અભિનંદન… સ્કેચિંગ, પેઈન્ટિંગની શોખીન અવનિ ચતુર્વેદી મિગ ફાઈટર વિમાન એકલી ઉડાડનાર ભારતની પહેલી મહિલા ફાઈટર પાઈલટ બની છે.
ફ્લાઈંગ ઓફિસર અવનિએ ઈતિહાસ સર્જ્યો છે. એણે જામનગરમાં હવાઈ દળના મથક ખાતેથી તાલીમી સત્ર વખતે એકલે હાથે લડાકુ વિમાન – (મિગ-21 બાઈસન) ઉડાડ્યું હતું અને એ સોલો સોર્ટી મિશન એણે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
આ સિદ્ધિ હાંસલ કરનાર અવનિ ભારતની પ્રથમ મહિલા ફાઈટલ પાઈલટ બની છે. એણે આ પરાક્રમ ગઈ 19 ફેબ્રુઆરીએ કરી બતાવ્યું હતું. એની એ અવકાશી સફર 30-મિનિટની હતી.
મહિલા પાઈલટ્સના પ્રથમ જૂથમાં ત્રણમાંની એક અવનિ છે. અન્ય બે પાઈલટ છે – ભાવના કાંત અને મોહના સિંહ.
આ ત્રણેય પાઈલટ્સને ભારતીય હવાઈ દળની ફાઈટર સ્ક્વોડ્રનમાં 2016ની 18 જૂને સામેલ કરવામાં આવી હતી.
ભારતીય હવાઈ દળ તથા દેશના ઈતિહાસમાં અવનિની સિદ્ધિ અનોખા પ્રકારની છે. મિગ ફાઈટર વિમાનની લેન્ડિંગ અને ટેક ઓફ્ફ સ્પીડ કલાકના 340 માઈલની રહેતી હોય છે.
આવી સિદ્ધિ માત્ર અમુક જ દેશોની મહિલા પાઈલટ્સે હાંસલ કરી છે. એ દેશો છે – બ્રિટન, અમેરિકા, ઈઝરાયલ અને પાકિસ્તાન.
મહિલાઓને લડાકુ વિમાન ઉડાડવાની તાલીમ આપવાનો નિર્ણય ભારત સરકારે 2015ના ઓક્ટોબરમાં લીધો હતો.
અવનિ આ સિદ્ધિ હાંસલ કરી શકી છે એની પાછળ એને કોઈકે કરેલી મજાક છે. એક વાર કોઈએ એને કહ્યું હતું કે આકાશ સ્ત્રીઓ માટે નહીં બન્યું, સ્ત્રીઓએ તો ઘર જ સંભાળવું જોઈએ. સગાંસંબંધીઓએ અવનિને સામાજિક બેડીઓમાં જકડી લેવાના પ્રયાસો કર્યા હતા, પણ અવનિએ કોઈનું સાંભળ્યું નહીં અને એ પોતાનાં સપનાંને સાકાર કરવા માટે નીકળી પડી અને એમાં સફળતા મેળવીને જ જંપી. અવનિની ઈચ્છા સદ્દગત કલ્પના ચાવલાની જેમ અવકાશયાત્રી બનવાની છે.
મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં 1993ની 27 ઓક્ટોબરે જન્મેલી અવનિનાં પિતા દિનકર ચતુર્વેદી મધ્ય પ્રદેશ સરકારના જલ સંસાધન વિભાગમાં એક્ઝિક્યૂટિવ એન્જિનીયર છે, માતા ગૃહિણી છે અને મોટો ભાઈ આર્મીમાં અધિકારી છે.
એને નાનપણથી જ આર્મીને લગતી બાબતોમાં દિલચસ્પી રહેતી હતી. એણે આ સેક્ટરની પ્રત્યેક ચીજોમાં ઝીણવટપૂર્વક જાણકારી મેળવી હતી. એને કોઈ જોખમનો ડર લાગતો નથી. એ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તત્પર રહેતી હોય છે.
જીવનમાં સંઘર્ષનો સામનો કરીને ફાઈટર વિમાન મિગ-21 બાઈસન ઉડાડીને અવનિ હવે દેશની લાખો છોકરીઓ અને સ્ત્રીઓ માટે એક આદર્શ બની ગઈ છે. એણે આ વિમાન ઉડાડીને આકાશમાં એણે એકલીએ સફર કરી એટલું જ નહીં, પણ હવે એણે દેશની લાખો છોકરીઓમાં પણ આ પ્રકારનું સપનું જોવાની આશા જગાડી છે.
અવનિ આમ તો સ્કેચિંગ અને પેઈન્ટિંગની શોખીન છે, પણ રશિયન બનાવટના મિગ વિમાનને ઉડાડીને એણે ઈતિહાસ સર્જ્યો છે.
ભારતીય હવાઈ દળનાં મહિલા પ્રવક્તા અને ફાઈટર પાઈલટ અનુપમ બેનરજીનું કહેવું છે કે અવનિની આ સિદ્ધિ એના પોતાને માટે તેમજ સમગ્ર હવાઈ દળ માટે યાદગાર બની રહેશે, કારણ કે તમામ ફાઈટર પાઈલટ્સ માટે એમનું પ્રથમ સોર્ટી કાયમ યાદ રહેતું હોય છે. એકલે હાથે ફાઈટર વિમાન ઉડાડતી વખતે જાણે આકાશમાં કોઈ પંખીની માફક ઉડતા હોઈએ એવું લાગે.