ગુજરાત સાથેના ગાઢ સંબંધ પર ગર્વ છે બ્રિટનને…

હું ભારતની ઝડપી પ્રગતિથી સતત પ્રભાવિત થઈ રહી છું, જેમાં મેં અનુભવેલો ગુજરાતનો વિકાસ પણ સામેલ છે. પ્રગતિની આ ગતિ UK-ભારત ભાગીદારીમાં પણ પ્રતિબિંબિત થાય છે. આપણા સંબંધોએ અનેક મહત્ત્વનાં સીમાચિહ્નો પાર કર્યાં છે અને પાછલાં વર્ષો દરમિયાન એ એક Comprehensive Strategic Partnership (વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી)માં પરિવર્તિત થયાં છે. આજે UK-ભારત સહયોગ આર્થિક વૃદ્ધિને ટેકો આપે છે, જળવાયુ પરિવર્તનનો સામનો કરે છે, વૈજ્ઞાનિક નવીનતા અને ટેક્નોલૉજી સહયોગને પ્રોત્સાહન આપે છે અને બન્ને દેશો તથા લોકોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, બન્ને રાષ્ટ્રો વચ્ચેના વિશાળ અને સમકાલીન સાંસ્કૃતિક સંબંધો એક Living Bridge (જીવંત સેતુ) જેવા છે, જે લોકોને પરસ્પર જોડવાનું કામ કરે છે.

આપણા સહિયારા Living Bridge (જીવંત સેતુ)માં 17 લાખથી વધુ ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે, જે UKમાં જીવનનાં તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપે છે. એમાંથી લગભગ અડધા લોકોનાં મૂળિયાં તો ગુજરાત સાથે જોડાયેલાં છે. વિચારો, સંસ્થાઓ, આહાર, રમતગમત અને બીજું ઘણું બધું જોડતો આ અનોખો સેતુ UK અને ભારત વચ્ચે ઊંડી સમજણની અજોડ સમૃદ્ધિ લાવે છે. વ્યાપારી સંબંધો ખીલે છે, રમત-ગમતની મૈત્રીપૂર્ણ સ્પર્ધા ફૂલેફાલે છે, શૈક્ષણિક તકો વિસ્તરે છે અને પરિણામે આપણી બન્ને સંસ્કૃતિ સમૃદ્ધ બને છે.

‘ક્વીન્સ યુનિવર્સિટી’ ગુજરાતના ગિફ્ટ સિટીમાં શાખા શરૂ કરવાની છે

શિક્ષણ એ આપણા Living Bridge (જીવંત સેતુ)નો એક મુખ્ય આધારસ્તંભ છે, કારણ કે UKમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનાં સૌથી મોટાં જૂથોમાંથી એક ભારતીય વિદ્યાર્થીઓનો સમૂહ છે. આથી જ મને ખુશી થાય છે કે ક્વીન્સ યુનિવર્સિટી, બેલફાસ્ટે  ગુજરાતના ગિફ્ટ સિટી (GIFT City)માં કૅમ્પસ ખોલવાની યોજના જાહેર કરી છે. ક્વીન્સ યુનિવર્સિટી યુકેની અનેક યુનિવર્સિટીઓમાંની એક છે, જે ભારતમાં પોતાનું વિસ્તરણ કરવા માગે છે. UKનું ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટતા માટે પ્રખ્યાત છે અને આ પ્રગતિથી વધુ પ્રતિભાશાળી યુવા ભારતીય મનોને એનો અનુભવ કરવાની તક મળશે.

