી છૂટી શકાય છે.
આધ્યાત્મિક વિકાસ
આધ્યાત્મિક વિકાસ માટે કોઈ સમુદાય કે જૂથ સાથે જોડાવું બિલકુલ જરૂરી નથી. તમારા અસ્તિત્વનો આધાર પ્રકૃતિ છે અને તેની સાથે કનેક્ટ થવા માટે તમે સ્વતંત્ર છો. પોતાના આંતરિક મન સાથેનું જોડાણ આ દુનિયામાં સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. કારણ કે એમને પામ્યા પછી કશું પામવાનું રહેતું નથી. પરંતુ આપણે જે પરિસ્થિતિમાં રહીએ છીએ ત્યાં વિક્ષેપો કે અડચણની તીવ્રતા એટલી ઝડપી બનતી જાય છે કે એક જગ્યાએ સ્થિર મન લગાવવું વધુ કઠિન બનતું જાય છે. ધ્યાન, મેડિટેશન, યોગા જેવી ક્રિયાઓથી કોન્સન્ટ્રેશન પાવર વધારી શકાય છે.
ફિઝિકલ ફિટનેસ
ફિઝિકલ ફિટનેસ એ માત્ર શરીર માટે જ નહીં, પણ મન માટે પણ ખૂબ જરૂરી છે. જયારે તમે વહેલા ઉઠો છો, ત્યારે તમે તમારી બોડીક્લોક અને આંતરિક ચક્રોનું નિયમન કરો છો. કસરત કે યોગા જેવી ક્રિયાઓ માટે મનની એકાગ્રતા ખૂબ જરૂરી હોય છે, સતત એમને તમારી દિનચર્યામાં ઉતારવામાં આવે તો તે અસામાન્ય પરિણામો લાવી શકે છે.એ જ એકાગ્રતા તમારા કાર્યો અને લક્ષ સિદ્ધિ માટે ઉર્જા પૂરી પાડે છે, તમારા હેપી હોર્મોન્સમાં વધારો કરે છે.
સોશિયલ ડેવલપમેન્ટ
સોશિયલ ડેવલપમેન્ટ એ એક કળા છે. સાદી ભાષામાં આપણે કહેતા હોઇએ છીએ કે આ ભણેલા કરતાં ગણેલા વધુ છે. એક કુશળ બિઝનેસમેન, હંમેશા જાણતા હોય છે કે તેણે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે જેથી તેને મહતમ વળતર મળી શકે. ઘણા એવા સ્માર્ટ લોકો હોય છે, જેઓ કોઈ સબંધમાં પોતાનો સમય અને રુચિ ઈન્વેસ્ટ કરતાં હોય છે. આ એક સોફ્ટસ્કીલ છે, જેનાથી તમે તમારી ઇમોશનલ મેચ્યોરિટી વધારી શકો છો. તેનો લાભ તમને ભવિષ્યમાં જરૂર મળે છે. જયારે લોકો તમારામાં રસ લેવાનું શરૂ કરે છે ત્યારે તમારી સફળતાની શરૂઆત થાય છે.
– અને એટલે જ આપણે તંદુરસ્ત તન નહીં, પણ તંદુરસ્ત જીવનની કામના કરતા હોઈએ છીએ.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)