દુલ્હનને સુંદર અને ખાસ બનાવવા માટે જેટલો પાનેતર અને મેકઅપ મહત્વનો ભાગ ભજવે છે એ રીતે આભૂષણો પણ લૂકમાં ચાર ચાંદ લગાવી દે છે. માત્ર મેકઅપ કરી લેશો તો તમે સારા દેખાવા લાગશો એવું જરૂરી નથી. અલગ અલગ પ્રકારની જ્વેલરી પણ તમારી સુંદરતામાં વધારો કરે છે. નેકલેસ, માંગ ટીકો, ઇયરિંગ્સ, પાયલની સાથે સાથે હવે દુલ્હન નથને પણ એટલું મહત્વ આપી રહી છે.જો તમે નથ ન પહેરો તો એક સમયે જાણે ચહેરા પર કાંઇક ખૂટે છે એવું લાગશે. એક માત્ર નથ પહેરવાથી સમગ્ર લૂકમાં બદલાવ આવી જાય છે. હાલ તમે બજારમાં સ્પેશિયલ દુલ્હન માટે નથ લેવા જશો તો અનેક પ્રકારની નથ તમને મળશે. નથનો કદ, આકાર તેમજ નથ સાથે બાંધવાની દોરી કે મોતીની સેર પણ હવે અલગ અલગ ડીઝાઇનમાં મળે છે. પરંતુ આ તમામથી હટકે સોનાની નથ પહેરવાનો રીવાજ તો પ્રચલિત છે જ. હજુ પણ ઘણા બધા સમાજમાં સોનાની મોટી નથ પહેરવામાં આવે છે.
આજના ફેશનના જમાનામાં મહિલાઓ માત્ર પ્રસંગમાં જ નથ પહેરવાનું પસંદ કરે છે. રોજબરોજના જીવનમાં તો સોનાની નાની ચૂંક આવે છે એ જ મહિલાઓ વધુ પહેરે છે. અને એમાં પણ ખાસ કરીને એવી યુવતીઓ જેના હજુ સુધી લગ્ન નથી થયા તેવી યુવતીઓ ચૂંક પહેરવાનું જ વધુ પસંદ કરે છે. નાકની ચૂંક સોનાની, ચાંદીની, તથા ઇમીટેશનની જોવા મળે છે. અને ખાસ કરીને અમેરિકન ડાયમંડ ચમકતો હોવાથી તેની ચૂંક ખૂબ સરસ લાગે છે. રિંગ ટાઇપની સોના કે ચાંદીની ચૂંક નાની મોટી બધી છોકરીઓને પહેરવી ગમે છે. એટલે આમ જોવા જઇએ તો નથ કરતા ચૂંક વધારે પ્રખ્યાત છે.નથ પહેરવાનું ચલણ રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી ચાલતુ આવે છે. અને હવે ગુજરાતમાં પણ યુવતીઓ પોતાના લગ્ન સમયે દુલ્હનનો સાજ શણગાર સજે છે ત્યારે ખાસ નથ પહેરે છે. ઓવરસાઇઝ્ડ, મલ્ટિપલ ચેઇનવાળી, સ્ટોન્ડ, રાજસ્થાની નથ એવી છે જે દરેક દુલ્હનને સારી લાગે. અને દુલ્હનના ગેટ અપમાં સ્ટાઇલ પણ સાચવી રાખશે. જો તમારા લહેંગામાં લાઇટ વર્ક છે તો તમે કુંદન નથને તમારા બ્રાઇડલ લુકમાં પહેરી શકો છો. જે તમારો લુક કમ્પલીટ કરી દેશે. જો કે એવુ જરૂરી નથી કે તમે નથ કુંદનની પહેરી છે તો બાકી જ્વેલરી પણ તમારે કુંદનની જ પહેરવી. તમે બીજી કોઇ જ્વેલરી પહેરીને પણ કુંદનની નથ પહેરી શકો છો. ડાયમંડવાળી નથ પણ અત્યારે ખૂબ પોપ્યુલર છે જેને દરેક દુલ્હન પહેલી નજરે જ પસંદ કરી લે છે. આ સાથે જ મલ્ટિપલ ચેઇનવાળી નથે પણ અત્યારે સારુ એવુ આકર્ષણ જમાવ્યુ છે. કારણ કે એ નથ દરેક પ્રકારના ચહેરા પર સારી લાગે છે. જો તમારે સિમ્પલ અને કમ્ફર્ટેબલ લુક જોતો હોય તો તમે આવી નથ પહેરો.
જો તમારે લગ્નમાં ઓવરસાઇઝ્ડ નથ પહેરવી હોય તો માંગટીકો, નેકલેસ અને બાકીની જ્વેલરી થોડી લાઇટ રાખો. કારણ કે ઓવરસાઇઝ્ડ નથથી જ એટલો ભરચક ચહેરો થઇ જશે કે પછી બધ ખૂબ હેવી લાગવા લાગશે. પરંતુ લગ્નની વાત છે ત્યાં સુધી તમે ઓવરસાઇઝ્ડ નથ ન પહેરો તો વધુ સારુ રહેશે. કારણ કે લગ્નમાં તમારે આખો દિવસ જ્વેલરી અને ભારે કપડા સાથે બેસવાનુ હોય છે અને એમાં પણ તમે જો આવી નથ પહેરી લીધી તો આખો દિવસ કાઢવો ખૂબ મુશ્કેલ પડી જાય છે. પર્લ ચેઇનની સાથે તમે પર્લ ડ્રોપલેટવાળી નથ પણ બ્રાઇડલ લુકમાં ઉમેરી શકો છો. જે તમારા દુલ્હનના રૂપને ખૂબ જ યુનિક અને રીચ લુક આપશે. પરંતુ આ નથની સાથે સાથે તમારી બાકીની જ્વેલરી છે એ હેવી જોઇએ. તમે તમારા લગ્નના આઉટફીટ સાથે અલગ-અલગ સ્ટોન્સવાળી અને કોન્ટ્રાસ્ટ નથ પણ મેચ કરી શકો છો.