UKના વિકાસ અને સાંસ્કૃતિક વિવિધતામાં ગુજરાતીઓનું યોગદાન ઉલ્લેખનીય

ભારત સાથે મુક્ત વેપાર કરાર અને દ્વિપક્ષીય રોકાણ સંધિ તરફની તાજેતરની વાટાઘાટોના પુન: પ્રારંભ સાથે બન્ને રાષ્ટ્રોનો આર્થિક સહયોગ પણ વધુ વિકસવા માટે તૈયાર છે. UKનું સ્થાન સતત ભારતના ટોચના વેપારી ભાગીદારોમાં રહ્યું છે. બીજી તરફ, ભારત ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એવું એક રાષ્ટ્ર છે જે અનેક પ્રકારના બ્રિટિશ વ્યવસાયો માટે આકર્ષક રોકાણની તકો પૂરી પાડે છે. UK અને ભારત હાલમાં અનુક્રમે છઠ્ઠી અને પાંચમી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ છે, જેનો વેપાર સંબંધ આશરે 41 અબજ પાઉન્ડનો છે. UKમાં 950થી વધુ ભારતીય માલિકીની કંપનીઓ અને ભારતમાં 650થી વધુ બ્રિટિશ કંપનીઓ કાર્યરત છે, જે બન્ને અર્થવ્યવસ્થાઓમાં એકંદરે છ લાખથી વધુ લોકો માટે રોજગાર સર્જે છે.

ભારત-UKના વ્યાપારમાં ગુજરાતનો ફાળો અમૂલ્ય રહ્યો છે

ભારતની વૃદ્ધિ અને વિકાસની અપાર સંભાવના અનેક ક્ષેત્રોમાં ફેલાયેલી છે, જે એની ગતિશીલ અર્થવ્યવસ્થા, નવીન પ્રતિભા સંપત્તિ અને વ્યૂહાત્મક ભૌગોલિક સ્થિતિ દ્વારા સંચાલિત છે. UK આ સંભાવનાને ઓળખે છે અને ઉન્નત સહયોગની અનેક તકો જુએ છે, જે ભારતીયો અને બ્રિટિશ લોકો માટે ઉજ્જવળ, સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે.

ઉદાહરણ તરીકે, UK-India Technology Security Initiative-TSI (યુકે-ઈન્ડિયા ટેક્ધોલૉજી સિક્યોરિટી ઈનિશિયેટિવ) દ્વારા બન્ને દેશો પ્રાધાન્યતા ધરાવતાં ક્ષેત્રોમાં નિર્ણાયક અને ઊભરતી ટેક્નોલૉજીમાં લક્ષપૂર્વક સહયોગ કરી રહ્યા છે. TSIએ આ દાયકાની સટીક ટેક્નોલૉજી, જેવી કે ટેલિકૉમ, મહત્ત્વપૂર્ણ ખનિજો, AI, ક્વૉન્ટમ, હેલ્થ/બાયો ટેક, અતિ મહત્ત્વનાં ખનિજ અને સેમિકન્ડક્ટર્સ પર સહિયારી કામગીરીનો નવો અને સાહસિક અભિગમ નક્કી કર્યો છે.

ભારતની આ રસપ્રદ યાત્રાના આવા રોમાંચક સમયે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર બનવું એ એક વિશેષાધિકાર છે. મને દરરોજ યાદ આવે છે કે શા માટે ભારત 21મી સદીને આકાર આપશે. UK વિકસિત ભારતના એના વિઝનમાં ભારતને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. એથી જ વિશ્વમાં અમારું સૌથી મોટું વિદેશી નેટવર્ક અહીં ભારતમાં છે.

UK આ વિસ્તારમાંના એના મજબૂત સંબંધોને આ લેખ જેટલું જ મહત્ત્વ આપે છે. UK-ભારતના Living Bridge (જીવંત સેતુ)ની જેમ ચિત્રલેખા સામયિક પણ ગુજરાત અને કરોડો ગુજરાતીઓને બીજા કોઈ જોડી ન શકે એમ જોડે છે: માત્ર ભારતમાં જ નહીં, પણ UKમાં સ્થાયી થયેલા બિનનિવાસી ગુજરાતીઓને પણ.

(લિન્ડી કૅમેરોન

(લેખિકા ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર છે.)