સેમી ક્લાસિકલથી માંડીને બોલીવુડ અને કશ્મીરી લોકનૃત્યથી માંડીને ગુજરાતી ગરબો એ બધું તમારે જો ત્રણ કલાકમાં એકસાથે જોવું હોય, જો ત્રણ વર્ષના ટેણિયા-ટેણકીથી માંડીને 80 વર્ષના યુવાન દાદા-દાદીઓને આ બધા નૃત્યો કરતાં એકસાથે જોવા હોય તો તૈયાર થઇ જજો.
હા, મુંબઇસ્થિત જાણીતા ગુજરાતી નૃત્યાંગના કાજલ થાનાવાલા એમની ડાન્સ એકેડમીની રજત જયંતિની ઉજવણી ઓનલાઇન કરવાના છે. આ ઉજવણીના ભાગરૂપે જ આગામી 26 ડીસેમ્બરના રોજ સોશિયલ મિડીયા પર એમનો આ ત્રણ કલાકનો ડાન્સ શો રજૂ થવા જઇ રહયો છે. કોઇ સંસ્થાની પચીસ વર્ષની ઉજવણી થાય, એમાંય જો એ નૃત્ય તાલીમની સંસ્થા હોય તો કોઇ મોટા ઓડિટોરિયમમાં એની ઉજવણી થાય, પણ કોરોનાના વર્તમાન સંજોગોને ધ્યાનમાં લઇને કાજલબહેન એમની નુપુર ડાન્સ એકેડમીના પચીસ વર્ષની ઉજવણી આવી અનોખી રીતે કરવાના છે.
ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કાજલબહેન કહે છે એમ, ત્રણ કલાકના આ શો માટે એમણે હમણાં મુબંઇમાં એક ગ્રાઉન્ડ ભાડે રાખીને જૂદા જૂદા ગ્રુપ્સના નૃત્યોનું શૂટ કરાવ્યું છે. અંદાજે 150 જેટલા કલાકારો આ શો માં ભાગ લેશે, જેમાં બાળકોથી માંડીને 80 વર્ષ સુધીના વડીલોનો પણ સમાવેશ થાય છે. આ શો માં એક લડકી કો દેખા તો ઐસા લગા પર કલાકારો નૃત્ય કરતા જોવા મળશે તો 75 વર્ષની વયની બહેનો હેલ્લારોના ઢોલની થપાટે ગરબા કરતી પણ જોવા મળશે. યુવાન કલાકારો બોલીવુડના જૂના ગીતો પર નાચશે તો વડીલો નવા ગીતો પર મન મૂકીને કૂદતા જોવા મળશે…
કોણ છે કાજલ થાનાવાલા?
મુંબઇમાં જ જન્મેલા-ઉછરેલાં કાજલબહેન માતા-પિતા હેમાંગિની અને ડો. જતીન દમાનિયાના પ્રોત્સાહનથી બાળપણથી જ નૃત્ય સાધના કરતા આવ્યા છે. પાંચ વર્ષની ઉંમરથી જ નાલંદાના દીપક અને પ્રકૃતિ મજુમદાર પાસેથી તાલીમ લઇને ભરતનાટ્યમ કર્યું. મીઠીબાઇ કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યા પછી પાર્લાની એમ.પી. શાહ કોલેજમાં થોડોક સમય નૃત્ય શિક્ષિકા તરીકે કામ કર્યુ. લગ્ન પછી પતિ રાજીવ થાનાવાલાની હૂંફ અને પ્રોત્સાહનથી 1995 થી પોતાની નુપુર ડાન્સ એકેડમી શરૂ કરી. આ એકેડમીમાં અત્યાર સુધી એ લગભગ દસેક હજાર વિદ્યાર્થીઓને તાલીમ આપી ચૂક્યા છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય નૃત્ય ઉપરાંત એ ભારતના લગભગ તમામ પ્રકારના ફોક ડાન્સ, વેસ્ટર્ન, હીપ-હોપ એમ તમામ પ્રકારના નૃત્ય એ શીખવાડે છે.
હેમા માલિની સાથે…
કાજલબહેન 1989 થી 1995 સુધી વિખ્યાત નૃત્યાંગના અને અભિનેત્રી હેમા માલિનીના ગૃપ સંસ્કૃતિ સાથે પણ જોડાયેલાં હતા. એમની પાસેથી ઘણું શીખ્યા. દેશ-વિદેશની નૃત્યકલાઓનું એક્સપોઝર તો મળ્યું જ, સાથે સાથે આ ગ્રુપમાં અનેક સ્થળે પરફોર્મ કરવાની ય તક મળી.
કોરોનાના સમયમાં ઝૂમ પર ઝૂમ્યા
આ વર્ષે કોરોના-લોકડાઉનના કારણે એપ્રિલ મહિનાથી કાજલબહેને ઓનલાઇન ડાન્સ શીખવવાનું શરૂ કર્યું. રોજની સાત-આઠ બેચમાં એ ડાન્સ શીખવે. આ રીતે સાતેક મહિનામાં એમણે અંદાજે 400 જેટલા સ્ટુડન્ટ્સને તાલીમ આપી છે, જેમાં પરદેશના લોકોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતી હોય એટલે ગરબા તો મિસ ન જ થાય એટલે નવરાત્રિમાં નવ દિવસ ટ્રેડિશનલ પોશાકમાં બધા ઝૂમ પર બરાબર ઝૂમ્યા.
એ કહે છે, ઓનલાઇન તાલીમમાં પડકારો બહુ હતા, પણ મજા ય એટલી જ આવી. ઓનલાઇનમાં તો સામે શીખનાર વ્યક્તિ આપણી મિરર ઇમેજ જોતા હોઇએ એટલે હું ડાબે હાથ વાળું તો એને જમણે દેખાય. સમજતા અને શીખતાં વાર લાગે, પણ જો કે એમાંથી ય અમને ઘણું શીખવા મળ્યું.
કાજલબહેને અગાઉ આમ તો વિદેશી ફોક ડાન્સ પર કામ કર્યું છે, પણ પોતાની એકેડમીના પચીસ વર્ષ પછી હવે એમની ઇચ્છા છે કે આ દિશામાં વધારે કામ કરવું અને વધારે ન વધારે દેશના લોકનૃત્યો શીખવા અને શીખવવા. આમ પણ, ગુજરાતી હોય એટલે એ ગ્લોબલ ન વિચારે તો જ નવાઇ!
કાજલબહેનના ઓનલાઇન નૃત્યોત્સવની ઝલક જોવા ક્લીક કરોઃ