પાંચ ઓફ્ફ-બીટ વીકએન્ડ સ્થળો…

મુંબઈથી બહુ દૂર જવું ન હોય, પણ સાથોસાથ મુુંબઈના ધમાલીયા જીવનથી સહેજ છટકવું હોય તો, થોડેક દૂર શાંતિ, સાહસ, કુદરતી સૌંદર્યનો અનુભવ કરાવે એવા આ પાંચ સ્થળો છે. નોંધી લો…

1.

કામશેટ (મુંબઈ શહેરથી લગભગ 110 કિ.મી.ના અંતરે)

પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ જેવા એડવેન્ચરના શોખીન માટે. કુદરતી સૌંદર્ય પણ અદ્દભુત છે. સદીઓ પુરાણી કાર્લા ગુફાઓ આવેલી છે. કામશેટમાં રેલવે સ્ટેશન છે. મુંબઈથી ટેક્સી અથવા ખાનગી કે એસ.ટી. બસ દ્વારા બે કલાકમાં કામશેટ પહોંચી શકાય. કામશેટ લોનાવલાથી માત્ર 16 કિ.મી. દૂર આવેલું છે.

2.

જવ્હાર (મુંબઈથી લગભગ 180 કિ.મી. દૂર)

સહ્યાદ્રી પર્વતમાળાની ગોદમાં આવેલું છે. પર્વતોની હારમાળા જોવાનો આનંદ માણવા જેવો છે. લીલીછમ હરિયાળી પણ ભરપૂર છે. વાર્લી આદિવાસી સંસ્કૃતિ અને કળા જોવા મળે છે. મુંબઈથી જવ્હાર જવા માટે બસ ઉપલબ્ધ સેવા છે. કેબ/ટેક્સી દ્વારા પણ કસારા-ખોડાલા થઈને જવ્હાર જઈ શકો. ટ્રેનમાં જવું હોય તો નાશિક સુધી (80 કિ.મી.) અથવા ઈગતપુરી (61 કિ.મી.) સુધી ટ્રેન જાય છે ત્યાંથી રોડ માર્ગે જવ્હાર બહુ નજીક છે.

3.

ઈગતપુરી (મુંબઈથી 120 કિ.મી. દૂર)

આજુબાજુ ખીણ આવેલી છે, જે જોઈને રોમાંચ જાગે. ધમ્માગિરી મેડિટેશન સેન્ટર માટે ખાસ જાણીતું છે. જૂનથી સપ્ટેંબર અને નવેમ્બરથી માર્ચ મહિનાઓ અહીંના પ્રવાસ માટે ઉત્તમ ગણાય. કેમલ વેલી, કલસુબાઈ શિખર, ટ્રિંગલવાડી કિલ્લો, આર્થર લેક, ભાત્સા રીવર વેલી, અમૃતેશ્વર મંદિર જોવા જેવા છે. મુંબઈથી ટ્રેન દ્વારા બે કલાક 40 મિનિટમાં પહોંચી શકાય. ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે, જેમ કે મહાનગરી એક્સપ્રેસ, ગીતાંજલી એક્સપ્રેસ, મુંબઈ સીએમએસટી-તપોવન એક્સપ્રેસ, લોકમાન્ય તિલક ટર્મિનસ-નાગપુર એક્સપ્રેસ. મુંબઈથી રોડ માર્ગે પણ ઈગતપુરી જઈ શકાય છે.

4.

દિવેઆગર, શ્રીવર્ધન અને હરિહરેશ્વર (મુંબઈથી 190 કિ.મી. દૂર)

આ ત્રણેય સ્થળ મહારાષ્ટ્રમાં રાયગડ જિલ્લામાં આવેલાં છે. હરિહરેશ્વરને દક્ષિણનું કાશી ગણવામાં આવે છે. ભગવાન શંકરના ભક્તો માટે જાણીતું તીર્થક્ષેત્ર છે. દિવેઆગર સ્વચ્છ દરિયાકિનારાઓ માટે જાણીતું છે. શ્રીવર્ધન પેશ્વાઓના કાળનું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. નિકટનું રેલવે સ્ટેશન (કોંકણ રેલવે) માનગાંવ છે. ત્યાંથી દિવેઆગર 40 કિ.મી. દૂર આવેલું છે. રોડ માર્ગે દિવેઆગર માટે બસ સેવા છે. દિવેઆગરથી રોડ માર્ગે અનુક્રમે 22 કિ.મી. અને 36 કિ.મી.ના અંતરે આવેલા શ્રીવર્ધન અને હરિહરેશ્વર પહોંચી શકાય છે.

5.

સાંધણ વેલી (મુંબઈથી 185 કિ.મી. દૂર)

આ સ્થળ વેલી ઓફ શેડોઝ તરીકે જાણીતું છે. સહ્યાદ્રી વેસ્ટર્ન ઘાટ વિસ્તારમાં આવેલું છે. ટ્રેકિંગ માટે પ્રસિદ્ધ. ચંદ્રના પ્રકાશમાં કેમ્પિંગ કરવાનો અનેરો આનંદ મળે છે. મુંબઈમાં મધ્ય રેલવે વિભાગમાં કસારા જતી તરફ જતી ટ્રેનમાં જવાય. મુંબઈથી લગભગ બે કલાક 35 મિનિટે કસારા પહોંચાય. ત્યાંથી કાર કે જીપ દ્વારા આગળ જવાય. કસારા અને સાંધણ વેલી વચ્ચે લગભગ 80 કિ.મી.નું અંતર છે. મતલબ કે લગભગ અઢી કલાક. ઈગતપુરીથી બસ કે કાર દ્વારા પણ સાંધણ વેલી જઈ શકાય.